Two Cup Tea in Gujarati Motivational Stories by Kishan Suryavanshi books and stories PDF | ચા ના બે કપ

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ચા ના બે કપ

જીવનમાં સભ્યતા ની બાબતમાં એક ગરીબ સ્ત્રી એક ગોલ્ડ મેડાલીસ્ટ ડોક્ટર કરતા આગળ નીકળી ગઈ – વાંચો હૃદયસ્પર્શી વાર્તા ‘ચા ના બે કપ’
 
સાતમ આઠમના તહેવારો હતાં. શહેરના ખ્યાતનામ ડોકટર દંપતી સુકેતુ પટેલ અને નેહલ પટેલે ત્રણ દિવસની ટુર ગોઠવી હતી. પોતાની હોન્ડા અમેઝ કારમાં જ તેઓ જવાના હતા. આમેય ઘન સમયથી બહાર ગયાં નહોતા અને હજુ પરણ્યા એને બે જ વરસ થયા હતા. સંતાનનું કાઈ વિચાર્યું નહોતું એટલે જેટલું ફરવું હોય એટલું ફરી લેવું એ એમની ગણતરી હતી. બને સાથે જ મેડીકલ કોલેજમાં ભણતાં હતા અને ત્યાંજ પ્રેમાંકુર ફૂટ્યા અને જોતજોતામાં પ્રેમનું એક મોટું વટ વ્રુક્ષ બની ગયું. શહેરમાં બેંકની લોન લઈને દવાખાનું કર્યું હતું. સુકેતુ એમડી મેડીસીન હતો અને નેહલ ગાયનેકોલોજીસ્ટ. સ્વભાવ અને હથરોટીને કારણે બને જણાએ ટૂંક સમયમાં જ ખ્યાતી હાંસલ કરી લીધી હતી. ગયા ઉનાળામાં એ લોકો મહાબળેશ્વર અને પંચગીની ગયાં હતાં. આ વખતે ઇન્દોર અને ઉજ્જૈન જવાના હતાં.
બનેની સમાન ખાસિયતો હતી. બને ને બીજા ડોકટરો સાથે સમુહમાં જવાનું ફાવતું નહિ. પોતાની ગાડી અને પોતાના સ્થળોએ પોતાને ગમે ત્યાં સુધી રહેવું. વારફરતી બને ગાડી ડ્રાઈવ કરી લેતાં હતા. ગુરુવારે બધી જ તૈયારીઓ થઇ ગઈ હતી. તૈયારીમાં તો ખાસ કશું નહોતું બસ કપડાં, જરૂરી દવાઓ અને પાણીનો મોટો જગ લઇ લીધો હતો. વરસાદ આ વરસે ઠીક ઠીક પ્રમાણમાં પડ્યો હતો એટલે જ બને એ મધ્યપ્રદેશ પર પસંદગી ઉતારી હતી. સુકેતુ પટેલ ખાવાનો શોખીન જીવડો હતો. એ ભણતો ત્યારથી જ એણે ઇન્દોર વિષે ઘણું સાંભળ્યું હતું. ત્યાં રાતે શરાફા બજારમાં ખાવાની અવનવી વાનગીઓ મળે છે. વળી દિવસે એક જગ્યાએ ખાવાની છપ્પન દુકાનો હતી. ઇન્દોર એટલે મધ્યપ્રદેશનો અસલી સ્વાદ એમ કહેવાતું હતું!!
શુક્રવારે સ્વારથી જ વરસાદ શરુ હતો. અને બને મધ્યપ્રદેશની સહેલગાહે ઉપડ્યા. વરસાદને કારણે વાહનોની અવરજવર બહુ ઓછી હતી. સારા વરસાદને કારણે રોડની બને બાજુએ પ્રકૃતિ પૂરબહારમાં ખીલી હતી. દોઢસો કિલોમીટર પછી મધ્યપ્રદેશની બોર્ડર આવવાની હતી. ગાડીની અંદર સુમધુર સંગીત વાગતું હતું. સાથે સાથે બને જણા ભરૂચની પ્રખ્યાત હાજમાં શીંગ ખાઈ રહ્યા હતા. વરસાદમાં શીંગ ખાવાનો એક અદ્ભુત લ્હાવો હોય છે. બને નવયુવાન ડોકટર દંપતી ખુશમિજાજ મુડમાં મુસાફરીનો આનંદ માણી રહ્યા હતા.
મધ્યપ્રદેશની બોર્ડર હવે ચાલીશ કિમી દૂર બતાવતી હતી. એક નાનકડું શહેર આવ્યું. અને અચાનક જ વરસાદ વધી ગયો. નાના એવા શહેરમાંથી ગાડી ટ્રાફિકને કારણે માંડ માંડ કાઢી. તેઓ બને જેમ જલદી બને તેમ મધ્યપ્રદેશમાં પ્રવેશવા માંગતા હતા. આગળ હવે બને બાજુઓ ઘેઘુર વ્રુક્ષોથી છવાયેલી હતી. વરસાદ સતત વધતો જતો હતો. રસ્તો પણ હવે ચડાવ વાળો અને ઉતરાણ વાળો હતો. ના છૂટકે સુકેતુએ ગાડીની સ્પીડ ઓછી કરી. વરસાદની સાથે પવન પણ હરીફાઈમાં ઉતર્યો હોય એમ લાગતું હતું. આજુબાજુની કંદરાઓમાં મોરલા બેવડ વળી વળીને ગહેંકતા હતા. ચારેક કિલોમીટર ગાડી ચાલી ત્યાં રોડ સાઈડ પર એક નાનકડી દુકાન હોય એમ લાગ્યું. બને એ નક્કી કર્યું કે કદાચ ત્યાં ચા મળી જાય તો ચા પીને આગળ વધવું. ગાડીને પણ સહેજ પોરો થઇ જાય બાકી બપોરનું ભોજન તો બે વાગ્યે મળે તો પણ ચાલશે.. આમેય રોજ તેઓ બપોરના બે વાગ્યે જ જમવા પામતા હતા. એક નાનકડું છાપરું હતું ત્યાં ગાડી ઉભી રાખી અને બને જણા ત્યાં ઉતર્યા. ઘર ખાસ કોઈ મોટું નહોતું ત્રણ ઓરડા હતા એકમાં દુકાન કરી હતી બીજા બે ઓરડામાં એ લોકો રહેતા હશે એમ માન્યું. દુકાનની આગળ વેફર્સના પેકેટ લટકતા હતા. બે કુતરા એક ખૂણામાં બેઠા હતા. દુકાનમાં કે આજુબાજુ કોઈ ચહલ પહલ નહોતી. નેહલ ખુરશી પર બેઠી અને સુકેતુ એ દુકાન પાસે જઈને બોલ્યો.
“ છે કોઈ દુકાનમાં?” જવાબમાં એક સ્ત્રી આવી તેણે ચારેક વરસનું છોકરું તેડ્યું હતું. તેને જોઇને સુકેતુ એ બે વેફર્સના પડીકા બહાર ટીંગાતા હતાં એ લીધા અને કહ્યું.
“ બે સ્પેશ્યલ ચા બનાવોને બહેન!! ઝડપ કરજો હો!! અમારે દૂર જવાનું છે ” સાંભળીને સ્ત્રી અંદર ચાલી ગઈ. અંદર કોઈ પુરુષનો ખાંસવાનો અવાજ આવ્યો અને પુરુષ અને સ્ત્રી વાતચીત કરતા હોય એમ લાગ્યું. વાતાવરણમાં ઠંડી વધી ગઈ હતી. વરસાદ શરુ જ હતો. આજુબાજુના ડુંગરો પરથી સુસવાટા મારતો પવન છેક કાળજા સુધી ઊંડે ઉતરી જતો હતો. બને જણા વેફર્સ ખાઈ રહ્યા હતા અને આજુબાજુના કુદરતના નજારાને જોઈ રહ્યા હતાં. લગભગ દસ મિનીટ પસાર થઇ ગઈ. ચાના કોઈ ઠેકાણા હજુ હતાં નહિ!! સુકેતુ પાછો દુકાનમાં જઈને ચાની ઉઘરાણી કરી. વળી પુરુષનો ઉધરસ વાળો અવાજ આવ્યો અને પેલી સ્ત્રી આવી એ થોડી પલળી ગઈ હોય એમ લાગ્યું. આવીને એ બોલી.
“ ચા ઉકળે છે.. તુલસીના પાન વાડામાં લેવા ગઈ હતી એટલે મોડું થયું.સાહેબ થોડી વાર જ લાગશે.. બેસો તમે હમણા જ ચા આપું છું” કહીને એ વળી પાછી અંદર અદ્રશ્ય થઇ ગઈ!! નેહલ તો આજુબાજુ જોઈ જ રહી હતી. વેફર્સ ખવાઈ ગઈ હતી. ત્યાં પેલી સ્ત્રી દેખાણી. એક ડીશમાં બે મેલા ઘેલા કપ હતાં. એમાં ગરમાગરમ ચા હતી. કપ જોઇને જ સુકેતુનો મુડ ખરાબ થઇ ગયો. પણ નેહલે એનો હાથ દબાવ્યો એટલે એ શાંત રહ્યો. કચવાતા મને બેય કપ લઈને વળી પાછો એ ખુરશી પર બેઠો. એક કપ એણે નેહલને આપ્યો અને એક કપ એણે મોઢે માંડ્યો!!
“ તુલસી અને આદુના સ્વાદ વાળી અદ્ભુત ચા બની હતી. મેલાઘેલા કપનો ગુસ્સો જે હતો એ ઓગળી ગયો હતો. વરસાદી વાતાવરણમાં ગરમાગરમ ચા બનેના કાળજામાં એક અનેરો આનંદ આપી રહી હતી. ચા પીવાઈ ગયા પછી બિલ ચુકવવા સુકેતુ દુકાન પાસે ગયો. અને સોની નોટ પેલી સ્ત્રીને આપી. પેલી સ્ત્રી બોલી.
“ વિસ રૂપિયા છુટ્ટા આપોને મારી પાસે છુટ્ટા નથી” સુકેતુ એ બીજા વીસ રૂપિયા છુટ્ટા આપ્યા અને પેલી સ્ત્રીએ સો રૂપિયા પાછા આપ્યાં. સુકેતુ બોલ્યો.
“ બે વેફર્સ પણ લીધી છે એના પૈસા પણ લઇ લો”
“ વેફર્સના પૈસા જ લીધા છે.. ચાના પૈસા નથી લીધા” પેલી સ્ત્રી બોલી.
“કેમ ચાના પૈસા નથી લીધા”??? સુકેતુએ નવાઈથી પૂછ્યું.
“ ચા અમે વેચતા નથી.. આ તો આ છોકરા માટે દૂધ રાખ્યું હતું એમાંથી તમારે પીવી હતી એટલે બનાવી દીધી. બાકી ચા અમે વેચતા નથી એટલે એના પૈસા અમે નો લઈએને “ પેલી સ્ત્રી મક્કમતાથી બોલી. અને સુકેતુ એકદમ પથ્થરનું પુતળું બની ગયો. નેહલે પણ વાત સાંભળી અને એપણ દુકાન પાસે આવી ગઈ.
“ હવે તમે આ છોકરા માટે દૂધનું શું કરશો?? આટલામાં દૂધ ક્યાંથી મળશે??”
“તે એક દિવસ દૂધ નહિ મળે તો છોકરો કાઈ મરી નહિ જાય!! આ તો એના બાપા બીમાર છે નહીતર એ સાયકલ લઈને નજીકના શેરમાંથી દૂધ લઇ આવે..પણ એને તાવ આવે છે કાલનો પણ આજ રાતે મટી જાશે એટલે કાલ સવારે એ દૂધ લઇ આવશે. આ તો તમે માંગી ચા એટલે બનાવી દીધી” પેલી સ્ત્રી બોલી અને આ વાત સુકેતુના કાળજામાં ઉતરી ગઈ. નેહલ પણ ઘડીભર કાઈ બોલી ન શકી. છેલ્લે સુકેતુ બોલ્યો!!
“ અમે ડોકટર છીએ ક્યાં છે આ છોકરાના બાપા? ”
“ એ અંદર છે આવો” સ્ત્રી બોલી અને બને ડોકટર દંપતી અંદર ગયા. કાચા ઓરડામાં ગરીબાઈ આંટા લઇ ગઈ હતી. ચુલા પર અગ્નિ સળગતો હતો. તપેલી હજુ નીચે જ પડી હતી. જેમાં તેમના માટે આદુ અને તુલસી વાળી ચા બની હતી. એક ભાંગલા તૂટલાં ખાટલામાં એક નંખાઈ ગયેલો દેહ પડ્યો હતો. સુકેતુએ એ દર્દીના માથે હાથ ફેરવ્યો!! આખું માથું અને શરીર ધગી રહ્યું હતું. પોતાની ગાડીમાંથી એ તાવની દવા લઇ આવ્યો. એક બોટલ પણ આપી. નેહલ હેઠી બેસી ગઈ હતી. સુકેતુ દર્દીને તપાસી રહ્યો હતો. થોડી વાર પછી એ બોલ્યો.
“બહેન આ ટેબ્લેટસ થી કદાચ તાવ નહિ ઉતરે. બોટલ ચડાવવી પડશે. બીજા ઇન્જેક્શન આપવા પડશે. એક કામ કરું હું શહેરમાંથી બોટલ અને જરૂરી ઇન્જેક્શન લેતો આવું છું. નેહલ તું અહી બેસ આ બહેન પાસે” કહીને જવાબની અપેક્ષા રાખ્યા વગર જ એ પોતાની કાર લઈને ઉપડ્યો. અર્ધી કલાક પછી એ ઇન્જેક્શન અને બાટલા પણ લાવ્યો.સાથે દુધની પાંચ કોથળી અને સફરજન પણ લેતો આવ્યો. સ્ત્રીના પતિને ઇન્જેક્શન આપ્યાં અને બોટલ શરુ કરી. દુધની લાવેલ કોથળીમાંથી એક કોથળીની ચા પેલી સ્ત્રીએ બનાવી અને ફરથી સુકેતુ અને નેહલે ચા પીધી. પેલી સ્ત્રી અને એના પતિએ ડોકટરની સામે હાથ જોડ્યા!! પૈસા આપવાની કોશિશ કરી પણ નેહલ અને સુકેતુની આંખમાં આંસુ જોઈ ને એણે વધારે આગ્રહ ન કર્યો. વાતાવરણમાં એક મધુર પ્રસન્નતા છવાઈ ગઈ હતી. અને ફરીથી કાર ઉપડી મધ્યપ્રદેશની બોર્ડર પર!! વરસાદ રોકાઈ ગયો હતો. થોડીવાર પછી નેહલ બોલી.
“આગળ કોઈ જગ્યાએ તમને ભાવે એ ખાઈ લેજો. હું તો બે કપ ચા પીને ધરાઈ ગઈ છું.”
“મને પણ ભૂખ નથી. આવી ચા જીંદગીમાં ક્યારેય પીધી નથી” સુકેતુ બોલ્યો અને નેહલ તેની સામે મીઠું હસી. ગાડી આગળ ચાલી રહી હતી.
ત્રણ દિવસ મધ્યપ્રદેશમાંથી ફરીને તેઓ પાછા આવ્યાં હતા. ફરીથી એ પેલી દુકાન આગળ ઉભા રહ્યા હતા. નાના છોકરાઓ માટે એ ઘણા બધા રમકડા લાવ્યા હતા. સાથે દુધની કોથળીઓ પણ હતી. પેલી સ્ત્રીનો પતિ સાવ સાજો થઇ ગયો હતો. બને ખુબજ ભાવુક થઇ ગયા હતા. પોતાનું કાર્ડ આપ્યું અને ઘરે આવવા આમંત્રણ આપ્યું. ફરી એક વાર ચા પીને તેઓ પોતાના શહેર તરફ ચાલ્યાં.
સોમવારે દવાખાનું ખોલ્યું અને કેઈસ લખવા વાળાને બોલાવીને કીધું કે હવે તમારે દર્દીના ફક્ત નામ જ લખવાના છે. કેસ ફીના પૈસા દર્દી મારી પાસે આવશે ત્યારે હું લઇ લઈશ.
અને પછી સુકેતુ અને નેહલે સેવા શરુ કરી દીધી. ગરીબ અને જરુરીયામંદની તેઓ કશી જ ફી ના લેતા હા સુખી સંપન્ન હોય એની રાબેતા મુજબ ફી લેતા!! થોડાક સમયમાં જ આખા શહેરમાં આ ખબર ફેલાઈ ગઈ. ડોકટર એશોશિએશનના પ્રમુખ શર્મા તેમને મળવા ઘરે આવ્યા અને કહ્યું.
“ કેમ મોટો એવોર્ડ લેવો છે કે મહાન થઇ જવું છે?? તમે જે આ પ્રવૃત્તિ આદરી છે એ બીજા ડોકટરને હલકા દેખાડવા માટે છે. આ આપણા સંગઠન નાં નિયમ વિરુદ્ધ છે” સુકેતુ અને નેહલે તેને બધી જ વાત કરી અને છેલ્લે સુકેતુ બોલ્યો એ ડોકટર શર્માના અંતરમાં કોતરાઈ ગયું. સુકેતુ એ કહેલું.
“ જ્યારથી ભણતો આવ્યો છું ત્યારથી પહેલો નંબર લાવતો આવ્યો છું. મેડીકલ માં પણ કોલેજ પ્રથમ હતો. પણ તે દિવસે જીવનમાં સભ્યતા ની બાબતમાં એ સ્ત્રી મારી કરતાં આગળ નીકળી ગઈ!! પોતાના છોકરા માટે રાખેલ દુધની ચા બનાવીને પાઈ દીધી એ પણ સાવ નિસ્વાર્થ ભાવે!! હવે તમે જ વિચારો કે આ સુકેતુ પટેલ ગોલ્ડ મેડાલીસ્ટ સભ્યતા ની બાબતમાં પ્રથમ નંબર ના લાવી શકે!! હું તો ભણેલ ગણેલ સાધન સંપન્ન આદમી શું હું પેલી સ્ત્રી ની સભ્યતા ની આગળ હું ઉણો ઉતરું?? ક્યારેય નહિ હું કોઈ કાળે સભ્યતા ની બાબતમાં ક્યારેય ઓછો ઉતરીશ નહિ!! હું તો ઈચ્છું કે તમામ ડોકટરો આનું અનુસરણ કરે તો આ પવિત્ર વ્યવસાય પુરેપુરો ખીલી જશે ” અને ડોકટર શર્મા ને આ ડોકટર દંપતી પર આજે ખુબ જ ગર્વ થયો.
અત્યારે ઘણી બધી હોડ ચાલે છે. કોઈને પછાડવા ની તો કોઈને જડમુળ થી ટાળી દેવાની હોડ !! પણ જે દિવસથી આ જગત માં સભ્યતા ની બાબતમાં શ્રેષ્ઠ બનવાની હોડ ચાલશે તેજ દિવસથી જગત ખરેખર નંદનવન બની જશે .