*****************
વર્ષમાં એકવાર આવતો અનોખો તહેવાર એટલે રક્ષાબંધન. કુટુંબમાં ખૂબ પ્રેમથી તેની ઉજવણી થાય. સહુના મન પ્રફુલ્લિત થાય.
અરે આજે દસ દિવસ પર થઈ ગયા, શું હજુ રાખડી ટપાલમાં મળી નથી’?રચના ચિંતા કરતી હતી. રચિત લાડલો નાનો ભાઈ ફોન ઉપર રડી રહ્યો હતો.
‘દીદી તને કહ્યું હતું તારે લગભગ ત્રણ અઠવાડિયા પહેલા મોકલવાની.’
‘ભાઈલા મેં એક્સપ્રેસ ડિલિવરીથી મોકલી છે.'
‘તું જાણે છે ને કાલે રક્ષાબંધન છે. તું તો ન હોય તે સમજી શકાય પણ રાખડી આવી જવી જોઈએ?’
ભાઈ અને બહેનની ફોન પર રકઝક અમોલ અને આરતી સાંભળી રહ્યા હતાં. બંનેની આંખો વાત કરી રહી હતી. બાળકોનો પ્રેમ શબ્દો દ્વારા વહી રહ્યો હતો જે તેમના હૈયાને ભીંજવવા સફળ થયો !
રક્ષાબંધન એ ભાઈ અને બહેનના નિર્મળ, નિઃસ્વાર્થ પ્રેમનો સુંદર દિવસ ! બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધી જીવન.માં નિર્ભયતાનો અહેસાસ માણે. ભાઈ કોઈ પણ વિપરીત સંજોગોમાં રક્ષા કરવાની બહેનને બાંહેધરી આપે.
રચિત શાળાએ ગયો. દિમાગમાં વિચાર રાખડીના ઘુમતા હતા. સાંજે ઘરે આવી જમ્યો પણ મન ન લાગ્યું.
રચનાએ ‘ટ્રેસિંગ નંબર ‘ મેળવી ઈન્વેસ્ટીગેશન કર્યું. રાતના નવથી દસ સુધીમાં મળી જશે એવા સમાચાર સાંભળી રાજી થઈ.
રચિત મમ્મી અને પપ્પાને દીદીની.બેદરકારી બદલ ફરિયાદ કરી રહ્યો હતો. અમોલ અને આરતી શાંતિ રાખી તેની ફરિયાદને દાદ આપી રહ્યા . કંઈ પણ બોલવું ઉચિત ન લાગ્યું. જો પ્રતિભાવ બતાવે તો રચિત ઉશ્કેરાય.
બીજે દિવસે ગણિતની પરીક્ષા હતી. રચિતને મન ગણિત એટલે ડાબા હાથનો ખેલ. વધારે કોઈ પણ જાતની લમણાઝીંક કર્યા વગર સુવા ગયો. અંતર મનમાં ‘રાખડી’ની વાત ઘુમરાતી હતી પણ બોલીને શું ફાયદો ? દીદીની સાથે થોડા દિવસ અબોલા લેવાનો મનોમન નિર્ધાર કરી સૂઈ ગયો.
આરતી દોડતી રચિત ના રૂમમાં ગઈ. ઉંઘમાં દીદી સાથે મારામારી કરતા જણાયા. આરતી પ્યારથી પસવારી સુવડાવ્યો.
રાતના સાડા દસ વાગે ઘરની બેલ વાગી. મોડી રાત હતી તેથી અમોલ અને આરતી દરવાજો ખોલવા ગયા.
સામે દેખાય ‘ડિલિવરી’ કરવાવાળો માણસ. સવારે રચિત ના મુખ પર આનંદ વરતાશે એ વિચારે બંને પતિ પત્ની શાંતિથી સુવા ગયા.