Bhagvat rahasaya - 122 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 122

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 122

ભાગવત રહસ્ય-૧૨૨

 

રાજા ઉત્તાનપાદે –અણમાનીતી રાણી સુનીતિનો ત્યાગ કર્યો છે.

સુનીતિના પુત્ર-ધ્રુવજી ચાર-પાંચ વર્ષના થયા છે, એક દિવસ મા ને પૂછે છે-મારા પિતાજી ક્યાં છે ? મા નું હૃદય ભરાયું, આજ સુધી છુપાવ્યું –કે તારા પિતાજીએ મારો ત્યાગ કર્યો છે. પણ આજે કહી દે છે-કે-સામે જે રાજમહેલ છે-તેમાં તારા પિતા રહે છે. ધ્રુવ પિતાને મળવા દોડ્યા છે.

 

ઉત્તાનપાદ રાજા સોનાના સિંહાસન પર બેઠા છે, સુરુચિ શૃંગાર કરીને પાસે બેઠી છે, અને તેનો પુત્ર ઉત્તમ રાજાના ખોળામાં બેઠો છે.રાજા,ઉત્તમને ખોળામાં બેસાડી લાડ કરતા હતા.ધ્રુવે જઈ કહ્યું-પિતાજી મને પણ ખોળામાં લો.પ્રત્યેક –બાળકમાં- જ્યાં સુધી વિકાર-વાસના ના હોય ત્યાં સુધી એ લાલાજીનું સ્વરૂપ છે.

(ઘણાને પોતાના બાળકમાં જ લાલાજી દેખાય અને તેને લાડ કરે,પણ પડોસીનો છોકરો ઘરમાં આવે તો તે તેને ગમતું નથી,તેનામાં તેને લાલાજી દેખાતા નથી. રસ્તા પર ભીખ માગતા નાગા-પુંગા છોકરામાં તેને લાલાજી દેખાતા નથી. આ સાચું નથી-પ્રત્યેક બાળકમાં બાલકૃષ્ણની-લાલાજીની ભાવના થવી જોઈએ)

 

બાળકને રાજી કરો તો લાલાજી પણ રાજી થશે. બાળકોને રાજી રાખવા લાલાજી પણ માખણની ચોરી કરતા.

મોટા મોટા મહાત્માઓ બાળક સાથે રમતા હતા.બાળકને છેતરશો નહિ, તેનું અપમાન કરશો નહિ.

એક વખત રામદાસ સ્વામી નાનાં બાળકો સાથે રમતા હતા. શિષ્યોએ કહ્યું-તમે આ શું કરો છો ?

રામદાસ સ્વામી કહે છે-જે ઉંમરમાં મોટા થયા છે-તે તો ચોર બની ગયા છે. આ બાળકો સાથે રમવામાં મને આનંદ આવે છે.

 

પુસ્તક વાંચવાથી જે જ્ઞાન થતું નથી-તે આ બાળક સાથે રમવાથી થાય છે. જે બાળક જેવો છે- તે- ઈશ્વરને ગમે છે.સંતોનું હૃદય બાળક જેવું હોય છે. બાળકને છળકપટ આવડતું નથી, જુઠ્ઠું બોલતા આવડતું નથી.

એક ઉદાહરણ છે-એક ભાઈને ત્યાં લેણદાર ઉઘરાણીએ આવ્યા.લેણદારના ત્રાસમાંથી કેમ છૂટવું ? ઘરમાં ત્રણ વર્ષનો બાબો હતો-તેને કહે છે-કે-જા બહાર જઈ પેલા શેઠને કહે કે-બાપુ ઘરમાં નથી. બાબો કહે –બાપુ તમે તો ઘરમાં છો. ભાઈ કહે છે-કે તું તારે આમ જઈને કહેને-તને હું ચોકલેટ આપીશ. બાળક નિર્દોષ છે-તેને કપટની શું ખબર પડે ? બહાર આવી શેઠને કહ્યું-મારા બાપુ કહે છે-કે તે ઘરમાં નથી,બહાર ગયા છે.મારા બાપુએ કહ્યું-કે આમ કહીશ તો મને તે ચોકલેટ આપશે.

 

બાળકના મનમાં જેવું હોય તે બોલે છે-અને જેવું બોલે છે તેવું કરે છે. તેના મન,વાણી અને કર્મ એક જ હોય છે.બાળક નિર્દોષ હોય છે-કપટનો બોધ બાળકને આપવો નહિ,સારા સંસ્કાર આપવા. વધુ પડતા લાડ પણ કરવા નહિ.ધ્રુવજીને જોતાં રાજા નું હૃદય પીગળ્યું છે. મનમાં થયું કે આને પણ ખોળામાં બેસાડું. પણ સુરુચિ જોડે બેઠી છે.તેને આ ગમતી વાત નહોતી. સુરુચિની આંખમાં વેર-ઝેર છે.

 

જયારે જયારે જીવ પાસે ભજનાનંદ આવે છે-ત્યારે- સુરુચિ-વાસના-વિઘ્ન કરે છે.પૂજા કરતાં કરતાં મન રસોડામાં જાય તો સમજજો કે સુરુચિ આવી. જે સુરુચિને આધીન છે-તે કામાધીન છે-વિષયાધીન છે.

 

સુરુચિએ ધ્રુવને ગોદમાં લેવાની ના પાડી છે. રાજા,રાણીને આધીન હતો. કામાંધ હતો. તેને વિચાર્યું-કે- જો ધ્રુવ ને ગોદમાં લઈશ તો સુરુચિ નારાજ થશે. બીજું ગમે તે થાય પણ રાણી નારાજ ના થવી જોઈએ. પણ રાજાએ એમ ના વિચાર્યું કે-ધ્રુવનું દિલ દુભાશે.

 

અતિકામીને સ્ત્રીમાં કોઈ દોષ દેખાતો નથી-કહેશે-બિચારી ગોકળગાય જેવી છે--ભલેને તે મારકણી ભેંશ જેવી હોય.અતિશયપણે સ્ત્રીને આધીન રહેવું તે પાપ છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે-કે-જે અતિશય પણે સ્ત્રીને આધીન હોય તેવી વ્યક્તિને જોવામાં પણ પાપ છે. આ રાજા હતો પણ રાણીનો ગુલામ હતો. લગભગ દરેકની દશા આવી જ હોય છે.સાહેબ બહાર ભલે અક્કડ ફરતા હોય પણ બબલીની બા પાસે ટાઢા ઘેંસ થઇ જાય છે. કંઈ ચાલતું નથી.સ્ત્રીમાં પ્રેમ કરો- પણ તેનામાં અતિશય આધીન ના બનો. (આધીનતા માત્ર -એક ઈશ્વરની)

 

ધ્રુવ પ્રેમથી આવ્યો છે-આશા છે-બે હાથ ઉંચા કર્યા છે-પણ રાણીને રાજી રાખવા રાજાએ મોં ફેરવી લીધું છે. ધ્રુવ હજુ ઉભો છે.સુરુચિ બહુ રુઆબમાં બોલી- તું અહીં થી ચાલ્યો જા. તું રાજાની ગોદમાં બેસવા લાયક નથી.ધ્રુવે બે હાથથી વંદન કર્યા –કહે -મા,હું મારા બાપુનો દીકરો નહિ ?

 

ત્યારે સુરુચિ –ધ્રુવને મહેણું મારે છે.-કે- તારી મા રાણી જ નથી,રાણી તો હું છું,તારી મા તો મારી દાસી છે. દાસીનો દીકરો થઇ રાજાની ગોદમાં બેસવા આવ્યો છે ? જો તારે રાજાની ગોદમાં બેસવું જ હોય તો મારે પેટે જન્મ લે. વનમાં જા તપશ્ચર્યા કર અને ઈશ્વરને પ્રસન્ન કરી મારા પેટે જન્મ માગ.ભગવાનને પ્રસન્ન કર્યા પછી –તારે પેટે જન્મ લેવાની શી જરૂર છે ? પણ મૂર્ખ હતી એટલે આવું બોલે છે.

 

ધ્રુવને બહુ દુઃખ થયું છે.રડતાં રડતાં ઘેર આવે છે. મા બહુ પૂછે છે પણ કાંઇ બોલતા નથી. એક દાસીએ આવી બધી વાત કરી.માતા સુનીતિ બહુ સંસ્કારી છે-તે બાળકના પર કોઈ ખરાબ સંસ્કાર ના પડે તે માટે તેને દુઃખ ના વેગને દબાવ્યો છે.સુનીતિ વિચારે છે-મારી શોક્યના માટે જો મારા મુખમાંથી ખરાબ બોલ નીકળશે-તો ધ્રુવના મન માં કાયમ ના વેરના સંસ્કાર પડશે.ધ્રુવને હંમેશ માટે સુરુચિ પ્રત્યે વેરનું બીજ રોપાશે.

 

હજાર શિક્ષક ના આપી શકે –એટલા બધા સંસ્કાર એક જાગૃત મા-બાળકને આપી શકે છે. મા એ ગુરુ છે. મા ના અનંત ઉપકાર છે.પુત્ર મોટો જ્ઞાની થાય-સાધુ સન્યાસી થાય તો પિતા તેને વંદન કરે છે-મારો છોકરો મારાથી સવાયો થયો.પણ મા કોઈ દિવસ વંદન કરે નહિ. મા ના ઋણમાંથી કોઈ મુક્ત થઇ શકે નહિ. સન્યાસ લીધા પછી પણ શંકરાચાર્યે માની સેવા કરી છે.સાધુ-સન્યાસીઓ ,જ્ઞાની મહાત્માઓ પણ મા ના ચરણમાં વંદન કરે છે.