Bhagvat rahasaya - 99 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 99

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 99

ભાગવત રહસ્ય-૯૯

 

હવે કપિલ ગીતાનો પ્રારંભ થાય છે. આ દિવ્ય પ્રસંગ છે.દીકરો મા ને ઉપદેશ આપે છે.ભાગવતનું આ અગત્યનું પ્રકરણ છે.તેના નવ અધ્યાય છે. કપિલ ગીતા નો પ્રારંભ અધ્યાય -૨૫ થી છે. તેમાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ છે.

ત્રણ અધ્યાયમાં પહેલાં વેદાંતનું જ્ઞાન કહ્યું છે. ત્યાર બાદ ભક્તિનું વર્ણન કર્યું છે.

તે પછી સંસારચક્રનું વર્ણન આવે છે.

 

એક દિવસ માતા દેવહુતિએ વિચાર્યું-કે-જયારે કપિલનો જન્મ થયેલો ત્યારે બ્રહ્માજીએ કહેલું કે-

આ બાળક સાક્ષાત નારાયણનોં અવતાર છે. આ બાળક મા નો ઉદ્ધાર કરવા આવ્યો છે. તેમને હું પ્રશ્ન પૂછીશ તો તે જવાબ આપશે.દેવહુતિ કપિલ ભગવાન પાસે આવ્યા છે.સદભાવથી વંદન કરી કહ્યું-આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે.કપિલ ભગવાન કહે છે-કે- મા સંકોચ ના રાખો.તમારે જે પૂછવું હોય તે પૂછો.મા,તમે જે પુછશો,તેનો ઉત્તર હું કહીશ.

દેવહુતિ એ પ્રથમ શરણાગતિ લીધી છે. (ઈશ્વરની શરણાગતિ (અહં ના નાશ) વગર ઉદ્ધાર થતો નથી.)

 

દેવહુતિએ પ્રશ્ન કર્યો છે-કે-આ જગતમાં સાચો આનંદ છે કે નહિ ? અને હોય તો ક્યાં છે ? તે બતાવો.

જે આનંદનો વિનાશ ન થાય તેવો આનંદ બતાવો. જગતમાં સાચું સુખ શું છે ? તે કહો.

આં ઇન્દ્રિયોના લાડ અનેક વખત કર્યા છે,શરીર રોગી થાય છે,પણ વાસના શાંત થતી નથી. મનને શાંતિ મળતી નથી.આ ઇન્દ્રિયો બહુ ત્રાસ આપે છે. આ વાસના મને બહુ પજવે છે.

 

વૃદ્ધાવસ્થામાં પણ વાસના જુવાન રહે છે. વાસના એ ભિખારણ જેવી છે,તેને જેમ જેમ ખવડાવો,તેમ તેમ તેની ભુખ વધે છે.આ વાસના રાક્ષસી એવી છે-એને જે ખવડાવે છે-તેને જ તે ખાઈ જાય છે. ઇન્દ્રિયો રોજ રોજ નવા વિષયો માગે છે,જીભ રસસુખ તરફ ખેંચે છે,આંખ રૂપના સુખ તરફ ખેંચે છે,ત્વચા સ્પર્શના સુખ તરફ ખેંચે છે,ઇંદ્રિયો થોડું સુખ આપે છે-પછી દુઃખના ખાડા માં ધકેલી દે છે.

 

કેટલાક લોકો યાદ રાખે છે-કે-બે મહિનાથી ઢોકળાં ખાધાં નથી. અરે...તમે બે માસથી ઢોકળાં ખાધાં નથી તે યાદ રાખો છો –પણ-આજ સુધી માં કેટલાં ખાધાં તે યાદ રાખતા નથી.આજ સુધી માં બે ચાર મણ ઢોકળાં પેટમાં ગયાં હશે.કદાચ ઢોકળાં ખવડાવી જીભને રાજી કરો તો –આંખો કહેશે-બે માસથી ફિલ્મ જોઈ નથી. આ વિચાર કરો ત્યાં સ્ત્રી કહે કે-પાડોશીઓ તો મહિનામાં બે-ચાર વાર જોવા જાય છે. આ નવું ફિલ્મ તેઓ ક્યારના ય જોઈ આવ્યા,આપણે ક્યારે જઈશું ?

 

સુધરેલા લોકો માને છે-કે-હોટેલનું ખાઈએ,અને સિનેમા જોવા જઈએ –એટલે અમે સુખી છીએ. સાચાં સુખની કોઈને ખબર નથી.કેટલાંક કહે છે-કે અમે ધાર્મિક ફિલ્મો જોઈએ છીએ. પણ શું રામનો પાઠ ભજવનાર રામ જેવો હોય છે ? કેટલાક કહે આખો દિવસ કામ કરીને થાક લાગ્યો હોય તો કોઈ મનોરંજન તો જોઈ ને ? શૃંગારના ચિત્રો જોવાથી મનોરંજન થતું નથી પણ મન બગડે છે,મન ચંચળ થાય છે,મનની શક્તિઓનો નાશ થાય છે. ફિલ્મ જોવાથી થાક ઉતરતો નથી,પણ થાક લાગે છે.

શંકર સ્વામીએ એક જગ્યાએ –આ ઇન્દ્રિયોને ચોર કહી છે. વિવેક રૂપી ધન –ઇન્દ્રિયો ચોરીને લઇ જાય છે.

ઇન્દ્રિયો ચોર કરતા યે વધુ ખરાબ છે, ચોર તો જેના આધારે હોય – જેના ઘરમાં રહેતો હોય-તેના ત્યાં ચોરી કરતો નથી, જયારે ઇન્દ્રિયો તો –પોતાના પતિ આત્માને છેતરે છે.(ઇન્દ્રિયો આત્માના આધારે રહે છે.)

આત્મા શક્તિ આપે છે-------બુદ્ધિ ને, બુદ્ધિ-મન ને, અને મન-ઈન્દ્રિયોને.

ઇન્દ્રિયો -જે આત્માના આધારે, જીવે છે-તે આત્માનું જ વિવેકરૂપી ધન લુંટીને લઇ જાય છે.

 

દેવહુતિ –કપિલ ભગવાનને કહે છે-મને શાંતિનો માર્ગ બતાવો, હું સ્ત્રી છું, હું સમજી શકું તેવી સરળ ભાષામાં સમજાવો.કપિલ ભગવાનને આનંદ થયો. બોલ્યા: મા તેં સુંદર પ્રશ્ન કર્યો છે.કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા –એ-જ મહાન દુઃખ છે. જે સંસાર  જડ પદાર્થો સુખ આપે છે-તે જ દુઃખ આપે છે.

જેને બીજાથી સુખ મળે છે,તે દુઃખી થાય છે. સંસાર સુખ-દુઃખથી ભરેલો છે. જેને સુખ ભોગવવું છે,તેને દુઃખ ભોગવવું પડે છે.સુખની પાછળ દુઃખ ઉભું જ છે. સુખ-દુઃખ સગા ભાઈઓ છે.

આનંદ એ બહાર નથી,આનંદ એ તો અંદર છે.પરમાત્મા આનંદ સ્વરૂપ છે,પરમાત્મા સર્વમાં ચૈતન્યરૂપે રહેલા છે.મા,આનંદ કોઈ જડ પદાર્થમાં રહી શકતો નથી. આનંદ એ તો આત્માનું સ્વરૂપ છે.

અજ્ઞાનથી મનુષ્ય, જડ પદાર્થમાં આનંદ શોધે છે. સંસારના પદાર્થો જડ હોવાથી જીવને આનંદ આપી શકતા નથી.તે આનંદ આપતા નથી,પણ થોડું સુખ આપે છે. જેને સુખ ભોગવવાની ઈચ્છા નથી તેને આનંદ મળે છે.

જે સુખ આપે છે-તે દુઃખ પણ આપશે. પરંતુ ભગવાન હંમેશા આનંદ આપશે.

આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે,ચેતન પરમાત્મા આનંદ આપે છે.