Bhagvat rahasaya - 85 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 85

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 85

ભાગવત રહસ્ય-૮૫

 

શ્રીકૃષ્ણ ધ્રુતરાષ્ટ અને દૂર્યોધનને ખુબ સમજાવે છે. કહે છે કે-આજે દ્વારકાના રાજા તરીકે નહિ પણ પાંડવોના દૂત તરીકે આવ્યો છું.પણ દુષ્ટ દુર્યોધન સમજતો નથી અને દ્વારકાનાથનું અપમાન કરે છે.કહે છે-ભીખ માગવાથી રાજ્ય મળતું નથી.

ભગવાન સમજી ગયા-આ મૂર્ખો છે-તેને માર પડ્યા વગર અક્કલ આવશે નહિ.

ધ્રુતરાષ્ટ્ર કહે છે-બે ભાઈના ઝગડામાં તમે વચ્ચે ના પડો.આરામથી ભોજન કરો.છપ્પન ભોગ તૈયાર છે.

 

શ્રીકૃષ્ણ કહે છે-તારા ઘરનું ખાઉં તો બુદ્ધિ બગડે. પાપીના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે.

શ્રીકૃષ્ણ –બીજા રાજાઓને-બ્રાહ્મણોને-અરે...દ્રોણાચાર્યને પણ તેમના ઘેર ભોજન કરવાની ના પાડે છે.

ભગવાન વિચારે છે-વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે,આજે મારે તેના ત્યાં જવું છે. સારથીને આજ્ઞા કરી કે-વિદુરજીની ઝૂંપડી પાસે લઇ જા. ગડગડાટ ઘંટાનાદ કરતો રથ ચાલ્યો છે.

 

આ બાજુ વિદુરજી વિચારે છે-હું હજી લાયક થયો નથી-એટલે પ્રભુ મારે ત્યાં આવતા નથી.

આજે સેવામાં સુલભાનું હૃદય આર્દ્ર બન્યું છે. સુલભા બાલકૃષ્ણને વિનવે છે-લાલાજી,મેં તમારાં માટે સર્વસ્વનો ત્યાગ કર્યો છે,તો પણ તું મારે ત્યાં નહિ આવે ? નાથ,ગોકુળની ગોપીઓ કહેતી હતી –તે સાચું છે.કે-કનૈયો કપટી છે. આવું તો પ્રેમની મૂર્તિ-ગોપીઓ જ બોલી શકે.મને તો તેમ કહેવાનો અધિકાર નથી, હું તો પાપી છું.

નાથ,રોજ તમારાં માટે હું રડું છું-અને તમે હસો છો ?આ તમારી આદત સારી નથી.જે વૈષ્ણવ તમારી પાછળ પડે-તેને તમે રડાવો-તો તમારી ભક્તિ કોણ કરશે ? મારી આ વૃદ્ધાવસ્થા છે,મારા જીવનનો છેલ્લો મનોરથ છે-આપ મારે ઘેર આવો અને તમે આરોગો –ને હું તમારાં દર્શન કરું. પછી સુખેથી મરીશ.

 

વૈષ્ણવો-અતિ પ્રેમથી કિર્તન કરે છે-ત્યાં પરમાત્મા પધારે છે.કિર્તન ભક્તિ શ્રીકૃષ્ણને અતિપ્રિય છે.

સુરદાસજી ભજન કરે-ત્યારે કનૈયો આવીને તંબુરો આપે છે.સુરદાસ કિર્તન કરે અને કનૈયો સાંભળે છે.

ભગવાન કહે છે-ન તો હું વૈકુંઠમાં રહું છું,ન તો યોગીઓના હૃદયમાં. હું ત્યાંજ રહું છું-જ્યાં મારા ભક્તો-પ્રેમમાં મારું કિર્તન કરે છે.

 

ઝૂંપડી બંધ કરી વિદુર-સુલભા ભગવાનના નામ નું કિર્તન કરે છે-પણ તેમને ખબર નથી કે –જેના નામનું કિર્તન કરે છે-તે આજ તેમના દ્વારે બહાર ઉભા છે. બહાર ઉભે ઉભે બે કલાક થયા, પ્રભુ વિચારે છે કે –આ લોકોનું કિર્તન પૂરું થાય તેમ લાગતું નથી.સખત ભૂખ લાગી હતી.

પ્રભુ એ વ્યાકુળ થઇ બારણા ખખડાવ્યાં,-કહે છે- કે કાકા-હું આવ્યો છું.

 

વિદુરજી કહે છે-દેવી,દ્વારકાનાથ આવ્યા હોય તેમ લાગે છે.

જ્યાં દરવાજો ઉઘાડ્યો-ત્યાં-શંખ-ચક્ર-ગદાધરી ચતુર્ભુજ નારાયણનાં દર્શન થયા છે. પરમાનંદ થયો છે.

અતિ હર્ષમાં આસન આપ્યું નથી,પ્રભુએ હાથે દર્ભનું આસન લીધું છે. વિદુરજીનો હાથ પકડી બેસાડે છે.

ભગવાન કહે છે-કે તમે શું જુઓ છો?હું ભૂખ્યો છું,મને ભૂખ લાગી છે.કાંઇક ખાવાનું આપો.

 

પરમાત્મા ખાતા નથી.એ તો જગતનું પોષણ કરે છે.એ તો વિશ્વંભર છે. આજે એ પરમાત્માને ભૂખ લાગી છે.

ભક્તિમાં એટલી શક્તિ છે-કે નિષ્કામ ભગવાનને સકામ બનાવે છે. ભગવાન આજે માગીને ખાય છે.

વિદુરજી પૂછે છે-તમે ત્યાં છપ્પન ભોગ આરોગીને નથી આવ્યા ?

કૃષ્ણ કહે છે-કાકા, જેના ઘરનું તમે ના ખાવ-તે ઘરનું હું ખાતો નથી.

પતિ પત્ની વિચારમાં પડ્યાં છે-કે ભગવાનનું સ્વાગત કેમ કરી કરવું ?પોતે કેવળ ભાજી ખાઈને રહેતા હતા. ભાજી ભગવાનને કેવી રીતે અર્પણ કરું ? કંઈ સુઝતું નથી.ત્યાં તો –દ્વારકા નાથે-પોતાના હાથે-ભાજી ચુલા ઉપરથી ઉતારી છે. પ્રભુએ વિચાર્યું, મારું ઘર માનીને આવ્યો છું, તો પછી મારા હાથે લેવામાં શું વાંધો છે ? પ્રેમથી ભાજી આરોગી છે. ભાજીના તો શું?પણ કાકીના પણ ખુબ વખાણ કર્યા છે.

સુલભાનો મનોરથ પુરો થયો છે. મીઠાશ ભાજીમાં નથી,મીઠાશ પ્રેમમાં છે.

ભગવાનને દુર્યોધનના મેવા ના ગમ્યા પણ –પરંતુ ભગવાને –વગર આમંત્રણે-વિદુરના ઘેર જઈ-જાતે- ભાજી આરોગી.તેથી તો લોકો આજ પણ ગાય છે-કે-

સબસે ઉંચી પ્રેમ સગાઇ....દુર્યોધન કા મેવા ત્યાગો-સાગ વિદુર ઘર ખાઈ,

પ્રેમ કે બસ –અર્જુન રથ હાંક્યો,ભૂલ ગયે ઠકુરાઈ.

માલિકે (ઠાકુરે) એક સામાન્ય સારથી(ડ્રાઈવર) બની- અને અર્જુન નો રથ હાંક્યો હતો—કેમ ?

બસ ...માત્ર એક પ્રેમ ને કારણે..બસ આ એક પ્રેમ ને વશ.....પોતાની ઠકુરાઈ પણ ભૂલી ગયા હતા.