Bhagvat rahasaya - 110 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 110

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 110

ભાગવત રહસ્ય-૧૧૦

 

મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદાવનમાં એક મહાત્મા રહેતા હતા. એક વખત તે ધ્યાનમાં બેઠેલા હતા,ત્યારે એક ઉંદર આવી તેમની ગોદમાં ભરાયો.ઉંદરની પાછળ –બિલાડી પડી હતી. મહાત્માને દયા આવી. તેમણે ઉંદરને કહ્યું-તું મારી ગોદમાં છે. તને કોઈ મારી નહિ શકે.તું જે માંગીશ તે હું તને આપીશ. બોલ તારે શું થવું છે ? તું કહે તે પ્રમાણે તને બનાવી દઉં......

 

ઉંદરની બુદ્ધિ કેટલી ?તેણે વિચાર્યું-આ બિલાડી બહુ સુખ ભોગવે છે.હું બિલાડી બની જાઉં તો-પછી તેની બીક રહે નહિ.એટલે તેણે મહાત્માને કહ્યું –મને બિલાડી બનાવી દો. મહાત્મા એ કહ્યું-તથાસ્તુ....

એક દિવસ તે બિલાડીની પાછળ કૂતરો પડ્યો. બિલાડી રડતી રડતી મહાત્મા પાસે આવી-અને કહે-મને ખાતરી થઇ કે –બિલાડી થવામાં સુખ નથી. મને કૂતરો બનાવી દો....મહાત્માએ કહ્યું-તથાસ્તુ.....

 

થોડા દિવસ સુખ જેવું લાગ્યું.પણ એક દિવસ જંગલમાં કુતરાની પાછળ વાઘ પડ્યો. કુતરાએ વિચાર્યું-આના કરતા વાઘ થવું સારું.એટલે ફરી રડતો રડતો મહાત્મા પાસે ગયો. અને કહે મને વાઘ બનાવી દો. મહાત્મા એ કહ્યું-તથાસ્તુ.....વાઘ થયા પછી તેની બુદ્ધિ બગડી ગઈ. હિંસા કરતાં કરતાં તેની હિંસક વૃત્તિ જાગૃત થઇ ગઈ. તેણે વિચાર્યું-આ મહાત્મા –જો કોઈ દિવસ નારાજ થશે-તો પાછો મને ઉંદર બનાવી દેશે.માટે ચલ મહારાજ ને જ પતાવી દઉં. તો પછી કાયમનો વાઘ રહી શકીશ. મહાત્મા કહે-અચ્છા, બેટા,તું મને ખાવા આવ્યો છે? તું ઉંદર હતો એ જ સારું હતું.મહાત્માએ તેને પાછો ઉંદર બનાવી દીધો.

 

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- --  - --- - - - - - -- - - - - - - - - -

 

જરા વિચાર કરો-આ ઉંદર-બિલાડીની કથા નથી. આ આપણી જ કથા છે.

આ જીવ એક વખત ઉંદર હતો-એક વખત બિલાડી હતો.એક વખત કૂતરો કે પછી વાઘ હતો.

(માનવ- જીવન માં કદી કદી –આ વિવિધ પશુઓની જેવું જ વર્તન કરે છે-તે બતાવે છે-કે તે એક વખત આવો પશુ હતો) આ જીવ ની પાછળ કાળ પડ્યો છે. કાળ જીવને વારંવાર કચડે છે. અનેક યોનિઓમાં જીવ રખડતો રખડતો છેવટે તે-પ્રભુની ગોદમાં જાય છે. પ્રભુ કૃપા કરી-જીવને મનુષ્ય બનાવ્યો. પવિત્ર વિચાર કરવા મન-બુદ્ધિ આપ્યાં. કે જેથી તે કાળ અને કામ પર વિજય મેળવી શકે. પ્રભુએ વિચાર્યું-તે કાળ પર વિજય મેળવી મારી શરણમાં આવશે.

 

પણ માનવ થાય પછી-કુસંસ્કાર અને કુસંગથી માનવ –એવો બગડે છે (વાઘ બની જાય છે) કે જેણે તેને બનાવ્યો,તેને જ તે માનતો નથી. કહે છે-હું ઈશ્વરમાં માનતો નથી,

ભગવાન તે વખતે વિચારે છે-કે બેટા તું ક્યાં જઈશ ? હું તને ફરી થી ઉંદર બનાવી દઈશ.

 

પરમાત્માએ માત્ર –મનુષ્યને જ બુદ્ધિ (શક્તિ) આપી છે. પશુને પોતાના સ્વ-રૂપનું ભાન નથી. ત્રણ વર્ષ પછી તો તે ભૂલી જાય છે-કે આ મારી મા છે-કે આ મારો બાપ છે. જેને પોતાના સ્વ-રૂપનું ભાન નથી તે આત્મ-સ્વ-રૂપને ક્યાંથી જાણી શકે ? આ મનુષ્ય જન્મ  –તેની પાસે બુદ્ધિ હોવાથી- જો-તે-ઈશ્વરને ઓળખવાનો-ઈશ્વર નો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન ના કરે-તો-ચોર્યાસી લાખ ના ચક્કર માં તે ફરે છે. તે ફરી ફરી સંસાર માં રખડે છે.જન્મ-મરણનું દુઃખ તે ભોગવે છે. અને આ દુઃખ છે ત્યાં સુધી તે જીવને શાંતિ પ્રાપ્ત થતી નથી.