ભાગવત રહસ્ય-૮
કથાના આરંભમાં એકલા કૃષ્ણને વંદન કર્યા નથી.પણ કહ્યું છે કે -શ્રી કૃષ્ણાય વયં નમઃ શ્રી નો અર્થ છે રાધાજી. રાધાજી પ્રેમ સ્વરૂપ છે. ભાગવતમાં એવું લખ્યું છે કે-કૃષ્ણને કોઈ કોઈ વાર ક્રોધ આવે છે.પણ રાધાજી દયાની મૂર્તિ છે,તેમને કોઈ પર ક્રોધ આવતો નથી. જીવ ગમે તેવો દુષ્ટ હોય,પાપી હોય પણ રડતાં રડતાં –
‘શ્રી રાધે-શ્રી રાધે’ બોલવા લાગે તો રાધાજી કૃપા કરે છે. રાધાજીની કૃપા વગર જીવ ભગવાન પાસે જઈ શકતો નથી.
ભગવાન ની -કૃપા શક્તિ- એ જ રાધા છે. આપણા શાસ્ત્રમાં –શક્તિ-સાથે –પરમાત્માની પૂજા કરવાનું બતાવ્યું છે.દંડકારણ્યમાં ફરતા એકલા રામજીની પૂજા કરવાની નહિ પણ સીતાજી સાથે સિંહાસન પર બિરાજતા સીતા-રામની પૂજા કરવાની છે. અત્રે રાધાજી સાથે વિરાજતા રાધા-કૃષ્ણને કથાના આરંભમાં વંદન કર્યા છે. પછી ભાગવતના પ્રધાન વક્તા શ્રી શુકદેવજીને વંદન કર્યા છે.
વંદન કરી-તમારી ક્રિયાશક્તિ અને બુદ્ધિશક્તિનું અર્પણ કર્યા પછી, કોઈ અઘટિત કાર્ય ન કરવું કે ન વિચારવું. વાંચે અને વિચારે તેના કરતાં જીવનમાં ઉતારે તે શ્રેષ્ઠ છે.
વેદનકા અંત નહિ ઔર પુરાણોકા પર નહિ---મનુષ્ય જીવન થોડું છે,અને શાસ્ત્રોનો પાર નથી.પરંતુ –એક-ને એટલે ઈશ્વરને જાણો-એટલે સઘળું જાણી જશો.કલિયુગનો માણસ થોડા સમયમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકે-એ-બતાવે છે ભાગવત શાસ્ત્રમાં.સુતજી કહે છે—સાત દિવસમાં પરિક્ષિતે સદગતિ પ્રાપ્ત કરી તે મેં નજરે જોયું છે.પરિક્ષિતનો ઉદ્ધાર થયો પણ આપણા સર્વનો ઉદ્ધાર કેમ થતો નથી?
પરિક્ષિત જેવા શ્રોતા થવું જોઈએ અને વક્તા એ શુકદેવજી જેવા થવું જોઈએ.—તો ઉદ્ધાર થાય.
આપણે સર્વ પરિક્ષિત છીએ. આ જીવ ગર્ભમાં આવ્યો ત્યારે જેને મારી રક્ષા કરેલી-તે ચતુર્ભુજ સ્વરૂપવાળો પુરુષ ક્યાં છે?ક્યાં છે? તેમ વિચારી ઈશ્વરને સર્વમાં જોનાર જીવ—તે પરિક્ષિત.
પરિક્ષિત એટલે ભગવાનના દર્શન કરવા આતુર થયેલો છે-તેવો -જીવ.
પરીક્ષિતની આતુરતા નું એક કારણ હતું. તેને ખબર પડી હતી કે સાત દિવસમાં મારું મૃત્યુ થવાનું છે.
તક્ષક નાગ કરડવાનો છે.
જીવ માત્રને તક્ષક નાગ કરડવા આવવાનો છે. તક્ષક એ કાળનું સ્વરૂપ છે-તેમ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે.કાળ તક્ષક કોઈને છોડતો નથી, તે સાતમે દિવસે જ કરડે છે. સાત વારમાંથી એક વારે –તો અવશ્ય તે કરડવાનો જ.આ સાતમાંથી કોઈ એક વાર આપણા માટે નક્કી જ છે !! તો પરીક્ષિતની જેમ કાળને ભૂલશો નહિ.કોઈ પણ જીવને કાળ ની બહુ બીક લાગે છે. મનુષ્ય તો શું? પણ સ્વર્ગના દેવો –અરે બ્રહ્માજીને પણ કાળનો ડર લાગે છે.ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે.
ભાગવતમાં લખ્યું છે કે-ધ્રુવજી મૃત્યુના માથા પર પગ મુકીને-મૃત્યુ પર વિજય મેળવીને-વૈકુંઠમાં ગયા છે.
પરીક્ષિત રાજા સમાપ્તિમાં બોલ્યા છે-કે- હવે મને કાળની બીક નથી.
ભાગવત સાંભળ્યા પછી,પરમાત્મા સાથે પ્રેમ કરે તેને કાળની બીક લગતી નથી. પ્રભુ પ્રીતિ વગર કાળની ભીતિ જતી નથી.ભાગવતનો આશ્રય કરે તે નિર્ભય બને છે. પરમાત્મા શ્રી કૃષ્ણના ચરણોનો આશ્રય કરવાથી જીવ નિર્ભય બને છે.લોકો મૃત્યુને અમંગળ માને છે, પરંતુ તે અમંગળ નથી. જે દુઃખમાંથી મનુષ્યને ડોક્ટર કે વૈદ્ય છોડાવી શકતા નથી,તે દુઃખમાંથી મૃત્યુ આપણને છોડાવે છે. મૃત્યુ એ પરમાત્માનો સેવક છે—એટલે તે પણ મંગળ છે.ઠાકોરજીને થાય કે –મારો દીકરો લાયક થયો કે નહિ?-તે જોવા માટે મૃત્યુને આજ્ઞા કરે છે કે તે જીવને પકડી લાવ.
જેને પાપનો વિચાર સુધ્ધાં આવતો નથી, તેનું મૃત્યુ મંગળમય થાય છે.જીવનમાં મનુષ્ય મરણની –સાચી બીક- રાખતો નથી, તેથી તેનું જીવન બગડે છે, મરણ બગડે છે.અંત કાળમાં મનુષ્યને જે ગભરામણ થાય છે-તે –કાળની નહિ, પણ પોતે કરેલા પાપોની યાદથી તે ગભરામણ થાય છે.પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી. ડરે છે ત્યારે કે જયારે પાપની સજા થવાનો વખત આવે છે.વ્યવહારમાં લોકો એકબીજાની ભીતિ રાખે છે. મુનીમ-શેઠની,કારકુન-અમલદારની,પુત્ર-પિતાની –વગેરે,ત્યારે મનુષ્ય ઈશ્વરનો ડર રાખતો નથી. તેથી તે દુઃખી થાય છે.હું ભગવાનનો છું, તેવું સતત જેને અનુસંધાન રહે તેના હાથે પાપ થતું નથી. કાળના પણ કાળ પરમાત્મા છે. તે પરમાત્માનો હું અંશ છું, તેમ મનુષ્ય સમજે તો –તેને કાળની બીક રહેશે નહિ.
જ્યાં ભેદ છે ત્યાં ભય છે. જ્યાં અભેદ છે ત્યાં અભય છે.મોટો અમલદાર હોય પણ તેની પત્નીને તેની બીક લગતી નથી. કારણ બંને એક છે.પરીક્ષિતે સમાપ્તિમાં કહ્યું છે કે—મારો ભેદ-ભાવ નષ્ટ થયો છે. મને હવે કાળની બીક લાગતી નથી,જે મારામાં છે,તે જ તક્ષકમાં છે. તક્ષક પ્રત્યે મને જરા પણ કુભાવ નથી. તક્ષકમાં પણ અંશ રૂપે શ્રી કૃષ્ણ વિરાજ્યા છે. મારા પરમાત્મા ચાર હાથ વાળા છે, તે ચારે બાજુથી મારું રક્ષણ કરે છે. તેઓ મારી સાથે છે.પરમાત્માને નિત્ય સાથે રાખશો તો કાળની બીક લાગશે નહિ.
થોડા પૈસા ખિસ્સામાં હોય તો મનુષ્યને હિમત રહે છે,ત્યારે નિત્ય પરમાત્માને સાથે રાખીને ફરે એ નિર્ભય બને તેમાં શું આશ્ચર્ય?? ભીતિ વગર પ્રભુમાં પ્રીતિ થતી નથી. કાળનો ડર રાખો. કાળની,મરણની ભીતિથી પ્રભુ માં ભીતિ થાય છે.મનુષ્ય કાયમ કાળની બીક રાખે તો તેના હાથે પાપ થશે નહિ. નિર્ભય થવું હોય તો પાપ કરવાનું છોડી દેજો.ભાગવત શાસ્ત્ર આપણને નિર્ભય બનાવે છે.
કામનો નાશ કરી, ભક્તિમય-પ્રેમમય જીવન ગાળે તો- કાળ પર વિજય પ્રાપ્ત થાય છે.
કામને મારે તે કાળનો માર ખાતો નથી.કાળ –તક્ષક- કોઈને છોડતો નથી. કોઈની પર તેને દયા આવતી નથી. માટે આ જન્મમાં જ કાળ પર વિજય મેળવો.
જયારે જન્મ થાય છે ત્યારે જ મૃત્યુનો સમય,સ્થળ અને મૃત્યુનું કારણ નક્કી કરવામાં આવે છે