About the ghost ship in Gujarati Crime Stories by Siddharth Maniyar books and stories PDF | ભૂતિયા જહાજની વાત

Featured Books
Categories
Share

ભૂતિયા જહાજની વાત

વિશ્વભરમાં 112 વર્ષ પહેલા 1912માં 15મી એપ્રિલના રોજ તે સમયના વિશ્વના સૌથી મોટા જહાજે જળ સમાધિ લીધી હતી. હા તમે બરાબર સમજ્યા વાત ટાઇટેનિકની જ છે. જે ઘટનામાં હજી પણ અનેક સવાલોના જવાબો મળ્યા નથી. ત્યારે આજે વાત આવી જ એક ઘટનાની કરવાની છે. જે જુલાઈ 2011માં મુંબઈના જુહુ બીચ પર બની હતી.
ઓગસ્ટ 2011માં જુહુ બીચ પર ભારતીય માલિકીનું એક ઓઇલટેન્કર તણાઈ આવ્યું હતું. તેનું નામ એમવી પાવિત હતું. હવે, તમને થશે કે આ ઘટનામાં મોટી વાત શું છે? પરંતુ મોટી વાત એ છે કે, જહાજ તણાઈ આવ્યું તેના 6 સપ્તાહ પહેલા જ તેને જળ સમાધિ લીધી હોવાની જાહેરાત કરાઈ હતી. જહાજ દરિયા કિનારે આવ્યું ત્યારે તેમાં કોઈ પણ વ્યક્તિ સવાર ન હતું. એટલું જ નહીં જહાજ કઈ રીતે દરિયા કિનારે આવ્યું તે પણ સ્થાનિકો માટે ચોંકાવનારી વાત હતી. જોકે, ઘટનાના કેટલાક દિવસ બાદ સ્થાનિક માછીમારોએ વરસતા વરસાદમાં કેટલાક લોકોને જહાજમાંથી ઉતરતા જોયા હતા. જેમને કાલા કપડાં પહેર્યા હતા. જેના કારણે ઘટનાનું રહસ્ય વધારે ઘેરાયું હતું.
આ ઘટનાની મીડિયાએ પણ ગંભીર નોંધ લીધી હતી. એટલું જ નહીં આ ઘટનાથી ભારતીય સુરક્ષા એજન્સીની કામગીરી અને તૈયારીઓ સામે અનેક સવાલો ઉભા થયા હતા. તો ઘટનાની સાથે કેટલાક રહસ્યો પરથી પડદા પર ઉંચકાયા હતા. એમવી પાવિતની ઘટના પરથી બોલીવુડમાં એક ફિલ્મ ભૂત પાર્ટ 1 પણ બની હતી.
હવે, વાત એમવી પાવિતની ઘટનાની કરીએ તો જૂન-2011માં ભારતીય માલિકીનું જહાજ એમવી પાવિત ઓમાન અને મધ્યપૂર્વમાં ઓઇલની હેરફેર કરી રહ્યું હતું. એમવી પાવિત જહાજની વાત કરીએ તો તેની લંબાઈ 77 મીટર અને પહોળાઈ 12 મીટર હતી. તેની મુસાફરી દરમિયાન જહાજમાંથી ઇમરજન્સી સિગ્નલ મોકલવા આવ્યા હતા. તે સમયે જહાજમાં સવાર કર્મચારીઓ દ્વારા જહાજનું એન્જીન ફેઈલ થયું હોવાના તેમજ એન્જીન રૂમમાં પાણી ભરાઈ ગયા હોવાનો સંદેશો આપ્યો હતો. જે સંદેશો સૌથી નજીકમાં હોય તેવા બ્રિટનના યુદ્ધજહાજ એચએમએસ અલબાન્સે મળ્યો હતો. જેથી એમવી પાવિતના ક્રૂના સભ્યોને બચાવવા અલબાન્સે પહોંચ્યું અને ડૂબતા જહાજ પરથી સભ્યોને બચાવી સંભવિત જાનહાનિને અટકાવી હતી.
બ્રિટિશ યુદ્ધજહાજના કમાન્ડર ટોમ શાર્પ હતા. તેમણે જણાવ્યું હતું કે, જુલાઈ 2011નો સમય હતો. તે સમયે સી-સ્ટેટ સિગ્નલ પાંચ જાહેર કરાયું હતું. જેનો અર્થ દરિયો તોફાની થયો હોય તેમ કહેવામાં આવે છે. જે સિગ્નલમાં દરિયામાં ત્રણથી ચાર મીટર ઊંચા મોજાં ઉઠે અને ભારે પવન ફૂંકાઈ ત્યારે જ જાહેર કરવામાં આવે છે. અમને સંદેશો મળ્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે, જહાજમાં કોઈ સમસ્યા સર્જાઈ છે, પરંતુ તે શું છે તેની માહિતી આપવામાં આવી ન હતી. જેથી સમસ્યા કેટલી ગંભીર છે તેનું અનુમાન લગાવવું અમારી માટે મુશ્કેલ હતું. જેથી સાચી સ્થિતિ જાણવા માટે જહાજ પરથી એક હેલીકૉપટર ખાસ એમવી પાવિત સુધી મોકલવામાં આવ્યું હતું. પાઇલટ દ્વારા હવામાંથી જ જહાજના ક્રૂ સાથે વાત કરી હતી. જેમાં ક્રૂએ જણાવ્યું હતું કે, એંજિનરૂમમાં પાણી ભરાઈ રહ્યું હતું. જેના કારણે એન્જીન બંધ થયું અને જહાજ આગળ વધી શકતું ન હતું. જેથી ક્રૂને બીક હતી કે જહાજ ડૂબી જશે, જેથી ક્રૂના સભ્યો ડૂબવાથી બચવા માટે જહાજમાંથી નીકળવા માગતા હતા.
એક તરફ દરિયો તોફાની હતો અને બીજી તરફ એમવી પાવિતનો વેલમાસ્ટ એક તરફ નમી રહ્યો હતો. ભારે પવન હોવા છતાં બ્રિટન નેવીનું હેલીકૉપટર એમવી પાવિત પર ઉડતું રહ્યું અને સતત 12 કલાક સુધી બચાવ કામગીરી કરી હતી. બચાવ કામગીરીમાં 13 સભ્યોને એરલિફ્ટ કરાયા હતા. જે પોતામાં એક રેકોર્ડ હતો. જે બાદ 13 સભ્યોને કંપનીના જ અન્ય એક જહાજ એમવી જગપુષ્પામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જે તેમને લઈને ગુજરાતના સિક્કા બંદર આવ્યું હતું. જે બાદ એમવી પાવિતને ડૂબી ગયું હોવાનું જાહેર કરાયું હતું. જે ઘટના અંગે માત્ર ભારતીય જ નહીં વિશ્વના મીડિયામાં પણ બ્રિટન જહાજની કામગીરી અને ભારતીય જહાજના ડૂબી જવાની ઘટના પ્રકાશિત થઇ હતી. એક તરફ ઘટનાનો અંત હતો અને બીજી તરફ રહસ્યની શરૂઆત હતી.
વાત ઓગસ્ટ 2011ની છે. પનામામાં નોંધાયેલી એમવી પાવિત મુંબઈના જુહુના દરિયાકાંઠે પહોંચ્યું હતું. તે સમયે સ્થાનિકો માટે એમવી પાવિત એક ટુરિસ્ટ સ્પોસ્ટ બની ગયું હતું. લોકો તેની સાથે ફોટો પડાવવા માટે દરિયાકાંઠે આવતા હતા. પરંતુ ભારતીય સુરક્ષા એજન્સી માટે એમવી પાવિત અનેક સવાલો લઈને આવ્યું હતું. ઘટનાના ત્રણેક વર્ષ પહેલા જ આતંકવાદીઓ નાની બોટમાં મુસાફરી કરી મુંબઈના દરિયાકાંઠે આવ્યા હતા. મુંબઈમાં પ્રવેશીને તેમને દહેશત ફેલાવી હતી. જોકે, 1000 ટનનું જહાજ આવી શકતું હોય તો નાની બોટ શું છે? આ ઘટનાથી દેશની સુરક્ષા એજન્સીની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા હતા.
પરંતુ પ્રશ્ન એ હતો કે, જે જહાજને ડૂબી ગયેલું જાહેર કરવામાં આવ્યું હતું તે દરિયાકાંઠે આવી પહોંચ્યું હતું. જે જહાજ ડૂબી ગયું હોય તે દરિયાના પેટાળમાંથી બહાર આવ્યું કઈ રીતે તે પણ એક મોટો પ્રશ્ન હતો. તેની સાથે સાથે એક બીજો પ્રશ્ન ઉભો હતો કે, આવા મોટા જહાજને ચલાવવું માટે ઓછામાં ઓછા 10 સભ્યોની જરૂર પડે. પરંતુ જહાજ દરિયાકાંઠે આવ્યું ત્યારે તેમાં એક પણ સભ્ય ન હતા. એવું પણ બને કે એમવી પાવિત ડબ્યુ ન હોવા છતાં તે ડૂબી ગયાની જાહેરાત કરાઈ હોય શકે. પરંતુ એમવી પાવિત તેના કેપ્ટન અને એક પણ ક્રૂ વિના દરિયાકાંઠે આવ્યું કઈ રીતે તેનો જવાબ પણ મળતો ન હતો. એમવી પાવિત જયારે કાંઠે આવ્યું ત્યારે તેમાં વીજળી ન હતી. જેથી મધદરિયેથી કાંઠા સુધીની મુસાફરીમાં માછીમારી કરી રહેલ બોટ સાથે અકસ્માત પણ થઇ શક્યો હોત. જોકે, નસીબ જોગ આવી કોઈ ઘટના બની ન હતી. એટલું જ નહીં આ જહાજ મુંબઈના દરિયામાં ઑઇલરિગ્સને નુકસાન પહોંચાડી શક્યું હોત. પરંતુ આવી પણ કોઈ ઘટના બની ન હતી.
એમવી પાવિત કાંઠે આવ્યું ત્યારે ચોમાસાની ઋતુ હતી. જેથી દરિયાખેડુ દરિયામાં ન હતા. જેથી કોઈ ઘટના બની ન હતી. છતાં એમવી પાવિત માછીમારોના ઘર સુધી પહોંચી ગયું હતું. જો તે દિવસે દરિયામાં ભરતી હોત તો જહાજ એમવી પાવિત માછીમારોના ઘરોને પણ નુકશાન પહોંચાડી શક્યું હોત. એમવી પાવિતની ડૂબવાની અને પરત કાંઠે આવવાની ઘટના પર બોલીવુડમાં ભૂત – પાર્ટ વન : ધ હૉન્ટેડ શિપ નામથી એક ફિલ્મ પણ બની હતી.
એમવી પાવિતની ઘટનાની જે માહિતી જાહેર કરવામાં આવી હતી તે અનુસાર જહાજ એમવી પાવિતની પાઈપમાં એક ટેનિસ બોલ જેટલું કાણું પડ્યું હતું. જેમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ જહાજમાં આવી રહ્યો હતો. જે એક સામાન્ય સમસ્યા માનવામાં આવે છે. જેને કોઈ પણ દરિયાખેડૂ લાકડાનો ટુકડો ભરાવી તેનું નિરાકરણ લાવી શકે છે. તો પછી જહાજ પર હાજર અનુભવી ક્રૂના સભ્યો દ્વારા તેનું નિરાકરણ ન લાવી ગભરાઈ ગયા અને તેને છોડીને જતા કેમ રહ્યા તે પ્રશ્નનો જવાબ હજી પણ મળ્યો નથી.
જહાજને છોડીને ક્રૂના સભ્યો જતા રહે પછી તે ડૂબી જાય તેવું જરૂરી નથી. એમવી પાવિત જેવા દરેક મોટા જહાજમાં એક ઑટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ હોય છે, જે સેટેલાઇટ મારફત જહાજને સતત ટ્રૅક કરે છે. જે વ્યવસ્થા દરિયાઈ સત્તાધીશો અને ઇન્ટરનેશનલ સંસ્થાઓને જહાજના સ્થાનની સતત માહિતી આપી છે. ઇન્ટરનેશનલ નિયમન અને સલામતી માટે આ સિસ્ટમ જહાજમાં લગાવવી ફરજીયાત હોય છે. આ સિસ્ટમ દરિયામાં ચાંચિયાગીરી, કચરો ઠાલવવો, ગુનાખોરીને અટકાવવા તથા બીજી અનેક ઘટનાઓ સમયે ખુબ જ મદદરૂપ પુરવાર થાય છે. એમવી પાવિતમાં પણ આ સિસ્ટમ લગાવવામાં આવી હતી અને વર્ષો સુધી કાર્યરત હતી. પરંતુ જે દિવસે બ્રિટન નેવીના હેલીકૉપટર દ્વારા એમવી પાવિતના ક્રૂના સભ્યોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેના એક મહિના પહેલા જ એઆઈએસ ટ્રાન્સપૉન્ડર બંધ થયું હતું. ત્યારે તેમાં ખામી હતી કે પછી તેને જાણી જોઈને હોઈ કારણસર બંધ કરવામાં આવી હતી તે પણ એક પ્રશ્ન છે, જેનો જવાબ હજી મળ્યો નથી.
તેની સાથે બીજા અનેક સવાલો ઉભા થયા હતા. જેમાં એક સવાલ હતો કે જહાજનો અબજો રૂપિયાનો વીમો પકવવા માટે તો આ ઘટના સર્જવામાં આવી નહીં હોયને? જોકે, એમવી પાવિતની ઓનર કંપની દ્વારા વીમા માટેનો દાવો કર્યો હતો કે નહીં તે અંગેની કોઈ જ માહિતી જાહેર કરવામાં આવી ન હતી. એવું પણ કહેવાય છે કે, જો વીમો જ પકવવાનો હતો તો જહાજને ડુબાડી દેવું ખુબ જ સહેલી છે. તેની માટે દરિયો તોફાની હોય તેવો સમય પસંદ કરવામાં ન આવે. કારણકે જો, દરિયો તોફાની હોય તેવો સમય પસંદ કરવામાં આવે તો ક્રૂના સભ્યોના જીવ જોખમમાં મુકાઈ શેક છે તે વાતનું પણ કંપની ધ્યાન રાખતી હોય છે.
ત્યારે વધુ એક સવાલ એ ઉભો થાય છે કે, એમવી પાવિત ઓઇલ કન્ટેનર હતું. તો તેનો ઉપયોગ આફ્રિકાના દરિયાઈ ચાંચિયાઓને તેલ પૂરું પાડવા માટે કરવામાં આવતો હતો? 2011માં આફ્રિકાના દરિયાકાંઠે ચાંચિયાગીરી મોટાપાયે ચાલી રહી હતી. જેથી તેમને તેલ પૂરું પાડનાર જહાજને મોટી કમાણી થાય તેમ હતું. આ બધા પ્રશ્નો વચ્ચે કેટલા મીડિયા રિપોર્ટ્સને કારણે રહસ્ય વધુ ગાઢ બન્યું હતું. તે સમયના મીડિયા રિપોર્ટ અનુસાર એકરાત્રે વરસાદમાં કાળાં કપડાં પહેરેલા કેટલાક લોકો એમવી પાવિતમાંથી ઉતરતા નજરે પડ્યા હતા. જેઓ બોટ મારફતે નીકળ્યા હોવાનું નજરે જોનાર સ્થાનિક માછીમારોએ જણાવ્યું હતું.
સામાન્ય રીતે જહાજ કંપની કોઈ પણ દેશની હોય પરંતુ તેની નોંધણી ટેક્સ હેવન કંટ્રીમાં કરાવવામાં આવતી હોય છે. જેથી ટેક્સ ભરવામાંથી મુક્તિ મળે અથવા તો ઘણો ઓછો ભરવો પડે અને ટેક્સ બેનિફિટ લઇ શકાય. એટલું જ નહીં ક્રૂના સભ્યોને પગાર અને કામની સ્થિતિમાં ચોક્કસ દેશનાં નિયમનોનું પાલન ન કરવું પડે. જેથી જ માલિકી ભારતીય હોવા છતાં કંપની દ્વારા એમવી પાવિતની નોંધણી પનામામાં કરવામાં આવી હતી. આ બધી બાબતો મીડિયામાં ઉજાગર થયા બાદ કંપનીના સ્પોકપર્સન મીડિયા સમક્ષ આવ્યા તેમજ બેઠકો પણ કરી. પરંતુ બેઠી ત્રણ બેઠક બાદ તેઓ પણ ગાયબ થઇ ગયા. પહેલા ક્રૂ અને હવે, માલિકોએ એમવી પાવિતને ત્યજી દીધું હતું, જેથી તેને દરિયાકાંઠેથી ખસેડવાનો ખર્ચ કંપનીએ ચૂકવવો ન પડે. કંપની એમવી પાવિતને વેચી શકે કે પછી તેમાંથી કશું મેળવી શકે તેવી સ્થિતિમાં ન હતા. જેથી જ તેને કંપની દ્વારા પણ ત્યજી દેવામાં આવ્યું હતું. જોકે, એમવી પાવિત વિશ્વનું એક માત્ર જહાજ ન હતું કે ન હશે જેને કંપની દ્વારા પણ ત્યજી દેવામાં આવ્યું હોય. આવી ઘટના માત્ર ભારતમાં જ નહીં વિશ્વના અનેક દેશોમાં બનતી હોય છે.
જોકે, યુકેના એક અખબારની ગેરસમજણ કે પછી મિસકમ્યુનિકેશનના કારણે એમવી પાવિત જહાજના ડૂબવાનું રહસ્ય ખુલ્યું. હકીકતમાં એમવી પાવિતે જળસમાધિ લીધી જ ન હતી. ક્રૂના સભ્યો દ્વારા જહાજને ત્યજી દેવામાં આવ્યા બાદ પાણીના વહેણ અને હવાના સહારે એમવી પાવિતે છ સપ્તાહમાં 1500 કિલોમિટરની મુંબઈના દરિયાકાંઠા સુધીની મુસાફરી કરી હતી. ઘુઘવાટા દરિયામાં હજારો નહીં પરંતુ લખો વર્ગ કિલોમીટરના વિસ્તારમાં માત્ર પાણી જ પાણી હોય છે ત્યારે તેમાં ગમ થયેલા જહાજને શોધવું મુશ્કેલ જ નહીં લગભગ નામુમકીન હોય છે. એને તેમાં પણ જો ઑટોમેટિક આઇડેન્ટિફિકેશન સિસ્ટમ બંધ હોય તો જહાજને શોધવું લગભગ અશક્ય બનતું હોય છે.
ઇન્ટરનેશનલ મેરિટાઇમ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર 2004થી અત્યારસુધીમાં પાંચસોથી વધારે જહાજ ત્યજી દેવાયા છે. કેટલાક કિસ્સામાં પોર્ટને ચૂકવણું ન કરવું પડે, તે માટે માલિકો દ્વારા ક્રૂઝશિપને પણ ત્યજી દેવાય છે. કારણકે કેટલાક કિસ્સામાં જહાજ કે ક્રૂઝશિપને કિંમત કરતા વધારે રકમ પોર્ટને ચૂકવવી પડતી હોય છે. જહાજ અથવા ક્રૂઝશિપને વીમો આપતી કંપની ઍલ્યાન્ઝ ગ્લોબલના જણાવ્યા અનુસાર દર વર્ષે આવી રીતે 50થી 75 જહાજ ગુમ થાય છે. એટલે કે એક સપ્તાહમાં સરેરાશ એક જહાજ ગાયબ થાય છે. જોકે, 1990ના દાયકાથી આ સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે.
જહાજ એમવી પાવિતના દરિયાકાંઠે આવવાનું રહસ્ય તો ખુલ્યું પરંતુ સ્થાનિક માછીમારોએ કાળા કપડાંમાં એમવી પાવિતમાંથી ઉતરતા અને બોટમાં કિનારે આવતા જેમને જોયા હતા તે કોણ હતા? જોકે, ભારતીય શિપિંગ ડાયરેક્ટરેટ સાથે સંકળાયેલા કેપ્ટન હરીશ ખત્રીએ જણાવ્યું હતું કે, જહાજ ત્યજી દેવાયું હતું અને કેવી રીતે આવ્યું તેની માહિતી ન હતી જેથી તેમાં કોઈ છે કે નહીં તેની ચકાસણી કરવા મુંબઈ પોલીસના ચાર-પાંચ જેટલા કર્મચારી ત્યાં ગયા હતા. જેમને કાળા રેઇનકોટ પહેર્યા હતા.
જોકે, કેપ્ટન ખત્રીએ તેમના કાર્યકાળમાં ચાંચિયાગીરીમાં સંડોવાયેલા જહાજોથી વાકેફ હતા. જેથી તેમનેબ એમવી પાવિતની ચાંચિયાગીરીમાં સંડોવણીની વાતને પણ નકારી હતી. જેથી તેમણે જણાવ્યું હતું કે, એમવી પાવિતની સ્થિતિ એટલી ખરાબ ન હતી કે તેને ત્યજી દેવું પડે. જોકે, આ ઘટનાક્રમ પછી દેશની સુરક્ષા એજન્સીઓએ બોધપાઠ લીધો અને દરિયાઈ સીમાની સુરક્ષાને વધુ મજબૂત કરી હતી. જેથી આવી ઘટના ફી ન બને.
ત્યારે હવે, પ્રશ્ન એ થાય છે કે, એમવી પાવિતનું શું થયું? તો જણાવી દઉં કે મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડે એમવી પાવિતને જૂહુ બીચથી કટાવવાનો કૉન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેથી કોન્ટ્રાકટ લેનાર એજન્સી દ્વારા તેને દીઘી પૉર્ટ લઈ જવાયું હતું. મેરિટાઇમ બોર્ડ દ્વારા તેને હટાવવા પાછળ થયેલો ખર્ચ તેમજ અન્ય વસુલાત માટે તેને ભંગારમાં વેચી દેવાયું હતું. આ સાથે જ કેપ્ટ્ન કે ક્રૂ વિના દરિયાકાંઠે ઘસી આવેલા જહાજ એમવી પાવિતની વાતનો અંત આવ્યો.