ભાગવત રહસ્ય-૩
મંદિરમાં પ્રભુના દર્શન કર્યા પછી જ્ઞાની પુરુષો જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ભગવત સ્વ-રૂપ નો અનુભવ કરે છે.મન જ્યાં જાય ત્યાં ઈશ્વરનાં દર્શન કરે તે જ ઈશ્વર નું અસાધારણ દર્શન છે.જે પરમાત્મા મારામાં છે - તે સર્વમાં છે ,એ પ્રમાણે સમગ્ર જગત જેને બ્રહ્મ રૂપે દેખાય છે ,તે જ્ઞાની છે.સર્વમાં પરમાત્માનો અનુભવ કરતા તેને પોતાના સ્વ-રૂપમાં પણ પરમાત્માનો અનુભવ થાય છે.જેને પ્રત્યક્ષ દર્શન પણ કહેવાય.ઉપનિષદમાં તેને અપરોક્ષ દર્શન કહે છે.
ઈશ્વરને અન્ય કે કોઈ એક સ્થળે વિચારવો કે જોવો -તેને પરોક્ષ દર્શન કહે છે,જે દર્શનથી બહુ લાભ નથી.પણ પરમાત્માના અપરોક્ષ દર્શનથી જીવ કૃતાર્થ થાય છે.જ્ઞાની પુરુષને પોતાના સ્વ-રૂપમાં જયારે ભગવાન દેખાય છે ત્યારે તે બંને આત્મા અને પરમાત્મા -એક થઇને અદ્વૈત થાય છે.
શ્રી કૃષ્ણલીલા એટલા માટે છે કે –આ લીલાઓનું ચિંતન કરી ગોપીઓ પોતાના સ્વરૂપમાં પરમાત્માનો અનુભવ કરે.'લાલી મેરે લાલકી સબ જગ રહી સમાઈ,લાલી દેખન મૈ ગઈ,મૈ ભી હો ગઈ લાલ'
ગોપીઓને પોતાના સ્વ-રૂપનું વિસ્મરણ થયું અને બોલે છે કે-
'ઢૂંઢા સબ જહામે,પાયા પતા તેરા નહિ,જબ પતા તેરા લગા, તો અબ પતા મેરા નહિ.'
કૃષ્ણ નો સર્વમાં અનુભવ કરતાં ગોપીઓ કૃષ્ણમય બની છે.
પોતાની અંદર જેને પરમાત્મા દેખાય ,પરમાત્માનો જેને સાક્ષાત્કાર થાય,તે પછી ઈશ્વરથી જુદો રહી શકતો જ નથી,ઈશ્વરમાં મળી જાય છે.આ ભાગવત નું ફળ છે.
ભગવાન ગોલોકમાં વિરાજે છે ,એવું જ્ઞાન તે સાધારણ જ્ઞાન છે.જે આપણા માટે બહુ ઉપયોગી નથી.
ગોલોકમાં વિરાજતા ભગવાનને પોતાના હૃદય પ્રદેશમાં પધરાવી ,પોતાનામાં જ પરમાત્માનાં દર્શનનો અનુભવ કરવો જોઈએ.જગતના દરેક પદાર્થમાં પ્રભુ વિરાજેલા છે,તો મારામાં પણ તે પરમાત્મા વિરાજેલા છે
પોતાનામાં અને સર્વમાં એક પરમાત્મા નાં દર્શન કરવાં,એ ભાગવતનું ફળ છે.
જયારે ઉદ્ધવે ગોપીઓને કહ્યું કે-શ્રી કૃષ્ણ મથુરામાં આનંદથી વિરાજે છે.ત્યારે ગોપીઓએ ઉદ્ધવને ઠપકો આપ્યો છે.'ઉદ્ધવ,સર્વ વ્યાપક શ્રી કૃષ્ણને તું કેવળ મથુરામાં રાખે છે? વ્યાપકનો કોઈ ઠેકાણે અભાવ થઇ શકતો નથી.ઉદ્ધવ,અમારા કૃષ્ણ તો ગોકુલ છોડી ગયા જ નથી.અમે તો “કૃષ્ણ-કૃષ્ણ” કહીએ એટલે તેઓ અમારી આંખો સમક્ષ હાજર થાય છે.'
ઉદ્ધવ ગોપીઓને સમજાવે છે—સગુણનાં આધારે નિર્ગુણનો અનુભવ કરવાનો હોય છે.
ગોપી કહે છે—મારા શ્રી કૃષ્ણ શું મારાથી જુદા છે?મારા શ્રી કૃષ્ણ મને છોડીને ગયા જ નથી.સાંજે જમનાજી જળ ભરવા ગઈ હતી,અંધારું થયું હતું,મને એમ થયું કે કોણ માથે બેડલું ચડાવશે?ત્યાં તો અવાજ સંભળાયો,સખી,હું તારી અંદર છું,હું તને છોડીને ગયો નથી.મે કૃષ્ણને પૂછ્યું,-તમે અમને છોડીને મથુરા ગયા હતા,તે ક્યારે પાછા આવ્યા? કૃષ્ણે કહ્યું-અલી બાવરી ગોપી,હું તને છોડીને ગયો નથી.
ઉદ્ધવ,મારા કૃષ્ણ મને છોડી ને ગયા જ નથી.
પરમાત્મા પ્રેમ પરતંત્ર છે.ઉદ્દવ નું જ્ઞાનાભિમાન ત્યાં ઉતર્યું છે.ગોપી-કૃષ્ણ એક જ છે.
જેને સર્વમાં ભગવાનનાં દર્શન થતાં નથી એ માનવીને પરમાત્માનો વિયોગ થાય છે.અને પરમાત્માનો વિયોગ થવાથી જીવ અશાંત થાય છે.અને તેના હાથે પાપ થાય છે.પ્રભુનો વિયોગ એ મહાન દુઃખ છે.જેને પોતાની અંદર પરમાત્મા દેખાય છે તેને ઈશ્વર એક ક્ષણ પણ છોડી શકે નહિ.
ઘડામાંનાં ઘટાકાશમાંથી જેમ પોલાણ બહાર નીકળી શકતું નથી,તેમ જ્ઞાની ને પરમાત્મા છોડી શકતા નથી.
સુરદાસને બહાર અને અંદર પરમાત્મા દેખાય છે,પોતાની અંદર પરમાત્માનો અનુભવ કરે છે.આ અનુભવ એ જ ભાગવત નું ફળ છે.ભાગવત એ દર્શન શાસ્ત્ર છે,ભાગવત વાંચ્યા પછી મનુષ્યનો સ્વભાવ સરળ થાય છે.પોતાના દોષનું દર્શન થાય છે.ભાગવત મનને સુધારે છે,દ્રષ્ટિને દિવ્ય બનાવે છે.
પરમાત્મા નાં દર્શન કરવાનું સરળ સાધન જે ગ્રંથમાં બતાવ્યું છે,તે ભાગવત,
બીજા ઘણાં શાસ્ત્રો છે,પણ ભાગવત નું દર્શન અલૌકિક છે.