ભાગવત રહસ્ય-૮૨
આત્મસ્વરૂપ (પરમાત્મસ્વરૂપ) નું વિસ્મરણ –એ માયા છે. આ વિસ્મૃતિ –એ સ્વપ્ન – છે
સ્વપ્ન સૃષ્ટિ અને જાગૃત સૃષ્ટિમાં બહુ વધારે ફેર નથી.સ્વપ્ન સૃષ્ટિ –અજ્ઞાનથી દેખાય છે-તેવી જ રીતે જાગૃત સૃષ્ટિ -જગત –માયાથી દેખાય છે (અજ્ઞાનથી).
સ્વપ્ન જેને દેખાય છે-તે જોનારો –પુરુષ સાચો છે-સ્વપ્નમાં- એક- જ પુરુષ છે-પણ દેખાય છે –બે-એ જયારે જાગી જાય છે-ત્યારે તેને ખાતરી થાય છે-કે –હું ઘરમાં પથારીમાં સૂતો છું. સ્વપ્નનો પુરુષ જુદો છે.
તત્વ દૃષ્ટિથી જોઈએ તો--સ્વપ્નનો સાક્ષી અને પ્રમાતા (પ્રમાણ આપનાર) એક જ છે.
આ જગતમાં બ્રહ્મ તત્વ એક જ છે-પણ માયાને લીધે-અનેક તત્વ ભાસે છે.
પરીક્ષિતે પ્રશ્ન કર્યો-કે- માયા જડ છે-કે ચેતન? જડ-ચેતનની ગાંઠ ક્યારે પડી તે મને સમજાવો.
શુકદેવજી કહે છે-માયા જોડે જીવનો સંબંધ નથી. જેમ,સ્વપ્નમાં જે દૃશ્યો દેખાય છે,તેનો સ્વપ્ન દૃષ્ટા જોડે સંબંધ નથી તેમ,માયા ખોટી છે.માયા જો સત્ય હોય તો તેનો વિનાશ થાય નહિ. માયાનો વિનાશ જ્ઞાનથી થાય છે.આ માયા જીવને વળગેલી છે. માયા જીવને ક્યારે? કેમ ? વળગી તે કહી શકતું નથી.તેનું મૂળ શોધવા જવાની જરૂર નથી.માયા એટલે અજ્ઞાન. અજ્ઞાન ક્યારથી શરુ થયું તે જાણવાની શી જરૂર છે?
અજ્ઞાનનો-જ્ઞાનથી તાત્કાલિક નાશ –એ જરૂરી છે.
કપડાં પર ડાઘો પડ્યો હોય-શાનાથી પડ્યો?ક્યારે પડ્યો?ક્યાં પડ્યો? કઈ શાહી થી પડ્યો? વગેરે વિચારવાને બદલે-ડાઘ દૂર કરવો એ જ વધુ હિતાવહ છે.
જે ગાફેલ છે-ઈશ્વરથી વિમુખ છે-તેને માયા ત્રાસ આપે છે-મારે છે. જ્ઞાની પુરુષો-જે સતત ભક્તિ કરે છે-તેને માયા દેખાતી નથી.માયા નો બહુ વિચાર કરવા કરતાં-માયાના પતિ પરમાત્માના શરણે જવું.
એક વખત –સુદામાએ –શ્રીકૃષ્ણ પાસે માગણી કરી-મારે તમારી માયાના દર્શન કરવાં છે. તમારી માયા કેવી હોય ? શ્રીકૃષ્ણ કહે છે-કે-તું આખો દિવસ મારું ધ્યાન-ભક્તિ કરે છે,તેથી તને મારી માયા ક્યાંથી દેખાય ?તું મને ભૂલી જા-તો તે દેખાશે.
સુદામા કહે છે-પણ એક્વાર તો તમારી માયા બતાવો. કૃષ્ણ કહે-સમય આવે દર્શન કરાવીશ.
એક દિવસ ભગવાને સુદામાને કહ્યું-ચાલો આજે ગોમતીમાં સ્નાન કરવાં જઈએ. ભગવાન સ્નાન કરી પીતાંબર પહેરે છે.સુદામા દેવ ભગવાનને ભૂલે તો માયા દેખાય.
‘મારે સ્નાન કરી જલ્દી બહાર નીકળવું છે’તેવા વિચાર માં સુદામા –ભગવાનને ભૂલી ગયા.
સુદામાએ ગોમતી ના જળમાં ડૂબકી મારી,ત્યારે જ પ્રભુએ પોતાની માયા બતાવી.
સુદામાને લાગ્યું-કે ગોમતીમાં પુર આવ્યું.તે તણાતા જાય છે. એક ઘાટનો આશરો લઇ બહાર નીકળે છે-અને ફરતાં ફરતાં ગામમાં જાય છે. ત્યાં ઉભેલી હાથણીએ તેમના ગળામાં ફૂલની માળા નાખી. ગામના લોકો સુદામા પાસે આવી કહે-અમારા દેશના રાજા મરણ પામેલા છે. આ ગામનો કાયદો છે-કે હાથણી જેના ગળા માં હાર પહેરાવે તે રાજા થાય. હવે-તમે અમારા દેશના રાજા.
સુદામા તે દેશના રાજા થયા-રાજકન્યા સાથે લગ્ન થયું. બાર વર્ષ –સંસાર ચાલ્યો.બાર પુત્રો થયા. તેવામાં રાણી એક દિવસ માંદી પડી અને મૃત્યુ પામી. સુદામા રડવા લાગ્યા-તે બહુ સુંદર અને સુશીલ હતી. લોકો આવીને કહે છે-તમે રડો નહિ. અમારી માયાપુરીનો કાયદો છે કે તમારી પત્ની જ્યાં ગઈ છે-ત્યાં તમને મોકલવામાં આવશે. પત્ની સાથે તમારે પણ અગ્નિમાં પ્રવેશ કરવો પડશે.
સુદામા –પત્ની માટે રડવાનું ભૂલી ગયા-તે પોતાના માટે રડવા લાગ્યા. સુદામા કહે છે-મને સ્નાન સંધ્યા કરી લેવા દો પછી મને બાળજો. તે સ્નાન કરવા ગયા. ચાર જણા તેમની ફરતે ઉભા છે-જેથી આ નાસી ના જાય.સુદામા ગભરાટમાં પ્રભુ ને યાદ કરે છે.રડતાં રડતાં સુદામા ગોમતી નદીમાંથી બહાર આવ્યા. ભગવાન પૂછે છે-કેમ રડે છે ? સુદામા કહે-આ બધું ક્યાં ગયું ?આ છે શું ?કાંઇ સમજાતું નથી.
ભગવાન કહે છે-બેટા,આ મારી માયા છે.મારા વિના જે ભાસે છે –તે-મારી માયા છે.
જે મને ભૂલે છે તેને માયા મારે છે. મને ભૂલતો નથી તેને માયા મારી શકતી નથી.
માયા એટલે બ્રહ્મનું વિસ્મરણ. ના હોય તે બતાવે તે માયા. માયાથી મોહ પામેલો જીવ-માયા સાથે નાચવા લાગે છે.માયા નર્તકી છે-તે બધાને નચાવે છે. માયાના મોહમાંથી છૂટવું હોય તો- નર્તકી શબ્દ ને ઉલટાવો-તો થશે કિર્તન .કિર્તન કરો-તો માયા છુટશે. કિર્તન ભક્તિમાં દરેક ઇન્દ્રિયને કામ મળે છે. તેથી મહાપુરુષો તેને શ્રેષ્ઠ કહે છે.માયા ને તરવા-માયા-જેમની દાસી છે-એ માયા પતિ –પરમાત્માને શરણે જવું જોઈએ.
માયા અનાદિ છે- પણ તેનો અંત આવે છે. માત્ર પરમાત્મા અનાદિ અને અનત છે. માયાના ત્રાસમાંથી છૂટવું હોય તો –માધવરાયના શરણ સિવાય કોઈ ઉપાય નથી.
બ્રહ્માજીએ –આમ નારદજીને સૃષ્ટિના આરંભની કથા કહી ચતુશ્લોકી ભાગવત કહ્યું.જે નારદજીએ વ્યાસજીને કહ્યું. અને વ્યાસજીએ આ ચાર શ્લોકના આધારે-અઢાર હજાર શ્લોકનું ભાગવત રચ્યું.
સ્કંધ –બીજો—સમાપ્ત.