ભાગવત રહસ્ય-૧૦૨
શરીરમાં દસ ઇન્દ્રિયો છે. અને આ દરેક ઇન્દ્રિયોના વિષયો છે. જેમ કે જીભનો વિષય એ –રસ-છે.આ ઇન્દ્રિયો વિષયનું ચિંતન કરે છે,એટલે મન તેમાં ફસાય છે. મન હવે-તે વિષયોનું ચિંતન કરતાં કરતાં વિષયાકાર બને છે.
વિષયો જયારે –મન માં પ્રવેશે છે-એટલે-અહંતા,મમતા આવે છે.
મન જયારે માને છે -કે આ મારો છે-ત્યારે સુખ થાય છે, અને પછી મન તેની જોડે મમતા કરે છે, અને મનુષ્યને માર ખવડાવે છે.
ઉદાહરણ તરીકે જોઈએ-તો –એક ઘરમાં ઉંદર પણ રહે છે અને પાળેલો પોપટ પણ રહે છે. એક દિવસ બિલાડી આવે છે-અને ઘરમાંથી ઉંદરને પકડી ને લઇ જાય છે.ત્યારે ઘરનાં કોઈને દુઃખ થતું નથી,ઉપરથી રાજી થાય છે. એક ઉંદર ઓછો થયો.પણ બીજા દિવસે બિલાડી આવે છે અને ઘરમાંથી પોપટ ને લઇ જાય છે. તો ઘરનાં બધા દુઃખી થઇ જાય છે.ઉંદરમાં મમતા નહોતી-એટલે દુઃખ ન હોતું. પોપટમાં મમતા હતી એટલે દુઃખ થયું.
આવી જ રીતે મનના બીજા એક ખેલમાં “મારું અને તારું “ છે.મન જયારે એમ માને કે –આ મારું –છે-તો પછી તે કોઈ જ જાતનો દ્વેષ કરતુ નથી. ‘મારા’ જોડે પ્રેમ કરવા માંડે છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો-રાત્રે અગિયાર વાગે ઘરમાં બ્રાહ્મણ અતિથી આવ્યા- તો-
ગૃહિણી કહેશે,-મહારાજ,ચા કે દૂધ -શું લેશો ?તમને તો અમારા હાથનું નહિ ચાલે.
મનમાં વિચારે છે કે-આખો દિવસ કામ કરી –શરીર થાકી ગયું છે ને -અત્યારે આ લપ વળી ક્યાંથી આવી ?
મહારાજ સરળ હતા-તે કહે કે –દૂધમાં લોટ બાંધી થોડી પૂરી કરી નાખો.
એટલે ગૃહિણી –રસોડામાં જઈ પહેલો તવેતો પછાડશે-અને પછી કરશે.
પણ જો અગિયાર વાગે પોતાનો ભાઈ-પિયરથી આવ્યો હોય તો-ચહેરો ખિલી જાય છે. ભાઈ કહેશે કે-નાસ્તો કરીને આવ્યો છું,ભુખ નથી. છતાં કહેશે-ભાઈ તું ભૂખ્યો,હોઈશ,હમણાં જ શીરો હલાવી નાખું છું. શીરો –પૂરી કરી પ્રેમથી જમાડશે.આ ભાઈ-“મારો”-છે- અને પેલો-મહારાજ-‘મારો’ નથી.
કપિલદેવ કહે છે-કે-મા, આ જીવના બંધન અને મોક્ષનું કારણ મન ને જ માનવામાં આવ્યું છે.
મન નિર્વિષય બને તો-મુક્તિ અને મન વિષયી બને તો બંધન.મન જો વિષયોમાં આસક્ત થાય તો-બંધનનું કારણ બને છે,પણ એ જ મન જો-પરમાત્મામાં આસક્ત થાય તો મોક્ષનું કારણ બને છે.
મા, જગત બગડ્યું નથી,મન બગડ્યું છે.મન વિષયોનું ચિંતન કરે તો શત્રુ છે,અને પરમાત્માનું ચિંતન કરે તો મિત્ર છે.જે મન બંધન કરે છે-તે જ મન મુક્તિ આપે છે.
કોઈ કહેશે-કે-એક જ મનથી બંધન અને એક જ મનથી મુક્તિ કેવી રીતે મળે ? ઉદાહરણ થી જોઈએ તો-
જે ચાવીથી તાળું બંધ થાય છે-તે જ ચાવીથી તાળું ખુલે છે.પરસ્પર વિરુદ્ધ કામ –એક જ ચાવી કરે છે.
પાણીથી કાદવ થાય છે-અને જે પાણીથી કાદવ થાય છે-તે જ પાણીથી કાદવ ધોવાય છે.
મનને આધીન રહેશો તો એ શત્રુ છે-મનને આધીન કરશો-તો એ મિત્ર છે.
મન એ પાણી જેવું છે,પાણી જેમ ખાડા તરફ જાય છે તેમ વિના કારણ મન પણ નીચે ખાડામાં જાય છે.
પાપ કરવાની કોઈને પ્રેરણા કરવી પડતી નથી-ત્યારે-પુણ્ય કરવાની પ્રેરણા કરવી પડે છે.
મન અધોગામી છે. જે મન પ્રભુ પાસે જતું નથી,તે મન ખાડામાં જ પડે છે.
મન વિના કારણ પરસ્ત્રી,પરધનનું ચિંતન કરે છે. 'આ બંગલો બહુ સુંદર છે. બંગલો બહુ સુંદર છે'-પણ તને કોઈ આપવાનું છે ? આસક્તિપૂર્વક પરસંપત્તિ નું ચિંતન કરવું એ માનસિક પાપ છે. નિશ્ચય કરો કે-જે વસ્તુ મારી નથી,જે વસ્તુ સાથે મારો સંબંધ નથી,તેનું ચિંતન શા માટે કરવું ?
પાણી જેવું,અધોગામી મન નીચેની તરફ જાય છે,ઉંચે ચડતું નથી. આ મનને ઉપરની બાજુ પ્રભુના ચરણ સુધી લઇ જવા શું કરવું ? પાણીને યંત્ર (મોટર) નો સંગ થાય તો –પાણી પાંચમા માળ સુધી ચડે છે-તેમ મનને મંત્ર નો સંગ આપો.પાણીને યંત્રનો તો મનને મંત્રનો સંગ!!
મનને મંત્રનો સંગ થાય તો તે ઉર્ધ્વગામી બનશે. પ્રભુના ચરણ સુધી પહોચશે.
મનને સુધારવા બીજું કોઈ સાધન નથી.મનને ઉલટું કરવાથી થશે નમ. નમ અને નામ –મનને સુધારશે.