પ્રેમનું પુનર્જીવન "યાર રજત,જીંદગીમાં બહુ મોટી ભૂલ કરી છે મેં.શરાબના રવાડે ચડીને સાવ નાહકના મેં મયુરીને છુટાછેડા આપી દીધા." ગમગીન ચહેરે શ્રીકાર પોતાના મિત્ર રજત આગળ પસ્તાવો વહાવી રહ્યો હતો.
"તારી એકલાની ભૂલ નથી શ્રીકાર.મયુરીભાભીનો જીદ્દી સ્વાભાવ પણ એમાં નિમિત્ત બન્યો છે.ખેર,હવે પસ્તાવો કર્યે શું વળવાનું છે.જે થવાનું હતું તે થઈ ગયું શ્રીકાર.મયુરીભાભી થોડાં હવે પાછાં આવવાનાં છે? હવે તો કોઈ સારું પાત્ર શોધીને પરણી જા શ્રીકાર."- રજત સમજાવટની ભાષામાં શ્રીકારને કહી રહ્યો હતો.
. "ના દોસ્ત!આ હ્રદય મયુરીને ભૂલવા તૈયાર જ નથી.એમાંય શરાબ છોડ્યા પછી તો દીકરી તિથિની સાથે મયુરીની પણ બહુ જ યાદ આવે છે.ભલે શરાબના નશામાં મેં મયુરીને લાફો માર્યો,પણ એ મારી ભૂલ તો કહેવાય ને રજત!" - શ્રીકાર ભીની આંખે બોલ્યો.
"તારી ભૂલ નહોતી એ હું ક્યાં કહું છું શ્રીકાર? છતાંય માત્ર એક લાફાને લીધે પત્ની રીસાઈને પિયર ચાલી જાય અને સીધા છુટાછેડાની માંગણી કરે એ કેટલું વ્યાજબી ગણાય શ્રીકાર?મયુરીભાભીએ એ વખતે સગાં સંબંધીઓની મધ્યસ્થી દ્વારા વાતનો નિવેડો લાવવાની જરૂર હતી.એવું કર્યું હોત તો સગાં વહાલાં તને ઠેસ ઠપકો આપીને છોડી દેત.હવે અફસોસ કરવો રહેવા દે શ્રીકાર.અફસોસ કરીને હવે શું વળવાનું છે?"- રજત શ્રીકારને સાંત્વના આપતાં બોલ્યો.
"તને ખબર છે ને મિત્ર કે આજે તિથિનો જન્મ દિવસ છે? મને તિથિની ખુબ યાદ આવી રહી છે.આજે એણે સાત વર્ષ પૂરાં કર્યાં. શું કરતી હશે મારી દીકરી અત્યારે? ચાલ રજત! આપણે હોટલમાંથી કેક લાવીને તિથિનો જન્મ દિવસ ઉજવીએ." કંપની આયોજિત એક દિવસના સાપુતારાના પ્રવાસમાં આવેલ શ્રીકાર રજતનો હાથ ખેંચતાં બોલ્યો.
શ્રીકાર અને રજત છેલ્લા નવ વર્ષથી એક જ કંપનીમાં સાથે ફરજ બજાવી રહ્યા છે.આમ તો રજત એ કંપનીમાં એના ત્રણ વર્ષ પહેલાં જોડાયેલો.શ્રીકાર અભ્યાસ પૂરો કરીને એ કંપનીમાં નવો નવો જોડાયેલો.નોકરીના પહેલા જ દિવસથી પોતાના હાથ નીચે તૈયાર થયેલ શ્રીકાર માટે રજતે ક્યારેય એવું ના વિચાર્યું કે,'હું શ્રીકારનો બોસ છું.'- એણે શ્રીકાર સાથે મિત્ર જેવું જ વર્તન દાખવ્યું.અને એટલે જ તો બન્ને સગા ભાઈ જેવા મિત્રો બનીને ઉભા રહ્યા.અત્યારે સાપુતારા શ્રીકાર એકલો જ આવેલ છે.લગ્ન જીવનના પુરા આઠ વર્ષ પછી તે બાપ બનવાનો હોવાથી તેની પત્ની રીમા અત્યારે સુવાવડ ખાવા તેના પિયર ગયેલી છે.
બન્ને મિત્રો તેમના રૂમમાંથી નિકળીને હોટલના કાઉન્ટર પર ગયા.મેનેજરે જ્યાં કેક મળતી હતી તે હોટલનું સરનામું આપ્યું. એ હોટલ સાવ નજીકમાં જ હતી.શ્રીકાર અને રજત એ હોટલના કાઉન્ટરે પહોંચ્યા ત્યાં જ બાળકોનો અવાજ કાને અથડાયો,'હેપ્પી બર્થડે ટુ યુ... હેપ્પી બર્થડે તિથિ!'
'તિથિ?કાઉન્ટર છોડીને દોડ્યો શ્રીકાર.હા,એ હોટલના હોલમાં તિથિનો જ જન્મદિવસ ઉજવાઈ રહ્યો હતો,પોતાની દીકરી જ તિથિ.
. તિથિ એની શાળાના પ્રવાસમાં સાપુતારા આવેલ હતી અને શાળાના શિક્ષકો દ્વારા એના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી હતી.
એકાદ મિનિટ તો શ્રીકાર જડ બનીને ઉભો રહ્યો પરંતુ એનાથી રહેવાયું નહી.એણે દોડીને તિથિને બાથમાં લીધી અને ચૂમીઓ ભરીને નવડાવી દીધી.
તિથિ ઓળખી ગઈ શ્રીકાર ને."પાપા"- કહીને એ પણ શ્રીકારને વિંટળાઈ વળી.એ સાથે આ અજાણ્યા વ્યક્તિના આવા વર્તનથી અકળાઈ ઉઠેલા શિક્ષકોના જીવ હેઠા બેઠા.
શ્રીકાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.રજતે પાસે જઈને એને શાંત કરવાનો પ્રયત્ન કર્યો.પરિસ્થિતિનું ભાન થતાં શ્રીકાર થોડો શાંત તો થયો પરંતુ એનાથી અનાયાસે પુછાઈ ગયું,"બેટા! તારી મમ્મી તો મજામાં છે ને?"
સાત વર્ષની તિથિ પપ્પાના પ્રશ્નનો સીધો જવાબ તો ના આપી શકી પરંતુ એ બીજું જ પૂછી બેઠી,"પાપા તમે મમ્મીને ક્યારે મળવા આવશો?"
શું જવાબ આપે શ્રીકાર? એ તો પોતાની વહાલસોયી દીકરીને જોઈ જ રહ્યો.એણે થોડીવાર પછી તિથિના મોંમાં કેકનો ટૂકડો મૂક્યો.તિથિએ પણ એમાંથી અડધો ટૂકડો શ્રીકારના મોંમાં મૂકી દીધો.શ્રીકારથી ફરીથી ડૂસકું નંખાઈ ગયું.છેવટે રજત એને બાથમાં પકડીને ખેંચી ગયો.
શ્રીકાર અને મયુરી એકબીજાની પસંદગીથી લગ્નના બંધને બંધાયાં હતાં.આમ તો બન્નેનાં માબાપે પ્રથમ આ જોડીની શોધ કરી હતી ને એના પર શ્રીકાર અને મયુરીએ મંજૂરીની મહોર મારી હતી.
કેટલું સુંદર જોડું હતું બન્નેનું? બન્નેનાં માબાપ તો રાજીનાં રેડ થઈ ગયેલાં.સાસરે આવ્યા પછી મયુરી એનાં સાસુ સસરાની પણ ખુબ સારી સાર સંભાળ રાખતી હતી.
શ્રીકારને નોકરી મળ્યા પછી મયુરી એની સાથે શહેરમાં રહેવા આવી અને શ્રીકાર સાથે એ જ કંપનીમાં નોકરીમાં જોડાઈ.શ્રીકાર એકદમ સરળ સ્વભાવનો યુવાન જ્યારે મયુરીનો સ્વાભાવ થોડો જીદ્દી.ખાવાપીવાથી લઈને કોઈ પણ ચીજવસ્તુની ખરીદી,મયુરી એમાં પોતાનું જ ધાર્યું કરે.બન્ને વચ્ચે પ્રેમમાં તો કોઈ મણા નહિ પરંતુ શ્રીકારને મયુરીની જીદમાં સાવ અલગતાવાદ જ દેખાય.
બસ,આ એક જ કારણથી શ્રીકારનો સ્વાભાવ ધીમેધીમે ચીડીયો બની ગયો.પોતે સરળ સ્વભાવનો હોવાથી એ મયુરીને સમજાવી ના શક્યો.નટખટ મયુરીને પતિનું ચીડિયાપણું ખુંચવા લાગ્યું.એ શ્રીકારને સતત સલાહ સૂચનો કરવા લાગી.એ શ્રીકારને સતત ટકોરતી રહી.એક દિવસ કંપનીમાં જ મયુરીએ શ્રીકારને આકરા બે શબ્દો કહી દીધા.
શ્રીકારનું હ્રદય ઘવાયું.એણે મયુરીને કંઈ કહ્યું તો નહી પરંતુ એ સાવ હતાશ થઈ ગયો.આ જ અરસામાં મયુરી ગર્ભવતી બની.થોડા સમય પછી એ સુવાવડ માટે પિયરમાં ગઈ.એકલો પડેલ શ્રીકાર રાત્રે શરાબનું સેવન કરવા લાગ્યો.ખબરેય ના રહી અને એ શરાબનો પાક્કો બંધાણી બની ગયો.
મયુરી પહેલા ખોળાની દીકરી તિથિ એક વર્ષની થઈ ત્યારે શ્રીકાર પાસે રહેવા આવી.શ્રીકાર ખાનગીમાં શરાબનું સેવન કરતો હોવા છતાં એક જ મહિનામાં મયુરીને ખબર પડી ગઈ.
બસ,મયુરી અને શ્રીકાર વચ્ચેની ખાઈ પહોળી થઈ ગઈ. મયુરીએ રજત અને તેની પત્ની આગળ શરાબ સેવનની વાત કરી ત્યારે એ લોકોને પ્રથમવાર ખબર પડી.જોકે શ્રીકાર મિત્ર આગળ એના બચાવમાં કશું જ ના કહી શક્યો.
'હવે હું શરાબ નહીં પીવું'-કહેતો શ્રીકાર ખાનગીમાં શરાબ પી લેતો હતો.નોકરીએથી આવ્યા પછી કે રજાના દીવસે - શ્રીકાર તિથિ દીકરીની પુરેપુરી સારસંભાળ લેતો હતો.ઘણી વખત તે મયુરીને ઘરકામ પણ કરાવતો હતો પરંતુ ના મયુરી એનો જીદ્દી સ્વભાવ છોડી શકી કે ના શ્રીકાર શરાબ છોડી શક્યો.
પતિ પત્ની વચ્ચે ભેદરેખા દોરાઈ ચૂકી હોવા છતાંય તિથિ સાડા છ વર્ષની થઈ ત્યાં સુધી આ લગ્નજીવન અતૂટ રહ્યું.છ મહિના પહેલાં જ કંપનીમાં કોઈ ભૂલ થઈ ગઈ શ્રીકારના હાથે.શ્રીકારને મેનેજરનો ઠપકો મળ્યો.મયુરી તો કાળી મેંશ થઈ ગઈ.
ટેન્શનમાં આવેલા શ્રીકારે શરાબ પી લીધો. બીજી બાજુ ક્રોધાયમાન મયુરીએ શ્રીકારને ના કહેવાનું કહી દીધું. શ્રીકારે લાફો ચોડી દીધો મયુરીના ગાલ પર.સવારમાં મયુરી પિયર ચાલી ગઈ અને ત્યાં જઈને એણે અઠવાડિયા પછી છુટાછડાની માંગણી કરી.સાસુ સસરાની વિનંતી આગળ પણ એ ના ઝુકી.શ્રીકાર તો બચાવ માટેનું એક વાક્ય પણ ના ઉચ્ચારી શક્યો.જીદ્દી સ્વાભાવની મયુરીએ તિથિને પોતાની સાથે જ રાખવાનો હઠાગ્રહ કર્યો, એમાંય શ્રીકાર કશું જ ના કહી શક્યો.
છુટાછેડાના પંદર જ દિવસ પછી શ્રીકારનું શરાબનું વ્યસન મયુરી સાથેના હાર્દિક પ્રેમ સામે સામે હારી ગયું.એ દીકરી અને પત્નીના પ્રેમમાં અટવાયેલ જ રહ્યો.'મેં ખુબ મોટી ભૂલ કરી છે.' ના ભાર તળે ચગદાઈ ગયો શ્રીકાર.રજત એને છ છ મહિનાથી સાંત્વના આપી રહ્યો હતો.રજતની પત્ની પણ એને ફોન પર ઘણું સમજાવતી હતી પરંતુ આજે તિથિને જોયા પછી એ સાવ ગૂમસૂમ બની ગયો.
" મમ્મી! મને સાપુતારામાં પપ્પા મળ્યા હતા.તેઓ ખૂબ રડતા હતા.એમણે બર્થ ડેની ઉજવણીમાં ભાગ લીધો અને મને કેક ખવડાવી.તેઓ મને ચૂમીઓ ભરી ભરીને ખુબ રડ્યા.એ પુછતા હતા કે,તારી મમ્મી તો મજામાં છે ને?હેં મમ્મી! તેઓ આપણને ક્યારે લેવા આવશે?"- તિથિ તો મમ્મીને આવો જ સવાલ કરે ને! કારણ કે તિથિ જ્યારે જ્યારે પ્રશ્ન પુછતી કે,'આપણે પપ્પા પાસે ક્યારે જઈશું?' નો મયુરી એક જ જવાબ આપતી,'તારા પપ્પા લેવા આવે ત્યારે.'
'મયુરી દીકરીને જવાબ આપ્યા વગર વિચારોમાં ગરકાવ થઈ ગઈ.દીકરીના મોંઢેથી બોલાયેલ વાક્ય,'તારી મમ્મી તો મજામાં છે ને?' મયુરીના હ્રદય સોંસરવું ઉતરી ગયું. એનું જીદ્દીપણું તો છુટાછેડા પછી તરત જ ગાયબ થઈ ગયું હતું અને એટલે તો એ છ મહિનાથી સાવ ગૂમસૂમ બનીને રહેતી હતી.એના નિર્મળ બની ગયેલ મન સામે સાવ ભલોભોળો શ્રીકાર ખડો થઈને ઉભો રહેતો હતો.
લગ્ન જીવનમાં સાડા આઠ વર્ષમાં ક્યારેય ઉંચા અવાજે નહીં બોલનાર જીવનસાથીએ શરાબના નશામાં એક લાફો માર્યો એમાં હું છેટાછેડા સુધી પહોંચી ગઈ? આખો દિવસ પશ્ચાતાપમાં નાહ્યા પછી આખી રાત ગડમથલમાં પસાર કરી નાંખી મયુરીએ. સવારમાં નવ વાગ્યે "હું બપોર સુધી પરત આવું છું." મમ્મીને કહીને તિથિને લઈને પોતાની ગાડીમાં સવાર થઈને ઉપડી ગઈ મયુરી.
સાપુતારાથી એ સાંજે જ ઘેર પરત આવ્યા પછી આખો એક દિવસ વિચારોમાં ખોવાઈ ગયો શ્રીકાર.રાત્રે નવ વાગ્યે એણે ફોન પર રજતને કહ્યું,"મિત્ર! કાલે વહેલી સવારે મયુરીને મળવા જવું છે.એ ભલે મારું અપમાન કરે."
"તું એકલો નહીં, હું પણ તારી સાથે આવીશ દોસ્ત!"- કહીને રજતે શ્રીકારને મનાવી લીધો.
મયુરીનું ગામ દશેક કિલોમીટર દૂર હતું ત્યાં રસ્તામાં સામેથી આવેલી કાર શ્રીકારની કાર પાસેથી પસાર થયા પછી અચાનક ઉભી રહી. શ્રીકાર મયુરીની કારને ઓળખી ગયો.એણે પણ કારને થોભાવી દીધી.
મયુરીની કારમાંથી એકાદ મિનિટ પછી તિથિ નીચે ઉતરી.આ બાજુ શ્રીકાર અને રજત પણ નીચે ઉતરી ચુક્યા હતા. "ક્યાં જાઓ છો પાપા?"- કહીને તિથિ શ્રીકારને બાઝી પડી.
"બેટા! હું અને રજતકાકા તને અને તારી મમ્મીને મળવા આવી રહ્યા હતા."- કહીને શ્રીકારે તિથિને તેડી લીધી."મળવા આવતા હતા કે લેવા આવતા હતા પાપા ? તમને અમારી યાદ નથી આવતી?"- કહીને તિથિએ શ્રીકારના ગાલ પર ચુંટી ખણી લીધી
"બેટા! તારી મમ્મી કહે તો લેવા આવું ને!"- શ્રીકાર એટલું બોલી રહ્યો ત્યાં તો મયુરી દોડી આવીને શ્રીકાર પાસે આવીને ડૂસકાં ભરવા લાગી.
તો શ્રીકાર પણ ઘણા પ્રયત્નો કરવા છતાંય રડી પડ્યો. બિચ્ચારી તિથિ! એ તો વારાફરતી રડી રહેલ મમ્મી,પાપાને જોઈ લેતી હતી.આખરે રજતને મધ્યસ્થી બનવું પડ્યું.
"મને માફ કરો શ્રીકાર!" નો પ્રત્યુત્તર "ના મયુરી! મને માફ કર."- પ્રત્યુતર શ્રીકારે આપ્યો એ સાથે જ મયુરી શ્રીકારને વીંટળાઈ વળી.
. નજીકમાં જ ઉભેલા રજતે આંસુ સાથે દોડી જઈને તિથિને તેડી લીધી.એ જ વખતે રજતનો ફોન રણક્યો.
"આ મિલનના શુભ ચોઘડીયે હું બાપ બન્યો છું શ્રીકાર! તમે મારા દીકરાનાં કાકી બની ગયાં છો મયુરી ભાભી!"- કહેતાં કહેતાં રજતની આંખમાં ખુશીનાં આંસુ બેવડાઈ ગયાં.
એ જ વખતે મયુરી શ્રીકારથી છૂટી પડીને બોલી," રજતભાઈ! મને વિશ્વાસ જ હતો કે,રીમાભાભી દીકરાને જ જન્મ આપવાનાં છે.અમે અઠવાડિયામાં એકવાર તો ફોન પર વાત કરતાં જ હતાં.તમે જે શ્રીકારના સમાચાર રીમાભાભીને આપતા હતા તે રીમાભાભી મને કહેતાં હતાં.....
આશા છે આપ સૌને આ લેખન ગમ્યું હશે. જરૂરી સલાહ સૂચનો આપ કમેન્ટ કે Dm દ્વારા આપી શકો છો. ધન્યવાદ