ભાગવત રહસ્ય-૮૩
સ્કંધ-3 (સર્ગ લીલા)
સંસાર બે તત્વોનું મિશ્રણ છે.જડ અને ચેતન.શરીર જડ છે અને આત્મા ચેતન છે.
આત્મા શરીરથી જુદો છે-એવું બધા જાણે છે. પણ તેનો અનુભવ કોઈક જ કરી શકે છે.
અતિશય ભક્તિ –કરે ,પરમાત્માના નામમાં તન્મય બને –(જ્ઞાન ક્રિયાત્મક બનાવે-કોઈ પણ સાધન કરે)-તો –જ-આનો અનુભવ થઇ શકે.બાકી-ઘણાં પુસ્તકો વાંચવાથી કે શાસ્ત્રો ભણવાથી-આનો અનુભવ થઇ શકતો નથી. પણ માત્ર જ્ઞાન વધે છે.
શુકદેવજી કહે છે-રાજન,તમે જેવા પ્રશ્નો કરો છો-તેવા પ્રશ્નો-વિદુરજીએ મૈત્રેયજી ને કર્યા હતા.
આ વિદુરજી –એ એક એવા ભક્ત છે-કે ભગવાન તેમને ત્યાં –વગર આમંત્રણે ગયા હતા.
પરીક્ષિત પૂછે છે-વિદુરજીને મૈત્રેયજીનો ભેટો ક્યાં થયો હતો? વિદુરજી પરમ વૈષ્ણવ હતા,તે ઘર છોડી જાત્રા કરવા ગયા –તે-આશ્ચર્યકારક લાગે છે.વૈષ્ણવ તો ઘરને જ તીર્થ બનાવી રહે છે. જેનું મન શાંત થયું છે-તેને ભટકવાની ઈચ્છા થતી નથી. અંદરથી ભક્તિનો રંગ લાગ્યો હોય તેને જાત્રા કરવા જવાની ઈચ્છા થતી નથી. વિદુરજી જાત્રા કરવા કેમ ગયા તે મને કહો.....
શુકદેવજી કહે છે-રાજન, પહેલાં હું તને,ભગવાન વગર આમંત્રણે-વિદુરજીને ઘેર ગયેલા તેની કથા કહીશ.પછી આગળની કથા કહીશ.
ધ્રુતરાષ્ટ પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાના કાવત્રામાં સામેલ હતા. વિદુરજીને દુઃખ થયું. તેમણે ધ્રુતરાષ્ટ્રને ઉપદેશ કર્યો. કે-તમે પાંડવોનો ભાગ પડાવી લેવા માગો છે તે ખોટું છે-અર્ધું રાજ્ય તેમને આપી દો .નહીતર હું ઘરમાં નહિ રહું. ધૃતરાષ્ટ્ર પર આ ઉપદેશની કંઈ અસર થતી નથી. વિદુરજી એ વિચાર્યું-ધૃતરાષ્ટ્ર પાપ કરે છે,એના કુસંગથી મારી યે બુદ્ધિ બગડશે. તેથી વિદુરજીએ ઘરનો ત્યાગ કરી-પત્ની સુલભા સાથે ગંગા કિનારે આવ્યા છે.પતિ-પત્ની નિયમથી મનને બાંધે છે. તપશ્ચર્યા કરે છે.
રોજ ત્રણ કલાક –પ્રભુની સેવા કરે,ત્રણ કલાક પ્રભુનું ધ્યાન કરે,ત્રણ કલાક કૃષ્ણ કથા કરે,ત્રણ કલાક કિર્તન કરે.વિદુરજીએ એવો કાર્યક્રમ નક્કી કર્યો છે કે-એક ક્ષણની પણ ફુરસદ નથી. ફુરસદ હોય તો-સંસારમાં મનજાય ને ?મનને એક ક્ષણ પણ છૂટ મળતી નથી.પાપ કરવાનો અવસર મળતો નથી.
ધ્રુતરાષ્ટ્રની આજ્ઞાથી સેવકો-વિદુરજી પાસે ધન ધાન્ય લઈને આવેલા –ત્યારે વિદુરજીએ પત્નીની પરીક્ષા કરવા કહ્યું-દેવી,આનો સ્વીકાર કરો,મારા ભાઈએ મોકલાવ્યું છે. ત્યારે સુલભાએ ના પાડી છે. પાપીનું અન્ન ખાવાની ઈચ્છા નથી.આ અનાજ પેટમાં જાય તો ભક્તિમાં બહુ વિઘ્ન આવશે. અન્નદોષ મનને બહુ બગાડે છે. ગંગા કિનારે ભક્તિ કરવાં આવી છું-લૂલીના લાડ કરવાં નહિ. વિદુરજી એ પૂછ્યું-કે ભૂખ લાગશે ત્યારે શું કરીશ ?
સુલભા કહે છે-ગંગા કિનારે ભાજી પુષ્કળ થાય છે-આપણે ભાજી ખાશું.
કેટલાંક ગંગા કિનારે ભક્તિ કરવાં જાય છે-પણ ત્યાં પણ લૂલીનાં લાડ કરે છે. ઘેર કાગળ લખે છે કે-મુરબ્બાની બરણી મોકલજો.મુરબ્બા માં મોહ હતો-તો ગંગા કિનારે આવ્યો શું કામ? ભોજન કરવું એ પાપ નથી,પણ ભોજન સાથે તન્મય થવું તે પાપ છે. ભોજન કરતાં ભગવાનને ભૂલી જવા તે પાપ છે.
ઘણા લોકો કઢી ખાતાં –કઢી સાથે એક બને છે.કઢી સુંદર બની છે. તેથી બીજા દિવસે સેવા કરતાં,માળા ફેરવતાં કઢી જ યાદ આવે છે.મન માં થાય છે કે –ગઈકાલની કઢી સુંદર હતી.
એ જપ –શ્રીકૃષ્ણનો કરતો નથી પણ કઢી નો જપ કરે છે. તે ભક્તિ કરી શકતો નથી.
જેનું જીવન સાદું-તે ભક્તિ કરી શકે છે. જીભ સુધરે તો જીવન સુધરે,જીભ બગડે તો જીવન બગડે.
ભક્તિમાં જીભ –મુખ્ય છે. જીભ પાસે સતત –પરમાત્માના જપ કરાવો અને જીભને સાત્વિક આહાર આપવાથી જ જીભ સુધરે છે.આહાર જો સાદો અને શુદ્ધ હોય તો સત્વગુણ વધે છે, સત્વગુણ વધે તો સહનશક્તિ વધે છે, અને છેવટે બુદ્ધિ સ્થિર થાય છે.
છાંદોગ્ય ઉપનિષદમાં લખ્યું છે-કે-આહારની શુદ્ધિથી-અંતઃકરણની શુદ્ધિ થાય છે,
અંતઃકરણની શુદ્ધિથી સ્મૃતિ (બુદ્ધિ) સ્થિર થાય છે,
અને સ્મૃતિની સ્થિરતાથી- જીવ અને માયાના સંબંધથી થતા રાગ-દ્વેષાત્મકની ગાંઠ છૂટી જાય છે.
(સત્વશુદ્ધિ,સત્વશુદ્ધો,ધ્રુવાસ્મૃતિ—સ્મૃતિલબ્ધે સર્વ ગ્રંથીનામ વિપ્રમોક્ષ.-- છાંદોગ્ય ઉપનિષદ)
વિદુરજી આખો દિવસ ભક્તિ કરે અને અતિશય ભૂખ લાગે ત્યારે –કેવળ-ભાજીનો આહાર કરે.
બાર વર્ષ આ પ્રમાણે ભગવાનની આરાધના કરી. બાર વર્ષ સુધી કોઈ સત્કર્મ કરો તો-તે સિદ્ધ થાય છે.
આ બાજુ-પાંડવોએ પણ બાર વર્ષ વનમાં વનવાસ ગાળી-વનવાસ પુરો કરી રહ્યા પછી-યુધિષ્ઠરે રાજ્યભાગ માગ્યો છે.દુર્યોધને ના પડી. ધર્મરાજાએ કહ્યું-અડધું રાજ્ય નહિ તો કેવળ બે-ત્રણ ગામ આપશે તો પણ અમને સંતોષ છે. તો તે પ્રમાણે કરવાની પણ –દૂર્યોધન ના પાડે છે.
ધર્મરાજાએ વિચાર્યું-યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે-એટલે શ્રીકૃષ્ણને વિષ્ટિ માટે મોકલવાનું નક્કી કર્યું.
ધ્રુતરાષ્ટને ખબર પડી-કે શ્રીકૃષ્ણ આવે છે.એટલે તેમણે એવું વિચાર્યું કે-શ્રીકૃષ્ણનું એવું સરસ સન્માન કરીને –તેમને રાજી કરીને-કહીશ-કે બે ભાઈઓના ઝગડામાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી.
એટલે તેણે હુકમ કર્યો-કે –સ્વાગતની તૈયારી કરો-છપ્પન ભોગ તૈયાર કરાવો.
આ બાજુ-વિદુરજી ગંગા કિનારે સ્નાન કરવાં આવ્યા છે.ત્યાં સાંભળ્યું –આવતી કાલે મોટો વરઘોડો નીકળવાનો છે.તેમણે લોકો પૂછ્યું કે-કોણ આવવાનું છે ? લોકો કહે છે-તમને ખબર નથી ?આવતી કાલે દ્વારકાનાથ –દૂર્યોધન ને સમજાવવા આવે છે.પ્રભુ પધારવાના છે-એટલે તોરણ બાંધ્યાં છે,આખું હસ્તિનાપુર શણગાર્યું છે.---વિદુરજીને આનંદ થયો છે.