The Pill - Webseries in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | પિલ - વેબસિરીઝ

Featured Books
Categories
Share

પિલ - વેબસિરીઝ

પિલ

- રાકેશ ઠક્કર

વેબસિરીઝ પિલજોયા પછી બે વાત કોઈપણ કહેશે. એક રિતેશ દેશમુખે કોમેડીને બદલે આવી ગંભીર ભૂમિકાઓ પર જ ધ્યાન આપવું જોઈએ. અને બીજી વાત કે ગાળો, અશ્લીલતા અને હિંસા વગર પણ વેબસિરીઝ બની શકે છે. મિર્ઝાપુર 3થી જે મનોરંજનની આશા હતી એ પૂરી થઈ નથી ત્યારે પિલથી અપેક્ષા વધુ પૂરી થાય છે. કેમકે આ એક સંપૂર્ણ પારિવારિક વેબસિરીઝ છે.

રિતેશ બોલિવૂડ અને મરાઠી સિનેમા પછી OTT ઉપર પહેલી જ વેબસિરીઝથી પ્રભાવ ઊભો કરવામાં સફળ રહ્યો છે. રિતેશ જ્યારે પણ ફિલ્મોમાં ગંભીર ભૂમિકાઓમાં આવ્યો છે ત્યારે સફળ જ રહ્યો છે. કોમેડી ટાઈમિંગ માટે જાણીતા રહેલા રિતેશ દેશમુખને મલ્ટીસ્ટારર ફિલ્મોમાં એના કામની ખાસ પ્રશંસા મળી નથી. પિલજોયા પછી રિતેશના અભિનય જ નહીં હિંમત માટે માન વધી જશે. એમ થશે કે એણે કોમેડીને બદલે આવી ગંભીર ભૂમિકાઓ જ વધારે કરવી જોઈએ. જોકે, એની કોમેડી જોવા માગતા ચાહકોને એણે નિરાશ કર્યા નથી. પિલ માં પત્ની સાથેના સંવાદોમાં એ કોમેડી કરે છે.

ચહેરાના ભાવ, બોડી લેન્ગ્વેજ અને સંવાદોથી રિતેશ ડૉક્ટર પ્રકાશને જીવી જાય છે. પહેલા જ દ્રશ્યથી તે જમાવટ કરે છે. એક દ્રશ્યમાં પ્રકાશને અધિકારી લાંચ આપવાની કોશિશ કરે છે ત્યારે તે એનું જે કારણ આપે છે એ દ્રશ્ય જબરદસ્ત છે. પવન મલ્હોત્રા ફાર્મા જાયન્ટની ભૂમિકા દમદાર રીતે નિભાવી જાય છે. અક્ષત ચૌહાણ, નેહા સરાફ, અંશુલ ચૌહાણ વગેરે પણ પ્રભાવિત કરે છે.

પિલમાં જે કોર્ટરૂમ ડ્રામા છે એવો અગાઉ ક્યારેય ક્યાંય જોવા મળ્યો નહીં હોય. કોઈ કોર્ટનું જીવંત પ્રસારણ થઈ રહ્યું હોય એટલું વાસ્તવિક લાગે છે. એટલે જ એની વાતો ડરામણી લાગી શકે છે. વેબસિરીઝ જોયા પછી એવો ડર જરૂર ઊભો થશે કે આપણે જે દવા ખાઈ રહ્યા છે એ યોગ્ય તો છે ને? અને એ જ નિર્દેશકની સફળતા છે. આ એક કાલ્પનિક વાર્તા હોવા છતાં એક દિશાનિર્દેશ આપી જાય છે. વેબસિરીઝમાં એ બતાવવામાં આવ્યું છે કે દવાની કેટલીક કંપનીઓ ક્લીનિકલ ટ્રાયલ વગર કે ફેક ટ્રાયલથી દવાઓ બજારમાં વેચવા મૂકી દે છે. ફાર્મા ઉદ્યોગના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દવાના કૌભાંડમાં બિઝનેસમેન, નેતા, પત્રકાર વગેરે ઘણા સામેલ હોય છે. કંપનીઓ પોતાના સ્વાર્થ માટે લોકોના આરોગ્યને જોખમમાં મૂકે છે એ બતાવ્યું છે.

રેડ અને નો વન કિલ્ડ જેસિકા જેવી ઉલ્લેખનીય ફિલ્મો આપી ચૂકેલા નિર્દેશક રાજકુમાર ગુપ્તાએ પિલ વેબસિરીઝમાં સારું કામ એ કર્યું છે કે છેલ્લા એપિસોડમાં વાર્તાનો અંત લાવી દીધો છે. અલબત્ત છેલ્લો એપિસોડ લાંબો છે અને અંત ધારી શકાય એવો છે. પણ બીજી સીઝન સુધી રાહ જોવાની જરૂર નથી. વેબસિરીઝના આઠ એપિસોડ છે અને એ નાના એટલે કે અડધા કલાકના જ હોવાથી દર્શકને જકડી રાખે છે. જીયો સિનેમા પર દરેક એપિસોડના અંતે એવી ટ્વીસ્ટ છે કે નવો જોવા માટે ઉત્સુકતા ઊભી થાય છે. એમાં ડ્રામા જબરદસ્ત હોવાથી ક્યાંય કંટાળો આવતો નથી. અને ખાસિયત એ છે કે વાર્તા કશું જ શીખવવાનો પ્રયાસ કરતી નથી પરંતુ દર્શક ઘણું બધુ જાણી જાય છે અને શીખે છે.

પિલ માં રજૂ થયેલી દવા ઉદ્યોગ પરની વાર્તા ઈમોશનલી દર્શકોને જોડે છે. એ સાથે માર્કેટ મેં મોત બાંટી જા રહી હૈ’, ‘હીરો સિર્ફ ફિલ્મોં મેં જીતતે હૈ હકીકત મેં તો દુનિયા સિર્ફ વિલન ચલાતે હૈ’, ‘જબ તક હારેંગે નહીં તબ તક માનેંગે નહીંઅને સન્નાટે મેં મરને સે અચ્છા હૈ કી શોર મચાયા જાયેજેવા સંવાદ પ્રભાવિત કરે છે. પિલ વેબસિરીઝ એના વિષય અને કલાકારોના અભિનયથી કંઈક નવું જોવા માગતા દર્શકોનું દિલ જીતી લે છે.