નિતુને આજે પણ પોતાનો પાડોશ પ્રેમ જ કામ લાગ્યો. હરેશ ગાડી લઈને આવ્યો અને બધાએ ભેગા મળીને શારદાને તેની ગાડીમાં બેસારી. પોતાના ખોળામાં માનું માંથુ મૂકી તે બેસી ગઈ. શારદાને શું ચાલી રહ્યું છે? આસપાસ શું થઈ રહ્યું છે? તેની કોઈ ભાન નહોતી. નિતુ અને ધીરુભાઈ તેની સાથે બેસી ગયા અને કૃતિએ તેઓને કહ્યું, "તમે જાઓ હું સાગરને ફોન કરું છું. અમે બંને સાથે આવીયે."
તેને લઈને હરેશ નજીકની હોસ્પિટલમાં પહોંચ્યો અને હાજર ડોક્ટરને બોલાવી તેની સારવાર શરૂ કરાવી. તપાસ કરી ડોક્ટરે તેને સીધા આસીયુમાં એડમિટ કરવા કહ્યું. ડોક્ટર બહાર આવે તેની રાહે બધા બેઠા હતા. આ બાજુ કૃતિએ સાગરને ફોન લગાવ્યો. શરૂ ફોન પર વાત અડધી મૂકીને જતી રહેલી કૃતિનો અડધી રાત્રે ફોન? સાગરને ચિંતા હતી અને ફોન ઊંચકાવતાની સાથે જ તેણે કહ્યું, "હા કૃતિ, શું થયું? વાત કરતા કરતા તે અચાનક કોલ કેમ કટ કર્યો? બધું બરાબર છેને?" કૃતિએ સાગરને બધી જાણ કરી તો તે પણ પોતાના પપ્પા સાથે ત્યાં આવવા માટે નીકળી ગયો.
થોડી ક્ષણોમાં ડોકટરે બહાર આવી તેઓને પૂછ્યું, "આ શારદાદેવીની સાથે કોણ આવ્યું છે?"
નિતુ, હરેશ અને ધીરુભાઈ ત્યાં જ બેઠેલા. તે ઉભા થઈને તેની પાસે ગયા. નિતુ બોલી, "અમે છીએ."
"જી તમે...?"
"એ મારા મમ્મી છે."
"અચ્છા."
"શું થયું છે તેને ડોક્ટર સાહેબ?"
"તમારી મમ્મીને હાર્ટ અટેક આવ્યો છે."
"હાર્ટ એટેક?!" ડોક્ટરની વાત સાંભળી દરેકના મનમાં ડર ઉભો થયો.
તેઓની સ્થિતિ અને બોલવાના ભાવ જોઈને ડોકટરે ફરી કહ્યું, " ચિંતા કરવાની જરૂર નથી. અમે સારવાર શરુ કરી દીધી છે. થેન્ક ગોડ કે તમે લોકો સમયસર અહીં આવી ગયા."
"મમ્મીને કેમ છે હવે?"
"જુઓ, ટ્રીટમેંટ તો અમે શરુ કરી છે અને મૂંઝાવા જેવી કોઈ વાત નથી. પણ એમની હાલત હાલ થોડી સિરિયસ છે. બાકી રિપોર્ટ આવશે એટલે પાક્કી જાણકારી મળી જશે."
ધીરુભાઈએ પૂછ્યું, "અમી એની પાહે જઈ હકીએને?"
"અત્યારે તે ભાનમાં નથી. થોડી રાહ જુઓ. તે ભાનમાં આવી જાય એટલે અમે તમને જાણ કરીશું. એટલીવારમાં કદાચ તેના રિપોર્ટ પણ આવી જશે! તમે ધીરજ રાખો અને બેસો, એક નર્સ અંદર તેનું ધ્યાન રાખે છે. કોઈ અપડેટ આવે એટલે હું તમને જાણ કરીશ. ઓકે?"
"જી."
"તમે આ દવાઓ લઈ આવો." કહેતા ડોકટરે એક લિસ્ટ આપ્યું. તેના હાથમાંથી તે લિસ્ટ લેતા હરેશ બોલ્યો, "હું લઈ આવું છું. મને આપો."
હરેશ દવા લેવા માટે ગયો અને ડોક્ટર અંદર જતા રહ્યા. નિતુ પોતાની જાત પર કાબુ ના રાખી શકી અને શરીર ઢીલું છોડીને બેન્ચ પર બેસી ગઈ. તેની બાજુમાં બેસતા ધીરુભાઈએ તેના ખભા પર હાથ મૂકી તેને હિંમત આપી. કહ્યું, "બસ બેટા રોતી નઈ. આતો હારુ થયું કે હરેશ ન્યાં હતો અને આપણે ટાણાહર પોગી ગ્યા. દાક્તરે કીધું છેને કે એને કાંય નથી થ્યું. હમણાં કૃતિ ને સાગરેય આવતા હશે! એની હામે હિમ્મત રાખજે."
આંસુ લૂછતાં તે બોલી, "હા કાકા, સારું થયું કે હરેશ ત્યાં જ હતો. નહિતર ખબર નહિ... બસ હવે રિપોર્ટ આવી જાય એટલે સાચી જાણ થઈ જાય."
થોડીવારમાં હરેશ દવાઓ લઈને પાછો આવ્યો, તેને પાસેથી દવા લઈને નર્સ ફરી પછી અંદર જતી રહી. તેઓ રિપોર્ટની રાહે હતા. એટલામાં ઉતાવળા પગે ચાલતી કૃતિ અને તેની પાછળ સાગર અને તેના પપ્પા જીતુભાઈ ત્યાં આવી પહોંચ્યા.
"દીદી..., દીદી...! શું થયું? શું કીધું ડોકટરે?" પહોંચતાની સાથે જ તેણે પૂછ્યું.
ધીરૂભાઈએ તેને શાંત કરતા કહ્યું, "કૃતિ દીકરા, શાંત થઈ જા. પેલા હાહ લઈ લે."
"પણ કાકા, મમ્મી?"
"એને કાંય નથી થયું. દાક્તર હમણાં ગયા ને અમારી વાતેય થઈ. એણે કીધું છે કે મૂંઝાવા જેવું નથી."
"રિપોર્ટ ક્યારે આવશે?" જીતુભાઈએ પૂછ્યું.
નિતુએ કહ્યું, "બસ હમણાં થડીવારમાં આવી જશે."
સૌના મન રિપોર્ટ માટે અધીરા હતા, ઘડીવાર બેસે તો ઘડીવાર ઉભા થાય, વળી આમ તેમ ચક્કર લગાવી અને અંદર દાખલ શારદાના વોર્ડ તરફ નજર કરે. બસ ઘડિયારના કાંટા ટક... ટક... કરીને ફરી રહ્યા હતા. રાતના લગભગ સાડાબાર વાગવા આવેલા. એક પરિચારિકાએ ત્યાં આવી કહ્યું, "નીતિકા ભટ્ટ?"
"જી હું છું, બોલો." બેન્ચ પર બેઠેલી નિતુ ઉભા થતા થતા બોલી.
"તમે ડોક્ટરની કેબિનમાં જઈ શકો છો. તમારા મમ્મીના રિપોર્ટ આવી ગયા છે."
નર્સ તેને અંદર જવાનું કહીને જતી રહી. નિતુ ડોક્ટરની કેબીન તરફ જવા લાગી તો જીતુભાઈએ તેને કહ્યું, "એક મિનિટ બેટા, ચાલ હું પણ તારી સાથે આવું છું."
"હા, અમી પણ આવીએ. હાલો..." ધીરુભાઈએ પણ સાથે જવાની વાત કરી.
"અરે અહીં મમ્મી ભાનમાં આવશે તો કોઈકે હાજર રહેવું પડશેને! હું જાઉં છું."
જીતુભાઈએ કહ્યું, "નિતુ! કૃતિ અને સાગર બંને અહીં જ છેને. હરેશ પણ છે. ડોક્ટર સાહેબ જે વાત કરશે એ ઈમ્પોર્ટન્ટ હશે. હું અને ધીરુભાઈ બંને તારી સાથે આવીયે છીએ. ચાલ..."
તેઓ કેબિનમાં આવ્યા કે ડોકટરે તેના જોતા એક ફાઈલ ઉપાડી અને તેઓને સામે બેસવા માટે કહ્યું. ફાઈલ ખોલી તે કહેવા લાગ્યા, "લુક મિસ નિતુ! તમારી મમ્મીના રિપોર્ટ આવી ગયા છે અને અમે બીજી વખત તેનું ચેકઅપ પણ કરી લીધું છે."
"રિપોર્ટમાં શું આવ્યું છે?"
"હાલ તો તેઓ નોર્મલ છે પણ તેને એથમિયાની અસર છે."
"એટલે?"
"એટલે એમ કે એના બ્લડ પ્રેશર પર અસર પડી છે અને તેની અસર તેના હૃદય પર થઈ છે. જેને કારણે તેને આ હાર્ટ અટેક આવ્યું છે. તમારે તેના માટે સર્જરી કરાવવી પડશે."
"પણ હવે તો એ નોર્મલ છેને?" જીતુભાઈએ પૂછ્યું.
"ના. અમે દવાઓ આપી અને થોડી ટ્રીટમેન્ટથી તેને નોર્મલ કર્યા છે. તે ત્યાં સુધી નોર્મલ છે જ્યાં સુધી મેડિસિનની અસર છે."
નિતુએ પૂછ્યું, "તો તેને નોર્મલ કરવા શું કરવાનું છે?"
"હું તમને લોકોને ડરાવવા નથી માંગતો અને આટલી મૂંઝાવાની વાત પણ નથી. બસ એક સર્જરી કરવી પડશે."
"સર્જરી?"
"હા સર્જરી. અત્યારે તેઓ સુતા છે તો ડિસ્ટર્બ ના થાય એટલે કોઈએ તેની પાસે જવાની જરૂર નથી. સવારે સિનિયર ડોક્ટર આવે એટલે એ બધું જોઈને તમારી સાથે વધારે વાત કરશે. તમે દરેક પણ આરામ કરી લ્યો. "
ડોકટરની સલાહ મુજબ તેને આરામ કરવા દઈ બાકી બધા પણ બહાર કેન્ટીન એરિયામાં જતા રહ્યા. કૃતિ અને સાગરને ફોન કરી ત્યાં બોલાવી લેવાયા. આવતાની સાથે કૃતિએ પૂછ્યું, "શું કહ્યું ડોકટરે?"
"સવારે સિનિયર ડોક્ટર આવે એટલે એની સાથે ચર્ચા થશે. બધાએ રોકાવાની જરૂર નથી, જીતુકાકા! તમે અને સાગર ઘરે જાઓ અને હરેશ તું પણ કૃતિને લઈને ઘરે જા. હું અને કાકા અહીં છીએ."
"કેવી વાત કરો છો? નિતુદીદી અમે પણ અહિંયા જ છીએ."
"સાગર! ડોકટરે કહ્યું છે કે કોઈ ચિંતાજનક વાત નથી. આમેય હવે સવાર સુધી અહીં કેન્ટીનમાં જ બેસવાનું છે. તેના કરતા તમે લોકો જાઓ."
"પણ દીદી..."
"કૃતિ કાકા કહેતા હતા કે તું અને સાગર કાલે પાછા કપડાં સિલેક્ટ કરવા જવાના હતા. તમે જાઓ સવારે મોડું થશે તમને લોકોને."
હરેશ બોલ્યો, "નિતુની વાત બરાબર છે. બાકીના લોકોને અહીં રોકવાનો કોઈ ફાયદો નથી. આમેય આપણે તો સવાર જ પાડવાની છે. સવારે પાછા આવી જઈશું."
તેની વાત માનીને આખરે બધા ઘર જવા માટે નીકળ્યા. સાગર અને જીતુભાઈ જતા રહ્યાં અને કૃતિ હરેશ સાથે જઈ રહી હતી. થોડે દૂર પહોંચી તેના પગ થોભ્યા અને પાછું વાળી તે પોતાની બહેન તરફ જોવા લાગી. કેન્ટીનના ટેબલ પર ખિન્ન બની બેઠેલા કાકાની બાજુમાં તે નીચે માથું કરીને, બનેં હાથ ભેગા અને વિચાર મગ્ન બેઠી હતી. પોતાની જાતને દોષી અનુભવતી તે જતી રહી.