ભાગવત રહસ્ય-૩૧
ધ્યાનમાં બીજા કોઈનું ચિંતન કરશો નહિ. કોઈ જીવનું કે કોઈ જડ વસ્તુનું ધ્યાન ના કરો.અનેક જન્મથી આ મનને રખડવાની ટેવ પડી છે. ધ્યાનમાં –સહુ-પહેલાં સંસારના વિષયો દેખાય છે.તે ના દેખાય તેનો કોઈ ઉપાય ? તેનો ઉપાય એ છે કે જયારે ધ્યાન કરતાં મન ચંચળ બને –ત્યારે વારંવાર –પરમાત્માનું કિર્તન કરો.
કૃષ્ણ કિર્તનથી જગતનું વિસ્મરણ થાય છે.
પરમાત્માના મંગલમય સ્વરૂપને નિહાળતા-તેના નામનું કિર્તન કરો.વાણી કિર્તન કરે (મુખથી) અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે.(મન શુદ્ધ થતાં -ધ્યાન થાય છે).મન-શુદ્ધિ સ્નાનથી-દાનથી-તીર્થયાત્રાથી કે (એવા બીજા કશાથી ય ) થતી નથી. તેનાથી શરીર શુદ્ધ થાય છે.ઈશ્વરના સતત –ચિંતન અને ધ્યાનથી જ મન સુધરે છે.જરા વિચાર કરો........કે-મન ક્યારથી બગડ્યું છે ?
બાળક નિર્દોષ હોય છે.પણ તે મોટું થાય છે એટલે સંસારનું ચિંતન કરવા લાગે છે. એટલે તેનું મન બગડે છે.
જેને જગત સાચું લાગે છે તે જગત સાથે પ્રેમ કરે છે. પરમાત્મા સાચા લાગે છે તે પરમાત્મા જોડે પ્રેમ કરે છે.
જ્ઞાની મહાત્માઓ જગતમાં રહે છે પણ જગતનું ચિંતન કરતા નથી. એટલે તેમનું મન પવિત્ર રહે છે.
શ્રીકૃષ્ણના કિર્તન-દર્શન-ધ્યાન- સિવાય મનને શુદ્ધ કરવાનો કોઈ ઉપાય નથી. ધ્યાન કરવાથી-મનથી-પરમાત્મા જોડે મિલન થાય છે. ધ્યાન કરવાથી જીવ-ઈશ્વરનું મિલન થાય છે.
આ શરીર જેવી મલિન વસ્તુ કોઈ નથી. આ શરીર મળમૂત્રથી ભરેલું છે. શરીરનું બીજ જ અપવિત્ર છે. આ શરીરથી પરમાત્માને મળવું અશક્ય છે. ઠાકોરજીને મનથી મળવાનું છે. અને –ધ્યાન- વગર મનોમિલન થતું નથી.વૈષ્ણવો પરમાત્માને મનથી મળે છે.
જીવ અલ્પશક્તિ છે, પરમાત્મા અનંત શક્તિમાન છે. જીવ અનંત –શક્તિમાનનું ધ્યાન કરે –તો તેનામાં અનંતશક્તિ આવે છે.આજકાલ લોકો શક્તિ માટે ગોળીઓ ખાય છે. ગોળીઓ ખાવાથી શક્તિ મળશે- તો કોઈ નિમિત્તે તે બહાર નીકળી જશે. તે ટકતી નથી.પણ પ્રભુ નું ધ્યાન કરો તો પ્રભુની શક્તિ તમારામાં આવશે. પ્રભુ સાત્વિક શક્તિ આપે છે.કેટલાક ફુરસદ મળે. તો-બીજાને ઘેર વાતો કરવા જાય છે. પણ જયારે જયારે ફુરસદ મળે ત્યારે ધ્યાન કરો.
પાપ અને પુણ્યનું ફળ કાળાંતરે મળે છે.અનેક વાર -આ જન્મમાં કરેલા કર્મ નું ફળ બીજા જન્મમાં મળે છે.
પણ પરમાત્માનું ધ્યાન એવું છે કે તેનું ફળ તરત મળે છે. તમારું મન તરત પવિત્ર થશે.ધ્યાન કરવાથી દેહનો સંબંધ છૂટે છે અને બ્રહ્મ સંબંધ થાય છે.
ધ્યાનની પરિપક્વ દશા એ જ સમાધિ છે. વેદાંતમાં જેને -જીવન મુક્તિ- માની છે. સમાધિ અધિક વખત ટકે એટલે –જ્ઞાનીઓ ને જીવતા જ મુક્તિનો આનંદ મળે છે.
ભાગવતમાં વારંવાર આવશે,-ધ્યાન કરો-જપ કરો. એક એક ચરિત્રમાં આ સિદ્ધાંત વર્ણવ્યો છે.
પુનરુક્તિ (એક ની એક વાત ફરી ફરી કહેવી તે) એ દોષ નથી.એક સિદ્ધાંતને –બરાબર –બુદ્ધિ-માં ઠસાવવો હોય તો તેને વારંવાર કહેવો પડે છે.ભાગવતના દરેક સ્કંધમાં આ જપ-ધ્યાનની કથા આવશે.
વસુદેવ –દેવકીએ અગિયાર વર્ષ ધ્યાન કર્યું ત્યારે પરમાત્મા મળ્યા.
ભાગવતનો આરંભ ધ્યાન-યોગથી કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ઈશ્વરનું ધ્યાન કરશે તે ઈશ્વરને વહાલો લાગશે.જ્ઞાનીઓ સમાધિ - માર્ગનો આશ્રય કરી મુક્ત બને છે. જ્ઞાનીઓ જ્ઞાનથી ભેદ(સગુણ-નિર્ગુણ) નો નિષેધ કરે છે.
જ્ઞાનથી ભેદ(સગુણ-નિર્ગુણ) દૂર કરવો એ- જ્ઞાન માર્ગનું લક્ષ્ય છે.
ભક્તિ થી ભેદ(સગુણ-નિર્ગુણ) ને દૂર કરવો એ –ભક્તિમાર્ગ નું લક્ષ્ય છે.
માર્ગ જુદાજુદા છે. –સાધનમાં ભેદ(જુદાજુદા રસ્તાઓ) છે, પણ ધ્યેય એક જ છે.
તેથી ભાગવતનો અર્થ –જ્ઞાનપરક (જ્ઞાન વાળો)અને ભક્તિપરક(ભક્તિવાળો) થઇ શકે છે.
તેથી –સગુણ અને નિર્ગુણ બંનેની જરૂર છે.
ઈશ્વર અરૂપ(કોઈ રૂપ વગરના) છે. પણ વૈષ્ણવો જે રૂપની ભાવનાથી તન્મય બને છે, તેવું સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે. સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપોનું ભાગવતમાં વર્ણન કર્યું છે.
નિર્ગુણ રૂપે પ્રભુ સર્વત્ર છે અને સગુણ રૂપે શ્રીકૃષ્ણ ગોલોકધામમાં વિરાજેલા છે.
ઇષ્ટદેવમાં સો ટકા વિશ્વાસ રાખી-જગતના જડ-ચેતન પદાર્થોમાં પ્રભુ રહેલા છે,તેવો વિશ્વાસ રાખો.
મંગલાચરણનો સગુણ-નિર્ગુણ ,બંને -વાળો અર્થ થઇ શકે છે.
ક્રિયા અને લીલામાં તફાવત છે.પરમાત્મા જે કરે તેનું નામ –લીલા અને જીવ જે કરે છે તેનું નામ ક્રિયા.
ક્રિયા (કર્મ) બંધનરૂપ છે.કારણકે તેની પાછળ કર્તા ને (ક્રિયા કરનાર –જીવ)-આસક્તિ,સ્વાર્થ તથા અહંકાર હોય છે.જયારે- ઈશ્વરની લીલા (કર્મ)-એ બંધનમાં થી છોડાવે છે. કારણ કે ઈશ્વરને –સ્વાર્થ,અભિમાન નો સ્પર્શ થતો નથી.જે કાર્ય માં કર્તૃત્વનું (હું કરું છું તેવું)-અભિમાન નથી તે લીલા.
જીવોને કેવળ પરમાનંદનું દાન કરવા માટે પ્રભુ લીલા કરે છે.તેથી જ વ્યાસજી-માખણચોરી,રાસ-સર્વને લીલા નામથી સંબોધે છે. શ્રી કૃષ્ણ માખણની ચોરી કરે છે-તે મિત્રો માટે-પોતાના માટે નહિ.
વ્યાસજી એ –બ્રહ્મ સૂત્રમાં લખ્યું છે કે-દૈવી જીવોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવોના સમાન લીલા કરે છે.(લોક્વતુ લીલા કૈવલ્યમ).જગત ની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશ –એ પણ લીલા છે.