Khushini ek sachi Lahwrakhi in Gujarati Short Stories by Dr. Nilesh Thakor books and stories PDF | ખુશીની એક સાચી લહેરખી

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

ખુશીની એક સાચી લહેરખી


ખુશીની એક સાચી લહેરખી

“લોન માટે બેન્ક માં વાત કરી કે નહીં ? દીકરી ના લગ્નને હવે 3 જ મહિનાની વાર છે.” શૈલેન્દ્રબેનના મનમાં ચા નો ઊભરો આવે એવી રીતે ઉચાટ ના ઉભરા સાથે ને ભ્રમર પર ચિંતાની રેખાઓ સાથે પોતાના પતિ સાથે રસોડામાંથી જ સંવાદનો સેતુ સાધી રહ્યા હતા.

“ હમણાં જ આ નવા ઘર ની લોન અને ફર્નિચર માટે પર્સનલ લોન લીધી એટલે હવે બેન્ક નવી લોન માટે નવી લોન માટે હાલ ના પડે છે, પણ તું ચિંતા ના કર, આજે જ મારા પીએફ માંથી 5 લાખ ના ઉપાડ માટે મે તૈયારી કરી લીધી છે.” અનિમેષભાઈએ પોતાની પત્નીની તણાયેલી ચિંતાની રેખાઓ ને સહેજ વિરામ આપી રહ્યા હતા.

“પણ પીએફમાંથી ઉપાડ ને આવતા 3 મહિના થી વધુ વાર લાગી તો શું કરીશું ? લગ્નની બધી જ તૈયારીઓ હજુ ઊભી ને ઊભી જ છે.” શૈલેન્દ્રબેનનો સ્વર હજુ ય ઉચાટ ધરાવતો હતો.

“તું ચિંતા ના કર, સૌ સારાં વાનાં થશે.” અનિમેષભાઈ ચા ના ઘૂંટડાની સાથે સાથે ચિંતાઓ પણ ગળે ઉતારી રહ્યા હતા.

*************************

“એણે બરાબર ગણી જોયું, જૂની 100-100 રૂપિયાની 4 નોટો વચ્ચે 500 રૂપિયા ની એક નોટ દબાયેલી હતી. પપ્પા એ કુલ 1500 રૂપિયા ચોપડા અને નોટબુક્સ લેવા આપ્યા હતા, હિસાબ મુજબ 1100 રૂપિયા થયા હતા અને દુકાનદારે 400 રૂપિયા પાછાં આપતી વખતે 500 રૂપિયાની એક વધારાની નોટ આપી હતી, દુકાન થી એ ઘણો દૂર આવી ગયો હતો. મનમાં ખુશીની એક લહેરખી દોડાદોડ કરી રહી હતી.

આ વધારા ના 500 રૂપિયાથી પોતે શું શું કરશે એની બધા જ વિચારો મનમાં એક પછી એક રમી રહ્યા હતાં.

રમતગમત ના સાધનો ની આખીય દુકાન ફરી વળ્યો, એક મસ્ત મજાનું બેટ જોઈ લીધું, શેરી ક્રિકેટમાં પોતાનો વટ પડી જશે એવું વિચારીને બેટને ખરીદવા માટે 500 રૂપિયાની નોટ આગળ ધરી કે ત્યાં પાસે રહેલાં એક કેરમ પર નજર પડી, ને રજા ના દિવસે બધાં મિત્રો સાથે કેરમ રમતાં હોય એવું ચિત્ર રચાઈ ગયું ને બેટ ને એકબાજુ મૂકી કેરમ લીધું, પણ જેવી 500 રૂપિયાની નોટ દુકાનદાર ને આપવા બહાર કાઢી કે આઇસક્રીમ પાર્ટીનો વિચાર આવી ગયો, બધાં મિત્રો ને આજે આઇસક્રીમ પાર્ટી આપી દઉં, બધાં મિત્રો એ પોતાના જન્મદિવસે આઇસક્રીમ પાર્ટી માટે જીદ કરી હતી પણ બધાં મિત્રોને એણે ચોકલેટ થી મનાવી લીધાં હતાં.

આજે આઇસક્રીમ પાર્ટી નો સારો મોકો હતો, ત્યાં વળી તેની નજર થિયેટર પર પડી, પોતાના જીગરી મિત્રને લઈ ને મૂવી જોવાનો પ્લાન બનાવી લીધો.

“ઘરે શું કહીશ ? કહી દઇશ કે પોતાનો મિત્ર મૂવી જોવા લઈ જાય છે. જુઠ્ઠું બોલીશ ? આટલી વાત માટે ? મમ્મી ને કહીશ તોય મમ્મી ના નહીં પાડે.” વિચારો ને હેલી માં ક્યારે સાઇકલ ચલાવતાં ચલાવતાં ઘર આવી ગયું એને ખબર જ ના રહી અને આવી ને તરત જ પોતાની સ્કૂલબેગના ખાનામાં 500 રૂપિયાની નોટ સાચવી ને મૂકી દીધી ને પપ્પા ને 100-100 રૂપિયા ની 4 નોટો નો હિસાબ આપી દીધો.

ક્યારેય 500 રૂપિયા પોકેટમની તરીકે ભેગા નહોતા થયા, ને આજે અચાનક આવેલા 500 રૂપિયાએ મન ને ગોથે ચડાવ્યું હતું. 500 રૂપિયાનું શું શું લાવવું એ જ વિચારોમાં મન આનંદિત થઈ ને વિહરી રહ્યું હતું.

રાતે પથારી માં પણ એ જ સપના, 500 રૂપિયા ની વસ્તુઓ ના. મન માં ગલગલી થઈ રહી હતી. પડખાં ફેરવી ફેરવી ને એ થાક્યો પણ ઊંઘ ના આવી, ખુશી ના લીધે ઉચાટ કે બીજો કોઈ ઉચાટ એને ખ્યાલ ના આવ્યો, છાતી ને મન માં એક ભાર લાગી રહ્યો હતો. શું કરવું એ સમજાતું નહોતું. શેનો ભાર લાગી રહ્યો છે એ પણ ખ્યાલ નહોતો આવી રહ્યો.

બીજા દિવસે જેવી સવાર પડી કે સ્કૂલે જતાં પહેલા એ બૂકસ્ટોર માં ગયો, આ વધારાની 500 રૂપિયા નોટ પાછી આપી દીધી, ત્યાં જ દુકાનદારની એ ખુશી ચહેરા પર સ્પષ્ટ ઊભરી આવી.

“દીકરા, ગઈ કાલે રાત્રે હિસાબ માં 500 રૂપિયા ઓછાં હતાં, આખી રાત દીકરા હું એ જ વિચારમાં ખોવાયેલો હતો, મારાથી ક્યારે તને 500 રૂપિયા વધારે અપાઈ ગયા એનો મને ખ્યાલ જ નહોતો, ને આજે તે આ 500 રૂપિયા પાછાં આપ્યા, મન હળવું થઈ ગયું.” દુકાનદાર સાભાર કામ માં વ્યસ્ત થઈ ગયો.

વધારા ના 500 રૂપિયા પાછાં આપી ને છાતી અને મનનો બધો ભાર ઉતરી ગયો ને મન માં ખુશી ની એક સાચી લહેરખી છવાઈ ગઈ.
*********************

“તું ચિંતા ના કર, સૌ સારાં વાનાં થશે.” અનિમેષભાઈ ચા ના ઘૂંટડાની સાથે ચિંતાઓ પણ ગળે ઉતારી રહ્યા હતા.

હજું ચા ના કપ માં ચા પૂરી થાય એ પહેલાં જ અનિમેષભાઈએ ગેલેરીમાંથી જોયું કે પોતાની નવી સોસાયટીના બિલ્ડરનો પુત્ર ઘરે આવી રહ્યો હતો ને અનિમેષભાઈએ પોતાની પત્ની ને ચા તૈયાર રાખવાનો સંકેત આપી દીધો.

“ આવો, આવો ઇવાનભાઈ, આમ સવારે સવારે!, બસ ચા તૈયાર જ છે.આપણે સાથે ચા લઈએ.” અનિમેષભાઈનો આવકાર ઇવાન ને હર્ષ આપી ગયો.

“ અરે નહિ નહિ, અનિમેષભાઈ, આપણી સોસાયટી ના બધા જ ઘરે જઈ ને આવ્યો, બસ આ તમારું જ છેલ્લું ઘર બાકી હતું, પણ તમે આટલો આગ્રહ કરો જ છો, તો ચા તમારી સાથે ચોક્કસ લઇશ.” ને શૈલેન્દ્રબેને ચા નો કપ ધરી પોતે પણ સાથે બેસી ગયાં.

ચા ના ઘૂંટડા સાથે ઇવાન એ વાતચીત નો દોર શરૂ કર્યો.

“ બસ હમણાં જ એમબીએ પૂરું થયું, ને પપ્પાએ શહેર ની બહાર ના વિસ્તાર માં જમીન લઈ રાખી હતી અને પછી બિલ્ડીંગ કન્સ્ટ્રકશન માં ઝંપલાવ્યું ત્યાર થી જ પપ્પાને મદદ કરવાનું મન થતું હતું. પપ્પા ની પ્રમાણિક્તાના લીધે કેશવ કન્સ્ટ્રકશન એક પ્રતિષ્ઠિત નામ બની ગયું, આપણી 20 ઘર ની સોસાયટી ની સ્કીમ બસ પૂરી જ થઈ હતી કે એમબીએ પૂર્ણ કરી ને પપ્પા સાથે ઓફિસમાં એમને મદદ કરવા બેસી ગયો, એમબીએ સારા માર્કસ સાથે પૂરું કરેલું એટલે હવે પપ્પા આગળ વટ પાડવાં બધા જ ઘર ને દરેક કસ્ટમરને સારી રીતે સમજાવી ને સેલ કરી દીધાં. ઘરની કિંમત તો પપ્પાએ 60 લાખ જ નક્કી કરી હતી પણ પપ્પા જોડે મે દલીલો કરી ને દરેક ઘર 65 લાખ માં વેચ્યું, વિચાર્યું હતું કે એ 20 ઘર ના વધારા ના 5 લાખ સાથે 1 કરોડ નો વધારાનો નફો કરી ને એક ફોરેન ટુર કરી આવું, પણ છેવટે મન ના માન્યું, એ 1 કરોડ ખુશી ની જગ્યા એ મન નો ભાર આપતાં હતાં, હું ક્યાય એ પૈસા ને ખર્ચી ના શક્યો. તો આજે એ 5 લાખ બધાને પાછાં આપી રહ્યો છું”

ને ઇવાન એ પોતાની સાથે રહેલી ચેકબુક માં થી 5 લાખ નો ચેક અનિમેષભાઈ અને શૈલેન્દ્રબેન ને આપી દીધો.

અનિમેષભાઈ અને શૈલેન્દ્રબેન મૂક મને અને નજરોમાં આભાર ના ભાર સાથે ઇવાન સામે તાકી રહ્યાં.

વધારા ના 500 રૂપિયા પાછાં આપી ને જે રીતે છાતી અને મનનો બધો ભાર ઉતરી ગયો હતો અને જે ખુશી અનુભવી હતી એ જ રીતે આજે 1 કરોડ પાછા આપીને ઇવાનના મનમાં ખુશીની એક સાચી લહેરખી મન ને સંતોષ આપી રહી હતી.

“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર