ભાગવત રહસ્ય-૧૩૪
પરીક્ષિત રાજા આરંભમાં પ્રશ્ન કરે છે-મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રત રાજાને લગ્ન કરવાની ઈચ્છા ન હતી તેમ છતાં તેમણે લગ્ન કેમ કર્યું ? ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં-તેમને કેવી રીતે શ્રીકૃષ્ણમાં દૃઢ ભક્તિ થઇ ?
શુકદેવજી કહે છે-ગૃહસ્થને ઘરમાં વિષમતા કરવી પડે છે.શત્રુ,મિત્ર,ચોર,શેઠ –સર્વમાં સમભાવ રાખવો અઘરો હોય છે.ગૃહસ્થ સર્વમાં સમભાવ રાખી શકતો નથી. (ભક્તિમાં –સર્વમાં સમભાવ રાખવાની શર્ત –પહેલી છે)
શ્રીકૃષ્ણ એક આદર્શ ગૃહસ્થાશ્રમી છે. તેમના જેવો ગૃહસ્થાશ્રમ હોવો જોઈએ.શ્રીકૃષ્ણને આંગણે એક વખત દુર્યોધન મદદ લેવા આવ્યો. અગાઉ તેણે શ્રીકૃષ્ણનું અપમાન કર્યું છે,છતાં નફ્ફટ થઇ આવ્યો છે.
શ્રીકૃષ્ણ એ વખતે સૂતેલા હતા, એટલે અક્કડમાં શ્રીકૃષ્ણ ના મસ્તક પાસે બેઠો. અર્જુન પણ તે જ વખતે મદદ માગવા આવ્યો.તે ભગવાનના ચરણ પાસે બેઠો. ભગવાન જાગ્યા,અર્જુન પર તેમની દૃષ્ટિ પહેલી પડી.તેમણે અર્જુનને કહ્યું-જે જોઈએ તે માગ.દુર્યોધન બોલ્યો-હું પહેલો આવ્યો છું,મારો પહેલો માગવાનો અધિકાર છે.
સાધારણ મનુષ્ય કરેલું અપમાન ભૂલશે નહિ. પણ આંગણે આવેલ દુર્યોધનને મદદ આપવા તૈયાર થયા છે.
શ્રી કૃષ્ણ કહે છે-હું બંનેને મદદ કરીશ. એક પક્ષમાં મારી નારાયણી સેના અને એક પક્ષમાં હું-અસ્ત્રશસ્ત્ર વગર રહીશ.દુર્યોધને વિચાર્યું-આ તો વાતો કરશે-મારે તેની જરૂર નથી-તેથી તેણે સેના માગી.
અર્જુને શ્રીકૃષ્ણને માગ્યા.દુર્યોધન અને અર્જુન,બંનેમાં સમભાવ રાખે છે-
તેથી શ્રીકૃષ્ણ ગૃહસ્થાશ્રમી નથી-પણ આદર્શ સન્યાસી છે.
પ્રિયવ્રત રાજાએ વિચાર્યું-કે ગૃહસ્થાશ્રમમાં ભક્તિ માં વિઘ્ન આવે છે-મારે આ વ્યવહાર છોડી દેવો છે. એકાંત માં બેસીને ઈશ્વરનું આરાધન કરીશ.ત્યાં બ્રહ્માજી આવ્યા છે-રાજાને કહે છે-પ્રારબ્ધ ભોગવ્યા વગર ચાલતું નથી. મને પણ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા નથી,પણ પ્રભુની આજ્ઞામાં રહીને પ્રારબ્ધ પૂરું કરું છું.જે જીતેન્દ્રિય છે-તે ઘરમાં રહીને પણ ઈશ્વરનું આરાધન કરી શકે છે. જે જીતેન્દ્રિય નથી તે વનમાં પણ પ્રમાદ કરે છે.આગળ કથા આવશે-કે ભરતજી -સ્ત્રી-પુત્ર વગેરેનો ત્યાગ કરી વનમાં ગયેલા-ત્યાં પણ સંસાર ઉભો કર્યો. જયારે પ્રહલાદ –દૈત્યોની વચ્ચે રહી-અનેક પ્રકારનું દુઃખ સહી,ઘરમાં જ ભક્તિ કરે છે.
ઘર છોડે એટલે જ ભગવાન મળે તેવું નથી.જેના મનમાં ઘર છે,સંસાર છે- એ જ્યાં જાય ત્યાં સંસાર ઉભો કરે છે. મનુષ્યના છ શત્રુઓ-વિકારો-ચોરો,એ જ્યાં જાય ત્યાં તેની પાછળ પડેલા છે.(કામ,ક્રોધ,લોભ.મોહ,મદ અને મત્સર) .જો આ શત્રુઓને વશ ન થઈને ઘરમાં રહે તો ઘર બાધક થતું નથી.ગૃહસ્થાશ્રમ એ કિલ્લો છે, અને આ કિલ્લામાં રહી –શત્રુ સામે લડવું એ ઘણી વખત શાણપણ ભર્યું છે. સુરક્ષાભર્યું છે.
બ્રહ્માજી રાજા પ્રિયવ્રત ને કહે છે-તમે લગ્ન કરો.લગ્ન કર્યા વગર તમારામાં રહેલી સૂક્ષ્મ વિકાર વાસનાનો નાશ થશે નહિ.થોડો વખત સંસાર સુખ ભોગવી –તે પછી પરમાત્માનું આરાધન તમે કરજો.બ્રહ્માજીની આજ્ઞાથી પ્રિયવ્રત રાજાએ લગ્ન કર્યું છે. અનેક બાળકો થયાં છે. એમના પછી આગ્નિધ્ર ગાદી પર આવ્યા છે.
આગ્નિધ્ર જયારે વનમાં તપ કરવા ગયા ત્યારે તેમના તપમાં પૂર્વચિત્તી અપ્સરા વિઘ્ન કરવા આવી.
ચિત્તમાં રહેલી પૂર્વ જન્મની વાસના એ જ પૂર્વચિત્તી છે. આગ્નિધ્ર રાજા પૂર્વીચિત્તીમાં ફસાયા છે.
આગ્નિધ્રને ઘેર થયા નાભિ. નાભિના ઘેર ઋષભદેવ –પુત્રરૂપે પ્રગટ થયા. ઋષભદેવ જ્ઞાનનો અવતાર હતા.
ઋષભ એટલે સર્વથી શ્રેષ્ઠ. જગત ને જ્ઞાની પરમહંસનો આદર્શ બતાવવા ભગવાને ઋષભદેવજી રૂપે જન્મ લીધો.ઋષભદેવજીએ ભરતજીને ગાદી ઉપર બેસાડી –ઘરનો તો ત્યાગ કર્યો પણ મનથી દેહનો પણ ત્યાગ કર્યો.“હું શરીર નથી-હું ચેતન આત્મા છું-દેહથી આત્મા ભિન્ન છે.“
ઋષભદેવજી વારંવાર ઉપદેશ કરે છે-માનવ જીવન ભોગ માટે નથી.તપ કરવા માટે છે.
જ્ઞાની પરમહંસોએ જગતમાં કેવી રીતે રહેવું જોઈએ-તે બતાવવા ઋષભદેવજીએ સર્વનો અને સર્વ સંગનો ત્યાગ કર્યો. અવધૂતવૃત્તિથી તે રહે છે.આશારહિત,વાસનારહિત અને બ્રહ્મનિષ્ઠ ને અવધૂતવૃત્તિ કહે છે.
ભોગવેલી વસ્તુઓની અપેક્ષા રાખવી-તેનું નામ આશા છે.
ભોગવેલી વસ્તુને પુનઃપુનઃ યાદ કરવી –તેનું નામ વાસના છે.
આનંદમય પરમાત્મામાં બુદ્ધિને સ્થિર કરે તે બ્રહ્મનિષ્ઠ છે.
ઋષભદેવજીને અનેક સિદ્ધિઓ મળી છે.પણ તેમાં તે ફસાયા નથી.
મુખમાં પથ્થર રાખે છે-બોલવાની ઈચ્છા થાય તો પણ બોલી શકે નહિ.અજગરવૃત્તિ રાખી છે-મળે તો ખાવું નહિતર નહિ. તેઓ નગ્ન રીતે ફરે છે. ઉભા ઉભા બળદની જેમ ભાજી આરોગે છે.
ઋષભદેવના મળમૂત્રમાંથી દુર્ગંધ નહિ –સુગંધ નીકળે છે. કોઈ મારે તો "મને-શરીરને માર પડે છે-હું શરીરથી જુદો છું.બ્રહ્મનિષ્ઠ છું." એમ જ વિચારે છે.