Bhagvat rahasaya - 116 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 116

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 116

ભાગવત રહસ્ય-૧૧૬

દક્ષપ્રજાપતિ નિંદામાં બોલ્યા છે-શિવ સ્મશાનમાં રહેનાર છે.

પરંતુ તે તો સ્તુતિરૂપ છે.આખું જગત (સંસાર)એ સ્મશાન છે. કાશી એ મહાન સ્મશાન છે. શરીર એ પણ સ્મશાન છે.ઘર એ પણ સ્મશાન છે.

મનુષ્યને બાળવાનું સ્મશાન ગામ બહાર હોય પણ કીડી-મંકોડાનું સ્મશાન આપણા ઘરમાં જ હોય છે.સ્મશાન એટલે આખું જગત-એટલે-કે- શિવજી જગતની સર્વ ચીજોમાં વિરાજેલા છે. તેથી તે વ્યાપક બ્રહ્મરૂપ છે.

 

જગતના અણુ-પરમાણુમાં શિવતત્વ ભર્યું છે.ભગવાન શંકર વાણીના પિતા છે.તે વાણી શિવજીની નિંદા કરે નહિ.દક્ષે નિંદામાં કહ્યું-એમની આંખો વાનર જેવી છે. એનો સવળો અર્થ કાઢ્યો છે.

વાનર જેવા ચંચળ જીવ પર જેની કૃપાદૃષ્ટિ છે-એવા મર્કટલોચન. (જીવ વાનર જેવો ચંચળ છે)

આ જીવનો એવો સ્વભાવ છે,કે જેનું ખાય તેની જ નિંદા કરે.

 

શિવજીને થોડું આપો તો પણ ઘણું માને છે. બીલીપત્ર અને લોટો ભરી ગંગાજળ લઈને –હર હર મહાદેવ-બોલતાં અભિષેક કરો-તો પણ શિવજી પ્રસન્ન થાય છે. રાજભોગ તો કદી કરતા જ નથી.

ભગવાન શંકર આશુતોષ છે, વિશ્વનાથ છે. તેમના ભક્તગણમાં આખું વિશ્વ આવે છે.

રામજી અને શ્રીકૃષ્ણના દરબારમાં સર્વેને પ્રવેશ નથી.પણ-શિવજીના દરબારમાં સર્વને પ્રવેશ મળે છે. ઋષિઓ,દેવો,દાનવો,રાક્ષસો,ભૂત-પિશાચ –સર્વ શિવ પાસે આવે છે.

 

શિવજી બધાને અપનાવે છે. જગત જેનો ત્યાગ કરે તેને શિવ અપનાવે છે. શિવ-સ્વરૂપ મંગળમય છે.

જગત શુભ અને અશુભ બંનેનું મિશ્રણ છે. આ બંનેના સ્વામી શિવજી છે.જીવમાત્ર પર તેમની કૃપા દૃષ્ટિ છે.

મથુરામાં ભૂતનાથ મહાદેવ છે.ત્યાં -દિવસે બ્રાહ્મણો પૂજા કરે છે-અને રાતે ભૂતો પૂજા સેવા કરે છે.

શિવજીનો દરબાર બધા માટે ખુલ્લો ના હોત તો –બિચારા ભૂત-પિશાચ –જાત ક્યાં ?

 

રામજીના દરબાર ના દરવાજે હનુમાનજી ગદા લઈને ઉભા છે. “રામ દુવારે તુમ રખવારે, હોત ન આજ્ઞા બીનું પેસારે” રામજીના દરબાર માં પ્રવેશવા માગતા ને હનુમાનજી પૂછે છે-કે-રામજીની મર્યાદાનું પાલન કર્યું છે ?

એ પ્રમાણે વર્તન ના કર્યું હોય તો હનુમાનજી ગદા મારીને પાછા કાઢે છે.

રાતે બાર વાગે રામજી કે દ્વારકાનાથ ના દર્શન કરવા જાઓ તો તે દર્શન આપશે ? પણ શિવજીના દર્શન ગમે ત્યારે થઇ શકે. બધા દેવોના દરવાજા બંધ થાય છે,પણ શંકર ભગવાનનો દરવાજો બંધ થતો નથી.

 

જ્યાં માયાનું આવરણ છે-ત્યાં દરવાજો બંધ રાખવો પડે છે. શિવજી શુદ્ધ બ્રહ્મનું સ્વરૂપ છે. શિવજી કોઈ દિવસ શયન કરતા નથી.શિવજી કહે છે-કે- તને વખત મળે ત્યારે આવ. હું ધ્યાન કરતો બેઠો છું. શંકર ભગવાન ઉદાર છે. જેણે અપેક્ષા બહુ ઓછી હોય છે-તે ઉદાર થઇ શકે છે. શિવજીને કોઈ વસ્તુની જરૂર નથી, એટલે તે બધું આપી દે છે.કનૈયો કહે છે- મારે તો બધાની જરૂર છે. શ્રીકૃષ્ણ વિચાર કરીને આપે છે. માગનારમાં અક્કલ ઓછી હોય છે,એટલે તેનું કલ્યાણ છે –કે નહિ-તે વિચારીને આપે છે.

 

કુબેર ભંડારી (જગતને દ્રવ્ય આપનારનો ભંડાર જેની પાસે છે તે) રોજ શિવજીનું પૂજન કરવા આવે.

એક વખત કુબેર ભંડારી શિવજીને પૂછે છે-કે –હું તમારી શી સેવા કરું ?

શિવજી કહે છે-બીજાની સેવા લે તે વૈષ્ણવ નહિ. સેવા આપે તે વૈષ્ણવ. મારા જેમ નારાયણ નારાયણ કર.

પણ પાર્વતીજીને ઈચ્છા થઇ. વિચારતાં હતાં કે –આ ઝાડ નીચે રહીએ છીએ-તેના કરતાં એક બંગલો હોય તો સારું.માતાજીએ કુબેર ભંડારી ને કહ્યું-મારા માટે એક સોનાનો બંગલો બાંધજે. જેથી કુબેરે સોનાનો મહેલ બનાવી આપ્યો છે.

 

માતાજીએ શિવજી ને કહ્યું-કે આ બંગલો બહુ સુંદર થયો છે-ચાલો આપણે તેમાં રહેવા જઈએ.

વાસ્તુ પૂજા કર્યા સિવાય તો રહેવા જવાય નહિ-તેથી રાવણને વાસ્તુ પૂજા કરવા બોલાવ્યો છે.(રાવણ બ્રાહ્મણ હતો) રાવણ થયો ગોર અને શિવજી થયા યજમાન.વાસ્તુ-પૂજા કરાવી એટલે દક્ષિણા તો આપવી પડે,

શિવજીએ કહ્યું-જે માગવું હોય તે માગ.રાવણ કહે છે-હવે તમારો સોનાનો મહેલ મને આપી દો.

પાર્વતીજી કહે છે-કે- હું જાણતી હતી કે-આ કાંઇ રહેવા દેશે નહિ.

 

માગવું એ મરવા જેવું છે-અને માંગનારને ના પાડવી –એ પણ મરવા જેવું છે.

શિવજીએ સોનાની લંકા દાનમાં આપી દીધી છે. શિવજી જેવો કોઈ ઉદાર નથી અને રાવણ જેવો કોઈ મૂર્ખ નથી.રાવણ ને સોના ની લંકા મળી એટલે બુદ્ધિ બગડી છે. રાવણ ફરીથી કહે છે-મહારાજ બંગલો તો સુંદર આપ્યો-હવે આ પાર્વતીને આપી દો. શિવજી કહે છે-તને જરૂર હોય તો તું લઇ જા.

 

રાવણ માતાજીને ખભે બેસાડી ને લઇ જાય છે.પાર્વતીજી શ્રીકૃષ્ણનું સ્મરણ કરે છે. મારો કનૈયો ભોળો છે, પણ કપટી જોડે કપટી છે.શ્રીકૃષ્ણ ગોવાળ થઇ રસ્તામાં આવ્યા છે.રાવણને પૂછે છે-આ કોને લઇ જાય છે? રાવણ કહે છે-શંકર ભગવાને મને સોનાની લંકા આપી અને સાથે આ પાર્વતી પણ આપી છે.

શ્રી કૃષ્ણ કહે છે-તું કેવો ભોળો છે? પાર્વતી આપતા હશે ?અસલ પાર્વતી તો તે પાતાળમાં સંતાડી રાખે છે. આ પાર્વતી નથી.અસલ પાર્વતીના અંગમાંથી કમળની સુગંધ નીકળે છે. આના શરીરમાંથી એવી સુગંધ ક્યાં નીકળે છે ? રાવણ શંકામાં પડ્યો. માતાજી આ સાંભળતાં હતાં-તેમણે શરીરમાંથી સુર્ગંધ કાઢી. રાવણ પાર્વતીને ત્યાં મૂકીને ચાલ્યો ગયો.પ્રભુ એ ત્યાં માતાજી ની સ્થાપના કરી.-તે દ્વૈપાયિની દેવી.

ભાગવતના દશમ સ્કંધમાં આવે છે-કે-બળદેવજી આ દ્વૈપાયિની દેવીની પૂજા કરવા ગયા છે.