ભાગવત રહસ્ય-૧૧૨
જીવનો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કરે છે. સંસારમાં માયા કોઈને ય છોડતી નથી.આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો-માયા છૂટે-અને સુખી થાય –પણ તે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી.જીવ બાલ્યાવસ્થામાં મા સાથે પ્રેમ કરે છે.
જરા મોટો થાય –એટલે –રમકડાં સાથે પ્રેમ કરે છે.તે પછી-મોટો થાય-એટલે પુસ્તકો જોડે પ્રેમ કરે છે.એક બે ડીગ્રી મળે એટલે –પુસ્તકોનો મોહ ઉડી જાય છે.
પછી પૈસા જોડે પ્રેમ કરતો થઈ જાય છે. થોડા વધુ પૈસા આવે એટલે બેંકના બેલેન્સ જોડે મોહ થઇ જાય છે.
અને લગન કરે એટલે લાડી જોડે પ્રેમ કરતો થઇ જાય છે.લાડીને કહે છે-કે તારા માટે લાખો ખર્ચવા તૈયાર છું. પેલી નચાવે તેમ નાચે છે. માને છે-કે-તે સ્વર્ગનું સુખ ભોગવે છે.પણ આ મોહ પણ ટકતો નથી-બેચાર છોકરાં થાય એટલે કંટાળે છે.કોઈ પરણેલા ને પૂછશે-કે-તમે સુખી છો ? તો ફટ દઈને જવાબ આપશે કે-હું સુખી શાનો ? આ પલટણ ઉભી થઇ છે,મોંઘવારી વધી ગઈ છે, દરેકની ચિંતા છે,રાતદિવસ વૈતરું કરું છું, પણ કોઈને મારી દયા આવતી નથી, જેમતેમ જીવન પૂરું કરું છું.એકલો હતો ત્યારે સુખી હતો.
ચામડીનું સુખ ભોગવ્યા પછી વૃદ્ધાવસ્થામાં ડહાપણ આવે છે.ત્યાં સુધીમાં તો માયાથી ઘેરાઈ ગયો હોય છે.
છોકરાંને ઘેર છોકરાં -આવ્યાં-અને કહેશે-કે-આ નાનો કનૈયો બહુ વહાલો લાગે છે. એમ કહી –ત્યાં માયા લગાડે છે.આ માયા જીવને બે રીતે મારે છે,બાંધે છે.માયાના બંધનના દોરડામાંથી છટકી તે જ દોરડાથી પ્રભુ ને બાંધવાના છે.તુલસીદાસજીએ કહ્યું છે-
જનની,જનક,બંધુ,સૂત,દારા-તનુ,ધનુ,ભવન સુર્હદ પરિવારા-
સબ કૈ મમતા તાગ બટોરી,મમ પદ મનહિ બાંધ હરિ ડોરી.
(માતા,પિતા,ભાઈ,પુત્ર,પત્ની,શરીર,ધન,ઘર,મિત્ર,સગાં-સ્નેહીઓ-એ બધામાંથી જે મમતા છે-તે ત્યાગી –તે બધામાં જે –પ્રેમ વિખરાયેલો છે, તે બધો પ્રેમ ભેગો કરી –એક જ પ્રેમનું દોરડું બનાવી –પ્રભુના ચરણને મન થી બાંધી દો-તો પ્રભુ બંધાય.)
કપિલ ભગવાન-કહે છે-મા,અનેક જન્મોથી આ પ્રમાણે જીવ ભટકતો આવ્યો છે, હજુ તને સંસારના વિષયોમાં ધૃણા આવતી નથી ? ક્યાં સુધી તારે ભટકવું છે ? મા,તારા મનને સંસાર ના વિષયોમાંથી હટાવી, તે મનને પ્રભુમાં જોડી દે.પરમાત્માના ચરણનો આશ્રય કરી, જન્મ-મરણના ત્રાસમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરી મુક્ત થા –તો જીવન સફળ થશે.મારા ઉપદેશમાં શ્રદ્ધા રાખજે, મા,સાવધાન થઇને તારે ધ્યાન કરવાનું છે. સાવધાન રહેજે-મન છેતરે છે-મન ભયંકર છે.
કોઈ પણ સાધન (જેવું-કે ભક્તિ વગેરે) કરવાનું છે. અને સાવધાન રહેવાનું છે-કે અંદર અભિમાન વધે નહિ.
આમ કરી પરમાત્માને શરણે –જીવ-જાય તો ભગવાન અવશ્ય કૃપા કરે છે.
અંતમાં કપિલ ભગવાન જે કહે છે-તે ખુબ જ મહત્વનું છે.
“મા.તારા મનને તારે જ બોધ આપવો પડશે. મા,આ માર્ગ 'એકલા'નો છે.”
મા, સાવધાન રહેજે, થોડા દિવસમાં જ તું કૃતાર્થ થઈશ. મારું કામ પૂરું થયું, મારે હવે અહીંથી જવું પડશે. સંસારનો સંયોગ-એ-વિયોગ માટે જ હોય છે. મા,તું સતત ભક્તિ કરજે-પરમાત્માના નામનો તને આધાર છે.
મા ને ઉપદેશ આપી, કપિલ ભગવાન ત્યાંથી ઉઠ્યા છે,મા ની ત્રણ વાર પ્રદિક્ષણા કરી, મા ની આજ્ઞા માગી,ગંગાસાગરના તીર્થમાં પધાર્યા છે. કલકત્તાથી થોડે દૂર આ સ્થળ છે,ત્યાં ગંગાજી સમુદ્રને મળે છે. સામાન્ય નદીનાં પાણીને સમુદ્ર ખારાં બનાવે છે,ત્યારે ગંગાજી ત્રણ ચાર માઈલ સુધી સમુદ્રના પાણીને મીઠું બનાવે છે.
માતા દેવહુતિ, સરસ્વતીના કિનારે વિરાજેલાં છે. સ્નાન,ધ્યાન કરી મનની શુદ્ધિ કરી, નારાયણનું ચિંતન કરી મુક્ત થયાં છે.દેવહુતિ મા ને સિદ્ધિ મળેલી,તેથી તે સ્થળનું નામ સિદ્ધપુર પડ્યું છે. માતા દેવહુતિનો ત્યાં ઉદ્ધાર થયો છે, તેથી લોકો તેને “માતૃગયા” પણ કહે છે.
કપિલગીતા અહીં સમાપ્ત થાય છે.
જુદા જુદા (નીચે બતાવેલા) અનેક માર્ગોથી પામવાનું તત્વ એક જ છે---પરમાત્મા.
(જુદા જુદા પ્રકારના કર્મો, યજ્ઞ, દાન, તપ,વેદાધ્યયન, મન અને ઇન્દ્રિયોનો સંયમ, કર્મનો ત્યાગ, અનેક પ્રકારનો યોગાભ્યાસ,ભક્તિયોગ, પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિ માર્ગ, સકામ અને નિષ્કામ ધર્મો, આત્મતત્વનું જ્ઞાન, દૃઢ વૈરાગ્ય, ......આ બધા જ –જુદા જુદા સાધનો છે-અને આ સાધનો થી કાં તો સગુણ અથવા નિર્ગુણ –પરમાત્માની પ્રાપ્તિ જ થાય છે.)
ત્રીજો સ્કંધ સમાપ્ત