Bhagvat rahasaya - 113 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 113

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 113

ભાગવત રહસ્ય-૧૧૩

સ્કંધ-૪(ચોથો)-૧ (વિસર્ગ લીલા)

 

પ્રથમ સ્કંધમાં અધિકારલીલાનું વર્ણન કર્યું. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ ? વગેરે બતાવ્યું.દ્વિતીય સ્કંધ એ જ્ઞાન-લીલા છે. મરણ સમીપ હોય ત્યારે કેમ જીવવું? મનુષ્યનું કર્તવ્ય શું ?વગેરે જ્ઞાનનું વર્ણન કર્યું.ત્રીજો સ્કંધ સર્ગ-લીલા છે. જ્ઞાન કેવી રીતે જીવનમાં ઉતારવું,અને જગતની ઉત્પત્તિનું વર્ણન છે.ચોથો સ્કંધ ને વિસર્ગ-લીલા કહે છે.ચાર પુરુષાર્થની કથા આમાં છે.

 

જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કર્દમની જેમ જીતેન્દ્રિય થવું પડે,તો બુદ્ધિ દેવહુતિ મળે.નિષ્કામ બુદ્ધિથી જ્ઞાન સિદ્ધ થાય છે.અને જ્ઞાન સિદ્ધ થયા પછી,પુરુષાર્થ સિદ્ધ થાય છે.એટલે ચોથા સ્કંધમાં આવી ચાર પુરુષાર્થની કથા.ચોથા સ્કંધમાં ચાર પ્રકરણો અને એકત્રીસ અધ્યાયો છે.

 

પુરુષાર્થ ચાર છે-ધર્મ-અર્થ-કામ અને મોક્ષ. એટલે ચાર પ્રકરણો છે.

ધર્મ પ્રકરણ ના અધ્યાય -૭ –છે. સાત પ્રકારની શુદ્ધિ આવે તો ધર્મ સિદ્ધ થાય. દેશ,કાળ,મંત્ર,દેહ,વિચાર,ઇન્દ્રિય અને દ્રવ્ય શુદ્ધિ.

અર્થ પ્રકરણ ના અધ્યાય-૫-છે. અર્થ(ધન સંપત્તિ) ની પ્રાપ્તિ પાંચ સાધનથી થાય છે.

માતપિતા ના આશીર્વાદ,ગુરુકૃપા,ઉદ્યમ,પ્રારબ્ધ અને પ્રભુકૃપા.

આ પાંચ પ્રકારના સાધનોથી ધ્રુવ ને અર્થની પ્રાપ્તિ થઇ હતી.(જેની કથા અહીં આવશે)

 

કામ પ્રકરણના અધ્યાય-૧૧-છે.કારણ કે કામ ૧૧-ઇન્દ્રિયોમાં રહેલો છે. ૫-જ્ઞાનેદ્રિયો,૫-કર્મેન્દ્રિયો અને મન.

મોક્ષ પ્રકરણ માં અધ્યાય-૮- છે. પ્રકૃતિ ના -૮-પ્રકાર છે.(અષ્ટધા પ્રકૃતિ) ૫-મહાભૂતો અને મન,બુદ્ધિ,અહંકાર. આ અષ્ટધા પ્રકૃતિને કાબુમાં રાખે-તેને મોક્ષ-મુક્તિ મળે છે. પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થાય છે –તે કૃતાર્થ બને છે.આમ ૩૧ અધ્યાયોનો ચોથો સ્કંધ છે.

 

પ્રકૃતિ એટલે સ્વ-ભાવ. અનેક જન્મોના સંસ્કારોને અનુસરીને મન દોડે છે. મોટા મોટા ઋષિઓ પણ પ્રકૃતિને એટલે સ્વ-ભાવને વશ રાખી શક્યા નથી તેથી બંધનમાં આવ્યા છે.પ્રકૃતિને વશ થાય છે-તે જીવ અને જેને પ્રકૃતિ વશ થાય છે તે ઈશ્વર.આઠ પ્રકારની ભક્તિ,શ્રવણ,કિર્તન ...વગેરે જેની સિદ્ધ થાય તે ઈશ્વરનો થાય.

ભગવાન જેવા ન થઇ શકો તો વાંધો નહિ પરંતુ ભગવાનના થઈને રહેજો.

 

ચાર પુરુષાર્થોમાં પ્રથમ છે –ધર્મ અને છેલ્લો છે મોક્ષ. વચ્ચે અર્થ અને કામ છે. આ ક્રમ ગોઠવવામાં પણ રહસ્ય છે.આ બતાવે છે –કે અર્થ અને કામ –ધર્મ અને મોક્ષ ને અનુસરીને પ્રાપ્ત કરવાનાં છે.

ધર્મ અને મોક્ષ એ બંને પુરુષાર્થ મુખ્ય છે, બાકીનાં બે –અર્થ અને કામ બે ગૌણ છે.

ધર્મ વિરુદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થતો નથી. ધર્મ વિરુદ્ધનો –અર્થ અને કામ –એ-અનર્થ કરે છે.

 

પૈસા પુષ્કળ હોય તો મજા કરવામાં અનેક જણા સાથ આપે છે, પણ સજા એકલા જીવને થાય છે. ધર્મ વિનાનું ધન અધર્મ છે.જીવનમાં કામ અને અર્થ ગૌણ બને તો જીવનમાં દિવ્યતા આવે છે. દિવ્યતા એ દેવપણું છે. માનવી દેવ બને છે.ધર્મની ગતિ સૂક્ષ્મ છે.ધર્મ પણ અનેકવાર અધર્મ બને છે.

(કુભાવ -ના હોય તો તે અધર્મ પણ કોઈ વાર ધર્મ બનતો હોય છે)

સદભાવના વગર ધર્મ સફળ થતો નથી. બીજો કોઈ દુઃખી થાય તેવી સૂક્ષ્મ ઈચ્છા પણ હશે તો તે અધર્મ છે.

જગતના કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશે-તો તે જીવ તમારા પ્રત્યે કુભાવ રાખશે.

 

કેદારનાથ જતાં ગુપ્તકાશી આવે છે-ત્યાંથી એક રસ્તો ઉખીમઠ જાય છે.ઠંડીના દિવસોમાં કેદારનાથના સ્વરૂપ ને ઉખીમઠમાં પધરાવવામાં આવે છે. ત્યાં બે-ચાર પહાડ ભેગા થાય છે,ત્યાં જે કંઈ બોલો તેનો પ્રતિધ્વની આવશે. ગંગે-હર,ગંગે-હર એકવાર બોલો તો ત્રણ ચાર વાર તેના પડઘા સંભળાશે. ત્યાં જો કોઈ બોલે કે-તારું સત્યાનાશ જાય-તો પ્રતિધ્વનિ માં તે જ સાંભળવા મળશે.

 

જેવો ધ્વનિ-તેવો પ્રતિધ્વનિ.જેવો ભાવ તમે લોકો માટે રાખશો,તો લોકો તેવો જ ભાવ તમારા માટે રાખશે. ભાવ-પ્રતિભાવને ઉત્પન્ન કરે છે.સર્વ ક્ષેત્ર(જગત)માં ક્ષેત્રજ્ઞ (જગત નો આધાર) તરીકે પરમાત્મા રહેલા હોવાથી-કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખવો-તે-ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે.

શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે જીવ તો શું ? જડ પદાર્થોમાં પણ કુભાવ ના રાખવો.

જડ-ચેતન સર્વમાં એક ઈશ્વર વિરાજેલા છે. સર્વમાં સદભાવ રાખે તેનું મન શાંત રહે છે.