ભાગવત રહસ્ય-૫૭
શુકદેવજીને શ્રીકૃષ્ણનું આકર્ષણ થયું-પણ સગુણ-કે નિરાકાર –આ બેમાંથી કોનું ધ્યાન કરું ? તેવી દ્વિધા પણ થઇ.ત્યાં જ-વ્યાસજીના શિષ્યો-બીજો શ્લોક બોલ્યા-(આ શ્લોકમાં શ્રીકૃષ્ણની સ્વભાવ સુંદરતા બતાવી છે)
“અહો! આશ્ચર્ય છે કે-દુષ્ટ પુતનાએ સ્તનમાં ભરેલું ઝેર –જેમને મારવાની ઈચ્છાથી જ ધવડાવ્યું હતું. તે પૂતનાને તેમણે એવી ગતિ આપી-કે જે ધાઈને મળવી જોઈએ.એ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે-કે-જેનું –અમે-શરણ ગ્રહણ કરીએ ?”
શુકદેવજીના મનમાં શંકા હતી કે કનૈયો બધું માગશે તો હું શું આપીશ ? તેનું નિવારણ થયું.તે આમ તેમ જોવા લાગ્યા.આ શ્લોક કોણ બોલે છે ? ત્યાં તેમણે વ્યાસજીના શિષ્યોનાં દર્શન થયા. શિષ્યોને તેમણે પુછ્યું –
“તમે કોણ છો ? તમે બોલેલા શ્લોકો કોણે રચેલા છે ?”
શિષ્યોએ કહ્યું-અમે વ્યાસજીના શિષ્યો છીએ.તેમણે અમને આ મંત્રો આપ્યા છે. આ બે શ્લોકો તો નમુનાના છે. વ્યાસજીએ એ આવા અઢાર હજાર - શ્લોકોમય- ભાગવત પુરાણની રચના કરી છે.
શુકદેવજીને ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા થઇ છે. કનૈયાની લીલા સાંભળી-તેમનું ચિત્ત આકર્ષાયું. યોગીઓના મન પણ આ કૃષ્ણ કથાથી આકર્ષાય છે. નિર્ગુણ બ્રહ્મના ઉપાસક –આજે સગુણ બ્રહ્મની પાછળ પાગલ બન્યા છે.બાર વર્ષ પછી-શુકદેવજી વ્યાસાશ્રમમાં દોડતા દોડતા આવ્યા છે. અને વ્યાસજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. વ્યાસજીએ પુત્રને છાતી સરસો ચાંપ્યો છે. શુકદેવજીએ કહ્યું-પિતાજી આ શ્લોકો મને ભણાવો.
શુકદેવજી કથા સાંભળે છે.કૃતાર્થ થયા છે. વ્યાસજીએ શુકદેવજીને ભાગવત ભણાવ્યું.
અને આ પ્રમાણે –ભાગવતનો પ્રચાર કેવી રીતે કરવો ? –તે વ્યાસજીની ચિંતાનો અંત આવ્યો છે.
આ ગ્રંથના ખરા અધિકારી –આત્મારામ -છે. કારણ શ્રીકૃષ્ણ સર્વના આત્મારૂપ છે.
વિષયારામ –ને- આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી નથી.
સૂતજી કહે છે કે-શૌનક્જી –આશ્ચર્ય ન કરો.ભગવાનના ગુણો એવા મધુર છે કે સર્વને પોતાની તરફ ખેંચી લે છે.તો પછી શુકદેવજીનું મન –તે- આકર્ષે –તેમાં શું નવાઈ ? જેઓ જ્ઞાની છે,જેની અવિદ્યાની ગાંઠ છૂટી ગઈ છે,અને જેઓ સદા આત્મ રમણમાં લીન છે-તેઓ પણ ભગવાનની હેતુ રહિત-ભક્તિ કર્યા કરે છે. સ્વર્ગનું અમૃત શુકદેવજી જેવાને ગમતું નથી, પણ તે નામામૃત-કથામૃતને છોડતા નથી.
પ્રાણાયામ કર્યા પછી કે આંખ બંધ કર્યા પછી પણ ઘણી વખત જગત ભૂલાતું નથી. પણ કૃષ્ણ કથા અનાયાસે જ જગતની વિસ્મૃતિ કરાવે છે.ભગવાનની કથામૃતનું પાન કરતાં ભુખ અને તરસ પણ ભુલાય છે.તેથી તો-
દસમ સ્કંધના પહેલા અધ્યાયમાં પરીક્ષિત કહે છે-કે-પહેલાં મને ભુખ-તરસ લાગતા હતા-પણ ભગવાનની કથામૃતનું પાન કરતાં હવે મારા ભુખ-તરસ અદૃશ્ય થયાં છે.મેં પાણી પણ છોડ્યું છે-છતાં હું આપના મુખ કમળમાંથી નીકળતું –શ્રી હરિનામ રૂપી-અમૃતનું પાન કરી રહ્યો છું.તેથી અતિ દુસહ ક્ષુધા પણ મને પીડા કરતી નથી.
સૂતજી વર્ણન કરે છે-તે પછી આ કથા-શુકદેવજીએ રાજા પરીક્ષિતને કહી સંભળાવી-મારા ગુરુદેવ પણ ત્યાં હતા.તેમણે મને આ કથા મને કહી.તે તમને સંભળાવું છું.
(શુકદેવજીને ઉત્તમ વક્તા તરીકે સિદ્ધ કર્યા પછી-ઉત્તમ શ્રોતા –પરીક્ષિતની –કથા હવે છે)
હવે હું તમને-પરીક્ષિતનો જન્મ-કર્મ-અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણની કથા કહું છું.
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -