Bhagvat rahasaya - 117 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 117

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 117

ભાગવત રહસ્ય-૧૧૭

 

જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવાનો નથી.

એક વખત એક ચોર શિવમંદિરમાં ચોરી કરવા આવ્યો. શિવાલયમાં હોય શું ? આમ તેમ નજર કરતાં –ઉપર નજર કરી તો તાંબાની જળાધારી દેખાણી.તેણે વિચાર્યું કે –આ લઇ જાઉં.તેના પચીસ –પચાસ આવશે. જળાધારી બહુ ઉંચી હતી, એટલે જળાધારી ઉતારવા શિવલિંગ પર પગ મુક્યો- પગ મૂકતાં જ શિવજી પ્રગટ થાય. ચોર ગભરાણો. મને મારશે કે શું ?

 

ત્યાં શિવજીએ કહ્યું-માગ-માગ. ચોર કહે છે-મેં એવું તે શું પુણ્ય કર્યું છે કે આપ પ્રસન્ન થયા છો?

શિવજી કહે છે-કોઈ મને ફૂલ ચઢાવે-કોઈ જળ ચઢાવે પણ તે તો આખી તારી જાત ને –મારા ખભે બેસાડી દીધી.........શિવજી આવા ઉદાર છે.

 

દક્ષ શિવજીની નિંદા કરે છે-શિવ સ્વૈરચારી છે,તથા ગુણહીન છે.

તેનો સવળો અર્થ એ છે-પ્રકૃતિના કોઈ પણ ગુણ (સત્વ-રજસ-તમસ)-શિવજીમાં નહિ હોવાથી –તે નિર્ગુણ બ્રહ્મ છે.શાસ્ત્રની પ્રવૃત્તિ અને વિધિ-નિષેધની પ્રવૃત્તિ –અજ્ઞાની જીવ માટે છે. શિવજી માટે નથી.

દક્ષ પ્રજાપતિ બોલ્યા છે-આજથી કોઈ યજ્ઞમાં બીજા દેવો સાથે શિવજીને આહુતિ (યજ્ઞ ભાગ) આપવામાં આવશે નહિ.તેનો સવળો અર્થ એ છે-કે-સર્વ દેવોની સાથે નહિ, પણ શિવજી સર્વ દેવોમાં શ્રેષ્ઠ હોવાથી – અન્ય દેવો પહેલાં શિવજીને આહુતિ આપવામાં આવશે. પછી અન્ય દેવોને આહુતિ આપ્યા-બાદ વધે તે બધું પણ શિવજીને અર્પણ કરવામાં આવશે.યજ્ઞમાં જે વધે તેના માલિક શિવજી છે.

 

શિવપુરાણમાં કથા છે.શિવ-પાર્વતીનું લગ્ન થતું હતું. લગ્નમાં ત્રણ પેઢીનું વર્ણન કરવામાં આવે છે.

શિવજીને પૂછ્યું-તમારા પિતાનું નામ બતાવો. શિવજી વિચારમાં પડી ગયા. મારો પિતા કોણ ?

રુદ્રનો જન્મ છે-મહારુદ્રનો જન્મ નથી. રુદ્ર –એ-ભગવાનનો તામસ અવતાર છે.

નારદજીએ શિવજી ને કહ્યું-બોલો ને તમારા પિતા બ્રહ્મા છે. શિવજીએ કહ્યું-બ્રહ્મા. પછી પૂછવામાં આવ્યું કે –દાદા કોણ ? તો જવાબ આપ્યો-વિષ્ણુ દાદા. પરદાદા કોણ ? હવે કોનું નામ દેવું ?

શિવજી બોલ્યા હું જ સર્વનો પરદાદો છું. શિવજી એ “મહા”દેવ છે.

 

સૂતજી વર્ણન કરે છે-દક્ષ પ્રજાપતિએ બહુ નિંદા કરી પણ શિવજી શાંતિ થી સાંભળે છે. નિંદા થઇ પણ શિવજી સહન કરી શક્યા-કારણકે શિવજીના માથા ઉપર ((જ્ઞાન રૂપી) ગંગા છે.

શ્રીકૃષ્ણના ચરણમાં જ્ઞાન-ગંગા છે. એટલે શિશુપાળની નિંદા સહન કરે છે.

 

પ્રતિકાર કરવાની શક્તિ હોય –છતાં સહન કરે એને જ ધન્ય છે-એ જ મહાપુરુષ છે.

કલહ વધારે તે વૈષ્ણવ નહિ. એટલે શિવજી સભામાં એક શબ્દ પણ બોલ્યા નથી.

પણ સભામાં નંદિકેશ્વર વિરાજેલા હતા-તેમનાથી આ સહન થયું નહિ. તેમણે દક્ષને ત્રણ શાપ આપ્યા છે.

જે મુખથી તે નિંદા કરી છે-તે માથું તૂટી પડશે-તને બકરાનું માથું ચોટાડવામાં આવશે-તને કોઈ દિવસ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થશે નહિ.શિવકૃપાથી બ્રહ્મવિદ્યા મળે છે-શિવકૃપાથી કૃષ્ણભક્તિ મળે છે-શિવકૃપાથી મુક્તિ મળે છે.શિવજીને લાગ્યું કે –નંદિકેશ્વર બીજા દેવોને શાપ આપે તે પહેલાં ત્યાંથી નીકળી જઈ-કૈલાસ આવ્યા છે.ઘેર આવ્યા પછી-યજ્ઞના અણબનાવની કથા-સતીને કહી નથી. બધું પચાવી ગયા છે.

 

વિચાર કરો-કોઈ સાધારણ મનુષ્ય હોય અને સસરાએ (દક્ષ-એ શિવજી ના સસરા છે) ગાળો આપી હોય-તો ઘેર આવી –સસરાની છોકરી ની ખબર લઇ નાખશે-તારા બાપે આમ કહ્યું- તારા બાપે તેમ કહ્યું.

ભૂતકાળનો વિચાર કરે તેને ભૂત વળગ્યું છે-તેમ માનજો.

 

દક્ષે વિચાર્યું-કોઈ દેવ યજ્ઞ કરતા નથી-તો હું મારે ઘેર યજ્ઞ કરીશ. શિવજી સિવાય બધા દેવોને આમંત્રણ આપીશ.હું નારાયણની પૂજા કરું છું-તેમાં બધું આવી ગયું.

તે પછી કનખલ ક્ષેત્રમાં યજ્ઞ નો આરંભ કર્યો છે. દક્ષ પ્રજાપતિએ દુરાગ્રહ રાખ્યો –કુભાવ રાખ્યો –તેથી તેના વંશમાં –કોઈ રડનાર પણ રહ્યો નહિ. દક્ષે શિવપૂજન કર્યું નહિ તેથી ભગવાન વિષ્ણુ પણ ત્યાં પધાર્યા નથી.

ભગવાન પોતાનો કોઈ અપરાધ કરે તો સહન કરે છે-પણ પોતાના ભક્તનો અપરાધ સહન કરતા નથી.

શિવજી શ્રીકૃષ્ણનું ધ્યાન કરે છે, તેથી શ્રીકૃષ્ણ પણ સતત શિવજીનું ધ્યાન કરે છે.

 

બ્રાહ્મણોએ દક્ષને કહ્યું-કે તારો યજ્ઞ સફળ થશે નહિ.છતાં દક્ષે માન્યું નહિ. દક્ષના કુલગુરુ દધિચી ઋષિ પણ ત્યાંથી ઉઠી ગયા છે.દક્ષે એ પછી ભૃગુઋષિને આચાર્યપદે બેસાડી યજ્ઞનો આરંભ કર્યો છે. ભૃગુઋષિએ યજ્ઞ કરાવ્યો-તો તેમની પણ દુર્દશા થઇ છે.વીરભદ્રે તેમની દાઢી ખેંચી નાખી છે.તેમને બોક્ડાની દાઢી ચોટાડવામાં આવી છે.દક્ષના યજ્ઞમાં બ્રહ્મા પણ ગયા નથી.થોડા વિઘ્નસંતોષી બ્રાહ્મણો ત્યાં ગયા છે. ઘણાને સળગતું જોવાની મજા આવે છે.

 

કેટલાંક દેવો પણ કલહ જોવાની મજા આવશે એ બહાને વિમાનમાં બેસીને –જવા નીકળ્યા છે. સતીએ વિમાનો જતાં જોયાં-એમણે દેવકન્યાઓને પૂછ્યું. એક દેવ કન્યાએ જવાબ આપ્યો-તમારા પિતાને ત્યાં યજ્ઞ માં જઈએ છીએ-તમને ખબર નથી ? શું તમને આમંત્રણ નથી ? દક્ષે દ્વેષબુદ્ધિથી શિવજીને આમંત્રણ આપેલું નહિ.સતીને શિવજી અને દક્ષ ના અણબનાવની ખબર નથી. તેમને પિતાને ત્યાં જવાની ઉતાવળ થઇ છે.