Bhagvat rahasaya - 128 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 128

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 128

ભાગવત રહસ્ય-૧૨૮

 

સમય આવ્યે-ધ્રુવજીનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો. ધ્રુવજ ને ગાદીએ બેસાડી ઉત્તાનપાદ રાજા વનમાં તપ કરવા ગયા છે.ભ્રમિ સાથે ધ્રુવજીનું લગ્ન થયું છે.

સુરુચિનો પુત્ર અને ધ્રુવજીના ભાઈ રાજકુમાર- ઉત્તમ -એક વખત જંગલમાં શિકાર કરવા ગયા છે-ત્યાં યક્ષો સાથે યુદ્ધ થયું-જેમાં તે માર્યો ગયો.સમાચાર સાંભળી ધ્રુવજી યક્ષો જોડે યુદ્ધ કરવા જાય છે-ભીષણ યુદ્ધ થયું છે-ધ્રુવ યક્ષોનો સંહાર કરવા લાગ્યા.

 

ત્યારે તેમના દાદા (ઉત્તાનપાદના પિતા) મનુ મહારાજ આવી ધ્રુવજીને ઉપદેશ કરે છે-આપણાથી મોટા પુરુષો પ્રતિ સહનશીલતા-નાના પ્રતિ દયા-સમાન વય સાથે મિત્રતા અને સમસ્ત જીવો સાથે સમવર્તાવ રાખવાથી-

શ્રી હરિ પ્રસન્ન થાય છે. (ભાગવત-૪-૧૧-૧૩-૧૪) બેટા યક્ષો-ગંધર્વો જોડે વેર કરવું યોગ્ય નથી. તું મધુવનમાં તપશ્ચર્યા કરવા ગયો હતો તે ભૂલી ગયો ? મનુ મહારાજના ઉપદેશથી ધ્રુવે સંહાર બંધ કર્યો.

 

વૃદ્ધાવસ્થામાં ધ્રુવજી ગંગા કિનારે આવ્યા છે.ગંગાજી મરણ સુધારે છે,ગંગાજી મુક્તિ આપે છે.ગંગાકિનારે ધ્રુવજીનો પ્રેમ એટલો વધ્યો છે-કે ભગવાનનો વિયોગ હવે સહન થતો નથી. ભગવાને પોતાના પાર્ષદોને આજ્ઞા કરી-મારા ધ્રુવ ને વૈકુંઠ માં લઇ આવો.પાર્ષદો વિમાન લઈને ધ્રુવજીને લેવા આવ્યા છે.

ધ્રુવજી વિમાન પાસે આવ્યા,મૃત્યુદેવ તેમની પાસે આવ્યા છે –મસ્તક નમાવ્યું છે-ધ્રુવજી મૃત્યુના મસ્તક પર એક પગ મૂકી-બીજો પગ વિમાનમાં મૂકે છે. સ્થૂળ અને સૂક્ષ્મ શરીર છોડી દીધું છે.તેમના પુણ્ય પ્રતાપે તેમના માતાજીને પણ લેવા બીજું વિમાન આવ્યું. ધ્રુવજીની સાથે સાથે તે પણ વૈકુંઠ લોક પામ્યા.

 

ભાગવત-સ્કંધ-૪ –અધ્યાય-૧૨-શ્લોક-૩૦ માં સ્પષ્ટ લખેલું છે-ધ્રુવજી મૃત્યુના શિર પર પગ રાખીને વિમાન પર ચડ્યા.કાળના યે કાળ પરમાત્મા સાથે જે પ્રેમ અતિશય પ્રેમ કરે છે-તે કાળને માથે પગ મૂકી ને જાય છે.

ભક્તિમાં એવી શક્તિ છે.ધ્રુવ-ચરિત્ર બતાવે છે-કે-

(૧) દૃઢ નિશ્ચયબળથી –ગમે તેટલું મહાન –મુશ્કેલ કાર્ય પણ સિદ્ધ થાય છે.

પણ તે નિશ્ચય-એવો હોવો જોઈએ કે-હું મારા દેહને પાડીશ અથવા કાર્યને સાધીશ.

(૨) બાલ્યાવસ્થાથી જ જે ભગવાન ને ભજે છે-તેને ભગવાન મળે છે.વૃદ્ધાવસ્થામાં ભગવાન ભજે –તેનો કદાચ આવતો જન્મ સુધરે.

(૩) બાલ્યાવસ્થામાં સુનીતિના જેમ બાળકમાં ધર્મ સંસ્કારોનું રોપણ કરો.નાનપણના સંસ્કાર કદી જતા નથી.

 

ધ્રુવચરિત્રની સમાપ્તિમાં મૈત્રેયજી વર્ણન કરે છે-નારાયણ સરોવરના કિનારે નારદજી તપ કરતા હતા –ત્યાં પ્રચેતાઓનું મિલન થયું છે. પ્રચેતાઓએ સત્ર કરેલું અને તે સત્રમાં નારદજીએ આ કથા સંભળાવેલી.

વિદુરજી પ્રશ્ન કરે છે-આ પ્રચેતાઓ કોણ હતા ?કોના પુત્ર હતા ? તેમનું સત્ર ક્યાં થયું હતું ?તેની કથા વિસ્તારથી કહો.

 

મૈત્રેયજી કહે છે-ધ્રુવજીના વંશમાં આ પ્રચેતાઓ થયેલા છે.

ધુવજીના વંશમાં-અંગરાજા થયો.તેનું લગ્ન –મૃત્યુદેવની પુત્રી સુનીથા જોડે થયું હતું.

સુનીથાને શાપ હતો કે તેનો પુત્ર દુરાચારી –અતિ હિંસક અને પાપી થશે.

અંગ અને સુનીથા ને ત્યાં -વેન –નામનો પુત્ર થયો.વેન –બાળકોની હિંસા કરે છે-બ્રાહ્મણોને ત્રાસ આપે છે.

અંગ રાજાને બહુ દુઃખ થયું છે.એક વખત તેમને ત્યાં સંત પધાર્યા અને તેમના ઉપદેશથી –રાજા ગંગા કિનારે ચાલ્યા ગયા.

 

વેનના રાજ્યમાં અધર્મ વધ્યો. તેથી-બ્રાહ્મણોએ વેનને શાપ આપી તેનો વિનાશ કર્યો. રાજા વગર –પ્રજા દુઃખી થતી હતી,એટલે વેનના શરીર નું મંથન કરવામાં આવ્યું. બાહુ (હાથ)નું મંથન વેદમંત્રો દ્વારા કરવામાં આવ્યું-

તેથી પૃથુ મહારાજ નું પ્રગટ્ય થયું. પૃથુ મહારાજ અર્ચન ભક્તિનું સ્વરૂપ છે.એટલે તેમની રાણી નું નામ અર્ચિ છે.પૃથુ મહારાજ આખો દિવસ પ્રભુની પૂજા કરે છે. પૃથુનું જીવન પરોપકાર માટે છે,રાજ્યમાં કોઈ દુઃખી ન થાય તેની કાળજી રાખે છે.

 

એક વખત રાજ્યમાં દુકાળ પડ્યો.અન્ન વગર પ્રજા દુઃખી છે.ધરતીમા અન્ન ગળી ગયાં છે. રાજા બાણ લઇ ધરતીને મારવા તૈયાર થાય છે. ધરતી મા પ્રગટ થયા અને તેમના કહેવા અનુસાર –પૃથુએ –પૃથ્વીમાં રહેલા અનેક પ્રકારના રસોનું યુક્તિથી દોહન કર્યું.એકવાર પૃથુરાજાએ સો અશ્વમેઘ યજ્ઞ કરવાનો સંકલ્પ કર્યો.

આ યજ્ઞમાં ઘોડાની પૂજા કરી-તેને છુટો મુકવામાં આવે છે.શરત એ હોય છે કે ઘોડો કોઈ પણ જગ્યાએ બંધાય નહિ,કે પકડાય નહિ.ઘોડો પકડાય તો યુદ્ધ કરી તેને છોડાવવાનો હોય છે.અને ઘોડો કોઈ જગ્યાએ ના બંધાય તો તેનું યજ્ઞમાં બલિદાન દેવામાં આવે.

 

અશ્વ એ વાસનાનું સ્વરૂપ છે-અને તે કોઈ વિષયમાં ન બંધાય--- તો આત્મસ્વરૂપમાં લીન થાય.વાસના કોઈ વિષયમાં બંધાય તો –વિવેકથી યુદ્ધ કરી તેને શુદ્ધ કરવાની છે.

ઇન્દ્ર કોઈના સો યજ્ઞ પુરા થવા દેતા નથી. તેમણે છેલ્લા યજ્ઞમાં બે ત્રણ વાર વિઘ્ન કર્યું. તેથી પૃથુ ઇન્દ્રને મારવા તૈયાર થયા છે.બ્રહ્માજી વચ્ચે પડે છે-તેથી દુરાગ્રહ રાખ્યા વગર –પૃથુ ઇન્દ્રની પૂજા કરે છે. આથી ભગવાન પ્રસન્ન થાય છે.

 

વૃદ્ધાવસ્થામાં સનતકુમારોના ઉપદેશથી –પૃથુરાજા ને વૈરાગ્ય આવ્યો,વનમાં તપશ્ચર્યા કરી સ્વર્ગમાં ગયા છે.

આ પૃથુ મહારાજના વંશમાં –પ્રાચીનર્બહિ રાજા થયો અને તેને ત્યાં દશ પ્રચેતાઓ થયા છે.

પ્રચેતાઓ નારાયણસરોવર આગળ તપ કરે છે-નારાયણ સરોવર આગળ કોટેશ્વર મહાદેવ છે. પ્રચેતાઓ માટે શિવજી ત્યાં પ્રગટ થયા છે. શિવજી પ્રચેતાઓને રુદ્રગીત નો ઉપદેશ કરે છે. પ્રચેતાઓએ શિવજીના કહેવા મુજબ-દસ હજાર વર્ષ જપ-તપ કર્યા છે.