Bhagvat rahasaya - 100 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 100

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 100

ભાગવત રહસ્ય-૧૦૦

 

આ શરીરને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,છતાં વિવેક રહેતો નથી.

શરીરની ચામડી ઉખડી જાય –તો શરીર સામું જોવાની ઈચ્છા થશે નહિ.તેમ છતાં સ્પર્શસુખમાં માનવી સુખ માને છે.સંસારનું સુખ –દરાજ(ચામડીનો એક રોગ) ને ખંજવાળવા જેવું છે.દરાજને જેટલો વખત ખંજવાળો –ત્યારે સુખ જેવું લાગે છે.પણ ખંજવાળવાથી નખના ઝેરથી દરાજ વધે છે.

 

જગતના પદાર્થોમાં આનંદ નથી,આનંદનો આભાસ માત્ર છે. આ જગત દુઃખરૂપ છે.

ગીતા માં કહ્યું છે-

ક્ષણભંગુર(અનિત્ય).સુખ વગરના, આ જગતને પ્રાપ્ત કરીને –પણ-તું મારું જ ભજન કર (ગીતા-૯-૩૩)

જે સુખ- વિષય અને ઇન્દ્રિયોના સંયોગથી થાય છે,તે આરંભમાં (ભોગકાળમાં) અમૃત સમાન લાગે છે, પણ પરિણામમાં તે વિષ (ઝેર) સમાન છે, એટલે –આ સુખને રાજસ-સુખ કહેવામાં આવ્યું છે. (ગીતા-૧૮-૩૮)

 

મા, જો શરીરમાં આનંદ હોય-તો તેમાંથી પ્રાણ નીકળી ગયા પછી-તેને લોકો સાચવી કેમ રાખતા નથી ?

 - - - - - -

ઉલટું કહે છે-જલ્દી લઇ જાવ,નહીતર વજન વધી જશે. પત્ની, પણ એના પતિના મૃત શરીરની નજીક જતાં ડરે છે.શરીરમાં આંખ,નાક કાન,મોઢું અને ચામડીમાંથી દુર્ગંધ જ આવે છે,છતાં માનવી કહે છે-શરીર સુંદર છે,શરીર સુખ આપે છે.

 

વિષયો જડ છે. જડ પદાર્થમાં આનંદ કેવી રીતે હોઈ શકે ? જડ પદાર્થમાં આનંદ-ચૈતન્ય (પ્રભુ) ના સ્પર્શથી ભાસે છે.જીવ -જીવને મળે તો સુખ થાય છે, પણ મડદાને મળવાથી સુખ થતું નથી.(મડદામાં જીવ નથી)

શરીર -શરીરને મળે જો સુખ થતું હોય તો મડદાને મળવાથી સુખ થવું જોઈએ.

બે શરીરના સ્પર્શથી સુખ નથી મળતું –પણ બે પ્રાણ (જીવ) ભેગા થાય છે,એક થાય છે,એટલે સુખ જેવું લાગે છે.જો બે પ્રાણ મળવાથી સુખ થાય છે-તો અનેક પ્રાણો જેમાં મળેલા છે –તે પરમાત્માને મળવાથી કેટલો આનંદ થાય !!!

બહિર્મુખ (બહાર ભટકતું) મન જયારે અંતર્મુખ બને,એકાગ્ર થાય ત્યારે આત્માનું તેમાં પ્રતિબિંબ પડે છે, ને જ્યાં સુધી મનની એકાગ્રતા રહે (તરંગ વગરનું રહે) ત્યાં સુધી આનંદનો ભાસ થાય છે. પણ મન ચંચળ છે, જેવા મનમાં તરંગ થયા, જેવું મન વ્યગ્ર થયું કે –તે આનંદ ઉડી જાય છે.

આનંદ એ આત્માનું સહજ સ્વરૂપ છે, જેવી રીતે પાણીની શીતળતા તેનું સહજ સ્વરૂપ છે તેમ.

 

પાણીને અગ્નિ અડે તો તે ગરમ થાય છે-પણ અગ્નિ દૂર જવાથી પાછું ઠંડું થાય છે.

એમ આનંદ આત્મામાં જ છે-અંદર જ છે. અને જો આત્મા અને પરમાત્માનું મિલન થાય તો પરમાનંદ છે.

દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે,દીવાનું તેલ ખૂટે એટલે દીવો શાંત બને છે. તે પ્રમાણે જ-

મન માં સંસાર હોય-ત્યાં સુધી જ મન બળે છે. મનમાં સંસાર ના રહે તો –મન શાંત થાય છે.

 

ધ્યાનમાં રાખો-કે-બહારનો સંસાર દુઃખ આપતો નથી,પણ મનમાં રહેલો સંસાર દુઃખ આપે છે.

નિંદ્રામાં જેમ મન –નિર્વિષય થાય છે-તેવું-જ જો જાગ્રત અવસ્થામાં પણ મન-નિર્વિષય રહે તો –શાંતિ મળે છે.

નિંદ્રામાં જેવું નિર્વિષય મન રહે છે-તેવું મન બનાવવું હોય તો-મનના વિકારોને બહાર ધકેલી દો કે મનમાં બીજું કાંઇક ભરો.જેમ કે મન ને પરમાત્માના પ્રેમ થી ભરી દો-એટલે ત્યાં રહેલો સંસાર નીકળી જશે.

 

સંસારમાં જો આનંદ હોય તો –તેને છોડીને કોઈ ને સુવાની ઈચ્છા થાય જ નહિ.નિંદ્રામાં નથી કંઈ ખાવાનું મળતું,નથી પીવાનું મળતું,નથી પૈસો મળતો,-પણ અલૌકિક શાંતિ-આનંદ મળે છે. તે શાંતિ કોણ આપે છે ?

અતિકામી,અતિલોભી હોય પણ સર્વ કંઈ છોડીને –સુઈ જાય ત્યારે તેને શાંતિ મળે છે.ગમે તેટલી સુખ-સંપત્તિ હોય-પણ તેને જો નિંદ્રા ન આવે તો –તે દુઃખી થાય છે.