Bhagvat rahasaya - 64 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 64

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 64

ભાગવત રહસ્ય-૬૪

 

શરીર સારું છે-ત્યાં સુધી –સાવધ થઇ જાવ. અંતકાળમાં જીવ બહુ અકળાય છે.શરીર રોગનું ઘર થાય છે. પ્રાણ-પ્રયાણ સમયે વાત-પિત્ત-કફના પ્રકોપથી ગળું રૂંધાઈ જાય છે. તે સમયે પ્રભુ સ્મરણ થતું નથી. પ્રાર્થના –થાય પણ તે પ્રાર્થના કામ લાગતી નથી.

 

આજથી જ નક્કી કરો કે-મારે કોઈ યમદૂત જોડે જવું નથી.મારે પરમાત્મા જોડે જવું છે. પ્રભુને રોજ પ્રાર્થના કરો.

 

શરીરમાં શક્તિ છે ત્યારે જ ખુબ ભક્તિ કરો અને પ્રભુને રીઝાવો.-તો અંત કાળે –પ્રભુનું સ્મરણ થાય છે-અને પ્રભુ લેવા આવે છે.લાલાજી ને રોજ પ્રાર્થના કરો-તો-લાલાજી જરૂર આવશે.

ભીષ્મ પિતા શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે- હે નાથ, કૃપા કરો.જેવા ઉભા છો-તેવા જ ઉભા રહેજો. મારી પ્રતીક્ષા કરતાં તમે ઉભા રહો.શ્રી કૃષ્ણ વિચારે છે-મને બેસવાનું પણ નહિ કહે ?

 

પુંડરિકની સેવા યાદ આવે છે. તુકારામે એક વાર-પ્રેમમાં પુંડરિકને ઠપકો આપ્યો. મારા વિઠ્ઠલનાથ તારે આંગણે આવ્યા-તેની

 

કદર ના કરી. મારા પ્રભુને તેં ઉભા રાખ્યા છે !!!

શ્રીકૃષ્ણ પૂછે છે કે-મારે ક્યાં સુધી આમ ઉભા રહેવાનું ?

ભીષ્મ કહે છે-તમારાં દર્શન કરતાં કરતાં –પ્રાણ છોડીને- તમારાં ચરણમાં ના આવું-ત્યાં સુધી ઉભા રહો.

 

શ્રીકૃષ્ણ કહે છે-દાદા-આ ધર્મરાજાને થાય છે કે-મેં બધાને માર્યા છે.મારે લીધે સર્વનાશ થયો છે. તેમને શાંતિ મળે તેવો ઉપદેશ આપો.ભીષ્મ કહે છે-કે-ઉભા રહો-ધર્મ રાજાની શંકાનું સમાધાન હું પછી કરીશ.પણ મારી એક શંકાનું સમાધાન તમે પહેલાં કરો.

 

મારા એક પ્રશ્નનો તમે જવાબ આપો.હું બીજા કોને પૂછવા જઈશ?

પ્રભુ એ કહ્યું-તમે પૂછો-હું જવાબ આપીશ.

 

ભીષ્મ કહે છે કે-મારું જીવન નિષ્પાપ છે,મારું તન-મન પવિત્ર છે,મારી ઇન્દ્રિયો શુદ્ધ છે.તેમ છતાં મને આવી બાણ-શૈયા પર કેમ સૂવું પડ્યું છે ? હું નિષ્પાપ છું છતાં આવી સજા મને કેમ કરો છો ?

શ્રીકૃષ્ણ કહે છે-દાદાજી આપે પાપ કર્યું નથી તે વાત સાચી છે.તેથી તો હું તમને મળવા આવ્યો છું. પણ તમે એકવાર

 

આંખથી પાપ જોયું છે. અને આપે પાપ જોયું તેની આ સજા છે.

ભીષ્મ કહે છે કે-તે પાપ મને યાદ આવતું નથી.મેં કયું પાપ જોયું છે ?

 

કૃષ્ણ કહે છે-દાદાજી તમે ભૂલી ગયા હશો,પણ હું ભૂલ્યો નથી.મારે સર્વ યાદ રાખવું પડે છે. યાદ કરો-તમે સભા માં બેઠા હતા-

 

દુશાસન દ્રૌપદીને ત્યાં લઇ આવ્યો હતો. દ્રૌપદીએ ન્યાય માગેલો-જુગારમાં પતિ પોતે પોતાને જ હારી જાય પછી એ પત્ની ને દાવ માં કેવી રીતે લગાડી શકે ? ત્યારે તમે કંઇ બોલ્યા નહિ.આવું ભરી સભામાં પાપ થતું તમે નિહાળો,તે તમારા જેવા

 

જ્ઞાનીને શોભે નહિ. તમે તે વખતે દ્વિધામાં પડેલા હતા. સભામાં અન્યાય થતો હતો-તે તમે જોયો છે-તેની આ સજા છે.

 

ભીષ્મપિતાએ વિચાર્યું-કૃષ્ણ સાચું કહે છે-તે દિવસે મને કેમ આ ના સમજાયું ?

 

 

તેમણે શ્રીકૃષ્ણને નમન કર્યું છે. પરમાત્માની નજર પડી. ભીષ્મની વેદના શાંત થઇ છે.

ભીષ્મપિતાએ પછી-ધર્મરાજાને ઉપદેશ કર્યો છે.સ્ત્રીધર્મ-આપદ ધર્મ-રાજધર્મ-મોક્ષધર્મ-વગેરે સમજાવ્યા છે. મહાભારતના શાંતિપર્વમાં આ બોધ આપેલો છે. તે પછી પરમ ધર્મ બતાવ્યો.

ભીષ્મ કહે છે-સ્થાવર-જંગમ રૂપ સંસારના સ્વામી-બ્રહ્માદિ દેવોના યે દેવ-દેશ,કાળ અને વસ્તુથી અપરિછિન્ન-ક્ષર,અક્ષરથી શ્રેષ્ઠ-પુરુષોત્તમના-સહસ્ત્ર નામોનું નિરંતર-તત્પર રહીને-ગુણ સંકીર્તન કરવાથી –પુરુષ સર્વ દુઃખો માંથી મુક્ત બને છે.

 

શંકરાચાર્યને વિષ્ણુ-સહસ્ત્રનામનો પાઠ બહુ પ્રિય હતો. સૌથી પહેલું ભાષ્ય તેમણે વિષ્ણુ-સહસ્ત્રનામ પર લખેલું.તેમનો છેલ્લો –ગ્રંથ છે-બ્રહ્મસુત્ર પરનું શાંકરભાષ્ય. તે પછી કલમ મૂકી દીધી છે.

સંત તુકારામને પણ વિષ્ણુ સહસ્ત્રનામ બહુ પ્રિય.તેમની પુત્રીના લગ્ન થયા. જમાઈને દાયજા માં શું આપ્યું ?ફક્ત પોતાના હાથે લખેલી-વિષ્ણુસહસ્ત્રનામની પ્રત આપી. અને કહ્યું-આનો નિત્ય પાઠ કરજો. આ હજાર નામ-હજાર શસ્ત્રો જેવા છે.તે તમારું રક્ષણ કરશે અને કલ્યાણ કરશે.

 

વિષ્ણુસહસ્ત્રનામનો રોજ બે વખત પાઠ કરો.(અર્થ સમજીને) એક વખત જમ્યા પહેલાં અને એક વખત રાતે સૂતાં પહેલાં.કપાળે લખેલા વિધાતાના લેખ-ભુંસવાની-કે બદલવાની શક્તિ વિષ્ણુસહસ્ત્રનામમાં છે. ગરીબ માણસ વિષ્ણુયાગ યજ્ઞ તો ક્યાંથી કરી શકે ?પણ જો તે ૧૫ હજાર પાઠ કરે તો એક વિષ્ણુયાગનું પુણ્ય મળે છે.અતિ દુઃખમાં પણ મનુષ્ય ભોજન છોડતો નથી. ભોજન ની જેમ ભજન પણ છોડ્યા વગર નિયમ રાખી ને –બાર વર્ષ સુધી –આ સત્કર્મ કરો.પછી અનુભવ થશે.

 

ઉત્તરાયણનો સમય આવ્યો છે.ભીષ્મ મૌન રાખી-પરમાત્માનું ધ્યાન કરે છે-પરમાત્મામાં તન્મય થયા છે-સ્તુતિ કરે છે.“હે,નાથ,આપના દર્શન હું ખાલી હાથે કેમ કરું ?હું તમને શી ભેટ અર્પણ કરું ? મારાં મન-બુદ્ધિ તમારાં ચરણે ધરું છું.”