Bhagvat rahasaya - 98 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 98

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 98

ભાગવત રહસ્ય- ૯૮

 

નવ કન્યાઓના જન્મ પછી કર્દમ સંન્યાસ લેવા તૈયાર થયા. દેવહુતિ ગભરાયા.

કર્દમ કહે છે-કે મેં તારા પિતાને કહ્યું હતું –કે સંન્યાસ લઈશ.હું કઈ નવી વાત કરતો નથી.દેવહુતિ કહે છે-નાથ,હું પણ ત્યાગ કરવા તૈયાર છું. પણ આપે પ્રતિજ્ઞા કરેલી કે –એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ.તો હજુ પુત્ર નો જન્મ થયો નથી, આ નવ કન્યાઓ અને મારી દેખભાળ કોણ રાખશે ?

 

કર્દમ કહે છે-કે-મને ભગવાને વચન આપ્યું છે-હું તારે ત્યાં પુત્ર રૂપે જન્મીશ.-પણ હજુ સુધી તે કેમ પધારતા નથી ? આપણે વિલાસી જીવન ગાળવા લાગ્યા તે સારું નથી. વિલાસી જીવથી ભગવાન દૂર રહે છે.

સરસ્વતીને કિનારે સાદું જીવન જીવી,કંદમૂળ ખાતા હતાં-તેવું સાત્વિક જીવન ગાળીએ તો જ ભગવાન પધારે.

 

કર્દમ-દેવહુતિએ વિમાનનો ત્યાગ કર્યો, વિલાસી જીવનનો અંત કર્યો. પછી અનેક વર્ષ સુધી પરમાત્માનું આરાધન કર્યું.તે પછી દેવહુતીના ગર્ભમાં સાક્ષાત નારાયણ પધાર્યા છે. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે.

યોગીઓના અને સાધુઓના આચાર્ય પ્રગટ થવાના છે. કપિલ નારાયણનાં દર્શન કરવા બ્રહ્માદિક દેવો કર્દમ ના આશ્રમમાં આવ્યા છે.કારતક માસ,કૃષ્ણ પક્ષ અને પંચમીને દિવસે કપિલ ભગવાન પ્રગટ થયા છે.

 

બ્રહ્માજી એ કર્દમને ધન્યવાદ આપ્યા છે.તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો. બાળકના પગમાં કમળનું ચિહ્ન છે,તેથી માનુ છું –તે ભગવાનનો અવતાર છે.તમે જગત પિતાના પણ પિતા બન્યા છો.

તે- માતાને નિમિત્ત કરીને-જગતને તત્વજ્ઞાનનો ઉપદેશ કરશે. મા ને સદગતિ આપશે.

કર્દમ કહે છે-દીકરો આવ્યો તેથી આનંદ છે-પણ આ નવ કન્યાઓની ચિંતા થાય છે.

બ્રહ્મા નવ ઋષિઓને સાથે લાવેલા. એક એક ને એકેક કન્યા વળાવી છે.અત્રિ ને અનસુયા આપી,વશિષ્ઠ ને અરુંધતી આપી..વગેરે...કર્દમઋષિએ વિચાર કર્યો કે હવે માથેથી બોજો ઉતરી ગયો.પ્રભુની કૃપા અપાર છે.

 

કપિલ ધીરે ધીરે મોટા થયા. એક દિવસ પિતા –કર્દમ -પુત્ર પાસે આવી સંન્યાસ લેવાની આજ્ઞા માગે છે.

કપિલે કહ્યું-પિતાજી,તમારો વિચાર બહુ સુંદર છે.બહોત ગઈ અને થોડી રહી. સંન્યાસ લઇ તમે પરમાત્માનું ધ્યાન કરો. સંન્યાસ લીધા પછી –મારી મા નું –કે સંસારનું ચિંતન કરશો નહિ. હું મારી મા ને સાચવીશ. વૈરાગ્યથી સન્યાસી દીપે છે.

કર્દમઋષિએ- ગંગા કિનારે સંન્યાસ લીધો.પરમાત્મા માટે સંસાર ના સર્વ સુખોનો ત્યાગ-એ જ સંન્યાસ.

સંન્યાસની વિધિ બરાબર થાય તો જોનારને પણ વૈરાગ્ય આવે છે.

પ્રથમ પ્રાયશ્ચિત કરવું પડે છે. જે દિવસે સંન્યાસ લેવાનો હોય –તે દિવસે ગંગામાં ૧૦૮ વાર સ્નાન કરવું પડે છે.

છેલ્લા સ્નાન વખતે-શિખા (ચોટી), સૂત્ર (જનોઈ) અને વસ્ત્રનો પણ ત્યાગ કરવો પડે છે. લંગોટી પણ ફેંકી દઈ –નગ્ન અવસ્થામાં પાણીની બહાર આવવું પડે છે. તે પછી બહાર જે કોઈ કુટુંબીજનો આવ્યા હોય-તેમને વંદન કરવાં પડે છે. પત્નીમાં પણ માતૃભાવ રાખવો પડે છે.પત્ની તે વખતે –પતિને વસ્ત્ર આપે છે-પત્ની તે વખતે કહે છે-કે-તમે આજ થી વાસનારહિત થયા છો.તમને લંગોટીની જરુર નથી,પણ લોક લજ્જાના માટે તમે લંગોટી ધારણ કરો.તે લંગોટી પહેરીને પછી-દેવ,બ્રાહ્મણ,સૂર્ય,અગ્નિ,ગુરુ-આ બધાની સમક્ષ વિરજા હોમ કરવો પડે છે. વેદના મંત્રોથી અગ્નિમાં આહુતિ આપવી પડે છે. અગ્નિ,બ્રાહ્મણ,ગુરુ –સમક્ષ અનેક પ્રતિજ્ઞાઓ કરવી પડે છે.

“મને કોઈ ભોગ ભોગવવાની ઈચ્છા નથી,મારા મનમાં કોઈ વાસના રહી નથી. હું સંસાર સુખનો ત્યાગ કરું છું.

હું હવે ભગવદમય જીવન ગાળીશ....વગેરે” એક વાર જેનો ત્યાગ કર્યો- પછી તેનું ચિંતન ન થાય.

પાપ ના ,વાસનાના-સંસ્કાર અતિ દૃઢ હોય છે.મનુષ્ય કેટલીક વાર પાપ-તેના જુના સંસ્કારોને આધારે કરે છે.દુર્યોધન –મહાભારત માં બોલ્યો છે-‘જાનામિ ધર્મમ ન ચ મેં પ્રવૃત્તિ,જાનામિ અધર્મ ન ચ મેં નિવૃત્તિ--

કેનાપિ દેવેન હૃદિ સ્થિતેન યથા નિયુક્તોસિ તથા કરોમિ.’(હું ધર્મ શું છે –અને અધર્મ શું છે તે જાણું છું

પણ તે પ્રમાણે વર્તી શકતો નથી, હૃદયના જુના સંસ્કારો મને પાપ કરાવે છે)

અહીં દેવ શબ્દ નો અર્થ ઈશ્વર નથી પણ જુના સંસ્કારો (દૈવ) છે.

 

કર્દમઋષિ મન ને સમજાવે છે.મન ના માને તો તેને પરમાત્મા ના જપમાં રાખે છે. આદિ નારાયણ નું ચિંતન કરતાં કરતાં ભાગવતી મુક્તિ મળી છે.(પ્રભુ નું ધ્યાન કરતાં કરતાં ભક્ત પ્રભુ બને છે)