ભાગવત રહસ્ય - ૧૦
વ્યાસાશ્રમમાં આરંભમાં વ્યાસજીએ ગણપતિ મહારાજનું આવાહન કર્યું એટલે ગણપતિ મહારાજ પ્રગટ થયા.વ્યાસજીએ કહ્યું-મારે ભાગવત શાસ્ત્રની રચના કરવી છે. પણ લખે કોણ? ગણપતિ કહે-હું લખવા તૈયાર છું.પણ એક ક્ષણ પણ નવરો નહિ બેસું.ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર એટલે ઉદ્યોગ. ઉદ્યોગ પર બેસે તેની સિદ્ધિ-બુદ્ધિ દાસી થાય છે.સતત ઈશ્વરના ચિંતનનો ઉદ્યોગ કરો તો –રિદ્ધિ-સિદ્ધિ –તમારી દાસી થશે. એક ક્ષણ પણ ઈશ્વરના ચિંતન વગર બેસશો નહિ.
પ્રત્યેક કાર્યના આરંભમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે. ગણપતિ વિઘ્નહર્તા છે. ગણપતિનું પૂજન કરવું એટલે જીતેન્દ્રિય થવું. ગણપતિ કહે છે કે-હું નવરો બેસતો નથી. જે નવરો બેસતો નથી તેનું અમંગળ થતું નથી.ગણપતિ મહારાજ થયા છે લેખક અને વ્યાસજી થયા છે વક્તા. ગણપતિએ કહ્યું –હું એક પળ પણ નવરો નહિ બેસું.ચોવીસ કલાક તમારે કથા કરવી પડશે. ત્યારે વ્યાસજીએ કહ્યું-હું જે બોલું છું તે યોગ્ય છે કે અયોગ્ય-તે વિચારી-વિચારપૂર્વક લખજો. સો શ્લોક થાય એટલે વ્યાસજી એક કૂટ-શ્લોક મુકે છે. તે વિચાર કરવામાં ગણપતિને સમય લાગે,ત્યાં વ્યાસજી પોતાના બીજાં કાર્યો પતાવી લે છે.
ભાગવતમાં અનેક વાર એવા પ્રસંગો આવે છે,તેનો વક્તા-શ્રોતા વિચાર કરે કે તેનો લક્ષ્યાર્થ શું છે?
લખ્યું છે કે-ચિત્રકેતુ રાજાને એક કરોડ રાણીઓ હતી.સંસારના વિષયો મનમાં રાખે છે તે જ ચિત્રકેતુ છે.સંસાર ના સર્વ ચિત્રો જેના મનમાં બેસી ગયાં છે, તે ચિત્રકેતુ છે.તે મન જયારે સંસારમાં તન્મય બને છે, ત્યારે તેની મનોવૃત્તિ કરોડ ગણી બને—એટલે એક કરોડ રાણી સાથે રમણ કરે છે, તેવો ઉદ્દેશ છે.
કોઈ વાર વ્યાસજી અતિશયોક્તિ પણ કરે છે. લખ્યું છે કે-હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપના રોજ ચાર હાથ વધતા. ગણપતિદાદાએ વિચાર કર્યો-કે- આમ રોજ ચાર હાથ વધે તો શું દશા થાય? ઘરનું છાપરું તોડવું પડે. તેના મા-બાપની શું દશા થાય? આજે સિવડાવેલ ઝભલું કાલે કામ ના આવે.!!! દહાડે દહાડે લોભ વધે છે --તે તત્વ બતાવવાનો –આનો ઉદ્દેશ છે.
સત્કર્મમાં વિઘ્ન આવે છે,તેથી સાત દિવસનો કથાનો ક્રમ બતાવ્યો છે. સુત અને શૌનકાદિકની કથા એક હજાર વર્ષ ચાલેલી. વિઘ્ન ના આવે તે માટે વ્યાસજી પ્રથમ –શ્રી ગણેશાય નમઃ-ગણપતિને વંદન કરે છે. તે પછી સરસ્વતીને વંદન કરે છે. સરસ્વતીની કૃપાથી મનુષ્યમાં સમજ આવે છે. સદગુરુને વંદન કરે છે. તે પછી ભાગવત ના પ્રધાન દેવ શ્રી કૃષ્ણ ને વંદન કરે છે.
ભાગવત ની રચના થયા પછી,ગ્રંથનો પ્રચાર કોણ કરશે તેની વ્યાસજીને ચિંતા થઇ-વૃદ્ધાવસ્થામાં મેં આ ગ્રંથ ની રચના કરી છે(એટલે પોતે આ ગ્રંથનો પ્રચાર કરી શકવાના નથી.) તો આ ગ્રંથ હું કોને આપું? ભાગવત મેં માનવસમાજના કલ્યાણ માટે બનાવ્યું છે. ભાગવતની રચના કર્યા પછી મેં કલમ મૂકી દીધી છે.
બહુ બોલ્યા-બહુ લખ્યું, હવે સંપૂર્ણ પણે ઈશ્વર સાથે સંબંધ જોડીશ. પ્રભુથી વિખુટા પડેલ જીવો મારા શ્રીકૃષ્ણ ના સન્મુખ આવે તેવું મેં ભાગવતશાસ્ત્ર બનાવ્યું છે. ભાગવત એ પ્રેમ શાસ્ત્ર છે, પ્રેમશાસ્ત્રનો પ્રચાર જે અતિ વિરક્ત હોય તે જ કરી શકે. સંસારના જડ પદાર્થો સાથે જે પ્રેમ કરે તે ભાગવતનો પ્રચાર કરી શકે નહિ.
જ્ઞાન કરતાં શ્રીકૃષ્ણ –પ્રેમ –જ શ્રેષ્ઠ છે. પુસ્તક વાંચવાથી જ્ઞાની થવાય પણ પ્રભુ પ્રેમી થવાતું નથી. અને પ્રભુપ્રેમી થયા વિના જ્ઞાનમાં દઢતા આવતી નથી. જીવન કૃતાર્થ થતું નથી.શ્રીકૃષ્ણ સિવાય બીજા કોઈને પ્રેમ કરનાર આ કથાનો અધિકારી નથી.આવો કોણ મળે??સંસારના કોઈ વિષયો પ્રત્યે રાગ ના હોય તેવો જન્મ થી વૈરાગી કોણ મળે? સંસાર સુખ બોગવ્યા પછી ઘણાને વૈરાગ્ય આવે છે,પણ જન્મથી વૈરાગ્ય અપનાવેલું હોય તેવો કોણ મળે? કોઈ લાયક પુત્રને આ જ્ઞાન આપી દઉં, જેથી તે જગતનું કલ્યાણ કરે. આ વિચારે વૃદ્ધાવસ્થામાં વ્યાસજીને પુત્રેષણા જાગી છે.
ભગવાન શંકર વૈરાગ્યનું સ્વરૂપ છે.રાધા-કૃષ્ણ,લક્ષ્મી-નારાયણ –બધાં સાથે વિરાજે છે. પણ શંકર –પાર્વતી સાથે વિરાજતા નથી. એતો વિષ્ણુ ભગવાને બહુ આગ્રહ કર્યો એટલે-લગ્ન કર્યા. પણ પાર્વતીને કહ્યું—એક ખૂણામાં તમે ધ્યાન કરો –અને એક ખૂણામાં હું ધ્યાન કરું.
વ્યાસજીએ વિચાર્યું-શિવજીની મારા પર કૃપા કરે અને મારે ત્યાં પુત્ર રૂપે આવે,તો આ કાર્ય થાય.
રુદ્રનો જન્મ છે પણ મહારુદ્રનો જન્મ નથી. ભગવાન શિવ પરબ્રહ્મ છે. તેમનો જન્મ નથી.
શિવજી મહારાજ જન્મ ધારણ કરે તો આ ભાગવતનો પ્રચાર કરે.
ભગવાન શંકર નિરપેક્ષ છે.જગતને જેની અપેક્ષા છે,તેનો શિવજી ત્યાગ કરે છે.ગુલાબના ફૂલ માટે કોઈ ઝગડો કરે પણ ધંતુરાના ફૂલ માટે ઝગડો થાય ખરો ? વ્યાસજીએ શંકરની આરાધના કરી. શિવજી મહારાજ પ્રસન્ન થયા.વ્યાસજીએ માગ્યું—સમાધિમાં જે આનંદ આપ ભોગવો છે,તે જગતને આપવા મારે ઘેર પુત્ર રૂપે પધારો.
ભગવાન શંકરને આ સંસારમાં આવવાનું ગમતું નથી. સંસારમાંમાં એકવાર આવ્યો તેને ક્રોધ થપ્પડ મારે છે,કામ થપ્પડ મારે છે. સંસારમાં આવ્યા પછી માયા વળગે છે. કોલસાની ખાણમાં જાય તો હાથ પગ કાળા થયા વગર રહેતા નથી.
માયાથી દૂર રહેવું તે નિવૃત્તિ ધર્મનો આદર્શ છે. શિવજી નિવૃત્તિ ધર્મના આચાર્ય છે.
માયા સાથે હોવા છતાં -માયાથી આશક્ત ન થવું -તે શ્રીકૃષ્ણ બતાવે છે.અ શ્રીકૃષ્ણ પ્રવૃત્તિ ધર્મના આચાર્ય છે.
તેઓ કહે છે કે-માયા સાથે રહેવું પણ માયાથી અલિપ્ત રહેવું.
શિવજી કહે છે કે—ના-ના-માયાથી અલિપ્ત નહિ –માયાથી દૂર રહેવું-એ જ વધારે સારું છે.
વધારે અવતાર –શિવજીના કે બ્રહ્માના થતા નથી,શ્રીકૃષ્ણના અવતાર વિશેષ થાય છે.જગતનું રક્ષણ કરવાનું કાર્ય શ્રીકૃષ્ણનું છે. તેથી ,શ્રી કૃષ્ણના અવતાર વિશેષ છે. શિવજીને અવતાર ધારણ કરવાની ઈચ્છા નથી.
વ્યાસજીએ કહ્યું,-મહારાજ તમને આવવું નથી ગમતું, પણ અનેક જીવોનું કલ્યાણ કરવા આપ આવો.તમને માયા શું અસર કરી શકવાની હતી ?
શિવજીએ વિચાર્યું—સમાધિમાં જે બ્રહ્માનંદ નો અનુભવ કરું છું-તે જગતને ના આપું તો એકલપેટો કહેવાઉં. મારે જગતને સમાધિના આનંદનું દાન કરવું છે. શિવજી અવતાર લેવા તૈયાર થયા.
શિવકૃપાથી વાટીકાજી ને ગર્ભ રહ્યો છે. શુકદેવજી ભગવાન શિવનો અવતાર હતા,એટલે જન્મથી પૂર્ણ નિર્વિકાર છે.શુકદેવજીના જન્મની કથાઓ અન્ય પુરાણોમાં છે. શુકદેવજી સોળ વર્ષ સુધી મા ના પેટમાં રહ્યા છે.મા ના પેટમાં સોળ વર્ષ સુધી સતત પરમાત્માનું ધ્યાન ધર્યું છે.
વ્યાસજી કહે છે કે-બેટા તારી મને બહુ ત્રાસ થાય છે, બહાર આવ-તું બહાર કેમ આવતો નથી ?
શુકદેવજીએ જવાબ આપ્યો- હું સંસારના ભય થી બહાર આવતો નથી,મને માયાની બીક લાગે છે.
વ્યાસજીએ કહ્યું-કે હું તને આશીર્વાદ આપું છું કે તને માયા નહિ વળગે.
શુકદેવજીએ કહ્યું કે-તમે પોતે પણ માયામાં ફસાયેલા છો,હું હજુ બહાર પણ આવ્યો નથી-તો પણ તમે મને
બેટા-બેટા કહો છો.જે માયામાં ફસાયેલા છે,તેના વચન પર હું કેમ વિશ્વાસ રાખી શકું ? જે પોતે ફસાયો છે તે બીજાને કેમ છોડાવી શકે ?
વ્યાસજી એ પૂછ્યું કે –તો તને કોનો વિશ્વાસ બેસે ? શુકદેવજીએ કહ્યું—જે માયાથી બિલકુલ ફસાયા ના હોય,જે માયાથી મુક્ત હોય –તે મને ખાતરી આપે તો હું બહાર આવું....વ્યાસજી એ માધવરાયને પ્રાર્થના કરી. મા એટલે માયા અને ધવ નો અર્થ થાય છે પતિ.માયાના પતિ,માધવરાય –દ્વારકાનાથ વ્યાસાશ્રમમાં પધાર્યા છે. તેમણે શુકદેવજીને ખાતરી આપી કે-તમને માયાનો સ્પર્શ થશે નહિ. મારી માયા તમને વળગી શકશે નહિ.
તે પછી શુકદેવજી મહારાજ માતાના ગર્ભમાંથી બહાર આવ્યા છે. શુકદેવજીનું પ્રાગટ્ય થયું છે.
સોળ વર્ષની અવસ્થા છે,બ્રહ્મ દર્શન કરતાં બ્રહ્મરૂપ થયા છે.
સંસારમાં એવા બે જ પુરુષો થયા છે. શુકદેવ અને વામદેવ. આ બે મહાપરુષો એવા છે કે જેમને માયાનો સ્પર્શ થયો નથી. મહાગ્રંથો એવું વર્ણન કરે છે કે વ્યાસજી કરતાં –શુકદેવજી શ્રેષ્ઠ છે. શુકદેવજી શ્યામસુંદર છે,વાસનાનું વસ્ત્ર પડી ગયું છે.શુકદેવજીએ મા ના પેટમાં સતત શ્યામસુંદરનું ધ્યાન કર્યું છે,તેથી વર્ણ શ્યામ થયો છે.