ભાગવત રહસ્ય-૫૫
વ્યાસજી –એ –સમાજ સુધારક સંત છે. જે સંતને સમાજ સુધરે તેવી ભાવના છે-તેને સમાજનું થોડું ચિંતન કરવું પડે છે.ભક્તિમાં –આ-વિઘ્ન કરે છે.વ્યાસજી –બધાં પરમાત્માને શરણે જાય-બધાં સુખી થાય એવી ભાવનાથી કથા કરે છે. એટલે તેમને મધ્યમ વક્તા કહ્યા છે.
શુકદેવજીની કથાથી ઘણાં ના જીવન સુધરે છે. પણ શુકદેવજી માનતા નથી કે હું કોઈનું જીવન સુધારું છુ. શુકદેવજીને કથા કરતી વખતે ખબરે ય નથી કે સામે કથામાં કોણ બેઠું છે. જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યથી પરિપૂર્ણ –બ્રહ્મ જ્ઞાની અને બ્રહ્મદૃષ્ટિવાળા શુકદેવજીને ઉત્તમ વક્તા કહ્યા છે.
સમષ્ટિ (જગત) હવે સુધરે-તેમ લાગતું નથી. હા-કદાચ વ્યક્તિ સુધરી શકે. વિષયવાસનાથી જેનું મન ભરેલું છે-તે સમાજને સુધારી શકે નહિ. આપણા જેવા સામાન્ય મનુષ્યો-સમાજને સુધારી શકે નહિ.(કોઈ પ્રચંડ વ્યક્તિત્વ –ક્યારેક આવી જાય-તો તે સુધારે)
આજકાલ –લોકોને સમાજ સુધારવાની બહુ ઈચ્છા થાય છે-કહે-છે-કે-અમે બીજાને લાભ આપીએ છીએ.
અરે-ભાઈ-તું તારું જ સુધારને-તારી જાતને જ લાભ કર ને- ઘરનાં લોકોને સુધારી શક્યો નહિ-તે સમાજ શું સુધારી શકવાનો ? મનુષ્ય પોતાના મનને સુધારે-પોતાની આંખને સુધારે -ઘરનાં લોકોને સુધારે તો પણ ઘણું છે.---વળી-સમાજને સુધારવાની ઈચ્છા-અનેકવાર-પ્રભુ ભજન-પ્રભુ મિલનમાં બાધક થાય છે. બીજાને સુધારવાની ભાવના –પ્રભુ મિલનમાં વિઘ્ન કરે છે.માટે બીજાને સુધારવાની ભાંજગડમાં પડવા જેવું નથી.
તમે તમારુ સુધારજો-સમાજને સુધારવા –પરમાત્મા સંતને મોકલી આપે છે.
બોલવામાં-(શબ્દમાં) –ત્યાગ વગર –શક્તિ-(અસરકારકતા) આવતી નથી.કહેણી અને કરણી એક ના હોય ત્યાં સુધી-વાણી અને વર્તન એક ના હોય ત્યાં સુધી –શબ્દમાં શક્તિ આવતી નથી.
રામદાસ સ્વામીએ કહ્યું છે કે-મેં કર્યું છે-મેં અનુભવ્યું છે-અને પછી હું તમને કહું છું.
વાણી અને વર્તન એક હોય-તે ઉત્તમ વક્તા છે. શુકદેવજી જે બોલ્યા છે-તે જીવનમાં ઉતારીને બોલ્યા છે. આવી વ્યક્તિ વંદનીય છે.
એક વખત-એકનાથ મહારાજ પાસે એક બાઈ તેનો પુત્ર લઇ ને આવી-અને મહારાજને કહે છે કે-મહારાજ-આ મારા પુત્રને મોસાળમાં જઈ ને આવ્યા પછી-ગોળ ખાવાની બહુ ટેવ પડી ગઈ છે. હું ગરીબ ઘરની છું. રોજ ગોળ ક્યાંથી લાવું ? તે બહુ હઠ કરે છે. ગોળ ખાવાનું છોડતો નથી. તે ગોળ ખાવાનું છોડી દે તેવો આશીર્વાદ આપો.”
સંતો પાસે શું માગવું તેનો પણ ઘણાને વિવેક હોતો નથી. આ બાઈએ સંત પાસે એમ ના માગ્યું –કે મારો દીકરો તમારા જેવો ભગવદ ભક્ત થાય !! ઘણા સંત પાસે જઈ કહે છે-કે મારી ભેંસ દૂધ નથી આપતી-તો તે દૂધ આપે તેવા આશીર્વાદ આપો !!!
એકનાથ મહારાજે વિચાર્યું-“હું જ ગોળ ખાઉં છું-મારો આશીર્વાદ ફળશે નહિ.” મહારાજે બાઈને કહ્યું કે “થોડા દિવસ પછી-તમારા પુત્રને લઇ ને પાછા આવજો-તે વખતે હું તેને આશીર્વાદ આપીશ –આજે નહિ”તેઓએ ગોળ ખાવાનું ત્યારથી છોડ્યું.જીવનના અંત સુધી –ગોળ નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી.
થોડા દિવસ પછી બાઈ પોતાના પુત્રને લઈને આવી. મહારાજે તે વખતે બાળકને આશીર્વાદ આપ્યો-
“બેટા,બહુ ગોળ ખાવો સારો નહિ.તું ગોળ ખાવાનો છોડી દેજે”
પેલી બાઈ ને આશ્ચર્ય થયું-કે આટલી વાત કહેવા મહારાજે –સાત દિવસ લીધા ? તેણે મહારાજને પૂછ્યું-“હું પહેલી વખત આવી ત્યારે કેમ આશીર્વાદ ના આપ્યા ?”
મહારાજે કહ્યું-“મા- હું પોતે જ –તે વખતે ગોળ ખાતો હતો એટલે મારાથી તેવો આશીર્વાદ કેમ આપી શકાય ? મેં હવે ગોળ ખાવાનો છોડી દીધો છે.એટલે હવે મારો આશીર્વાદ ફળશે” અને સાચે જ મહારાજનો આશીર્વાદ ફળ્યો.
ત્યાગથી અલૌકિક શક્તિ આવે છે. વિષય આપણને છોડીને જાય તો દુઃખ થાય છે. પણ આપણે જાતે-સમજી ને –વિષયોને છોડીએ-તો આનંદ આવે છે.
જ્ઞાન ,ભક્તિ અને વૈરાગ્ય –જેનામાં પરિપૂર્ણ હોય તે-જ-પ્રભુનાં દર્શન કરી શકે અને બીજાને કરાવી શકે.
શુકદેવજીમાં આ ત્રણે પરિપૂર્ણ છે, તેથી-જ-પરીક્ષિતને સાત દિવસમાં પ્રભુનાં દર્શન કરાવ્યા છે.
સમાજનું આકર્ષણ કરવું તે તો એક કળા છે. હજારો શ્રોતાઓ –કથા સાંભળવા આવે –તેથી-કોઈ ઉત્તમ વક્તા બની જતા નથી.વક્તા માં શુકદેવજી જેવો –પૂર્ણ વૈરાગ્ય હોવો જરૂરી છે.
મહાપ્રભુજીએ કહ્યું છે-કે-ભાગવતમાં સમાધિ ભાષા મુખ્ય છે. ઈશ્વરના ધ્યાનમાં જેને થોડો પણ આનંદ આવે-તેને –ભાગવતનો અર્થ જલ્દી સમજાય છે.
વ્યાસજી એક -એક એક લીલાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. અંતર્દૃષ્ટિથી આ બધું જોયું છે.
ભગવાનનું સ્વરૂપ અલૌકિક છે. આપણી આંખો લૌકિક છે. લૌકિક આંખો –અલૌકિક ઈશ્વરને જોઈ શકે નહિ.બહારની આંખ બંધ કર્યા પછી-અંતરની આંખ ખુલે-ત્યારે –પરમાત્માના દર્શન થાય છે.
(ગીતામાં પણ ભગવાન અર્જુનને કહે છે કે-મારું સ્વરૂપ તું આ સ્થૂળ ચક્ષુથી જોઈ શકીશ નહિ,માટે હું તને દિવ્ય ચક્ષુ- દિવ્ય દૃષ્ટિ-આપું છુ.તેના વડે તું મારું અવિનાશી,વિશ્વરૂપ,વિરાટ રૂપ ને જો --ગીતા-૧૧-૮)