ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 1શિર્ષક:- ભિખારીઓની વચ્ચેલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીનમસ્તે વાચકો.શ્રી સ્વામી સચ્ચિદાનંદ લિખિત પુસ્તક 'મારા અનુભવો' ખૂબ જ સુંદર અને પ્રેરણાદાયક છે. એમનાં આશ્રમ સાથે સંકળાયેલ શ્રી અશ્વિનભાઈ રાવલની મંજુરી લઈને હું એમણે જ રજૂ કરેલ તમામ ભાગો સીધા જ આપ સમક્ષ રજૂ કરું છું, જેથી આપ સૌને પણ એનો લાભ મળે. આ મંજુરી આપવા બદલ શ્રી અશ્વિનભાઈ રાવલનો હું આભાર વ્યક્ત કરું છું.મારા અનુભવો …
પ્રકરણ ૧-
સ્વામી સચ્ચિદાનંદજી
“ભિખારીઓની વચ્ચે”
તીવ્ર વૈરાગ્યની ધૂનમાં ઈ. ૧૯૫૩માં એક રાત્રે માત્ર સવા રૂપિયો
મૂઠીમાં લઈને મેં ગૃહત્યાગ કર્યો. મૂઠીમાં એટલા માટે કે સીવેલાં કપડાં પહેરેલાં નહિ, અને સવા રૂપિયો એટલા માટે કે તેની જેટલી ટિકિટ આવે તેટલે દૂર પહોંચી જઈ પછી લક્ષ્મીનો સ્પર્શ નહિ કરવાનો નિયમ લેવો હતો. જોકે ટિકિટબારી ઉપર જ એક પરિચિત ભાઈ ઊભા હોવાથી હું ટિકિટ લઈ શક્યો નહિ. કારણ કે મેં મારી જાતે જ સાધુનો વેશ ધારણ કરી લીધો હતો, અને આવા વેશમાં જો ઓળખાઈ જાઉં તો રેલવે સ્ટેશન ઉપર જ નાટક થઈ જાય.લોકો ભેગા થઈ જાય તથા ગાડી ઊપડી જાય અને લક્ષ્ય ચૂકી જવાય. મારી સામે હવે બે જ માર્ગ હતાઃ એક તો ટિકિટ લીધા વિના જ ટ્રેનમાં બેસી જવાનો અને બીજો સવારની બીજી ગાડી આવે ત્યાં સુધી ઘેર પાછા ફરવાનો.
બીજો માર્ગ શક્ય ન હતો. કારણ કે છેલ્લા છ મહિનાના પ્રબળ મનોમંથન પછી મેં ઘર છોડ્યું હતું. જે કાંઈ ચીજવસ્તુઓ હતી તે મિત્રો તથા સ્નેહીઓને ભેટ આપી દીધી હતી. પૈસા માગનારાઓને પૈસા આપી દીધા હતા તથા મારા જે દેવાદારો હતા તે બધાને કહી આવ્યો હતો કે હવે મારે પૈસા લેવાના નથી, હિસાબ ચૂકતે થઈ ગયો સમજજો. મારા વ્યવહા૨થી લોકો સમજી ગયા હતા કે આ છોકરો હવે સાધુ થઈ જશે. પણ મેં કદી કોઈને તેવી વાત કરી ન હતી તથા કોઈએ સીધી મારી સાથે તેવી ચર્ચા પણ કરી ન હતી.
છેલ્લા દિવસે મારા જમા પૈસાની વ્યવસ્થા કરતા બે પત્રો મેં લખ્યા હતા, જે પોસ્ટમાં નાખવા માટે મારી સાથે હતા. આ પત્રોમાં એક પત્ર જે સંસ્થામાં પૈસા જમા હતા તેના મૅનેજર ઉપર તથા બીજો પત્ર જેને એ પૈસા આપી દેવાના હતા તેના ઉપર હતો. મારી પાસેના રોકડા પૈસાનો મેં ઘરમા છૂટો ઘા કરી દીધો હતો. મારા ગયા પછી જેને લેવા હોય તે લઈ લે. માત્ર ટિકિટ પૂરતો સવા રૂપિયો જ હાથમાં લીધો હતો. શ્રીરામકૃષ્ણ પરમહંસના ઉપદેશોની મારા ઉપર તીવ્ર અસર હતી, જેમાં કાંચનકામિનીના ત્યાગની વાતો સર્વપ્રધાન હતી.
તીવ્ર વૈરાગ્યનો અનુભવ જેને ન થયો હોય તેને આ વાત નહિ સમજાય પણ વ્યક્તિને જ્યારે તીવ્ર વૈરાગ્ય પ્રગટે છે ત્યારે સંસારનું આ સર્વાધિક આકર્ષણ (કાંચન અને કામિની) અત્યંત ત્યાજ્ય લાગે છે. ઘરનાં બારણાં ઉઘાડાં મૂકીને અંધારી રાત્રે (ત્યારે વીજળી નહોતી આવી) હું એકલો ચુપચાપ થેલામાં ચાર કપડાં લઈને સાધુનો વેશ ધારણ કરીને નીકળી પડ્યો હતો.
મારા આનંદની કોઈ સીમા ન હતી. છેલ્લા છ મહિનાથી હું જે ઘડીની પ્રતીક્ષા કરતો હતો તે જ ઘડી આવી ગઈ હતી. આ નિશ્ચિત દિવસની તાલાવેલીમાં છેલ્લા તેર દિવસથી હું પૂરું જમી શકતો ન હતો. ચિંતા તથા ભયમાં જેમ માણસનો ખોરાક ઘટી જાય તેમ હર્ષની તાલાવેલીમાં પણ ખોરાક ઘટી જતો હોય છે.
મને દિવસમાં ચાર વાર ખાવાની ટેવ હતી. એકવીસ વર્ષની ઉંમરે ભૂખ તો લાગે જ ને! ખરું પૂછો તો સાધુ થવામાં ખરી અડચણ આ ચાર વાર ખાવાની ટેવ હતી. મને થયા કરતું કે પછી મને ચાર વાર કોણ જમાડશે? બીજી કોઈ વસ્તુ પ્રત્યે કામના નહોતી રહી, પણ જમ્યા વિના તે ચાલતું હશે? જૈન સાધુને આવો વિચાર નથી કરવાનો હોતો, કારણ કે તેમની સુઘડ વ્યવસ્થા તેમના સુઘડ સમાજે કરી છે, પણ હિન્દુ સાધુઓ માટે ક્યાં કશી વ્યવસ્થા છે! એક તરફ ધાર્મિક સમાજ જવાબદારી વિનાનો છે તો બીજી તરફ સાધુઓ પોતે પણ ક્યાં વ્યવસ્થિત છે? તેમનામાં અસંખ્ય ભેદો તથા આચારપાલનની અત્યંત શિથિલતા. બધા જ પ્રકારના માણસો આમાં ભળ્યા છે એટલે જૈન સમાજ જેવી વ્યવસ્થા શક્ય નથી રહી. ત્રીજું, હિન્દુ પ્રજાનો સંઘ જ ક્યાં છે ? બધું જ વેરવિખેર. અસંખ્ય શાસ્ત્રો, અસંખ્ય દેવો અને અસંખ્ય ગુરુઓથી આક્રાન્ત પ્રજા અવ્યવસ્થા ના મેળવે તો બીજું શું મેળવે?
ચાર વાર ખાવાની ટેવે મને વારંવાર ઢીલો પાડ્યો હતો. પણ આવી પ્રત્યેક ઢીલાશને કાઢી ફેંકે તેનું નામ તો વૈરાગ્ય કહેવાય. ભોજનચિંતા અને વૈરાગ્ય વચ્ચે છ મહિના સુધી સંઘર્ષ ચાલતો રહ્યો. ભોજનર્ચિતા ડહાપણ આપતી: ના..... નથી થવું સાધુ.. કઈ માસી ચાર વાર જમાડશે?”
પણ દિનપ્રતિદિન વૈરાગ્યનું જોર વધતું ગયું. છેવટે વૈરાગ્ય જીત્યો અને તેણે દૃઢ નિશ્ચય કરાવ્યો કે ભૂખે મરી જઈશ પણ હવે તો સાધુ થવું જ છે.' કોઈ પાકી ધૂન વિના સાહસ નથી કરી શકતું, અને ધૂની માણસને લોકો ડાહ્યો નથી માનતા. જોકે આવા ધૂની માણસો જ કોઈ વાર મહાન કાર્ય કરી શકતા હોય છે. બહુ ફૂંકીફૂંકીને પગલાં ભરનારા બહુ બહુ તો સારી રીતે ઘરબાર-પેઢીઓ
સાચવનારા થતા હોય છે. ઇતિહાસ રચનારા નહિ.
સાધુસમાજ કે સાધુજીવનનો મને કશો જ અનુભવ ન હતો. તે એટલે સુધી કે દીક્ષા લીધા વિના સાધુનો વેશ ધારણ ના કરાય તેટલું જ્ઞાન પણ ન હતું. કેટલા સંપ્રદાયો છે તથા મારે કયા સંપ્રદાયમાં દીક્ષા લેવી છે તેનું પણ ભાન ન હતું. માત્ર તીવ્ર વૈરાગ્યની ધૂન હતી. આ ધૂને મને ગજબની શક્તિ આપી. લક્ષ્મીનો સ્પર્શ કર્યા વિના પોણા ભાગના ભારતમાં હું ત્રણ વર્ષ સુધી ગુરુની શોધમાં રખડતો રહ્યો, તે આ ધૂનને જ આભારી હતું. મેં ઘર છોડી દીધું હતું અને હવે પાછા ફરવાનું શક્ય ન હતું. પાછા ફરવું એ એક પ્રકારની કાયરતા કે અનિશ્ચિતતા જ હતી. પણ ત્યારે કરવું શું? પેલા ભાઈ તો ટિકિટબારીએથી ખસતા જ નથી. ગાડી તો આવી અને આ સુસવાટા કાઢતી ઊભી, હમણાં ઊપડશે અને હું ત્રિશંકુની માફક બન્ને તરફથી રહી જઈશ.
અંતે મેં ટિકિટ વિના જ બેસી જવાનો નિર્ણય કર્યો. આદર્શો પરિસ્થિતિ સાથે બાંધછોડ કરી લેતા હોય છે. જે આવી બાંધછોડ નથી કરતા તે કાં તો દેવ થઈને પૂજાય છે, કાં તો વેદિયા થઈને હાંસીને પાત્ર બને છે.
પ્રવેશદ્વારથી નહિ, થોડે દૂર વાડના વાયરો, જેને પહેલેથી જ જરૂરિયાતવાળા માણસો મુખ્યતઃ રેલવેના જ માણસો)એ ઊંચાનીચા કરી નાખેલા, તેમાં થઈને હું ધડકતા હૈયે એન્જિન પાસેના પ્રથમ ડબ્બામાં ચડ્યો. મને બે ભય હતાઃ એક તો હું ટિકિટ વિનાનો હતો અને બીજો, કદાચ આ ડબ્બામાં કોઈ ઓળખીતો માણસ બેઠો હોય તો?
જેવો હું ડબ્બામાં ચડ્યો કે એક ભિખારીએ કોઈ સંત સમજીને મને હાથ જોડીને કહ્યું, “બાપજી, નમોનારાયણ!” હું ચમક્યો અને સ્વસ્થ થયો. મને પોતાને જ ભાન નહોતું કે હવે હું સંત થયો છું. (સંત જેવો દેખાઉં છું.) હું હસ્યો. મારા પોતાના જ ઉપર, અને મુઠ્ઠીમાં પકડેલો સવા રૂપિયો પેલા ભિખારીને આપી દીધો. તેને તો આનંદ થયો જ તેના કરતાં મને વધુ આનંદ થયો. 'હાશ..છૂટા કાંચનથી ' હવે મારી પાસે ચાર વસ્ત્રો વાપરવાનું, એકાદ ઓઢવાનું, ગીતા વગેરે બેચાર પુસ્તકો અને એક મોટો લોટો, આ સિવાય કાંઈ ન હતું. હું અકિંચન થઈ ગયો. પોતાની ઇચ્છાથી અકિંચન થયો હતો. કોઈના દબાણથી કે લોભ-લાલચથી નહિ. એટલે અકિંચનપણાનો આનંદ રોમેરોમ ઊભરાઈ રહ્યો હતો.
પાછળની પાટલી પર બેસવાની જગ્યા હતી. લોકોએ મને માનપૂર્વક વધુ જગ્યા કરી આપી. મેં ધીરે રહીને જોઈ લીધું. કોઈ ઓળખીતું માણસ નથી એવો નિશ્ચય થતાં શાન્તિ થઈ. પણ લોકો મને ધારી ધારીને જોવા કરતાં હતાં. કદાચ તેનું કારણ મારી નાની ઉંમર, થોડું દેખાવડું શરીર, બધાં જ નવાં વસ્ત્રો, નવો થેલો,નવો લોટો અને તરતનું જ મુંડાવેલું માથું: આ બધું લોકોના કુતૂહલ માટે કારણ થઈ શકે તેમ હતું. પણ કોઈ કાંઈ બોલ્યું નહિ.
સુરત આવ્યું અને સાડાબાર વાગી ચૂક્યા હતા. મારે અહીં જ ઊતરવાનું હતું તથા ટાપ્ટીવેલી રેલવે લાઇને પગપાળા ચાલીને ઠેઠ પ્રયાગરાજના કુંભમાં પહોંચવાનું હતું. હું ઊતરી પડ્યો અને દ્વાર ઉપર ટિકિટ માગશે તો? એવા ભય સાથે આગળ વધ્યો. મારા આશ્ચર્ય વચ્ચે ટિકિટ લેનાર અધિકારીએ ટિકિટ માગવાની જગ્યાએ મને પ્રણામ કરી થોડા ખસી જઈને જગ્યા કરી આપી. આ દેશમાં આજે પણ સાધુસંતો પ્રત્યે કેટલો ભાવ છે! આટલી ઘોર અવસ્થામાં પણ આવો ભાવ ટકી રહ્યો છે.
પ્રતીક્ષાલયમાં આવ્યો. હવે બાકીની રાત્રી સૂવું ક્યાં? કોઈ સ્થાયી માણસને પૂછ્યું, “ભાઈ અહીં નજીકમાં કોઈ ધર્મશાળા છે?” તેણે લાંબો હાથ કરીને થોડે દૂર એક ધર્મશાળા બતાવી. માણસ પાસે બે પૈસા થાય અને સાથે સાથે સદબુદ્ધિ પણ વધે તો એ પૈસામાંથી કાંઈક સારાં કામ કરતા જવાની ઇચ્છા થાય. કોઈ સંત-સાધુ કે માતા-પિતાની પ્રેરણાથી તે ધર્મશાળા બંધાવે અસંખ્ય માણસો તેની ધર્મશાળાનો આશરો લે અને સુખી થાય. હા, તેમાં ખોટો માણસો પણ આવે અને ખોટો ઉપયોગ પણ થાય. પણ તેથી શું? વ્યવસ્થાની ખામીથી આવું બને અથવા ઉત્તમ વ્યવસ્થા હોય તોપણ કેટલાક અંશમાં આવું થવા જ કરવાનું, દુરુપયોગના બે ટકા આગળ કરીને જે લોકો પ્રત્યેક કાર્યને કમખોડે છે, તે કદી સારાં કામો નથી કરી શકતા. અગ્નિમાં ધુમાડો હોય તેમ પ્રત્યેક સત્કર્મમાં પણ કંઈક દોષ તો રહેવાનો જ. કામો કરવાં હોય તેણે બે-પાંચ ટકાવાળી ઉધાર બાજુ જોયા કરવાની નહિ, પંચાણું ટકાવાળી જમા બાજુ જોવાની.
હું પેલી ધર્મશાળાએ પહોંચ્યો. એ ધર્મશાળા હતી? એ તો એક લાંબું ભંગાર અને ગંધાતું પડાળિયું હતું. બારણાં વિનાનું, વ્યવસ્થાપક વિનાનું, આખા શહેરના ભિખારીઓના આશ્રયસ્થાન સમું એ નરકાગાર હતું. આપણાં શહેરો (તેમાં પણ જૂનું સુરત) આમેય ગંધાતાં હોય છે, તેમાં પણ આવાં ભિક્ષુકગૃહોની તો વાત જ શી કરવી ?
એક વાર તો પાછા વળી જવાની ઇચ્છા થઈ, પણ પાછા વળીને અત્યારે રાતના એક વાગ્યે ક્યાં જવું? ક્ષણભર નાક દબાવી દીધેલું તે છોડી દીધું અને હસીને આ પડાળિયાને રાજમહેલ માની લેવા સમજણને સાથ દેવા નિમંત્રણ આપ્યું, ખરેખર સમજણ આવી પહોંચી અને ક્ષળવારમાં સ્વસ્થતા પ્રાપ્ત થઈ. વીર સાવરકરને કાળાપાણીની કેદમાં લઈ જતી વખતે સ્ટીમરના સંડાસ પાસે જકડી બાંધી રાખ્યા હતા. છેક આંદામાન સુધી તે ભયંકર દુર્ગંધ સહતા રહ્યા.
ભિખારીઓની વચ્ચે સુવાય એટલી જગ્યા ખાલી હતી. ત્યાં થોડી સ્વચ્છતા કરી મેં લંબાવ્યું. માંકડ-મચ્છર, ચાંચડ, દુર્ગંધની સાથે ભિક્ષુકોની ટાઢે ઠરવાની બૂમો, વ્યર્થની ગાળો, બીડીઓના ધુમાડા આ સાથે ગૃહત્યાગની પ્રથમ રાત્રી વિતાવવા હું શેતરંજી પાથરીને સૂતો હતો. સારું થયું કે રાત હતી અને મારા આવવાની નોંધ લેવા રડયાખડ્યા ભિક્ષુકો સિવાય કોઈ જાગતું ન હતું. દૂર માર્ગ પરની નગરપાલિકાની બત્તીનું અજવાળું આ પડાળિયાને થોડું અજવાળું પૂરું પાડતું હતું, એટલે મારા તરફ ખાસ કોઈનું ધ્યાન પણ ના ગયું અને આમેય અહીં કોણ કોની પ્રતીક્ષા કરતું આંખો બિછાવીને રાતના એક વાગ્યે ટગર-ટગર જોયા કરતું હોય!
હું સૂતો તો ખરો પણ તરત જ અનુભવ થયો કે ઓઢવાનું ઘણું ઓછું છે. ટાઢ વાઈ રહી છે, પણ હવે શું થાય? ઘેરથી થોડું વધારે લીધું હોત તો? એક વિચાર આવ્યો અને હસી પડ્યો. મનોમન બોલ્યોઃ “ઘર જ ના છોડવું હોત તો ?" કવિ પ્રીતમની પંક્તિઓ યાદ આવીઃ
હરિનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને,
પરથમ પહેલું મસ્તક મૂકી વરતી લેવું નામ જો ને.
મેં આંખો મીંચી ઊંઘવા પ્રયત્ન કર્યો, પણ ઊંઘ ન આવી, એટલું જ નહિ, તેર દિવસની ભેગી થયેલી ભૂખે એકીસાથે આક્રમણ કર્યું. જેની તાલાવેલી હતી તે પ્રાપ્ત થઈ ગયું હતું.એટલે હવે પેટ પણ કકળાટ કરવા માંડયું પણ હવે જમવાનું ક્યાં હતું? જમવાનું હતું ત્યારે જમાતું ન હતું અને હવે જ્યારે પાસે પૈસોય નથી રહેવા દીધો ત્યારે પેટ કકળાટ કરી રહ્યું છે! માંકડ-ચાંચડ-મચ્છર પણ કદાચ નવી વાનગી સમજીને એકીસાથે મારા ઉપર તૂટી પડ્યાં. ટાઢ કહે કે મારું કામ. ટાવરના ટકોરા ગણતાં ગણતાં અને શરીરને વલૂરતાં વલૂરતાં મેં ચાર વગાડી દીધા. શારીરિક દુઃખનાં તો બધાં જ
કારણો ઊભાં થયાં હતાં, તોપણ મનમાં ગૃહત્યાગના હર્ષના હિલોળા લેવાઈ રહ્યા હતા. હજી આ તો પ્રથમ દિવસ છે. આગળ શું થશે તેની કલ્પના જ કરવાની હતી. પણ હવે મને ભય કે ચિંતા ન હતાં. પરમાત્મા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા તથા અંતે મરી જવાની તૈયારી મારા અંતરને આહ્લાદ આપી રહ્યાં હતાં.
ચાર વાગ્યે હું ઊઠી ગયો. ભિક્ષુકોમાં કેટલાક આખી રાત જાગતા રહ્યા હતા, કારણ કે તેમની પાસે ઓઢવાનું જ નહોતું. કેટલાક વિક્ષિપ્ત મસ્તિષ્કવાળા હતા, કેટલાક મુસીબતના માર્યા અહીં ધકેલાઈ ગયા હતા. સૌ-સૌનો જુદો ઇતિહાસ હતો. દુનિયાને આમની ક્યાં પડી છે? કોઈ સખી-દાતાર કાણાવાળો પૈસો ફેંકીને તેમની બેડોળ અને ગંધાતી આકૃતિથી મુક્ત થઈ જતો. કોઈ અન્નપૂર્ણાની આવૃત્તિસમી નારી વધ્યું-ઘટ્યું, એઠું-જૂઠ્ઠુ આના ઠીકરામાં ફેંકીને ધન્ય થઈ જતી. સૌની ઘૃણા, સૌનો ફિટકાર અને સૌના અણગમા વચ્ચે પણ આ જીવી રહ્યા હતા. સારું થજો આ બારણા વિનાની તથા મૅનેજર વિનાની ધર્મશાળા બંધાવનારનું, જેણે આ અભિશપ્તોને રાત કાઢવા જગ્યા આપી.જો આ ધર્મશાળાને બારણાં હોત અને મૅનેજર હોત તો અહીં ચમચમતી બૅગોવાળા શ્રીમંતો જ ઊતર્યાં હોત. વાંકી કમ્મરવાળો અને બક્ષિસની મોટ આશાવાળો મૅનેજર તેમની ચારે તરફ જીહજૂરી કરતો હોત. સાચા અર્થમાં એ ધર્મશાળા ધર્મશાળા ન રહેતાં શ્રીમંતોને ઊતરવાની લૉજ થઈ ગઈ હોત. ધર્મશાળાવાળાનો મનોમન ખૂબ આભાર માનીને ભિક્ષુકો પ્રત્યેનું લાગણી-ધન લઈને હું સ્નાન કરવા સ્ટેશને પહોંચી ગયો.
આજે પણ ભિક્ષુકોનો બહુ મોટો પ્રશ્ન આપણી સામે છે. લાખ્ખોની સંખ્યામાં આ લોકો ભારતના ખૂણેખૂણે ફરી વળ્યા છે. તીર્થો, મંદિરો, પવિત્ર નદીઓ વગેરે સ્થળોએ તેમની ભીડ અવ્યવસ્થા, ગંદકી, જુગુપ્સા તથા રોગચાળો વધારવાનું કામ કરે છે. આમાં કેટલાંક અનિષ્ટો પણ પેસી ગયાં છે, કેટલાંક સશક્ત માણસો પણ આ માર્ગે જીવી રહ્યાં છે. સીનાજોરી અને દાદાગીરી કરનારા પણ આમાં છે. તોપણ મારા મનમાં આ લોકો પ્રત્યે આજે પણ લાગણી છે. હું વિચારું છું એમને જીવનમાં શું મળ્યું છે? એમની પાસે ઘર નથી, નોકરીધંધો નથી, બેંક-બૅલેન્સ નથી, કશું જ નથી. શરીરની કે પછી સ્વભાવની લાચારીએ તેમને ભિખારી બનાવી દીધા છે. એક ટુકડો રોટીની એ અપેક્ષા રાખે છે, મોટા ભાગે આ ટુકડો શ્રીમંતોને ત્યાંથી નહિ, ગરીબોને ત્યાંથી તેને મળતો હોય છે. ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય તેમની પાસે શું છે? તે કાંઈ દેવો નથી કે આપણે તેમની પાસે ઉત્તમ સ્વભાવ કે જીવનની અપેક્ષા રાખી શકીએ. તેમનામાં અનેક દોષો છે. દોષો તો આપણામાંય ક્યાં નથી? પણ દોષોનું ઢાંકણ પૈસો છે. ગમે તેવા દોષોને પણ
પૈસો ઢાંકી શકે છે. આપણે આપણા દોષોને પૈસાથી ઢાંકી શકીએ છીએ. પેલા પાસે પૈસાનું ઢાંકણ નથી એટલે તેમના નાના દોષો પણ મોટા દેખાય છે.
બાર કરોડ રૂપિયાની ગાયની ચરબી વેજિટેબલ ઘીમાં ભેળવી દેનાર પેલા શ્રીમંત શેઠ કરતાં આ ખોટ નથી. દેશનાં ગુપ્ત રહસ્યોને પરદેશીઓને વેચી મારનાર વ્યક્તિઓ કરતાં પણ આ ખોટાં નથી. લાંચ-રુશવત લઈને લાલચોળ થયેલા ઑફિસરો અને પરલોક સુધારી આપવાના ઇજારદાર, સોના-ચાંદીની ચાખડીઓવાળા કરતાં પણ આ ખોટા નથી.
અમેરિકાના એક ટી.વી. ઇન્ટરવ્યૂમાં મને ભારતના ભિક્ષુકો વિશે પૂછેલું. મેં જવાબ આપેલો: જો તમારો દેશ આજે તમામ પ્રકારની વેલ્ફેર સહાય બંધ કરી દે તો કરોડો માણસો પગ ઘસીને મરી જાય. સામાજિક સહાયતાની જવાબદારી સરકારે લીધી હોવાથી બેકારી ભથ્થું કે વૃદ્ધાવસ્થાનું ભથ્થું કે અન્ય કોઈ ભથ્થું અહીં લોકો મેળવે છે ને જીવે છે. અમારે ત્યાં આવું કોઈ ભથ્થું નથી આપતું. છતાં લોકો જીવે છે. કારણ કે ગરીબ પ્રજા પોતાના ટુકડામાંથી ટુકડો આપીને આ અભિશપ્ત હતભાગી પ્રજાને જિવાડે છે.
ભિખારીઓના પ્રશ્નને સમજવા, કદાચ લાગણી પ્રગટાવવા પરમાત્માએ મને સર્વપ્રથમ આ અનુભવ કરાવ્યો હશે.
સુરૂ હોતા હૈ ઈન્સાં ઠોકરેં ખાને કે બાદ,
રંગ લાતી હૈ હિના પત્થર પે પીસ જાને કે બાદ.
-સ્વામી સચ્ચિદાનંદજી
નોંધ:- આ ભાગ અને આવતાં તમામ ભાગોમાં મેં કશું જ લખ્યું નથી. તમામ બાબતો શ્રી અશ્વિનભાઈ પાસેથી લેવામાં આવી છે. 🙏
સ્નેહલ જાની