Himachal No Pravas - 12 in Gujarati Travel stories by Dhaval Patel books and stories PDF | હિમાચલનો પ્રવાસ - 12

Featured Books
  • ડાન્સિંગ ઓન ધ ગ્રેવ - 2

    સ્વામી શ્રદ્ધાનંદની ખલીલી પરિવારમાં અવર જવરના સમયે ઇરાનની રા...

  • horror story

    હવે હું તમને એક નાની ભયાવહ વાર્તા સાંપડું છું:એક ગામમાં, રાત...

  • ઢીંગલી

    શિખા ને ઉનાળાનું વેકેશન પડ્યું હતું, તે હવે ચોથા ધોરણમાં આવવ...

  • હમસફર - 18

    વીર : ( શોકડ થઈ ને પીયુ ને જોવે છે) ઓય... શું મુસીબત છે ( એ...

  • ફરે તે ફરફરે - 12

    ફરે તે ફરફરે - ૧૨   એકતો ત્રણ ચાર હજાર ફુટ ઉપર ગાડી ગોળ...

Categories
Share

હિમાચલનો પ્રવાસ - 12

હિમાચલનો પ્રવાસ - 12 (જોગીની ધોધની ધારામાં)

તારીખ : 11, ડિસેમ્બર 2022

અગાઉના ખંડમાં અમે વન્ય પરિવેશની સુંદરતા માણતા માણતા જોગીની ધોધ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં સુંદર દેવદાર વૃક્ષનો સમૂહ આવ્યો હવે આગળ...

દેવદાર વૃક્ષના સમૂહની બહાર નીકળતા જ સામે ઉત્તુંગ શિખરો દ્રશ્યમાન થઈ રહ્યા હતા. શિખરો રંગે કાળા મીંઢ અને એની ટોચ ઉપર હરિયાળા વૃક્ષ લહેરાઈ રહ્યા હતા. આ શિખરનો દેખાવ મંદિરની ટોચ જેવો લાગી રહ્યો હતો. સૌથી ઉપર ત્રણ ઊંચા શિખર દેખાઈ રહ્યા હતા, એની નીચે બે નાના ટેકરા અને પછી ઢોળાવ શરૂ થાય અને આ શિખરોના પોલાણની મધ્યે થી નીકળતી ધવલ રંગે વહેતી જલધારા નજરે પડી રહી હતી. દૂરથી જેટલી જ નાનકડી હતી એટલીજ રમણીય લાગી રહી હતી. આ ઊંચા બે શિખરો વચ્ચેથી જે શ્વેત ધારા વહી રહી હતી એનેજ અહીં જોગીની ધોધ કહેવામાં આવે છે. અમે જેમ જેમ નજીક જઇ રહ્યા હતા તેમ તેંમ પાણીના પછડાટથી ઉતપન્ન થતો નાદ વધુ નજીક આવી રહ્યો હતો. હવે આંખોને જલ્દી થી આ બધું જોવાની તાલાવેલી હતી તો કદમો જોર કરી ત્યાં પહોંચવા માટે જોર આપવા લાગ્યા હતા.

છેવટે અમે જોગીની ધોધ પાસે પહોંચી ગયા છીએ. વશિષ્ઠ મંદિરથી લગભગ 3 કિલોમીટરના અંતરે આવેલ છે જેને કાપતા અમારે 45-50 મિનિટ જેટલો સમય લાગ્યો. અહીં રસ્તામાં એક પહાડી બેન મળ્યા તેઓના કહેવા અનુસાર અહીં થી થોડે ઉપર જાવ તો આજ ધોધનો ઉપરનો ભાગ પણ જોઈ શકાય છે. પરંતુ હવે ત્યાં જવાનો અમારો કોઈ ઈરાદો નથી, અહીં પહોંચીને સંતુષ્ટિ મળી ગઈ છે. ઊંચા સીધા ઉત્તુંગ પહાડ હવે સામેની તરફ ઊંચે દેખાય છે. જેના પરથી પાણીનું વહેણ નીચે પડીને ધોધમાં પરિવર્તિત થાય છે. જેનો પડવાનો, આમતો ગરજવાનો નાદ સંભળાઈ રહ્યો છે. અને ઝરણાંના વહેવાનો અવાજ ધોધના તલમય સંગીતમાં સાથ પુરાવે છે. ધોધ અહીં નાના મોટા પથ્થર વચ્ચે વહીને ફરી એક ઝરણામાં ફેરવાઇ વહેતા વહેતા પાછો એક નાનકડો ધોધ બનીને ઝરણાં રૂપે નીચેની તરફ વહી જાય છે અને કદાચ આગળ જઈને બિયાસ નદીમાં મળી જાય છે.

રસ્તામાં જ અમારું પાણી પૂરું થઈ ગયું હતું, જેથી અહીં ધોધના નિર્મળ અને શીતળ જળથી અમારી તરસ છીપાવી. અહીં થી સામેંનો નજારો પણ ખુબજ સુંદર જણાઇ રહ્યો છે. અહીં પ્રકૃતિના દરેક સ્વરૂપ એટલે કે પર્વત, વાદીઓ, ઝરણું, ધોધ અને જંગલ વગેરેનો સરવાળો જોઈ શકાય છે. અહીં ધોધથી નીચેના ભાગ એક નાનકડું મંદિર પણ આવેલું છે, જે ગ્રામ દેવી જોગીની દેવીનું છે. અહીં સ્થાનિક લોકો અહીં મુંડન અને અન્ય ધાર્મિક વિધિ કરવા માટે આવે છે.

જોગીની ધોધ અને એની આજુબાજુની પ્રકૃતિમાં થોડો સમય વિતાવ્યા બાદ અમે પરત વશિષ્ઠ ગામ તરફ જવા માટે નીકળ્યા. 35-40મિનિટ બાદ વશિષ્ઠ ગામમાં પહોંચ્યા અને નીચેની તરફ ચાલવા લાગ્યા. હરિશભાઈને ફોન કરી દીધો હતો તે ગાડી લઈને ઉપર આવવા નીકળી ગયા હતા. હવે અમે ગાડી લઈને સોલાંગવેલી તરફ જવા માટે નીકળ્યા. જે મનાલી થી લગભગ 12 કિલોમીટર દૂર આવેલ પર્યટકોનું મનગમતું સ્થળ છે.

સોલાંગ વેલી એક સુંદર ઘાટી છે જે મનાલી આવતા દરેક પ્રવાસીનું મનગમતું સ્થળ છે. અહીં બાજુમાં જ સોલાંગ ગામ આવેલ છે. અહીં વિવિધ પ્રકારની એડવેન્ચર એક્ટિવિટી થાય છે. અહીં તમે પેરાગલાઇડિંગ, ઝોરબિંગ, સ્કીઇંગ, રોપ-વે વગેરેની મજા માણી શકો છો. ઋતુ મુજબ એક્ટિવિટી બદલાતી હોય છે. અહીંનું મુખ્ય મહત્વ શિયાળામાં બરફવર્ષા પછીનું હોય છે. ચોતરફ બરફની ચાદર છવાયેલી હોય, એની ફરતે બર્ફીલા પહાડો નજરે પડતા હોય. બરફના ચાદર વાળા મેદાનમાં સહેલાણીઓ રંગબેરંગી સ્નોશૂટ પહેરીને બરફ માણતા નજરે ચડતા હોય છે. જો અહીં બરફ હોય તો અહીં પહોંચતા પહેલા રસ્તામાં સ્નોશૂટ અને બુટ ભાડે લેવા પડે છે, જેથી બરફમાં રમવામાં સરળતા રહે. આવી સુંદર અને ઠંડી આબોહવામાં અહીં ગરમાગરમ મેગી અને ચાની ચૂસકીઓ માણવાનો આનંદ અનેરો છે. હું છેલ્લે ફેબ્રુઆરી 2020 માં આવેલો ત્યારે ઉપરના વર્ણન મુજબનો માહોલ હતો. આ વખતે હજુ પૂરતી બરફવર્ષા થઈ ન હોવાથી ફક્ત ઘાસ નજરે પડતું હતું. ગઈ વખતના મહોલની સરખામણી એ અત્યારનો માહોલ જોઈ થોડું ગમગીન થઈ જવાયું. બધું ફિક્કું ફિક્કું લાગતું હતું. હિમાલય રાજને પ્રાર્થના કરી કે જલ્દી થી બરફવર્ષા લઈ આવે અને અહીંની સુંદરતાને ફરી ધવલ ચાદરથી મઢી આપે.

અહીં થોડો સમય બેઠા અને ગરમ ગરમ ચાની ચૂસકીઓ માણીને અંજની મહાદેવના દર્શન કરવા માટે પગદંડી પર પગલાં માંડ્યા.

વધુ વાતો...અને અંજની મહાદેવ ટ્રેકની વાતો આવતા અંકમાં.
ક્રમશઃ

©-ધવલ પટેલ
વોટ્સએપ - 9726516505
આવીજ અવનવી ફેસબુક પોસ્ટ માટે તમે મારી વોટ્સએપ ચેનલ ફોલો કરી શકો છો. જેની લિંક કોમેન્ટમાં આપેલ છે.

#હિમાચાલયાત્રા
#હિમાચલનો_પ્રવાસ
#મનાલી
#ધવલપટેલ_હિંદુસ્તાની
#manali
#manalidiaries
#solangvalley
#joginifalls
#solangvalleymanali