ભાગવત રહસ્ય-૩૨
પરમાત્મા શ્રીકૃષ્ણને પોતાના–સર્વ વિનાશ---માં પણ આનંદ છે.
મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. શ્રીકૃષ્ણ ગાંધારીને મળવા આવે છે. ગાંધારીએ શ્રાપ આપ્યો છે.—મારા વંશમાં તેં એકે ને ય રહેવા દીધો નહિ.-જા-તારા વંશમાં પણ કોઈ રહેશે નહિ.
પણ તેથી શ્રીકૃષ્ણ ખુશ થાય છે.તેઓ કહે છે કે – મા,હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો ? સારું થયું –તમે શ્રાપ આપ્યો.
સર્પ ઉપર શયન કરવાનો વખત આવે તો પણ પરમાત્માને શાંતિ છે,(શાંતાકારમ ભુજગશયનમ).
ત્યારે સામાન્ય લોકોને તો પલંગ-પથારી પર શયન કરવા મળે તો પણ શાંતિ નથી.
શ્રીકૃષ્ણને કેવી શાંતિ છે !! લય (સર્વનો વિનાશ) –એ પણ ભગવાનની લીલા છે.
પણ -જીવને- ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે -- –વિનાશ ગમતો નથી.
ગાંધારીને આશ્ચર્ય થયું છે.—લોકો આને (કૃષ્ણ ને) ભગવાન કહે છે, -તે –સાચું છે.
(શ્રી કૃષ્ણના સમયમાં પણ ઘણાં-શ્રીકૃષ્ણને ભગવાન માનવા તૈયાર નહોતા –જેવા કે કૌરવો-દૂર્યોધન-વગેરે)
જે પ્રભુએ –બ્રહ્માજીને –વેદ તત્વનું જ્ઞાન આપ્યું –તે-જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને સંહાર કરનાર –પરમાત્મા નું અમે ધ્યાન કરીએ છીએ. અને આદિ-વખતે જે દિવ્ય જ્ઞાન નારાયણે આપ્યું-તેનું વર્ણન કરીએ છીએ. (ભાગવત રૂપે)
મંદિરમાં દર્શન કર્યા પછી પણ ધ્યાનની જરૂર છે. મંદિરમાં ઓટલા પર બેસવાનો રિવાજ-જગતની વાતો કરવા માટે નહિ પણ ધ્યાન કરવા માટે છે. મંદિરમાં જે સ્વરૂપના દર્શન કર્યા હોય- તે સ્વરૂપનું ઓટલા પર બેસી ધ્યાન –ચિંતન કરવાનું હોય છે.
વ્યાસજી આરંભમાં ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. સત્કાર્યમાં –અનેક વિઘ્ન---પણ કૃષ્ણ પરમાત્માનું ધ્યાનકરવાથી વિઘ્નનો નાશ થાય છે.વ્યાસજી ધ્યાન કરે છે શ્રીકૃષ્ણનું- પણ બોલ્યા નથી-કે-શ્રીકૃષ્ણ પરમ ધીમહિ.
વ્યાસજીએ મંગલાચરણમાં લખ્યું છે-સત્યં પરમ ધીમહિ—સત્ય સ્વરૂપ પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ.
વ્યાસજીએ શ્રી કૃષ્ણનું ધ્યાન કરીએ છીએ –એમ કેમ ન લખ્યું.?
શ્રીકૃષ્ણનું ધ્યાન કરુંછું-એમ લખ્યું હોત તો –શિવ ભક્તો-દેવીભક્તો-દત્તાત્રયના ભક્તો –વગેરે એમ માને કે-
ભાગવત ,શ્રીકૃષ્ણ ,માટેનો જ ગ્રંથ છે.પણ ભાગવત બધાને માટે છે.વ્યાસજીએ કોઈનું વિશિષ્ટ રીતે નામ આપી ધ્યાન ધરવાનું નથી કહ્યું. જેને જે સ્વરૂપ ગમે તેનું તેમણે ધ્યાન કરવું.
અનેકનું ધ્યાન કરતાં-મનમાં વિક્ષેપ થાય છે, મન ચંચળ થાય છે.
એક જ પરમાત્મા –અનેકની ઈચ્છા અનુસાર –અનેક સ્વરૂપો ધારણ કરે છે. ઈશ્વર એક જ છે.
અમારો આગ્રહ નથી કે-શ્રીકૃષ્ણનું ધ્યાન ધરો. રામજીમાં પ્રીતિ હોય તે રામજીનું ધ્યાન કરે-
શિવજીમાં પ્રીતિ હોય તે શિવજીનું ધ્યાન કરે.આ સંસારમાં લોકોની રુચિ જુદી જુદી હોય છે.
શિવ મહિમ્ન સ્તોત્રમાં કહ્યું છે કે-વેદ-સાંખ્ય શાસ્ત્ર-યોગશાસ્ત્ર-પાશુપતશાસ્ત્ર – વગેરે ભિન્ન ભિન્ન શાસ્ત્રવાળા ઓ –“આ અમારું શાસ્ત્ર શ્રેષ્ઠ છે-અમારું શાસ્ત્ર સર્વોત્તમ છે” એમ માનીને- પોત પોતાની મનોવૃત્તિને અનુસાર
ભલે એ માર્ગ સરળ હોય કે કઠિન હોય તેને જ માને છે,પરંતુ-સાચી રીતે તો –આ જુદાજુદા શાસ્ત્રમાં માનનારા –બધાંઓનું એક જ પ્રાપ્તિ સ્થાન છે.(ઈશ્વર) જેવી રીતે સરળ અને વાંકીચુકી વહેનારી બધી નદીઓ એક જ સમુદ્રમાં મળે છે.
દરેકની રુચિઓ ભિન્ન-ભિન્ન હોય છે. તેથી પરમાત્મા –શિવ,ગણેશ,રામચંદ્ર વગેરે (દેવો) ના સ્વરૂપો ધારણ કરે છે.સત્ય અવિનાશી છે,અબાધિત છે,સત્યનો કોઈ દિવસ વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપમાં કોઈ પરિવર્તન થતું નથી. સુખ-દુઃખ,લાભ-હાનિમાં પરમેશ્વરનું સ્વરૂપ બદલાતું નથી. (સત્ય એક જ છે)
ગીતાજીમાં ભગવાન બોલ્યા છે-કે-દુઃખની પ્રાપ્તિમાં જેનું મન ઉદ્વેગ રહિત (ચિંતા વગરનું) રહે છે અને સુખમાં જે ને સ્પૃહા (ઈચ્છા) નથી તે સ્થિતપ્રજ્ઞ.શ્રી કૃષ્ણ જેવું બોલ્યા છે-તેવું આચરી બતાવ્યું છે.શ્રીકૃષ્ણની સોળ હજાર રાણીઓ સેવા કરે, સોનાની દ્વારિકામાં રહે-ત્યારે પણ આનંદ છે અને સર્વનો વિનાશ થાય છે-ત્યારે પણ એ જ આનંદ છે. યાદવોનો વિનાશ થાય છે,સોનાની દ્વારિકા ડૂબી છે, પણ પ્રભુની શાંતિનો ભંગ થતો નથી. ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશ-એ ત્રણે અવસ્થામાં પ્રભુનું સ્વરૂપ એક જ રહે છે.
શ્રી કૃષ્ણ –ઉદ્ધવને કહે છે કે-આ બધું ખોટું છે-હું જ એક સાચો(સત્ય) છું.
જે દેખાય છે તે ક્ષણે ક્ષણે બદલાય છે. જે દેખાય છે તે સાચું નથી. જે કાયમ રહે છે તે સાચું છે.
આ જગત અસત્ય છે. આ જગત જેના આધારે છે તે પરમાત્મા સત્ય છે. સત્ય વસ્તુમાં પરિવર્તન થતું નથી.
ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જે એક જ સ્વરૂપે રહે છે,તે સત્ય.
તેથી જ વ્યાસજી એ –કોઈ દેવનું નહિ પરંતુ સત્યનું ધ્યાન કરીએ છીએ-એમ કહ્યું છે.
માટે સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય-સ્વરૂપ પરમાત્મા સાથે સ્નેહ કરો.
જગત અસત્ય છે..જગતના પદાર્થો દુઃખરૂપ છે.(ક્ષણે ક્ષણે બદલાય છે-માટે)
વ્યવહાર દ્રષ્ટિથી- જગત સત્ય –જેવું- ભાસે છે, પણ પરમાર્થ દ્રષ્ટિથી-તત્વ-દ્રષ્ટિથી વિચાર કરતાં-જગત સત્ય નથી. તેથી જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતા નથી. 'જગત અનિત્ય (ક્ષણે ક્ષણે બદલાતું) છે' તેમ વારંવાર ચિંતન કરે છે. જેને પરમાત્માનું અપરોક્ષ જ્ઞાન થાય છે,તેને જગતનું ભાન રહેતું જ નથી.
સ્વપ્નકાળમાં સ્વપ્ન પણ સાચું લાગે છે,સ્વપ્નમાંથી જાગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે છે, તેમ –ભગવાનના સાક્ષાત્કારથી જગત મિથ્યા લાગે છે.મનુષ્ય સદા એક સ્વરૂપમાં રહેતો નથી-પણ ઈશ્વર એક સ્વરૂપમાં રહે છે.
એમને કામ-ક્રોધ-લોભ-મોહ વગેરેની અસર થતી નથી.એ પોતે આનંદ રૂપ છે.
ઈશ્વર વિના જે ભાસે છે –તે-માયા છે. માયા અસત્ય છે-ભાસ માત્ર છે. પરમાત્મા સત્ય-સ્વરૂપ—આનંદ સ્વરૂપ છે.રૂપિયો ખોટો હોય તો,તેના પર મોહ થતો નથી,તેમ આ ખોટાં,અસત્ય જગતનો મોહ શા માટે ?
ખોટો રૂપિયો ખિસ્સામાંથી પડી જાય તો હસવાનું કે રડવાનું ?
જગતના દરેક પદાર્થો –સંયોગ-વિયોગથી ભરેલા છે. સ્ત્રી પુરુષના મિલનમાં સુખ હશે-પણ વિયોગમાં –હજારગણું દુઃખ છે. બે દીવાલો કંઈ સાથે નથી પડતી!!! વિયોગ અવશ્ય છે.-એમ સમજી જગતના જીવો ઉપર પ્રેમ ના કરો.પરમાત્મા અવિનાશી છે,માટે તેમના જ ઉપર પ્રેમ કરો.