Bhagvat rahasaya - 28 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 28

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 28

ભાગવત રહસ્ય-૨૮

 

ધન્ધુકારી માટે કથા કરી તે આષાઢ મહિનામાં કરી છે. શ્રાવણ મહિનામાં લોકોએ આગ્રહ કર્યો એટલે –ગોકર્ણ ફરીથી કથા કરવા બેઠા છે.કથા સાંભળતા અમારે બીજો કોઈ વિચાર કરવો નથી, એકવાર ભૂલ થઇ –અને તેથી અમે રહી ગયા.અતિશય સાવધાન થઈને બધાં કથા સાંભળે છે. વક્તા –શ્રોતા નું મન એક થયું છે. પ્રભુ-પ્રેમથી હૃદય પીગળવા લાગ્યું. તે વખતે ભક્તિ મહારાણી પ્રગટ થયા છે. જ્ઞાન અને વૈરાગ્યને લઇને પધાર્યા છે.

 

કથાથી ભક્તિ મહારાણી પ્રગટ થાય છે. આપણામાં ભક્તિ છે-પણ છિન્ન ભિન્ન છે. તેને પુષ્ટ કરવાની છે.

ભાગવતની કથાથી ભક્તિ પુષ્ટ થાય છે. જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિ વધે તો મુક્તિ મળે છે.

મૂર્છિત થયેલા –એટલે કે-ક્ષીણ થયેલા જ્ઞાન –વૈરાગ્યને પુષ્ટ કરવા-જાગૃત કરવા-યુવાન કરવા –ભાગવતની

કથા છે. કથા સાંભળ્યા પછી બુધ્ધિમાં જ્ઞાન વૈરાગ્ય જાગે-તો તે કથા –કથા છે.

 

ગોકર્ણના સભા મંડપમાં ભગવાન પ્રગટ થયા છે. ભગવાને કહ્યું-હું તમારા કથા કિર્તનથી પ્રસન્ન થયો છું.

તમે કંઈ વરદાન માંગો.ગોકર્ણ તે વખતે કહે છે કે- જે મનુષ્યો શ્રીકૃષ્ણ કથાનું શ્રવણ કરે,કૃષ્ણ કિર્તન કરે,સેવા કરે –તેના હૃદયમાં આપ વિરાજો.જન્મ મરણના ત્રાસમાંથી કથા સાંભળનારા મુક્ત થયા છે. સર્વને સદગતિ મળી છે.

 

જે આનંદ વૈકુંઠમાં મળે છે-તે –જ આનંદ ભાગવત કથામાં મળે છે.જો પ્રેમ પૂર્વક કરવામાં આવે-કે સાંભળવામાં આવે-અને કથામાં જો જગતની વિસ્મૃતિ થાય તો, ધ્યાન ધારણાથી જે સિદ્ધિ મળે છે તે અનાયાસે આ કથાથી મળે છે.ભાગવત એવો ગ્રંથ નથી-કે મર્યા પછી મુક્તિ અપાવે- તે તો મર્યા પહેલાં મુક્તિ અપાવે છે.વેદાંતના દિવ્ય સિદ્ધાંતો વ્યાસજીએ આ માહાત્મ્યમાં ભરી દીધા છે.પાંચ અધ્યાયમાં માહાત્મ્યની કથા સંભળાવી.છઠ્ઠો અધ્યાય વિધિનો છે. સત્કર્મ વિધિ પુર્વક કરવામાં આવે તો દિવ્ય બને છે.

 

સત્કાર્ય તરત કરવું.અને કદાપિ મુલતવી રાખવું નહિ.

ધર્મરાજા પાસે એક યાચક દાન માગવા આવ્યો. ધર્મરાજાએ તેને બીજે દિવસે આવવા કહ્યું.આ વાત ભીમસેને સાંભળી –એટલે વિજયદુંદુભી વગાડવા લાગ્યો.બધાને લાગ્યું કે ભીમસેનનું ખસી તો નથી ગયું ને ?

આ વિજયદુંદુભી તો યુદ્ધમાં વિજય થયો હોય ત્યારે જ વગાડવામાં આવે છે. ભીમને કારણ પૂછ્યું.

ભીમે જણાવ્યું- આજે મોટાભાઈએ કાળ પર વિજય પ્રાપ્ત કર્યો છે.ધર્મરાજાને ખબર પડી ગઈ છે કે –

તે આવતી કાલ સુધી જીવવાના છે.તેથી તેના વિજય માં આ નગારું વગાડું છું.ધર્મરાજા ને પોતાની ભૂલ સમજાઈ.—ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે--- માટે સત્કાર્ય તરત કરો.

યાચકને તરત પાછો બોલાવ્યો અને યથા યોગ્ય દાન આપ્યું.

 

ભાગવત એ ભવરોગની દવા છે.જીવ માત્રને રોગ થયો છે. જીવને ઈશ્વરનો વિયોગ છે તે મોટામાં મોટો રોગ છે.તે રોગના નિવારણ માટે,-ભાગવતનો આશ્રય કરો. કૃષ્ણવિયોગ રૂપી રોગને દૂર કરવાની દવા આ

ભાગવત શાસ્ત્ર છે. પણ દવામાં જેમ ચરી પાળવી જોઈએ તેમ કથામાં તેની વિધિ જાળવવી જોઈએ.

નિષ્કામ ભાવે કથા સાંભળવી હોય તો બારે માસ પવિત્ર છે.બાકી કથા સાંભળવા માટે માગસર માસ અતિ ઉત્તમ છે.

શુભ મુહુર્તે કથાનો પ્રારંભ કરવો જોઈએ. પ્રથમ ગણપતિનું પૂજન કરવું જોઈએ.વ્યાસજી ધ્યાન નારાયણનું કરે છે પણ પૂજન પહેલું ગણપતિનું કરે છે. વ્યાસાશ્રમમાં જે ગણપતિ છે.-તેમના હાથમાં કલમ છે.લોક કલ્યાણ માટે એ સતત લખે છે.ઘણાં માને છે કે-એકલા મંગળ કાર્યમાં જ ગણપતિની પૂજા કરવી જોઈએ. પણ શાસ્ત્ર માં તો લખ્યું છે કે-અમંગળ કાર્યમાં પણ શરૂઆતમાં ગણપતિનું પૂજન કરવું જોઈએ.ગણપતિનું પૂજન કરી લક્ષ્મીનારાયણની સ્થાપના કરો.

 

વક્તાના લક્ષણો બતાવ્યા છે. વિરક્ત પણું એ પહેલું લક્ષણ બતાવ્યું છે. વક્તામાં વૈરાગ્ય હોય-

આ શુકદેવજીની ગાદી છે. શબ્દમાં શક્તિ ત્યાગથી આવે છે-.વૈરાગ્યથી આવે છે. વક્તાના આંખ-મન

અતિ શુદ્ધ હોવાં જોઈએ. શુકદેવજી પણ જગતને જોતા હતા-પણ નિર્વિકાર હતા.આપણે જગત ને જોઈએ છીએ-ત્યારે આંખ માં વિકાર આવે છે.શુકદેવજી બ્રહ્મ-દ્રષ્ટિ રાખતા હતા. દરેક સ્ત્રી-પુરુષ ને ભગવદ ભાવથી જોતા હતા.દરેક સ્ત્રી-પુરુષને ભગવદ ભાવથી જુઓ.