Bhagvat rahasaya - 21 in Gujarati Spiritual Stories by MITHIL GOVANI books and stories PDF | ભાગવત રહસ્ય - 21

Featured Books
Categories
Share

ભાગવત રહસ્ય - 21

ભાગવત રહસ્ય-૨૧

 

પિંડદાનનો સાચો અર્થ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.વિચાર કરતાં સમજાશે કે-

આ શરીરને પિંડ કહે છે,અને તે શરીરને પરમાત્માને અર્પણ કરવું તેણે પિંડદાન કહે છે.

શરીર-પિંડનો ઉપયોગ જે સત્કર્મમાં કરે છે તેને સદગતિ મળે છે. પણ શરીર-પિંડનો ઉપયોગ જે માત્ર પેટ ભરવામાં કરે તેની દુર્ગતિ થાય છે. આ શરીર ભોગ માટે નથી, ભક્તિ કરવા માટે છે.નિશ્ચય કરવો કે-મારું જીવન મેં ઈશ્વરને અર્પણ કર્યું છે.

 

આ પ્રમાણે જે પિંડદાન કરે તે સાચું. બાકી લોટના પિંડદાનથી મુક્તિ મળતી હોય તો –ઋષિ મુનિઓ ,ધ્યાન,તપ,જપ,યોગ-વગેરે સાધનો કરે જ શા માટે ? જીવન મરણના ત્રાસમાંથી છોડાવે છે-સત્કર્મ. બીજાનું સત્કર્મ નહિ-પણ પોતાનું સત્કર્મ.પોતે જ પોતાના આત્માનો ઉદ્ધાર કરવાનો છે.જીવ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે.ગીતામાં સ્પષ્ટ લખ્યું છે-કે-ઉધ્ધરેદાત્મનાત્માનમ નાત્માનમવસાદયેત (ગીતા-૬-૫)

(પોતાના દ્વારા,પોતે જ આત્માનો કરે.અને પોતાના આત્માને અધોગતિ તરફ ના લઇ જાય)

 

મહાત્મા -આત્મદેવને કહે છે-"જીવ નો ઉદ્ધાર જીવ પોતે ના કરે તેનો ઉદ્ધાર બીજું કોણ કરવાનું હતું ? તારી લાગણી તને નહિ તો બીજાને તારા માટે શું લાગણી હોય ? મનુષ્યનો પોતા સિવાય બીજો કોણ મોટો હિતકારી હોઈ શકે ? જો પોતાનું શ્રેય જાતે ના કરી લે તો –પુત્રો વગેરે શું કરવાના હતા ?

ઈશ્વરને માટે જે જીવે તેને અવશ્ય મુક્તિ મળે છે.

 

શ્રુતિ તો કહે છે કે-ઈશ્વરનો અપરોક્ષ અનુભવ ના થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી.મરતાં પહેલાં જ જે ભગવાનને ઓળખે છે, તેને મુક્તિ મળે છે.

ભગવાનને જાણ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. બાકી કેવળ શ્રાધ્ધ કરવાથી કંઈ મુક્તિ મળતી નથી.

 

તમારા પિંડનું દાન-શરીરનું દાન –તમારે હાથે જ કરો. એ જ ઉત્તમ છે.પછી તો શ્રાધ્ધ થાય તો પણ ઠીક છે-અને ના થાય તો પણ ઠીક છે.મહાત્મા કહે છે કે-જે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે. માટે બધું છોડી પરમાત્માનું ધ્યાન કર.આત્મદેવને આ ઠીક લાગ્યું નહિ. આત્મદેવે કહ્યું-બાળકને રમાડવામાં કેવું સુખ મળે છે –તે તમે શું જાણો મહારાજ ? પુત્ર હોવાના સુખની તમને સન્યાસીઓને શું ખબર પડે ? માટે તમે આમ કહો છો.

 

છોકરો ખોળામાં એકી-બેકી કરે તો પણ મા-બાપ રાજી થાય છે.તેમને ધૃણા પણ આવતી નથી.એમાં રાજી થવા જેવું શું છે? પરંતુ દુઃખમાં સુખ માનવું –એ સંસારીનો ધર્મ છે. અસુખમાં સુખ માનવું તે સંસારીઓનો નિયમ છે.'જગતમાં કોનો વંશ રહ્યો છે કે તારો રહેવાનો છે ?' સૂર્યવંશ અને ચંદ્રવંશનો પણ નાશ થયો છે.

વંશ વૃદ્ધિ માટે થોડો પ્રયત્ન કરો પણ તેના માટે પાગલ ના બનો."તારા ભાગ્ય માં પુત્રનું સુખ લખ્યું જ નથી."

 

મહાત્માએ સુંદર બોધ આપ્યોઃ.તેમ છતાં આત્મદેવે દુરાગ્રહ કર્યો."મારા ભાગ્યમાં ના હોય તો તમારા ભાગ્યમાં થી કાઢીને આપો. મને પુત્ર આપો,નહીતર હું પ્રાણ ત્યાગ કરીશ."

મહાત્માને દયા આવી.એક ફળ આપ્યું અને કહ્યું-આ ફળ તારી સ્ત્રીને ખાવા આપજે. તારે ત્યાં લાયક પુત્ર થશે.

આત્મદેવ ફળ લઈને ઘેર આવ્યો. ફળ પોતે પોતાની પત્નીને ખવડાવ્યું નહિ પણ તેના હાથમાં આપ્યું.

 

ધુન્ધુલી જાતે ફળ ખાતી નથી.તે અનેક પ્રકારના કુતર્કો કરે છે.તે વિચાર કરે છે કે-ફળ ખાઇશ તો સગર્ભા થઈશ,પરિણામે દુઃખી થઈશ. બાળકના લાલન પાલનમાં પણ કેટલું દુઃખ છે ?

તેની નાની બહેન તેને મળવા આવી હતી,તેની આગળ તેણે આ વાત કરી. નાની બહેને સલાહ આપી-મને બાળક થવાનું છે તે હું તને આપી જઈશ.તું સગર્ભા હોવાનું નાટક કર.

 

ધુન્ધુલીને ફળ તો જોઈએ છે પણ કંઈ દુઃખ જોઈતું નથી.આ મનુષ્યનો સ્વભાવ છે. સુખ તો જોઈએ છે પણ વિના પ્રયત્ને, વિના દુખે.મનુષ્યને પુણ્ય કરવું નથી અને પુણ્યનું ફળ જોઈએ છે.પાપ કરવું છે અને પાપનું ફળ જોઈતું નથી.નાની બહેનના કહેવાથી તેણે તે ફળ ગાયને ખવડાવ્યું.

 

ધુન્ધુલીએ નાટક કર્યું ,મને ગર્ભ રહ્યો છે. તે પછી બહેનનો છોકરો લઇ આવી જાહેર કર્યું કે મને પુત્ર થયો છે.

આત્મદેવે બાળકને જોયો,તેને શંકા ગઈ કે આ ગઈકાલનો જન્મેલો લાગતો નથી.

ધુન્ધુલીએ સમજાવ્યું,આતો સંતની પ્રસાદી છે.એટલે તે જન્મથી જ તગડો છે. પુત્રનું નામ ધુંધુકારી રાખ્યું.

આ બાજુ ગાયને મનુષ્ય આકારનું ગાય જેવા કાન વાળું બાળક થયું. તેનું નામ ગોકર્ણ રાખવામાં આવ્યું.

બાળકો મોટા થયાં.ગોકર્ણ પંડિત અને જ્ઞાની થયાં છે, ધન્ધુકારી દુરાચારી થયો છે.