ભાગવત રહસ્ય-૨૯
વૈરાગ્ય એટલે શું ? ભોગના અનેક પદાર્થો મળે-તેમ છતાં જેનું મન તેમાં ન જાય તેનું નામ વૈરાગ્ય.જગતને છોડવાની જરૂર નથી-પરંતુ જગતને જે દ્રષ્ટિથી જુઓ છો –તેને છોડવાની જરૂર છે.જગતને કામ-દ્રષ્ટિથી-ભોગ દ્રષ્ટિથી ન જુઓ. દોષ- દ્રષ્ટિ હોય ત્યાં સુધી દેવ દ્રષ્ટિ થતી નથી.
વક્તા જ્ઞાની હોવો જોઈએ. વક્તા જ્ઞાની હોવાં છતાં લૌકિક સુખમાં તેનું મન ફસાયેલું હોય તો –વક્તા થવાને –લાયક નથી.લખેલું છે કે-ઉપદેશ આપનાર-બ્રાહ્મણ હોવો જોઈએ.વક્તા ધીર-ગંભીર હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલ હોવો જોઈએ. વાણી અને વર્તન એક હોય તેજ ઉત્તમ વક્તા છે.ઘણાં લોકો સાંભળવા આવે તેથી કોઇ ઉત્તમ વક્તા બની જતો નથી. સમાજનું આકર્ષણ તો સાધારણ મનુષ્ય પણ કરી શકે છે.જ્ઞાન પ્રમાણે ક્રિયા હોય તે જ ઉત્તમ વક્તા છે, અને તેને જ વક્તા થવાનો અધિકાર છે.
છેલ્લું લક્ષણ બતાવ્યું છે કે-વક્તા અતિ નિસ્પૃહ હોવો જોઈએ.દ્રવ્યનો મોહ છૂટે છે પણ કીર્તિનો મોહ છૂટતો નથી. જીવ કીર્તિનો મોહ રાખે છે.માન –પ્રતિષ્ઠાનો મોહ મનને ચંચળ બનાવે છે. જે મનુષ્ય કીર્તિના મોહમાં ફસાય તે ભક્તિ કરી શકતો નથી.લોકો મને માન આપે- કંઈક આપે તેવી ઈચ્છા –વક્તા ના રાખે.
શ્રોતા સર્વ પ્રકારની ચિંતા છોડીને કથામાં બેસે. કથામાં બેસો ત્યારે સંસારથી અલગ થઇ જાવ.
કથામાં આવી દુકાનનો વિચાર કરે તો મન બગડે છે. કથા મંડપમાં બીજો કોઈ વિચાર કરવો નહિ.
વક્તા-શ્રોતા- મન થી,આંખથી,વાણીથી –પ્રત્યેક ઇન્દ્રિયથી બ્રહ્મચર્ય પાળે.
ઉર્ધ્વરેતા થયા વગર મન સ્થિર થતું નથી.ઉર્ધ્વરેતા બ્રહ્મચર્ય પાળવાથી થવાય છે.
ક્રોધ કરવાથી પુણ્યનો ક્ષય થાય છે. વક્તા-શ્રોતા ક્રોધ ન કરે.વિધિપૂર્વક કથા શ્રવણ કરવાથી તેનું ફળ મળે છે. કથાનું શ્રવણ કરનાર વૈષ્ણવો યમપુરીમાં જતાં નથી.તેઓ વૈકુંઠમાં જાય છે. યમરાજા –યમદુતોને સાવધાન કરે છે-કે-જે લોકો પ્રેમથી કૃષ્ણ કથા સાંભળે છે, કૃષ્ણ કિર્તન કરે છે-તેમના ઘેર તમે જશો નહિ.
જેઓ ભાગવતની કથા પ્રેમથી સાંભળે છે તેનો સંબંધ ભગવાન સાથે થાય છે.
વેદાંતમાં અધિકાર-અધિકારીની બહુ ચર્ચા કરવામાં આવી છે.”અથાતો બ્રહ્મ જીજ્ઞાસા “
વેદાંતનો અધિકાર સર્વ ને નથી.નિત્યાનિત્ય વસ્તુ-વિવેક, શમાદિષડ સંપત્તિ,ઇહામુત્ર,ફળભોગ,વિરાગ વિના વેદાંતાધિકાર નથી.વેદોના ત્રણ વિભાગ કરવામાં આવ્યા છે.-કર્મકાંડ-જ્ઞાનકાંડ-ઉપાસનાકાંડ.
વિભાગ મુજબ તેના અધિકારીઓ ઠરાવ્યા છે.જયારે ભાગવત સર્વ ને માટે છે. ભાગવતનો આશ્રય કરશો,તો ભાગવત તમને ભગવાનની ગોદમાં બેસાડશે.તમને નિર્ભય અને નિસંદેહ બનાવશે.
ખાવું કેવી રીતે,બોલવું કેવી રીતે,ચાલવું કેવી રીતે,પત્ર કેમ લખવો ...વગેરે ...બધું જ ભાગવતમાં બતાવ્યું છે.
આ એક જ ગ્રંથનો આશ્રય લેવાથી,સઘળું જ્ઞાન મળશે.આ ગ્રંથ પૂર્ણ છે.ભાગવત એ ભગવાન નારાયણનું સ્વ-રૂપ છે.જગત અને ઈશ્વરનું--જીવ અને જગતનું –જીવ અને ઈશ્વરનું –જ્ઞાન ભાગવતમાંથી મળશે.
ભાગવત સાંભળ્યું કેટલું ? જેટલું સાંભળ્યા પછી-જીવનમાં ઉતાર્યું તેટલું.શ્રવણ-મનન કરી આચરણમાં ઉતારો. કેવળ જાણેલું કામ આવશે નહિ.જેટલું જીવનમાં ઉતારશો તેટલું કામ આવશે.
અઢી મણ જ્ઞાન કરતાં અધોળ આચરણ શ્રેષ્ઠ છે.(ગાંધીજી)
પ્રભુના દિવ્ય સદગુણો જીવનમાં ઉતારો.પુનર્જન્મ કે પૂર્વ જીવનનો વિચાર ના કરો.
જનક રાજાએ પોતાના પૂર્વ જન્મો જોવા યાજ્ઞવલ્કય ઋષિ પાસે માગણી કરી.યાજ્ઞવલ્કયે ના પાડતાં કહ્યું-રાજા તે જોવામાં મજા નથી. છતાં જનક રાજાએ દુરાગ્રહ કર્યો.એટલે યાજ્ઞવલ્કયે – તેમને તેના પૂર્વજન્મો બતાવ્યા.જનક રાજાએ જોયું કે પોતાની પત્ની અગાઉના જન્મમાં એક વખત પોતાની માતા હતી. તેઓને દુઃખ થયું.તેથી પૂર્વજન્મ ના વિચાર ના કરો. આ જન્મ જ સુધારવા પ્રયત્ન કરો.
ભગવાન સાથે લગ્ન કરો. અને બીજાનું લગ્ન પણ કરાવો.જીવાત્મા-પરમાત્માનું લગ્ન એ તુલસી વિવાહનું તાત્પર્ય છે.તુલસીવિવાહ –એટલે હું મારા ભગવાન સાથે લગ્ન કરીશ.ચાતુર્માસમાં સંયમ –તપ કરો –ત્યાર પછી જ તુલસી વિવાહ થાય છે.સંયમ કરો-તપ કરો- તો પ્રભુ મળશે. આત્માનો ધર્મ છે-પ્રભુની સન્મુખ જવું.
(ભાગવત માહાત્મ્ય –સમાપ્ત)