the word sketch of a dying widow in Gujarati Fiction Stories by Sarika Sangani books and stories PDF | એક સતીની આત્મકથા

Featured Books
Categories
Share

એક સતીની આત્મકથા

હે ભગવાન! આ મારી સાથે શું થઈ ગયું! , હે નાથ તમે કેમ મને એકલી મૂકીને આમ ચાલ્યા ગયા. હું તમારા વગર એક પળ ના રહી શકું. હું તમને એકલા નહિ જવા દઉં. હે ગિરધર ગોપાલ આ મુઈ અભાગણ ને તારી પાસે બોલાવી લે. "
ચોતરફ અભણ, અબૂધ કમલી નો આક્રંદ છવાયેલો હતો. લગ્ન થયે હજુ માંડ આઠેક મહિના થયા હશે ને ત્યાં તો આ ભયંકર વિપદા તેની માથે આવી પડી. તેનાથી બમણી ઉંમરનો તેનો પતિ જરા અમથી માંદગી માં હામ છોડી રામ થઈ ગયો.અને કમલી બચાળી આ વિકરાળ દુનિયામાં એકલી રહી ગઈ.
કમલી ના સાસુ ,સસરા, નણંદ, માં, ભોજાઈ બધા તેણીને સાંત્વના દેતા હતા. ધીરે ધીરે ગ્રામજનો ભેગા થવા લાગ્યા. સ્ત્રીઓ ટોળે વળી કલ્પાત કરતી કમલી ને જોઈ તેના નસીબ ને દોષ દેતી કહેતી હતી, " હજુ તો પૂરું જીવન પડ્યુ છે. આખું આયખું ધણી વગર કમલી કેમ કાઢશે? " પુરુષો કમલી અને તેના વૃદ્ધ સાસુ સસરા ની ચિંતા કરતા હતા. કમલી વારંવાર કહે જતી હતી, " હું તમને એકલા નહિ જવા દઉ . હું તમારી સાથેજ આવીશ મને એકલી મૂકી ના જાઓ.જ્યાં તમે રહેશો ત્યાંજ હું રહીશ.
કમલી મૃત પતિના શરીરને વળગી વિલાપ કરતી હતી ને કેમે કરી શાંત નહોતી થતી. કોઈને મૃતદેહ અડકવા નહોતી દેતી. જાણે જીદે ભરાઈ હોય તેમ કહે જતી હતી, "હું તમારી સાથેજ આવીશ" રોતી, બિલખતી કમલી ને કોકે પૂછ્યું, બાઈ આટલી ના રડે, તારે એની હારે જવું છે ને, તો તારે સતી થવું છે? " રોકકળ કરતી કમલી બોલી ઉઠી , હા.......મારે સતી થઈ જવું છે, મારે એમની વગર નથી રહેવું એ નથી , મારે હવે જીવીને શું કરવું છે. કમલી ના આમ કહેતાજ બધાના કાન સરવા થઈ ગયા.પળભરમાં વાત ફેલાઈ ગઈ, કમલી સતી થાય છે.
"હેં...? શું કહો છો કમલી ખરેખર સતી થાય છે? હા, તેણે ખુદ કહ્યુ છે. ખરી હો બાઈ બઉ હિંમતવાળી છે , ખરો પ્રેમ આને કહેવાય." ગામમાં આવી ચર્ચાઓ થવા લાગી. ગામના મુખી એ ગામમાં ઢંઢેરો પીટાવ્યો, " સાંભળો ,સાંભળો, સાંભળો, ગામના કરસન ખેડૂત ના દીકરા, જમનાદાસ નું દુઃખદ અવસાન થયું છે તે કાલે સવારે તેની અંતિમયાત્રા નીકળશે, ગોલોકવસી જમનાદાસ ની ઘરવાળી કમલી એ તેની સાથે અગ્નિ ના ખોળે જઈ સતી થવાનો નિર્ણય કર્યો છે. તો સહુ અંતિમયાત્રા માં અવશ્ય આવજો અને પવિત્ર સતી દર્શન કરી આ જન્મ ધન્ય કરજો."
ધીરે ધીરે રાત ઘેરી વળી ગ્રામ જનો વિખૂટા પડવા લાગ્યા , સવારે વહેલાસર જમનાદાસ ની અંતિમક્રિયા નો સમય નક્કી થયો. સહુ કરસન ખેડૂત ને સાંત્વના આપી સવારે આવશે એમ કહી જતાં રહ્યા. થોડાક નજીકના લોકો ડેરા ની કુંપણ બહાર બેઠા રહ્યા. ઘરની સ્ત્રીઓ છોડી બાકી સ્ત્રીઓ પણ જતી રહી . હવે કમલી પણ થોડી શાંત પડી હતી. ત્યાં તેની માં એ તેને પાણી પીવડાવ્યું. થોડીક વાર અંદર ઓરડા માં આવી બેસવા કહ્યુ. કમલી ની આંખો રડી રડી ને સૂઝી ગઈ હતી. અશ્રુ સુકાઈ ગયા હતા પણ સતત હીબકા ભરતી હતી. રહી રહી ને પતિ યાદ આવે ને ડુંસ્કો ભરાઈ જાય. કદાચ તે આવતી સવાર ની ભયાનકતા થી અજાણ હતી. એક અઘટિત નો સામનો કરવા જતાં તે બીજા અઘટિત ને નિમંત્રણ આપી બેઠી હતી. ઉલમાંથી ચૂલમાં પડી ગઈ હતી.
પરોઢ થઈ, અંતિમ ક્રિયાવિધિ થવા લાગી અને રોકકળ ફરી શુરૂ થઈ ગઈ. અને આ શું? બહાર ઢોલ, વાજા વગાડવામાં આવી રહ્યા હતા. ગામની બે ચાર પ્રૌઢ સ્ત્રીઓ આવી કમલી ને તૈયાર કરવા લાગી , માણસ ઉભરાવા લાગ્યું. ઘરના ચાર સભ્યોએ કાંધ આપી જમનાદાસ ની નનામી ઉપાડી, ને કમલી ને હાર તોરા પહેરાવવામાં આવ્યા.
"રામ બોલો ભાઈ રામ" ના ઉદઘોષ સાથે સેંકડો માણસો આ અંતિમ યાત્રા માં જોડાયા. હવે કમલી ને થોડું ભાન થવા લાગ્યું, મૃત્યુ હવે તેની નજીક છે તેનો એહસાસ થવા માંડ્યો. કમલી ની પેટમાં ફાળ પડી તે પોતાનું મૃત્યુ નોતી ઈચ્છતી, કોઈ પોતાનું મૃત્યુ નથી ચાહતું. મૃત્યુ ફક્ત બોલવા ખાતરજ સહજતા થી બોલાય છે બાકી જ્યારે મૃત્યુ સામે છાતી કાઢી ઉભુ હોય ત્યારે તેને સહજતા થી આવકારવું કોઈ સામાન્ય માણસ માટે શક્ય નથી. કમલી હૈયાફાટ રડવા લાગી , વિનંતી કરવા લાગી, પગ પછાડવા લાગી, "મારે સતી નથી થવું" તેવું બબડવા લાગી પણ ઢોલ, તાશા ના આવાજ માં તેનો વિલાપ કોઈએ સાંભળ્યો નહિ. તેના આ આક્રંદને સહુ તેના પતિ_ પ્રેમની પરાકાષ્ઠા સમઝી તેનો જયઘોષ કરવા લાગ્યા.
જોતજોતામાં સ્મશાન આવી ગયું પણ ઢોલ, નગાડા બંધ ના થયા ઉલટાનું "સતી કમલી ની જય હો " ના ઉદઘોષ થવા લાગ્યો. જમનાદાસ ને વિધિ કરી અગ્નિ દેવામાં આવ્યો. ને તે સાથેજ ચાર જણા એ ભેગા થઈ પ્રચંડ આવાજ વચ્ચે પગ પછાડતી કમલી ને ઊંચકી ને ભડભડતી ચિતામાં બેસાડી દીધી. ઝટ તેની પર લાકડા ગોઠવી દેવામાં આવ્યા ફક્ત તેનો ઉપરી દેહ જોઈ શકાતો હતો . ઉપરથી સહુ ભક્તિ ભાવ થી ઘી હોમી રહ્યા હતા. કમલી ની ચિસુ ઢોલ ના અવાજ માં ભળી ગઈ ,તે અગ્નિ જ્વાળામાં માં ઝુલસતી રહી. તેને ભયંકર બળતરા થતી હતી.પણ લાકડાથી તે એવી ઘેરાયેલી હતી કે તેને હડસેલી બહાર પણ ના નીકળી શકી. તેના ઘડીભરમાં તો તેનો આવાજ સાવ ક્ષીણ થઈ ગયો. બે ચાર આગની લપટો એવી ઉપર ઉઠી કે જીવતું જાગતું માણસ સહુના દેખતા તેમાં હોમાઈ ગયું., બળીને રાખ થઈ ગયું . પળભરમાં જીવ નીકળી ગયો , કમલી ના રુદન નો અંત આવ્યો. ઢોલ હજુ વગડતા હતા......,ચોતરફ હવે "સતી કમલી ની જય હો " નો નાદ ગુંજી રહ્યો હતો.