Bhagvat rahasaya - 46 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 46

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 46

ભાગવત રહસ્ય-૪૬

 

પરમાત્મા જેને પોતાનો ગણે છે તેને જ પોતાનું સ્વરૂપ બતાવે છે.પ્રભુએ પોતાનું- નામ- પ્રગટ રાખ્યું છે-પણ પોતાનું સ્વ-રૂપ છુપાવ્યું છે. જયારે લાડીલા ભક્તો-પરમાત્માની બહુ ભક્તિ કરી ભગવાન ને લાડ લડાવે છે-ત્યારે-જ પરમાત્મા પોતાનું સ્વ-રૂપ બતાવે છે.

 

અરે! સામાન્ય –જીવ પણ-જ્યાં પ્રેમ ના હોય-ત્યાં- પોતાનું સ્વરૂપ(વસ્તુ) છુપાવે છે.અજાણ્યા અને પારકાના સામે તિજોરી પણ ખોલતો નથી. જેના તરફ થોડો પ્રેમ હોય તો-વગર કહ્યે બધું બતાવે છે.અને જો અતિશય પ્રેમ હોય તો-તિજોરીની ચાવી પણ આપી દે છે.તો પછી-અતિશય પ્રેમ વગર-પરમાત્મા પણ કેવી રીતે પ્રગટ થાય ? જીવ જયારે અતિશય પ્રેમ કરે છે-ત્યારે-જ-ભગવાન માયાનો પડદો દૂર હટાવી દે છે-અને પ્રગટ થાય છે.

 

ભલે મોટો જ્ઞાની હોય-પણ પરમાત્મા સાથે અતિશય પ્રેમ ના કરે ત્યાં સુધી તેણે પણ પરમાત્માનો અનુભવ થતો નથી.ઘર-પત્ની-બાળકો-કપડાં-જોડા-પૈસા-આ બધા સાથે પ્રેમ હોય-એ જ્ઞાની કેમ કહેવાય?

આજકાલ –લોકો –પલંગમાં બેસી-પુસ્તકો વાંચી-પડ્યા-પડ્યા-જ્ઞાની બની જાય છે.તેમને - સત્સંગ-ગુરુ- ની જરૂર નથી પડતી-બ્રહ્મચર્ય પાળવાની જરૂર નથી પડતી. કૃષ્ણ-લીલાના ગાન ની જરૂર નથી પડતી.

આવા પુસ્તકિયા-જ્ઞાન- સાથે - માનવી અશાંત છે. કારણ –એ -માત્ર-જ્ઞાન પણ સાચું નથી-(અનુભવ વગરનું છે-માટે) અને પરમાત્મા પ્રત્યે પ્રેમ પણ ક્યાં છે ?

 

જ્ઞાનની શોભા પ્રેમથી છે-ભક્તિથી છે-જો સર્વમાં ભગવત-ભાવ ના જાગે તો તે જ્ઞાન શું કામનું ?

જ્ઞાની થવું કઠણ નથી-પ્રભુ - પ્રેમી થવું કઠણ છે. પ્રભુમાં વિશ્વાસ રાખો. પ્રભુને યાદ રાખો.જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે-તેની ચિંતા પરમાત્મા કરે છે.જગત સાથે કરેલો પ્રેમ –પરિણામમાં રડાવે છે. જીવ પાસે ઈશ્વર બીજું કઈ માંગતા નથી-ફક્ત પ્રેમ માગે છે.

 

કળિયુગના મનુષ્યને સમયસર ગરમ પાણી કે ગરમ –ચા –ન મળે –તો તે મગજ ગુમાવી બેસે છે.એવો મનુષ્ય યોગ શું સિદ્ધ કરી શકવાનો છે.? જેની ભોગમાં આસક્તિ છે-તેનું શરીર સારું નથી રહેતું-રોગી બને છે.જેની દ્રવ્યમાં આસક્તિ છે- તેનું મન સારું રહેતું નથી-મન અશાંત રહે છે.આવા મનુષ્યોને યોગ સિદ્ધ થતો નથી.

ચિત્ત-વૃત્તિના નિરોધને યોગ કહે છે (પતંજલ-યોગ-સૂત્ર).તેને સિદ્ધ કરવો મુશ્કેલ છે.

વાતો બ્રહ્મ-જ્ઞાનની કરે અને પ્રેમ પૈસા સાથે કરે તેણે પરમાત્મા મળતા નથી. તેને આનંદ મળતો નથી.

 

નારદ કહે છે કે-“હવે આપ એવી કથા કરો કે-જેથી બધાને લાભ થાય-સર્વને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે-એવું પ્રેમ શાસ્ત્ર બનાવો કે-સહુ કૃષ્ણપ્રેમમાં પાગલ બને. કથા શ્રવણ કરનારને કનૈયો-લાલો વહાલો લાગે અને સંસાર તરફ સૂગ આવે.અને આવી કથા કરશો તો જ તમને શાંતિ મળશે.”

 

વ્યાસજીએ પણ જ્યાં સુધી ભાગવતશાસ્ત્રની જ્યાં સુધી રચના ના કરી ત્યાં સુધી તેમને શાંતિ મળી નહિ.

બધા કર્મની આસક્તિ છોડી શકતાં નથી. પરંતુ પ્રભુમાં પ્રેમ જાગે-તો ધીરે ધીરે સંસાર નો મોહ-ઓછો થાય છે.

પ્રભુમાં પ્રેમ હોય હોય તો-સંસાર અને પરમાર્થ બંનેમાં સફળતા મળે છે.

 

નારદ કહે છે કે-કળિયુગમાં મનુષ્યોને ઉદ્ધાર-અન્ય કોઈ સાધનોથી થશે નહિ-ફક્ત કૃષ્ણ કિર્તન અને કૃષ્ણ સ્મરણથી જ ઉદ્ધાર થશે.પરમાત્માની લીલાકથાનું વર્ણન આપ અતિ પ્રેમપૂર્વક કરો. આપ તો જ્ઞાની છો. મહારાજ આપને વધુ શું કહું ? હું મારી જ કથા આપને કહું છું. હું કેવો હતો અને કેવો થયો.”

 

વ્યાસજીની ખાતરી માટે નારદજી પોતાનો જ દાખલો આપે છે.પોતાના પૂર્વ જન્મની કથા સંભળાવે છે.

કથા શ્રવણ અને સત્સંગનું ફળ બતાવે છે.

 

“હું દાસી પુત્ર હતો.મને આચાર વિચારનું ભાન હતું નહિ.પણ મેં ચાર મહિના કનૈયાની કથા સાંભળી.મને સત્સંગ થયો.મારું જીવન સુધરી-દિવ્ય બન્યું અને દાસીપુત્રમાંથી દેવર્ષિ બન્યો. આ પ્રભાવ-સત્સંગનો છે-કૃષ્ણ કથાનો છે.આ બધી કૃપા મારા ગુરુની છે. મને કોઈ માન આપે ત્યારે મને મારા ગુરુ યાદ આવે છે.

વ્યાસજી-નારદજીને કહે છે-કે- તમારા પૂર્વજન્મના -ઇતિહાસની કથા વિસ્તારથી કહો.