Bhagvat rahasaya - 103 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 103

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 103

ભાગવત રહસ્ય-૧૦૩

 

મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી મનની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. માટે કોઈ મંત્રનો જપ કરો.

પરમાત્માના બે સ્વરૂપો છે.સગુણ સ્વરૂપ એવું તેજોમય છે-કે આપણા જેવા સાધારણ જીવો તે સહન કરી શકે નહિ,જોઈ શકે નહિ.નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ-એટલું સૂક્ષ્મ છે-કે જે હાથમાં આવતું નથી.આંખને દેખાતું નથી,માત્ર બુદ્ધિથી તેનો અનુભવ થઇ શકે.

 

તેથી આપણા જેવા માટે –તો ભગવાનનું નામ સ્વરૂપ-મંત્ર સ્વરૂપ અતિ ઉત્તમ છે.

ભગવાન ભલે પોતાના સ્વરૂપને છુપાવી શકે-પણ નામને છુપાવી શકતા નથી. નામસ્વરૂપ પ્રગટ છે.

પરમાત્માના કોઈ પણ નામનો દૃઢ આશ્રય કરો.મનશુદ્ધિ મંત્ર વગર થતી નથી. ધ્યાન સાથે જપ કરો.

લૌકિક વાસનામાં ફસાયેલું મન બગડે છે,અલૌકિક વાસનામાં મન ફસાય તો મન સુધરે છે.

કોઈ વ્યક્તિને મળવાની વાસના –એ મનને બગાડે છે.પરમાત્માને મળવાની વાસના -મનને સુધારે છે.

વાસનાનો નાશ વાસનાથી જ થાય છે.

 

જે શસ્ત્રથી હિંસા થાય છે-તે જ શસ્ત્રથી જીવન મળે છે. ડોક્ટરો વાઢ-કાપના શસ્ત્રોથી જીવન આપે છે.

કાંટાથી જે રીતે કાંટો કઢાય છે,તેજ રીતે અસદ-વાસનાનો વિનાશ સદ-વાસનાથી થાય છે.લૌકિક વાસના

(જગતની વાસના) માં ફસાયેલું મન અલૌકિક વાસના(પ્રભુની વાસના) માં ફસાય, તેને જ –ભક્તિ કહે છે.

માતા દેવહુતિને કપિલદેવ કહે છે-કે-મા તું તારા મનને સાચવજે,તારા મનને કોઈ મંત્રમાં રાખજે.

મન કોઈ પાપ કરે તો તેને સજા કરજે. મનથી પાપ થાય તો તે મન પ્રભુમાં સ્થિર રહેતું નથી.

ઉદાહરણ થી આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ.

 

એક રાજાને ત્યાં એક બકરો હતો.રાજાએ એક વખત જાહેર કર્યું-કે-આ બકરાને પેટ ભરીને જંગલમાંથી ચરાવી લાવી તૃપ્ત કરશે,તેને પેટ ભરીને ખવડાવશે-તેને હું મારું અડધું રાજ્ય આપીશ. બકરાનું પણ પેટ ભરાયું છે કે નહિ –તેની પરીક્ષા હું જાતે કરીશ.જાહેરાત સાંભળી એક માણસ રાજા પાસે આવ્યો.બકરાને પેટ ભરીને ખવડાવવું-એમાં શી મોટી વાત છે ? એમ કહી રાજા પાસેથી બકરો લઇ ગયો. આખો દિવસ બકરાને ખુબ ખવડાવ્યું.સાંજ પડી એટલે તે માણસને લાગ્યું-કે આજે તો બહુ ચરાવ્યો છે-એટલે બકરાને લઇ રાજા પાસે આવ્યો. રાજાએ જ્યાં થોડું લીલું ઘાસ બકરા પાસે મુક્યું-કે બકરો ઘાસ ખાવા માંડ્યો.રાજા કહે છે-કે-તેં ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે ?પેટ ભરીને જો ખવડાવ્યું હોત તો બકરો ઘાસ ખાય જ નહિ!!!!

આવી જ ઘણા માણસોએ પ્રયત્ન કરી જોયા. બકરાને ખુબ ખવડાવે,પણ જ્યાં દરબારમાં લાવે અને રાજા બકરાને ઘાસ નાખે ,એટલે બકરો ઘાસ ખાવા માંડે. તેના પેટમાં અજીરણ થયું હોય તો પણ ઘાસમાં મોઢું નાખે. બકરાને એવી આદત હતી-ટેવ હતી -કે-ઘાસ દેખાય એટલે મોઢું નાખવું.

એક બુદ્ધિશાળી માણસને લાગ્યું-કે રાજાની આ જાહેરાત પાછળ રહસ્ય છે,તત્વ છે. હું યુક્તિથી કામ લઈશ.

તે બકરાને ચરાવવા લઇ ગયો. બકરો જ્યાં ઘાસ ખાવા જાય –કે-તરત તેના મોઢા પર લાકડીનો ફટકો મારે.બકરાએ જેટલી વાર ઘાસ ખાવા પ્રયત્ન કર્યો-તેટલી વાર લાકડીના ફટકા મોઢા પર પડ્યા.

 

અંતે બકરાને ઠસી ગયું કે-ઘાસ માં મોઢું નાખીશ તો માર પડશે.આખો દિવસ બકરાને જે માર પડ્યો,તે ઘાસમાં મોઢું નાખવાનું ભૂલી ગયો.સાંજના બકરાને લઇ તે માણસ રાજા પાસે આવ્યો.બકરાને બિલકુલ ઘાસ ખવડાવ્યું નહોતું, છતાં રાજાને કહે છે-કે –મેં આજે એને પેટ ભરીને ખવડાવ્યું છે-આપ પરીક્ષા કરી જુઓ. રાજાએ ઘાસ નાખ્યું, પણ બકરાએ મોં ફેરવી લીધું.ઘાસ તરફ જોતો પણ નથી.

બકરાના મનમાં ઠસી ગયું હતું કે –ઘાસ ખાવા જઈશ તો માર પડશે. બકરો ઘાસ ખાતો નથી.

અહીં-બકરો –એ બીજું કોઈ નહિ –પણ મન એ જ બકરો છે. આ મણીરામ (મન) બકરા જેવો છે. બકરાને ચરાવવા લઇ જનારો એ જીવાત્મા છે. રાજા એ પરમાત્મા છે. બકરો-મેં,મેં,- કરે છે-તેવી જ રીતે મનુષ્યનું મન પણ-મેં,મેં-કરે છે.આ મારું-આ હું-આ તારું......આ મનરૂપી બકરાને કોઈ પેટ ભરી ખવડાવી શકે નહિ, આ મનરૂપી બકરાને બહુ ખવડાવશો,પણ તે કોઈ દિવસ ધરાશે નહિ.તેને માર પડશે તો જ તે માનશે. મનને મારો,તેના પર અંકુશ રાખો. મન સુધરે તો જીવન સુધરે.

 

મનને વિવેકરૂપી લાકડી રોજ મારો. જીવને તૃપ્તિ ભોગમાં નથી,તૃપ્તિ ત્યાગમાં છે.

(ગીતામાં લખ્યું છે-કે –આ ચંચળ મનને અભ્યાસ અને વૈરાગ્યથી વશ કરી શકાય છે.)

કપિલદેવ કહે છે-મા, અનાદિકાળથી,આ મન સંસારમાં ભટકતું આવ્યું છે, કુસંગથી મન બગડે છે,સત્સંગથી મન સુધરે છે.પ્રભુ પ્રેમ માં રંગાયેલા સંતોનો વારંવાર સત્સંગ મનને સુધારે છે.