Kanta the Cleaner in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 23

Featured Books
Categories
Share

કાંતા ધ ક્લીનર - 23

23.

તે પોતાના ફ્લોર પર જઈ ચૂપચાપ કામ કરવા લાગી. સુનિતાને મેડમનો રૂમ હજી મળ્યો નહોતો. તે તરત જ, કામ શરૂ કરતાં પહેલાં કિચન તરફ રાઘવને મળવા ગઈ.

પોતે ઉતાવળમાં હતી અને આજે રાઘવ પણ બ્રેકફાસ્ટ સર્વ કરવાની ટ્રે ભરવામાં ખૂબ બીઝી હતો. તે કેમ ગઇ કાલથી ઠંડો હતો? કાંતા વિચારી રહી.

"રાઘવ, બહુ બીઝી છો ને કાઈં?" તે પૂછી રહી.

"અરે ચાલ્યા કરે. તારે માટે તો ગમે ત્યારે ટાઇમ કાઢું."

"અરે રાઘવ, તું ન માની શકે એવી એક વાત કહું." તે ઉત્સાહથી રાઘવને કહી રહી.

"એવું તે શું છે?" તેણે ખાસ રસ બતાવ્યા વગર પૂછ્યું.

"તું નહીં માની શકે. કાલે મારે ઘેર ખુદ મિસિસ સરિતા અગ્રવાલ આવેલાં."

કાંતાને એમ હતું કે રાઘવની આંખો આશ્ચર્યના ભાવથી પહોળી થઈ જશે.

"એ એમને એમ આવે એવાં નથી. શું કામ કઢાવવું હતું એમને?" મોં પરના ભાવ જરાય બદલ્યા વગર રાઘવે પૂછ્યું. જાણે એને બધી ખબર હોય.

"એ હું નહીં કહું. અમારી બે સહેલીઓ વચ્ચેની અંગત વાત છે."

"અંગત વાત." ચાળા પાડતો હોય તેમ રાઘવ કહી રહ્યો. "ઠીક. તો ન કહેતી. પણ હા. સાઈડમાં આવ. મારે તને જીવણ માટે કઇંક કહેવું છે." કહી તેને એક બાજુ બોલાવી. કાંતા તેની નજીક જઈ ઊભી રહી.

રાઘવે તેને એકદમ ધીમા અવાજે કહ્યું, "કાંતા, મેં સાંભળ્યું છે કે સ્યુટ 712 હમણાં ખાલી રહેશે. તાત્કાલિક મને જીવણનો વિચાર આવ્યો." કોઈ બાઉલ ભરતાં રાઘવે કહ્યું.

કાંતાને થયું કે આમ તો પોતે શું કામ આવાં ગેરકાયદે કામમાં મદદ કરવી? પછી તેની સાથે કાયમ સારાસારી રાખતા રાઘવને ખાતર પોતે એને મદદ કરવી જોઈએ એમ લાગ્યું.

"એક તો ઓફિસીયલી મારી પાસે એ રૂમ સાફ કરવાની ડ્યુટી નથી અને બીજું, આજે બધી જ રૂમ ફૂલ છે, સદભાગ્યે હમણાં એ અગ્રવાલની લાશ મળેલી એ સ્યુટ કોઈને આપવાના નથી એટલે પૂરું જોખમ લઇને પણ એ જીવણને ત્યાં એડજસ્ટ કરી રહી છું." તેણે કહ્યું.

રાઘવે અત્યારે તો આભાર માનવો જ પડે ને! તેણે કાંતાને એક ખાલી ટેબલે બેસાડી કોફી લાવી આપી.

ત્યાંથી ઊઠીને કાંતા પોતાનો બધો ક્લીનીંગ માટેનો સામાન લઈ લિફ્ટમાં સ્યુટ 712 પાસે આવી ગઈ. પોતાની કાર્ડ કી થી તે સ્યુટ ખોલી તેમાં પ્રવેશી. બહાર પ્રવેશ રોકતી પીળી પટ્ટી પડી હતી તે ડસ્ટ બીનમાં નાખી.

તેને છેલ્લા દિવસની યાદો ઘેરી વળી.


તેણે રૂમમાં નજર ફેરવી. પોલીસે તે રૂમમાં બધું ગમે તેમ ઉલેચી નાખ્યું હતું. ગાદલાં પર બેડશીટ ન હતી. પુરાવા તરીકે લઈ ગયા હશે. એક ઓશીકું ગુમ હતું. બે નાં કવર ન હતાં. ટેબલ, બેડ, સોફા બધે ફિંગરપ્રિન્ટ લેવાયેલાં તેની ડસ્ટથી છવાયેલાં હતાં. કપબોર્ડનાં બધાં જ ડ્રોઅર ખુલ્લાં હતાં.

તે વિચારી રહી, મેડમના પરફ્યુમ અને સરના શેવિંગ લોશનની મિક્સ ગંધ નથી સહન કરવી પડતી. રૂમમાં કોઈ જ ગંધ નથી, તો ફ્રેશનેસ પણ નથી.

તેણે આજ માટે ચૂપચાપ જીવણની ડફલ બેગ એક ખૂણે મૂકી દીધી. આજથી એને અહીં રાખવો સેઇફ રહેશે. બધા રૂમ ફૂલ છે. પોતે રાઘવને કહી દેશે.


તે સમય ગુમાવ્યા વગર બાથરૂમ સાફ કરવા લાગી. એક સ્ટૂલ લઈ ઉપર ચડી. અંદરનો એકઝોસ્ટ ફેન ચાલુ કરી બંધ કર્યો. હળવેથી એની ઉપરનું કવર કાઢી બાજુમાં મૂકી પોતે પહોંચતી ન હતી પણ તેણે સહેજ ઊંચી થઈ હાથ સરકાવ્યો. તે પાછળ તરફ કોઈ મેટલની ચીજનો ઠંડો સ્પર્શ અનુભવી રહી. તેણે હાથની આંગળીઓ તે પદાર્થને અડાડી પોતાની તરફ સરકાવ્યો. તે નજીક આવતાં પકડ્યો. હાથ નીચે લાવી જોયું. એ ખરબચડી સપાટી વાળી નાની પિસ્તોલ હતી! આ તો સરિતા લાવવાનું કહેતી હતી!

એણે ફટાફટ પોતાનાં હેન્ડ ગ્લોવ પહેરી એ પિસ્તોલ પકડી સાચવીને અલગ બેગમાં મૂકી દીધી.

'હવે જલ્દી કરવું પડશે. હજી બીજાં કામ છે અને આ છુપાવવાની છે.' મનમાં બોલતાં તેણે રૂમમાં સાથે લાવેલાં ફ્રેશ ઇસ્ત્રીબંધ બેડશીટ પાથર્યાં, કર્ટેઈન સરખા કર્યા. હવે તે વેકયુમ ક્લીનર ચાલુ કરી ખૂણે ખૂણો સાફ કરવા લાગી. દરેક ખૂણો સરખો સાફ કરી તે કાર્પેટના ખૂણાઓ પાસે સાફ કરી રહી. ઓચિંતો કાર્પેટ પાસે કોઈ થડ અવાજ આવ્યો. તેણે વેકયમ ક્લીનરની પાછલી બેગ ખોલી. બાવા ઝાળા અને ધૂળ વચ્ચેથી કોઈ ચમકતી વસ્તુ કાઢી. એ જોઈ જ રહી. એના હાથમાં ડાયમંડ જડિત ગોલ્ડ રીંગ હતી! આ તો સરિતાએ કહેલું તેમ અગ્રવાલે ઘા કરી ફેંકી દીધેલી!

તે ચૂપચાપ એ પણ લઈ એપ્રોન નીચે ડ્રેસમાં સંતાડી રૂમ લોક કરી બહાર નીકળી ગઈ. જલ્દીથી લિફ્ટ પકડી નીચે પોતાનાં લોકર તરફ જવા બટન દબાવ્યું. લિફ્ટ સડસડાટ નીચે જવા લાગી.

ક્રમશ: