"તું જો આમ જ મારા પર પડવાની હોય તો હું રોજ તને ચીડવવા તૈયાર છું." વિકી બોલ્યો.
"શું કહ્યું?"
"એટલે એમ કે તારું વજન હેપ્પીની સાથે રહીને વધતું જાય છે એમ." વિકીએ વાત ફેરવી લીધી એને તેના ખરાબ નસીબ કહો કે આ વાત હેપ્પી સાંભળી ગઈ.
"તને બઉ પ્રોબ્લેમ છે ને મારા વજનથી? લાવ, આજ તો તને બતાવી જ દઉં કે મારું વજન કેટલું છે." આમ કહી તેણે રેનાને ખેંચી અને ઊભી કરી અને પોતે વિકી પર બેસી જવા તૈયાર થઈ ગઈ.
આ જોઈ વિકીએ હાથ જોડયા, "અરે મારી મા, હું તો ફક્ત મજાક કરતો હતો." રેનાએ પણ હેપ્પીને પકડીને આંખોથી જ સમજાવી.
હેપ્પીએ વિકીને ઉભો થવા માટે હાથ આપ્યો. વિકી હેપ્પીનો હાથ પકડી ઉભો થયો પણ હેપ્પીએ વિકીનો હાથ ન છોડ્યો. ઊલટાનો જોરથી તેનો પંજો દબાવ્યો કે વિકીની રાડ ફાટી ગઇ.
"આ....આ.....હેપ્પી શું કરે છે યાર? કીધુ તો ખરા કે હું મજાક કરતો હતો."
"ઓહ, હું તો જરાક ચેક કરતી હતી કે તું કેટલો સ્ટ્રોંગ છે એમ. પણ તું તો....સાચું કુપોષિત નીકળ્યો." આમ કહી હેપ્પીએ હસતાં હસતાં જ વિકીનો હાથ છોડી દીધો અને વિકી પોતાના હાથનો પંજો પંપાળતો હેપ્પીને ઘૂરી રહ્યો.
વિકીને એમ જ ઘુરતો છોડીને હેપ્પી બોલી, "ચાલ રેના, થોડાંક હળવા થઈ આવીએ." આમ કહી તે રેનાને ખેંચીને જ ત્યાંથી લઈ ગઈ.
વિકી મનોમન જ બોલ્યો, "તું તો એટલી ભારે છે કે હળવી નહિ થતી હોય...ત્યાં પણ ભારે જ થતી હશે."
સૌ ફ્રેશ થઈને તૈયાર થઈ ગયાં. ચા નાસ્તો આગળ એક હોટેલ પર કરવાનું નક્કી કર્યું હતું એટલે સૌ બસમાં ગોઠવાયા. અત્યારે સૌ બસમાં બેઠાં બેઠાં લીલી વનરાજીનો આનંદ લઇ રહ્યાં હતાં.
લગભગ એક કલાકની મુસાફરી પછી નક્કી કરેલી હોટેલ આવી ગઈ. આમ તો એ હોટેલ ન હતી, ઢાબા જેવું જ હતું. બહાર બધાને બેસવા માટે ખાટલા પણ હતાં અને ખુરશી અને ટેબલ પણ હતાં. અહી પહેલેથી જ ચા અને ગાંઠિયાનો ઓર્ડર આપેલો હતો એટલે સૌ પોતપોતાના ગ્રુપમાં ખાટલા અને ખુરશી પર ગોઠવાઈ ગયાં.
મિશા , પરમ , રેના, વિકી અને હેપ્પી ખુરશી લઈ બેઠાં. હેપ્પીએ થોડા અણગમા સાથે કહ્યું, "મારે ખાટલા પર બેસવું હતું પણ તમે બધા અહી બેસી ગયા. આવું થોડું ચાલે કઈ."
પરમ બોલ્યો, "બિચારા ખાટલાની તો દયા ખા હેપ્પી."
"પરમ, ખાવા માટે આટલી બધી વસ્તુ છે તો માટે દયા શું કામ ખાવી હે? એનાથી તો મારું પેટ પણ ન ભરાય." આમ કહી હેપ્પી ફરી પોતાનું શરીર ડોલાવી હસી.
નાસ્તો આવી ગયો. હેપ્પી તો ક્યારની ભૂખી થઈ હતી એટલે તેણે તો ચાની પણ રાહ ન જોઇ. ટૂટી પડો નાસ્તા પર બસ.
વિકીએ નાસ્તો લાવનાર વેઇટરને કહ્યું, "ભાઈ, બીજી ચાર પ્લેટ મૂકી જજે." વેઇટરે પેલેથી જ પાંચ પ્લેટ મૂકી હતી એટલે તેણે પ્રશ્ન સૂચક નજરે વિકી તરફ જોયું.
વિકીએ સીધી જ ચોખવટ કરી દીધી, "આ બેનને જ ચાર પ્લેટ એક્સ્ટ્રા જોશે."
હેપ્પીએ તો જાણે વિકીની આ ટીખળ અવગણી જ દીધી હોય એમ નાસ્તામાં જ ધ્યાન પરોવ્યું.
સૌએ ગાંઠિયા, મરચાં, કઢી અને ચાની લિજ્જત ઉઠાવી. રેનાને તો ગાંઠિયા ખૂબ જ પ્રિય હતાં. ભાવનગરમાં રહીને ગાંઠિયા ન ભાવતા હોય એવું તો જવલ્લે જ બને કેમકે ભાવનગર તો ગાંઠિયા નગરી કહેવાય છે. રેના ગાંઠિયાની સાથે મરચાં ખાઈ રહી હતી. અચાનક જ એક મરચું ખૂબ જ તીખું ખવાઈ ગયું. રેના સીસકારા બોલવા લાગી. ટેબલ પર પાણી ન હતું. આ જોઈ વિકી ફટાફટ દોડ્યો અને પાણીની બોટલ લઈ આવ્યો અને તરત જ રેનાને આપી. રેનાએ પણ ફટાફટ બોટલ મોઢે માંડી. તેની આંખમાં પાણી આવી ગયાં હતાં એટલું તીખું લાગ્યું એને.
"મરચાં તીખા છે તોય તને જીભનો ચટાકો છૂટતો નથી. આટલું તીખું કોઈ ખાય ખરું?" વિકી તો ખિજાઈ જ ગયો. રેના તો તેને જોઈ જ રહી. આજ સુધી મમ્મી પપ્પા અને પરમ સિવાય કોઈ આવી રીતે તેને ખીજાયું ન હતું. રેના જ નહિ , પરમ , મિશા અને હેપ્પી પણ વિકી સામે નવાઈથી જોઈ રહ્યાં. જે રીતે રેના જોઈ રહી હતી એ જોઈ વિકીને થયું કે કઈક વધુ પડતું જ બોલાઈ ગયું લાગે એટલે એણે ફેરવી તોળ્યું, "એટલે...એમ કે.....આ તો આટલા તીખાં મરચાં હોય તો ન ખવાય એમ." આમ કહી તે બેસી ગયો.
પરમ વિકીના ખભે હાથ મૂકી બોલ્યો, "આટલું બધું રીએક્ટ કેમ કરે છે ભાઈ? આવું તો ચાલ્યા કરે. રેનાને તો પહેલેથી જ ગાંઠિયા સાથે આટલા જ તીખા મરચાં જોઈએ."
"ઓહ, એવું છે? મને એમ કે...." આગળ શું બોલવું એ સૂઝ્યું નહિ એટલે વિકી ચૂપચાપ નાસ્તો કરવા લાગ્યો પણ પરમના મનમાં વાવાઝોડું મૂકી ગયો કે વિકીના મનમાં રેના પ્રત્યે કંઈ લાગણી તો નથી ને? તેણે નક્કી કર્યું કે તે હવે વિકીના વર્તન પર નજર રાખશે.
નાસ્તો પતાવી સૌ ફરી બસમાં બેઠાં. બપોર સુધીમાં ભાવનગર પહોંચવાનો પ્લાન હતો. કેમકે ઘણા વિદ્યાર્થી ભાવનગરની આજુબાજુના ગામડાંમાંથી પણ આવ્યાં હતાં તો એમને પણ ઘરે પહોંચવા માટે વહેલા જ ભાવનગર પહોંચી જવાનું હતું.
આમ તો સૌએ રાતે સારી ઊંઘ કરેલી પણ તોય ઘણા રાતે જાગતાં હતાં એટલે સૌ બસમાં પણ સૂવાના મૂડમાં જ હતાં.
પરમ ઉભો થયો અને હેપ્પી જે સીટ પર હતી ત્યાં ગયો. રેના હેપ્પીની બાજુમાં બેઠી હતી એટલે તેણે રેનાને ઊભી કરી પાછળ મોકલી એવું કહીને કે તેને હેપ્પીનું કામ છે એમ. રેના પણ કોઈ સવાલ જવાબ કર્યા વીના ઊભી થઈ ગઈ. પરમે જોયું કે હેપ્પી તો મસ્ત સૂઈ રહી છે. પહેલા તો પરમને થયું કે તે હેપ્પીને જગાડી દે પણ પછી થયું કે આવી સુતેલી હેપ્પી ક્યારે લાગમાં આવે. એટલે તેને ટીખળ સૂઝી.
હેપ્પીના વાળ હાથમાં લઈ તેણે એ જ વાળ હેપ્પીના કાનમાં ભરાવ્યા અને હલાવ્યા. હેપ્પી કાનમાં વાળ જવાથી સળવળીને પાછી સૂઈ ગઈ. પરમે બીજી વખત ટ્રાય કરી આ વખતે વાળ થોડા ઊંડા જ જવા દીધા કાનમાં. કાનમાં કઈક ગયું છે અને સળવળે છે એવું લાગતાં હેપ્પી ભર ઊંઘમાંથી જાગી અને ડરથી ચીસ પાડી ઉઠી.
"મમ્મી...મમ્મી.......મારા કાનમાં કઈક જીવડું ઘૂસી ગયું." આમ કહી ગરદન વાંકી કરી હાથથી જ કાન હલાવી જાણે કેમ જીવડું કાઢી નાખવાની હોય એમ કરવા લાગી.
આ જોઈ પરમ ખડખડાટ હસવા લાગ્યો. એ બન્નેના અવાજથી જે લોકો સૂતા હતાં એ પણ જાગી ગયાં. પરમને પોતાની બાજુમાં જોઈ હેપ્પી સમજી ગઈ કે આ સળી પરમે જ કરી છે એટલે તેણે પોતાનો મુક્કો ઉગામ્યો. આ જોઈ પરમે તરત જ હાથ જોડયા, "સોરી....હું તો મજાક કરતો હતો."
હેપ્પીએ વિચાર્યું કે આનો બદલો તે પછી લઈ લેશે એટલે તે ઊંડો શ્વાસ લઈ બધાને જોઈ બોલી, "સૂઈ જાવ બધા. કઈ નથી થયું. એ તો આ પરમ નામનું જીવડું હતું." એમ કહી પરમની બાજુમાં બેસી ગઈ.
"રેના ક્યાં ગઈ? તું અહી શું કરે છે રેનાની સીટ પર?"
"મારે એક વાત કરવી હતી તારી સાથે."
"શું હતું બોલ."
"તને આ વિકીનું રેના પ્રત્યેનું વર્તન કઈ અલગ નથી લાગતું?"
હેપ્પી તો પરમ સામે જોઈ જ રહી. તેણે મનમાં જ વિચાર્યું કે પરમ પણ એ જ વિચારે છે જે પોતે વિચારે છે. એકસાથે બે લોકો ખોટા તો ન જ હોય શકે.
( ક્રમશઃ)
શું પરમ અને હેપ્પી વિકીના મનનો તાગ પામી શકશે?
રેના વિકી પ્રત્યે ઢળી રહી છે કે આ પછી આકર્ષણ છે?
જાણવા માટે વાંચતા રહેજો મિત્રો.