Kanta the Cleaner - 26 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 26

Featured Books
Categories
Share

કાંતા ધ ક્લીનર - 26

26.

કાર ડોર બંધ થતાં જ દોડવા લાગી. આજે કાંતા પાછળ બેઠી હતી. પેલા પોલીસ અધિકારી જ ડ્રાઇવ કરી રહ્યા હતા અને ગીતાબા આગળ. વચ્ચે બુલેટ પ્રૂફ કાચનું પાર્ટીશન હતું.

'હું બધી રીતે સહકાર આપતી હતી તો ખોટી રીતે હાથકડી બતાવી ડરાવવાની શું જરૂર હતી?' તે વિચારી રહી. આ કાર કોઈ ગુંડાને લઈ જવા વપરાતી હોય એમ પાછળ સરખી સીટ પણ ન હતી. કાંતા સાચે જ પસ્તાઈ રહી હતી. તેની ભૂખ મરી ગઈ હતી પણ તેને ઉલટી થવાની હોય તેવા ઉબકાઓ આવતા હતા. ડરને કારણે અને આ સીટ પર જે ઉછાળાઓ આવતા હતા એને કારણે હશે. તે ટટ્ટાર થઈ અને મોં ખોલી ઊંડા શ્વાસ લેતાં તેણે કારની બહાર રસ્તો જોવામાં ધ્યાન પરોવ્યું.

પોલીસ સ્ટેશન આવતાં જ આજે પોતે ભાગવાની હોય તેમ એ બેય તેનો એકએક હાથ પકડી લઇ જવા લાગ્યાં. સ્ટેશનમાં ખૂબ કોલાહલ હતો. કોઇ જામીન માટે, કોઈ ફરિયાદી એમ લોકોથી ભરેલું હતું.

તેઓ એ જ રૂમ ખોલી અંદર ગયાં અને કાંતાને એ જ ચેર પર બેસાડી. અધિકારીએ કેમેરો ચાલુ કર્યો. રેકોર્ડિંગ પણ. ગીતાબાએ ઊઠી બારણું બંધ કરી કડી વાસી દીધી.

તેઓ હવે કાંતાનાં મોં ની એકદમ નજીક મોં લાવી કહી રહ્યાં. "માણસને એક વારમાં સાન ન આવે તો બીજી વાર હળવા ન રહેવાય. તને ફરીથી કેમ લાવવામાં આવી એ ખબર છે?"

કાંતા તેમની સામું જોઈ રહી.

"તેં ગઈ મુલાકાતમાં ખોટું નથી કહ્યું પણ ઘણું ઘણું છુપાવ્યું છે. એવી વિગતો, જેને આ અપમૃત્યુની કડી ગોતવામાં અગત્યની ગણાય. હવે બધું બોલી દેજે નહીં તો અમારી રીતે પોપટની જેમ બધું ઓકી નાખે એમ કઢાવશું. અને એ અત્યાચારો તારી કુમળી કાયા પર કરવા નથી માંગતી.

તો હવેજે પૂછીએ એનો સાચો જવાબ, અને અગ્રવાલનાં મૃત્યુ માટે જે યાદ હોય તે બધું."

ગીતાબા પોતાની બે કોણીઓ ટેબલ પર રાખી તેના પર દાઢી ટેકવી કાંતા સામે તાકી રહ્યાં.

અધિકારી આવીને કાંતાની નજીક ઉભા રહ્યા. હવે બાજી તેમણે હાથમાં લીધી. તેમનો અવાજ જ કડક હતો.

"તને ટીપ બહુ ગમતી કેમ? અને તું છૂટથી લેતી. "

"ગેસ્ટ લોકો ખુશ થઈને આપતા. મારું કામ એવું હતું."

"તારી ફરિયાદ થઈ છે. તારી ઉપરી મોના મેથ્યુ એ કરી છે કે તું ટીપની લાલચી હતી."

"સાચું એ છે કે તે પોતે લાલચી છે. અગ્રવાલ ફેમિલીનો સ્યુટ સાફ કરવા જાઉં ત્યારે એ કાં તો મારી સાથે આવે, કાં તો હું બધું પૂરું કરવા આવી હોઉં ત્યાં મેં કેવું કર્યું છે એ જોવાને બહાને. તેઓ જતાં હોય ત્યારે જ. જેથી ટીપ એ લઈ લે અને મને, કામ મેં કર્યું હોય તો પણ થોડો જ ભાગ આપે."

"સરિતા, મિસિસ અગ્રવાલ સાથે તારા સંબંધો કેવા હતા?" ફરી ગીતાબા પૂછી રહ્યાં.

"મેં આગલી પૂછપરછમાં કહ્યું જ છે કે તેઓ મને નાની બહેન કહેતાં એટલે હું તેમને દીદી."

"તો સાચું કહેજે, તેઓ જે પીલ્સ લેતાં હતાં એના વિશે તારે શું કહેવું છે?"

"પીલ્સ મને એમણે કહેલું તેમ પેઈન કિલર હતી. મેં કહ્યું જ છે કે અગ્રવાલ સર ઊંધા પડેલા ત્યારે તેમની આસપાસ વેરાયેલી પડેલી."

"તેં આપેલી, ખરું?" અધિકારી કાંતાની આંખમાં આંખ મિલાવી પૂછી રહ્યા.

કાંતાએ ના માં ડોક હલાવી.

"તો હવે તને કહું." અધિકારી એક એક શબ્દ છૂટો પાડી કહી રહ્યા. "અગ્રવાલની લાશની પ્રાથમિક તપાસ વખતે તેમનાં શરીરમાં જે રસાયણ મળ્યું એ ડોપામાઈન ને મળતી એક ખતરનાક દવા હતી અને.. એમાં બીજી સસ્તી નશાકારક ડ્રગ ભેળવેલી જે પ્રતિબંધિત છે. એ જ દવા પેલી બોટલ, એ પીલ્સમાં હતી. તેં ગોળીઓ ભરેલી એમ તું કહે છે. સરિતા અગ્રવાલ એ ક્યાંથી લાવતાં? તારી પાસે ક્યારેય મંગાવેલી?"

"તેઓ અવારનવાર એ લેતાં પણ મારી પાસે ક્યારેય મંગાવી નથી. ક્યાંથી આવતી એ પણ મને ખબર નથી."

"સરિતા તને વારંવાર મોટી રકમની ટીપ અને ભેટસોગાદો આપતી. સાચું?" અધિકારી કાંતા સામે તાકીને પૂછી રહ્યા.

"એમ તો ઘણા ગેસ્ટ મને ટીપ આપે છે. સરિતાજીને મારે પ્રત્યે કુણી લાગણી હતી એટલે વધુ મોટી ટીપ આપતાં."

"ટીપ સાથે બીજુ કાઈં? પૈસા સિવાય?"

"પૈસા સિવાય બીજું શું હોય એક ગેસ્ટ એક ક્લીનરને આપે એવું? બીજું કાંઈ નહીં."

"તું સમજે છે ને, સાચી વિગત છુપાવવી એને માટે પણ જૂઠું બોલ્યા જેવી જ સજા હોય?"

કાંતા મૌન રહી.

"એ..મ? નથી બોલવું? તો હવે અમે તને બતાવીએ. હમણાં કે પહેલાં મળી એ ગિફ્ટ. જો હવે." અધિકારી બોલી રહ્યા. ગીતાબાએ પોતાનું ખાનું ખોલ્યું અને.. પેલી ગોલ્ડન ટાઈમર બહાર કાઢી ટેબલ પર મૂકી.

ક્રમશ: