Bhagvat rahasaya - 48 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 48

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 48

         ભાગવત રહસ્ય-૪૮

 

          નારદજી-વ્યાસજીને પોતાનું આત્મ ચરિત્ર કહી સંભળાવે છે.

“હું ઓછું બોલતો,સેવામાં સાવધાન રહેતો અને વિનય રાખતો. મારા ગુરુદેવે મારા પર ખાસ કૃપા કરી-અને વાસુદેવ-ગાયત્રી નો મંત્ર આપ્યો. (સ્કંધ-૧ -અધ્યાય-૫ –શ્લોક -૩૭ –એ વાસુદેવ-ગાયત્રી મંત્ર છે)

નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, પ્રધ્યુમ્નાયા નમઃ સંગર્ષણાય ચ.

 

ચાર મહિના આ પ્રમાણે મેં ગુરુદેવની સેવા કરી. ચાર મહિના પછી ગુરુજી જવાની તૈયારી કરવા લાગ્યા.

ગુરુજી હવે જવાના –તે જાણી મને દુઃખ થયું. ગુરુજી એકાંતમાં વિરાજતા હતા.ત્યાં હું ગયો.સાષ્ટાંગ પ્રણામ કરી-મેં ગુરુજીને કહ્યું કે-મને આપ સાથે લઇ જાવ.મારો ત્યાગ ના કરો. હું આપના શરણે આવ્યો છુ. હું આપને ત્રાસ નહિ કરું.મને તમારી સેવામાં સાથે લઇ જાવ. મારી ઉપેક્ષા ન કરો.

 

મારા ગુરુદેવ મહાજ્ઞાની હતા.પ્રારબ્ધના લેખ તે વાંચી શકતા હતા. ગુરુદેવે વિધાતાના લેખ વાંચી મને કહ્યું.કે-

“તું માતાનો ઋણાનુબંધી પુત્ર છે. આ જન્મમાં તારે તેનું ઋણ ચૂકવવાનું છે. માટે મા નો ત્યાગ કરીશ નહિ. તું તારી મા ને છોડીને આવીશ, તો તારે ઋણ ચૂકવવા –ફરીથી જન્મ લેવો પડશે. તારી મા નો નિસાસો અમને પણ ભજનમાં વિક્ષેપ કરશે.માટે તું ઘરમાં રહી પ્રભુનું ભજન કરી શકે છે.”

 

નારદજી કહે છે-કે- “આપે કથામાં એવું કહ્યું હતું કે-પ્રભુ ભજનમાં જે વિઘ્ન કરે તેનો સંગ છોડી દેવો.

પ્રભુ-ભજનમાં જે સાથ આપે-ઈશ્વરના માર્ગમાં આગળ લઇ જાય –તે-જ-સાચાં –સગા સ્નેહી.

ભોગ વિલાસમાં ફસાવે એ સાચા સગાં નથી.શત્રુ છે.હું કથા સાંભળું-જપ કરું તે મારી મા ને ગમતું નથી. મારી મા ની ઈચ્છા છે-કે મને સારી નોકરી મળે-મારું લગ્ન થાય-મારે સંતાન થાય. સંસારી-માતા પિતા સમજે છે કે-સંસારમાં જ સુખ છે. અને તેમની બસ એવી જ ઈચ્છા હોય છે કે-

 

મારો પુત્ર પરણીને વંશ-વૃદ્ધિ કરે. તેમને એવી ઈચ્છા થતી નથી કે-મારો પુત્ર પરમાત્મામાં તન્મય થાય.

અરે-વંશ વૃદ્ધિ તો રસ્તાનાં પશુઓ પણ કરે છે. તેનો અર્થ શો ? મારી મા -ભક્ત માં વિક્ષેપ કરનારી છે.સગાઓ તો દેહનાં –સગાં છે. આત્માનો સંબંધ પરમાત્મા સાથે છે.આપે કહેલું કે-આત્મ-ધર્મ અને દેહધર્મમાં –વિરોધ આવે ત્યારે-દેહધર્મનો ત્યાગ કરવો.

 

કૈકેયીએ ભરતજીને કહેલું-કે તું ગાદી પર બેસ. માની આજ્ઞાનું પાલન કરવું-એ પુત્રનો ધર્મ છે.

તેમ છતાં ભરતજી એ-માનો તિરસ્કાર કર્યો.પણ ભરતજીને પાપ ન લાગ્યું.

મા નો સંબંધ શરીર સાથે છે-પણ રામજીનો સંબંધ આત્મા સાથે છે.

પ્રહલાદજીએ પણ પિતાની આજ્ઞા માની નથી.-આવું બધું આપે કથા મા કહ્યું છે.

મારી મા ના સંગમાં રહીશ તો –તે-મારી ભક્તિમાં –ભજનમાં –વિક્ષેપરૂપ થશે.”

મીરાંબાઈને લોકોએ બહુ ત્રાસ આપ્યો.ત્યારે તે ગભરાયાં. તેમણે –તુલસીદાસજીને પત્ર લખ્યો.કે-

હું ત્રણ વર્ષની હતી-ત્યારથી ગિરધર ગોપાલ જોડે પરણી છુ. આ સગાં સંબંધીઓ મને બહુ ત્રાસ આપે છે. મારે હવે શું કરવું? તુલસીદાસે-ચિત્રકૂટથી પત્ર લખ્યો છે –કે-કસોટી સોનાની થાય છે.પિત્તળની નહિ. તારી આ કસોટી થાય છે. જેને સીતારામ –પ્યારાં ન લાગે –જેને રાધા-કૃષ્ણ પ્યારાં ન લાગે-એવો જો સગો ભાઈ હોય તો પણ તેનો સંગ છોડી દેવો.દુસંગ સર્વથા ત્યજવા યોગ્ય છે.

મીરાંબાઈએ આ પત્ર વાંચ્યા પછી-મેવાડનો ત્યાગ કર્યો અને વૃંદાવન આવ્યા છે.

 

ગુરુજીએ કહ્યું-“તું મા નો ત્યાગ કરે તે મને ઠીક લાગતું નથી. જે મા એ તને તન આપ્યું છે-તે તનથી મા ની સેવા કરજે.માત-પિતા એ તન આપ્યું છે-ઈશ્વરે મન આપ્યું છે. એટલે તનથી માત-પિતાની સેવા અને મનથી ઈશ્વરની સેવા કરવાની.ઘરનાં લોકો તન અને ધન માગે છે-ઈશ્વર મન માગે છે. પરમાત્માને તન અને ધનની જરૂર નથી. તે તો લક્ષ્મી-પતિ છે.વિશ્વના સર્જનહાર છે. ઘરમાં રહી તું મા ની સેવા કરજે અને મનથી પ્રભુની ભક્તિ કરજે. મા ના આશીર્વાદ મળશે- તો જ તારી ભક્તિ સફળ થશે.

તમારુ તન જ્યાં છે-ત્યાં તમે નથી પણ જ્યાં તમારું મન છે ત્યાં તમે છો.ભક્ત - તે છે કે-જે મનથી વૃંદાવનમાં રહે છે. “મારા કૃષ્ણ ગાયો લઇ વૃંદાવનમાં જાય છે-યમુનાના કિનારે ગાયો ચરાવે છે.

મિત્રો સાથે વનમાં ભોજન કરે છે, -આ પ્રમાણે- લીલા-વિશિષ્ઠ બ્રહ્મનું ધ્યાન કરે છે.

 

“બેટા,તનથી તું ઘરમાં રહેજે-પણ મનથી તું ગોકુલમાં રહેજે. બેટા,લાલાજી, સર્વ જાણે છે.તારા ભજનમાં- મા વિઘ્ન કરશે તો –લાલાજી કૈક લીલા કરશે. ભક્તિમાં વિઘ્ન કરનારનો ભગવાન નાશ કરે છે.કદાચ તારી મા ને ઉઠાવી લે. અથવા –તારી મા ની બુદ્ધિ ભગવાન સુધારશે. ઘરમાં રહેજે અને મંત્રનો જાપ કરજે.

જપ કરવાથી પ્રારબ્ધ ફરે છે. જપની ધારા તૂટે નહિ તેનો ખ્યાલ રાખજે”

 

મેં ગુરુજીને કહ્યું –આપ જપ કરવાનો કહો છો-પણ હું તો અભણ દાસી-પુત્ર છું. જપ કેમ કરીશ?જપની ગણત્રી કેમ કરીશ? ગુરુજી એ કહ્યું-“જપ કરવાનું કામ તારું છે-જપ ગણવાનું કામ શ્રીકૃષ્ણ કરશે. જપ તું કર અને ગણશે કનૈયો.જે પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે તેની પાછળ પાછળ ભગવાન ફરે છે. મારા પ્રભુને બીજું કંઈ કામ નથી.જગતની ઉત્પત્તિ-સંહાર- વગેરેનું કામ –માયા-ને સોંપી દીધું છે.

જપની ગણત્રી કરવાની હોય નહિ. જપ ગણશો તો કોઈ ને કહેવાની ઈચ્છા થશે. થોડા પુણ્યનો ક્ષય થશે.૩૨ લાખ જપ થશે-તો વિધાતાનો લેખ પણ ભૂંસાશે. પાપનો વિનાશ થશે.

૩૨ લાખ જપ થશે એટલે તને અનુભવ થશે. મંત્રથી જીવનો ઈશ્વર જોડે સંબંધ થાય છે.

શબ્દ-સંબંધ પહેલાં થાય છે. પછી પ્રત્યક્ષ સંબંધ થાય છે.”