Bhagvat rahasaya - 138 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 138

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 138

ભાગવત રહસ્ય-૧૩૮

 

એક વખતે સવારના પહોરમાં ભરતજી કેડપૂર પાણીમાં ઉભા રહી સૂર્યને અંજલિ આપી રહ્યા હતા.તે સમયે એક ગર્ભવતી હરણી જલપાન કરવા આવી. તેવામાં એક સિંહે ગર્જના કરી. હરણી સિંહની બીકથી ગભરાણી.સામે કિનારે જવા તેને જોરથી કૂદકો માર્યો. પ્રસવકાળ નજીક હતો,એટલે પેટમાંથી હરણ બાળ બહાર આવ્યો. અને નદીના જળ માં પડ્યો. હરણી સામે કિનારે પડી મૃત્યુ પામી.

 

ભરતજીએ હરણબાળને નદી માં પડેલું જોયું. તેને બહાર કાઢવામાં ન આવે તો ડૂબી જાય તેમ હતું.

ભરતજીએ વિચાર્યું-હું ધ્યાનમાં હોત અને જગતનું ભાન ન હોત ત્યારે હરણબાળ ડૂબતો હોત તો જુદી વાત હતી પણ મારા દેખતાં હરણબાળ ડૂબે તો મને પાપ લાગે. એટલે ભરતજીએ હરણબાળને બહાર કાઢ્યું અને આશ્રમમાં લઈને આવ્યા.ભરતજી વિચારવા લાગ્યા-કે-આ હરણબાળનું કોઈ જ નથી.હું જ તેનો રક્ષક પિતા છું. મારે તેનું રક્ષણ કરવું જોઈએ.

 

જીવ માને છે-હું બીજાનું રક્ષણ કરું છું, પણ તે શું રક્ષણ કરવાનો હતો. જે પોતે પણ કાળનું ભોજન છે. જીવ માં જો રક્ષણ કરવાની શક્તિ હોત તો-કોઈના ઘેર મરણ થાય જ નહિ. રક્ષણ કરનાર એક જ શ્રી હરિ છે.

 

ભરતજી હરણબાળનું લાલન પાલન કરવા માંડ્યા. ધીરે ધીરે હરણબાળ મોટો થયો છે. હરણબાળને રમાડે અને ગોદમાં બેસાડે છે.હરણબાળમાં ભરતજીનું મન ફસાયું છે.દિન-પ્રતિદિન આસક્તિ વધતી ચાલી. ભરતજી નું મન હવે પ્રભુ ભજનમાં સ્થિર થતું નથી.ધ્યાનમાં બે મિનિટ થાય અને હરણબાળ દેખાય છે.

 

વાસનાનો વિષય બદલાણો પણ વાસના તો મનમાં રહી જ.

હરણબાળને ઘરમાં રાખવાનો વાંધો નહોતો, પણ તેને મનમાં રાખ્યો તે અયોગ્ય થયું.

મનમાં કાં તો કામ રહી શકે કે-કાં તો રામ.

“તુલસી દોનોં નવ રહે-રવિ રજની ઇક ઠામ.” (રવિ=સૂર્ય, રજની=ચંદ્ર)

 

ભરતજીના ભક્તિના નિયમો ધીરે ધીરે છુટવા લાગ્યા.ઘણીવાર અંતરમાંથી અવાજ આવે છે-આ સારું નથી.

પણ મન દલીલ કરે છે-“હરણની સેવા તો પરમાત્માની સેવા છે-હું તો પરોપકાર માટે આ કરું છું.”

સાધક જો અતિશય પરોપકારની ભાવના રાખવા જાય તો –તે સાધનામાં વિઘ્નરૂપ થાય છે.

બહુ જ પરોપકારમાં પડવું નહિ,બહુ જ પરોપકાર કરવા જતાં ઘણી વખત લક્ષ્ય ભુલાય છે.અને પતન થાય છે.

પરોપકાર એ સર્વનો ધર્મ જરૂર છે-પણ એવો પરોપકાર ન કરો કે જેથી –પરમાત્માનું વિસ્મરણ થાય.

 

સંસારમાં કપટ ન કરો-તેવી જ રીતે અતિશય સરળ પણ ન બનો.

પરમાત્માનું ધ્યાન કદાચ ન કરો તો ચાલશે-પણ સ્ત્રી-પુરુષ-સંસાર કે જડ વસ્તુનું ધ્યાન ન કરો.

જે મિત્ર નથી-તે શત્રુ બનતો નથી,પણ જે મિત્ર છે-તે જ એક વખત શત્રુ થાય છે. સંસારનો આ સામાન્ય નિયમ છે.ભરતજી નું પ્રારબ્ધ હરણબાળ બનીને આવેલું. પ્રારબ્ધ ભોગવ્યા વગર છુટકો નથી.

જ્ઞાનીના બે ભેદો છે.-જેણે ઉપાસના કરી જ્ઞાન મેળવ્યું છે-તે –કૃતોપાસ્તી જ્ઞાની-છે,

તેને માયા સતાવી શકતી નથી. પણ જેણે માત્ર પુસ્તકો વાંચીને જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે (અકૃતોપાસ્તી)-

તેનામાં “હું જ્ઞાની છું” તેવો અહમ રહે છે-તેને માયા વિઘ્ન કરે છે.

તત્વનું જ્ઞાન બંને ને છે-પણ તત્વ (આત્મા-પરમાત્મા)ના અનુભવ વાસના-નાશ વગર થતો નથી.વાસનાનો નાશ કર્યા વગર બ્રહ્મનિષ્ઠા થતી નથી-એ-ભરતચરિત્ર બતાવે છે.

 

ભરતજીને હજુ અપરોક્ષ સાક્ષાત્કાર થયો નથી-તે થયો હોત તો હરણબાળમાં મન કદી ફસાય નહિ.

ભરતજીનો અંતકાળ નજીક આવ્યો છે-આજે હરિનું નહિ પણ (હરિણી!!) હરણનું ચિંતન કરતાં શરીરનો ત્યાગ કર્યો છે.મરતી વેળા હરણના ચિંતનથી કાલંજર પર્વતમાં હરિણી થઇને જન્મ્યા છે.(પુનર્જન્મ થયો છે)

 

પૂર્વજન્મમાં કરેલું ભજન-તપ વ્યર્થ જતું નથી, નિષ્ફળ જતું નથી.હરણ શરીરમાં પણ તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે.

પશુ શરીરમાં પણ ‘હરયે નમઃ હરયે નમઃ’ નો જપ કરે છે.વિચારે છે-હું ગયા જન્મમાં મહાન જ્ઞાની અને યોગી હતો પણ માયાએ મને છેતર્યો, હરણબાળની વિષે મારા મન-બુદ્ધિથી બહુ ડહાપણ કર્યું અને ચાર પગ વાળો થયો. મારે હવે નવું પ્રારબ્ધ ઉભું કરવું નથી. હરણ શરીરમાં ભરતજી સાવધ છે.

 

બાકી સાવધ ન રહો તો -ઈશ્વરની માયા કંઈક વિચિત્ર છે.

એક રાજા હતો-તેને ખબર પડી કે-મર્યા પછી હું ડુક્કર થવાનો છું. તેણે છોકરાઓને કહ્યું –કે ડુક્કર શરીરમાં મારા કપાળ પર સફેદ ડાઘ હશે. તમને આવો ડુક્કર દેખાય તો મારી નાખજો-જેથી મારા ડુક્કર શરીરનો છુટકારો થાય.રાજા મરણ પામ્યો. છોકરાંઓને એવો કપાળ પર સફેદ ડાઘવાળો ડુક્કર મળ્યો એટલે તે મારી નાખવા આવ્યા છે.ડુક્કરે તેઓને મારી નાખવાની ના પડી.કહે છે-ડુક્કર શરીરમાં મને બહુ મજા છે, આ ડુક્કરી બહુ સુંદર છે.મને સુખ ભોગવવા દો. મને મારશો નહિ.

જીવ જ્યાં જાય ત્યાં સુખ સમજી ને મમતા કરે છે. અને ફસાય છે.