A soulful life in Gujarati Motivational Stories by SHAMIM MERCHANT books and stories PDF | એક આત્માપૂર્ણ જીવન

Featured Books
Categories
Share

એક આત્માપૂર્ણ જીવન


જંગલની વચ્ચોવચ, હું સૂકા ઘાસ પર પડી હતી અને અચાનક આજુબાજુની આબેહૂબ રંગત ઝાંખી લાગવા લાગી. જ્યારે મને સમજાયું કે શું થઈ રહ્યું છે, ત્યારે એક ધ્રુજારી મારી કરોડરજ્જુમાં પસાર થઈ ગઈ; મારી સામે ખૂબ જ ખેદ સાથે જોતા, મારી આત્મા મારા નિર્જીવ શરીરને વિદાય આપી રહી હતી.

નાજુક અને ધીમી ગતિએ ચાલતો મારો શ્વાસ સાક્ષી આપી રહ્યો હતો કે મારામાં હજુ પણ થોડો જીવ બાકી હતો અને તે મારી આત્માને વિનંતી કરી રહ્યો હતો, કે મને એકલી મૂકીને ન જાય. ભાવનાઓથી ગદગદ થઈને, મેં ધીમેથી મારી આત્માને આજીજી કરી,

હું: ઓહ મારી પ્રિય આત્મા, પ્લીઝ મને એકલી મૂકીને ન જા!

આત્મા: માફ કર મારી પ્રિય, મારો જવાનો સમય આવી ગયો છે.

હું: તું મને આ રીતે, અકાળે, દુ:ખ અને ઇચ્છાઓના ગહન વજન સાથે કેવી રીતે છોડીને જઈ શકે?

આત્મા: ઈચ્છું તો છું કે હું તારી સાથે થોડો સમય રહી શકું, પણ અધૂરા સપના સાથે તને છોડી દેવા બદલ હું દિલગીર છું.

હું: શું આ મારી ભૂલ છે કે તું અણધારી રીતે મને છોડીને જઈ રહી છો?

આત્મા: ના મારી પ્રિય, મારો સમય આવવાનો જ હતો. અરે, આપણામાંથી કોઈએ તેનો અનુમાન નહોતો લગાડ્યો.

હું: આત્મા, તારા વિના હું શું કરીશ?

આત્મા: કાશ, તું વધુ પરિપૂર્ણ જીવન જીવી હોત. માફ કર મારી પ્રિય, પરંતુ આ આપણો અંત છે, તારો અને મારો, બંનેનો!

હું: ના! ના! આ સાચું ન હોઈ શકે! ના!

મારી પોતાની ચીસથી મારી આંખ ખુલી ગઈ. મેં એક ઝટકા સાથે ઊંચા થવાનો પ્રયાસ કર્યો. તો.. આ એક સપનું હતું!!!

પરસેવાના રેલા પડી રહ્યા હતા, હૃદય મારી સંકુચિત છાતીમાં જોર-જોરથી ધબકી રહ્યું હતું અને તેના ધબકારા મારા કાનમાં રણકી રહ્યા હતા. મારું ઠેકાણું જાણવા માટે મેં આસપાસ નજર ફેરવી. અંધારું કેમ હતું? હું શા માટે પ્રતિબંધિત અનુભવી રહી હતી? ચહેરા પરના ઓક્સિજન માસ્કે મારો અવાજ દબાવી નાખ્યો હતો અને મારા હાથમાં આઈ.વી મારા હિલચાલને હજી વધારે અવરોધિત કરી રહી હતી.

હું હોસ્પિટલના પલંગ પર, આઈ.સી.યુ માં હતી અને જાણે હમણાં જ ગહેરી નિંદ્રામાંથી જાગી હોઉં એવું લાગી રહ્યું હતું. શું હું કોમામાં હતી? ક્યાર થી? ઓશીકું પર માથું પાછું મૂકીને, મેં સામાન્ય રીતે શ્વાસ લેવાનો પ્રયત્ન કર્યો અને મગજમાંથી મૂંઝવણ ભર્યા ધુમ્મસવાળી ગાંઠો ખોલવાનો પ્રયાસ કર્યો. ધીમે ધીમે, ધીરે ધીરે, ભૂતકાળમાં સરકી જતાં, મારી સાથે બનેલી ઘટનાને યાદ કરી.

હું પરિણીતી પાલકર, ૨૩ વર્ષની છોકરી છું, જે ખૂબ મહત્વાકાંક્ષી હતી. હું મારું એમ.બી.એ કરી રહી હતી, પરંતુ પછી મૂર્ખતાપૂર્વક હું એક છોકરાના પ્રેમમાં પડી જે ઠગ નીકળ્યો. મેં તેને મારી બેસ્ટ ફ્રેન્ડ સાથે રંગે હાથ પકડ્યો હતો.
"માફી માંગવાથી બધું ઠીક નથી થઈ શકતું, રમેશ! તેં મને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે. તેં માત્ર મને દગો નથી આપ્યો, પણ આપણી વચ્ચેની દરેક બાબતનો નાશ કરી નાખ્યો છે!"

આટલું કહીને, રડતાં રડતાં હું તેના ઘરેથી ભાગી ગઈ અને હું ક્યાં જાઉં છું તેની પરવા કર્યા વિના, એક પાગલ સ્ત્રીની જેમ ભાગતી રહી. ત્યાર બાદ એક દુર્ઘટના થઈ. મનની બેચેની અને વિખેરાઈ ગયેલા હૃદયની સ્થિતિમાં, મને મારી તરફ ઝડપથી આવતી કાર ન દેખાણી. તે એક જીવલેણ અકસ્માત હતો!

બાદમાં મને કહેવામાં આવ્યું કે હું ત્રણ મહિનાથી કોમામાં હતી. મમ્મી પપ્પા ભગવાનનો આભાર માનતા નહોતા થાકી રહ્યા, કે હું ફરીથી ભાનમાં આવી ગઈ હતી.
"મારી દીકરી, અમે તને લગભગ ગુમાવી દીધી હતી. તને ફરીથી તંદુરસ્ત જોવું કોઈ ચમત્કારથી ઓછું નથી."

એક મહિના પછી, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ.....

"પરી ડાર્લિંગ, એ કઠિન દિવસો વિતી ગયા બેટા. હવે તારે ફરી ઉત્સાહિત થવાની જરૂર છે. તું મારી મજબૂત દીકરી છે. થોડી વધુ હિંમત બતાવ અને અમે તને બધી રીતે મદદ કરીશું." પપ્પાના પ્રોત્સાહક શબ્દો મને મારા નિરાશાજનક બખોલમાંથી બહાર લાવવા માટે કંઈ ન કરી શક્યા. રમેશ, મારો અકસ્માત અને એ સપનું બધું જ મારા પર સતત દુઃસ્વપ્નની જેમ મંડરાઈ રહ્યું હતું.

એક સાંજે, હાથ નીચે કાખઘોડીના ટેકે, હું મારા બેડરૂમની બારીમાંથી બહાર જોઈ રહી હતી. વાસ્તવિક સૂર્યાસ્તના સમય કરતાં વહેલા જ આકાશમાં કાળા વાદળોએ હવામાનને અંધકારમય બનાવી દીધું હતું. પ્રચંડ વરસાદ મારી ભારે લાગણીઓ જેવો લાગી રહ્યો હતો. મારી વેદના મને અંદરથી ખાઈ રહી હતી. મૌન આંસુ મારા ચહેરા પર વહી રહ્યા હતા. પેલું ભયંકર સપનું ભૂલે નહોતું ભુલાઈ રહ્યું. મારી આત્માનું મારા શરીરને છોડવાનું એ સ્વપ્ન મને ધ્રુજારી આપતું રહ્યું. ચોવીસ કલાક તે મારા મગજમાં ફર્યા કરતું હતું.

હું જીવનમાં શું કરવા માંગતી હતી અને આજે હું ક્યાં ઊભી છું?

ખૂબ જ મુશ્કેલી સાથે, પાપાપગલી ભરતા, હું મારા રૂમમાં અરીસાની સામે જઈને ઊભી રહી. મારું પ્રતિબિંબ દયનીય હતું, માત્ર કાખઘોડીના કારણે નહીં, પણ મારા ચહેરા પરની સ્વ દયાની અભિવ્યક્તિ અસહ્ય હતી.
"મેડમ પરિણીતી પાલકર, તું એ બિહામણા સપનાને સચ્ચાઈમાં પરિવર્તિત થવાની પરવાનગી નથી આપી શકતી. જો તું તારા જીવનના ટુકડા નહીં સમેટે, તો જીવિત હોવા છતાં, તારી આત્મા ચોક્કસપણે તારા નિર્જીવ શરીરને છોડી દેશે."

મારું અર્ધજાગ્રત મને બરાડા પાડી પાડીને ગુસ્સો કરી રહ્યું હતું. અચાનક, મારી નજર અરીસાની બાજુની અભરાઈ પરના પુસ્તક પર પડી. બિનજરૂરી આંસુ લૂછતાં, મેં ઊંડો.. ઊંડો નિસાસો ભર્યો. કાખઘોડી ફેંકતા, લંગડાતા હું આગળ વધી અને મારી એમ.બી.એ ની પાઠ્યપુસ્તક ઉપાડી!!

શમીમ મર્ચન્ટ, મુંબઈ
________________________

Shades Of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on instagram

https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=