ભાગવત રહસ્ય-૪૯
ગુરુ એ કહ્યું-રોજ એવી ભાવના રાખવી-કે-શ્રીકૃષ્ણ મારી સાથે જ છે. શ્રીકૃષ્ણ પ્રેમનું સ્વરૂપ છે.ખાવા બેસ ત્યારે એવી ભાવના કર કે-કનૈયો જમવા બેઠો છે. સૂએ-ત્યારે પ્રભુ સાથે સૂતા છે-એવી ભાવના કર-યોગ સિદ્ધિ થાય નહી -ત્યાં સુધી ભાવના કર્યા કર.બેટા,તું બાલકૃષ્ણનું ધ્યાન કરજે. બાલકૃષ્ણની માનસી સેવા કરજે. બાલકૃષ્ણનું સ્વરૂપ અતિ મનોહર છે.
બાળકને થોડું આપો તો પણ રાજી થાય છે.
નારદજી કહે છે કે-મારા ગુરુજી મને છોડી ને ગયા.મને ઘણું દુઃખ થયું.
દુર્જન જયારે મળે ત્યારે દુઃખ આપે છે-સંત જયારે છોડી ને જાય ત્યારે. દુઃખ આપે છે.
ગુરુજીનું સ્મરણ કરતાં નારદજી રડી પડ્યા.
“સાચા સદગુરુને કોઈ સ્વાર્થ હોતો નથી. મેં નિશ્ચય કર્યો. અને જપ ચાલુ કર્યા. હુ સતત જપ કરતો. જપ કર્યા વગર મને ચેન પડે નહિ. હાલતા-ચાલતાં અને સ્વપ્નમાં પણ જપ કરતો.”
પથારીમાં સૂતા પહેલાં પણ –જપ કરો. હંમેશાં પ્રેમથી જપ કરો. જપની ધારા ન તૂટે.
એક વર્ષ સુધી વાણીથી જપ કરવા. ત્રણ વર્ષ સુધી કંઠથી જપ કરવા.ત્રણ વર્ષ પછી મનથી જપ થાય છે.
અને-એ- પછી અજપા –જપ થાય છે.(ગોરક્ષ સતકમાં લખેલા- મુજબ-શરીરમાં અંદર જતો અને શરીરમાંથી બહાર આવતા શ્વાસથી- એક –નાદ(અવાજ)-જેવો કે-હંસા(હમસા-સોહમ કે એવો કોઈક) થાય છે. આ નાદ(અવાજ) થી થતો-જે-જપ થાય છે.જેને અજપા-જપ કહે છે.અહીં જપ કરવાના રહેતા નથી. અજપા એટલે કે કોઈ- જપ વગરનો જપ- એના મેળે જ-જાણે – શ્વાસ-જ- જપ કરે છે તેને- અજપા-જપ કહે છે ?!!)
“મા ને સંસાર સુખ ગમતું હતું, મને કૃષ્ણ ભજન ગમતું હતું. હું કામ મા નું કરું,પણ મનથી જપ શ્રીકૃષ્ણનો કરું. બાર વર્ષ સુધી બાર અક્ષરના મહા મંત્રનો જપ કર્યો. મા ની બુદ્ધિ ભગવાન ફેરવશે-એમ માની મેં કદી સામો જવાબ આપ્યો નથી.મેં મારી મા નો કોઈ દિવસ- અનાદર કર્યો નહિ.
એક દિવસ મા ગૌશાળામાં – ગઈ હતી ત્યાં તેને સર્પ દંશ થયો. અને મા એ શરીર ત્યાગ કર્યો.
મેં તેના શરીરનો અગ્નિસંસ્કાર કર્યો.
મેં માન્યું-કે મારા ભગવાનનો મારા પર અનુગ્રહ થયો. પ્રભુએ કૃપા કરી. માતાના ઋણમાંથી હું મુક્ત બન્યો. જે કંઈ હતું તે બધું - મા ની પાછળ વાપરી નાખ્યું.મને પ્રભુમાં શ્રદ્ધા હતી.તેથી મેં કંઈ પણ સંઘર્યું નહિ.
જન્મ થતાં પહેલાં-જ-માતાના સ્તનમાં દૂધ ઉત્પન્ન કરનાર-મારા દયાળુ ભગવાન શું મારું પોષણ નહિ કરે ?
એક વસ્ત્રભેર કપડે મેં ઘર છોડ્યું. મેં કંઈ લીધું નહિ. પહેરેલે કપડે મેં ઘરનો ત્યાગ કર્યો.
પશુ- પક્ષીઓ સંગ્રહ કરતાં નથી-કે ખાવાની ચિંતા કરતાં નથી. મનુષ્ય ખાવાની ચિંતા બહુ કરે છે.
મનુષ્ય જેટલો સંગ્રહ કરે છે-તેટલો તેને પ્રભુમાં અવિશ્વાસ હોય છે.જેનું જીવન કેવળ ઈશ્વર માટે છે-તે કદાપિ સંગ્રહ કરતો નથી.પરમાત્મા અતિ ઉદાર છે.એ તો નાસ્તિકનું પણ પોષણ કરે છે.
નાસ્તિક કહે છે-કે-હું ઈશ્વરમાં માનતો નથી.માનવ –પરમાત્માની પૃથ્વી પર બેઠો છે-તેમના વાયુમાંથી શ્વાસ લે છે-તેમને બનાવેલું જળ એ પીએ છે-અને છતાં કહે છે કે હું ઈશ્વરમાં માનતો નથી !!!
પરંતુ મારા પરમાત્મા કહે છે-કે-બેટા,તું મને માનતો નથી –પણ હું તને માનું છુ.-તેનું શું ?
જીવ અજ્ઞાનમાં ઈશ્વર વિષે -ભલે ગમે તે બોલે પણ –લાલાજી કહે છે કે-તું મારો અંશ છું.
એ-તો -ઈશ્વરની કૃપા છે-એટલે લીલા લહેર છે. પણ લાલાજીની કૃપા ના હોય તો –લાખની રાખ થતાં વાર લાગશે નહિ.આ સંસાર ઈશ્વરની આંગળી ના ટેરવા પર છે. લાલાજીના આધારે છે. એટલે સુખી છે.
ફટકા પડે,શનિ-મહારાજની પનોતી બેસે-એટલે ઘણા ભગવાનમાં માનવા લાગે છે. હનુમાનજીને તેલ-સિંદુર ચઢાવવા માંડે છે. આમ ફટકો પડે અને ડાહ્યો થાય –તેના કરતાં ફટકો પડે તે પહેલાં સાવધ થાય તેમાં વધુ ડહાપણ છે.પ્રભુ ને માનવામાં જ કલ્યાણ છે-ના માનવામાં ભયંકર જોખમ છે.
ભલે આપણી જીભ માગે તેટલું-ભગવાન ના આપે-પણ પેટ-માગે એટલું તો બધાને આપે જ છે.
નારદ જી કહે છે-જે ઈશ્વરનો કાયદો પાળતો નથી-ધર્મને માનતો નથી-તેવા નાસ્તિકનું યે- પોષણ જો-ઈશ્વર કરે છે- તો-મારું પોષણ –શું કનૈયો નહિ કરે ? મેં ભીખ માગી નથી.પરંતુ –પ્રભુ કૃપાથી હું કોઈ દિવસ ભૂખ્યો રહ્યો નથી.ભગવતસ્મરણ કરતો હું ફરતો હતો.બાર વર્ષ સુધી મેં અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું. તે પછી ફરતો ફરતો ગંગા કિનારે આવ્યો.
ગંગા સ્નાન કર્યું. પછી-પીપળાના ઝાડ નીચે બેસી-હું જપ કરતો હતો. જપ –ધ્યાન સાથે કરતો હતો.
ગુરુદેવે કહ્યું હતું-કે ખુબ જપ કરજે.મેં જપ કદી નથી છોડ્યા.(પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડશો નહિ).
ગંગા કિનારે બાર વર્ષ રહ્યો. ચોવીસ વર્ષથી ભાવના કરતો હતો કે કનૈયો મારી સાથે છે.
કદાચ મારા પૂર્વ જન્મના પાપ ઘણા હશે-તેથી પ્રભુના દર્શન થતાં નથી-એમ હું વિચારતો.આમ છતાં શ્રદ્ધા હતી કે-એક દિવસ તે જરૂર દર્શન આપશે. મારા બાલકૃષ્ણના મારે પ્રત્યક્ષ –દર્શન કરવા હતા.
મારા લાલાજી સાથે મારે કેટલીક ખાનગી વાતો કરવી હતી. સુખ-દુઃખની વાતો કરવી હતી.પ્રત્યેક પળે-વિનવણી કરતો રહેતો -“નાથ,મારી લાયકાતનો વિચાર ન કરો. તમારા પતિત-ઉદ્ધારકના બિરુદને યાદ કરો.”
મને થતું-કે-શ્રીકૃષ્ણ ક્યારે મને અપનાવશે ?ક્યારે મને મળશે ? મને શ્રી કૃષ્ણ દર્શન ની તીવ્ર લાલસા જાગી અને કૃષ્ણ દર્શનની તીવ્ર આતુરતા થઇ હતી.