Bhagvat rahasaya - 84 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 84

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 84

ભાગવત રહસ્ય-૮૪

 

વિદુરજી ઘેર આવ્યા છે. આજે આનંદમાં છે. સુલભા પૂછે છે-આજે કેમ આટલા બધા આનંદ માં છો ? વિદુરજી કહે છે-સત્સંગમાં બધી કથા કહીશ.પતિ-પત્નીનો નિયમ હતો-કે- આખો દિવસ મૌન રાખે છે. માત્ર સત્સંગ કરવાં બેસે ત્યારે જ બોલે છે.સત્સંગ શરુ થયો.ત્યારે વિદુરજી કહે છે-કે-બાર વર્ષ તેં તપશ્ચર્યા કરી તેનું ફળ આવતી કાલે તને મળશે. આવતીકાલે દ્વારકાનાથ,હસ્તિનાપુરમાં પધારે છે. બાર વર્ષ એક જગ્યાએ રહી, પરમાત્માની સેવા,સ્મરણ ધ્યાન કરે છે, તેના પર ભગવાનને દયા આવે છે.એવું કથામાં આવે છે. મને લાગે છે કે-દ્વારકાનાથ ,દૂર્યોધન માટે નહિ-પણ દયા કરી-આપણા માટે આવે છે.મારા માટે આવે છે.

 

સુલભા કહે છે-મને પરમ દિવસે સ્વપ્ન આવેલું-મને રથયાત્રાના દર્શન થયાં.પ્રભુએ મારા સામે જોયું,ગાલમાં સ્મિત હાસ્ય કર્યું.મને સ્વપ્નમાં રથયાત્રાનાં દર્શન થયા હતા તે સફળ થશે.બાર વર્ષથી મેં અન્ન લીધું નથી.

વિદુરજી કહે છે-દેવી,સ્વપ્ન ઘણું સુંદર છે,આ સ્વપ્નનું શુભ ફળ મળશે,આવતી કાલે-માલિકનાં દર્શન જરૂર થશે.સુલભા કહે છે-નાથ,પ્રભુ સાથે તમારો કોઈ પરિચય છે ?

 

વિદુર કહે છે-હું જયારે જયારે શ્રીકૃષ્ણને વંદન કરું છું,ત્યારે તેઓ મને નામથી બોલાવતા નથી, હું લાયક તો નથી,પણ વયોવૃદ્ધ છું,એટલે મને –કાકા-કહી બોલાવે છે. એ તો અનંતકોટી બ્રહ્માંડના નાયક-માલિક છે,પણ મારા જેવા સાધારણ જીવને માન આપે છે.હું તો એમને કહું છું- કે-હું તો અધમ છું,આપનો દાસાનુદાસ છું, મને કાકા ન કહો.

 

સુલભાને આનંદ થયો છે. તેના મનમાં એક જ ભાવના છે-લાલાજી –મારા ઘરની સામગ્રી આરોગે-અને હું પ્રત્યક્ષ નિહાળું.વિદુરજીને તે કહે છે-કે-તમારે તેમની સાથે પરિચય છે-તો તેમને આપણે ત્યાં આવવા આમંત્રણ આપો. ભાવનામાં ,ભગવાનને હું રોજ ભોગ ધરાવું છું, પણ હવે એક જ ઈચ્છા છે-કે-ભગવાન આરોગે અને હું પ્રત્યક્ષ નિહાળું!! લાલાજી, મારી આ આશા પૂરી કરે, પછી ભલે મારું શરીર પડે.

 

વિદુરજી કહે છે-હું આમંત્રણ આપું તો તે ના નહિ પાડે,પણ આ નાની ઝૂંપડીમાં તેમને બેસાડીશું ક્યાં ?ઘરમાં એકે સારું આસન પણ નથી. ખવડાવશું શું ?ભાજી સિવાય આપણી પાસે કશું ય નથી. માલિકને ભાજી કેમ અર્પણ થાય ? આપણે ઘેર પરમાત્મા આવે તો-આપણને આનંદ થશે-પણ મારા માલિકને દુઃખ થશે. મારા ભગવાન ,છપ્પન ભોગ આરોગે છે.ધ્રુતરાષ્ટ્રને ત્યાં તેમનું સ્વાગત –સારું થશે. મારે ત્યાં આવશે તો –ઠાકોરજીને પરિશ્રમ થશે. આપણા સુખ માટે હું મારા ભગવાનને જરા ય પરિશ્રમ નહિ આપું.

 

સુલભા કહે છે-મારા ઘરમાં ભલે કશું ના હોય-પણ મારા હૃદયમાં પ્રભુ પ્રત્યે પ્રેમ છે. તે હું અર્પણ કરીશ.આપણે જે ભાજી ખાઈએ છીએ-તે ભાજી હું મારા –લાલાજીને પ્રેમ થી અર્પણ કરીશ.(પુષ્ટિ ભક્તિ-હરેક વ્યવહાર ભક્તિ બની જાય છે) વિદુર કહે છે-દેવી, મને લાગે છે-ભગવાન આપણે ત્યાં આવતી કાલે નહિ આવે-ધ્રુતરાષ્ટ્ર એક માસથી તૈયારી કરે છે.પ્રભુ ને આવવું હશે તો પણ-આપણા જેવા ગરીબ-સાધારણ- ને ત્યાં કોઈ આવવા પણ નહિ દે.

 

સુલભા કહે છે-ભગવાન શ્રીમંતના ત્યાં જાય છે-અને મારા જેવી ગરીબને ત્યાં આવતા નથી.હું ગરીબ છું-તે મેં શું ગુનો કર્યો છે? તમે કથામાં અનેક વાર કહ્યું છે-પ્રભુ પ્રેમના ભૂખ્યા છે,ગરીબ ભક્તો પરમાત્માને વહાલા લાગે છે.વિદુર કહે છે-દેવી,એ સાચું,પણ ભગવાન રાજ મહેલમાં જશે-તો સુખી થશે.આપણા ઘરમાં ભગવાન ને પરિશ્રમ થશે.તેથી હું ના પાડું છું. આપણાં પાપ હજુ બાકી છે. હું તને આવતી કાલ, શ્રીકૃષ્ણના દર્શન કરવાં લઇ જઈશ. પણ ઠાકોરજી હાલ –આપણા ઘેર આવે તેવી આશા રાખવા જેવી નથી. આપણે લાયક થઈશું-ત્યારે તે જરૂર પધારશે.

 

સુલભા વિચારે છે-મારા પતિ-સંકોચથી આમંત્રણ આપતા નથી.પણ દર્શન કરતાં-હું ભગવાનને મનથી આમંત્રણ આપીશ.મારે તમારી પાસે કંઈ માગવું નથી-પણ મારા ઘેર –પ્રત્યક્ષ લાલાજી તમે આરોગો –પછી હું સુખેથી મરીશ.પરમાત્માનું કિર્તન કરતાં રાત્રિ પૂરી થઇ. સવારે બાલકૃષ્ણની સેવા કરે છે.-લાલાજી હસે છે. સુલભાનું હૃદય દ્રવિત થયું છે.બંને પતિ-પત્ની -રથારૂઢ દ્વારકાનાથના રૂબરૂ-દર્શને ગયા છે.

 

સોનાનો રથ ને ચાર ઘોડા જોડેલા છે,ગરુડજી ધ્વજ લઈને ઉભા છે,ઉદ્ધવ અને સાત્યકી સેવામાં ઉભા છે. પ્રભુ ના દર્શન થયાં છે.વિદુરજી વિચારે છે-હું લાયક નથી, પણ ભગવાન –મને એકવાર નજરે ય શું નહિ આપે ? નાથ,તમારાં માટે –મેં સર્વ વિષયોનો ત્યાગ કર્યો છે,તમારાં માટે મેં કેટકેટલું સહન કર્યું છે.બાર વર્ષથી અન્ન ખાધું નથી, શું એકવાર નજર નહિ આપો ? કૃપા નહિ કરો? હજારો જન્મથી વિખુટો પડેલો જીવ,તમારે શરણે આવ્યો છે,મારે કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી, બસ ફક્ત એકવાર-મારા સામું જુઓ, મારે બીજી કોઈ ઈચ્છા નથી. વિદુરજી વારંવાર પરમાત્માને મનાવે છે.

 

અંતર્યામીને ખબર પડી કે- આ કોણ મને મનાવે છે. નજર ઉંચી કરી ત્યાં જ –દૃષ્ટિ વિદુરજી પર પડી છે. ગાલ માં સ્મિત કર્યું.પરમાનંદ થયો છે.વિદુરજી નું હૃદય ભરાયું છે-ભગવાને મારી સામે જોયું, ભગવાનનું હૃદય પણ ભરાયું છે,દૃષ્ટિ પ્રેમ ભીની થઇ છે.મારો વિદુર ઘણા વખતથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે.સુલભાને પણ ખાતરી થઇ. મારા લાલાજી મને જોઈ હસતા હતા. પ્રભુએ મને અપનાવી છે. મારા લાલાજીએ મારી સામે જોયું.મને લાલાજી ઓળખે છે-કે- હું વિદુરજી ની પત્ની છું. એટલે આંખ ઉંચી કરી ને નજર આપી છે.

 

પ્રભુએ –આંખથી ઈશારો કર્યો-આંખથી આ ભાવ બતાવ્યો કે –હું તમારાં ત્યાં આવવાનો છું.

પણ પતિ-પત્ની અતિ આનંદમાં હતાં,આનંદ હૃદયમાં સમાતો નહોતો, આંખ વાટે બહાર આવતો હતો, તે ઈશારો સમજી શક્યા નહિ.