Kanta the Cleaner - 21 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | કાંતા ધ ક્લીનર - 21

Featured Books
Categories
Share

કાંતા ધ ક્લીનર - 21

21.

"બીજું નવું કાઈં પોલીસે ઉખેળ્યું નથી. મેં મને ફરીથી રૂમમાં લઈ ગયા ત્યારે જરૂરી વસ્તુઓ જ કહી છે. બાકીનું મારાં મનમાં ભરી રાખ્યું છે. " કાંતા, સરિતાને ભરોસો આપી રહી.

" તો તમારું હવે રહેવાનું શું?"

" મારે ઉપર આભ ને નીચે ધરતી એવું નથી. એક સવારે તેમની … શહેરમાં દરિયા કિનારે મોટી વિલા છે તે મારા ધ્યાનમાં આવેલું. તેમને અલગ અલગ રીતે ખુશ કરીને મારે નામે એ વિલા કરવા આગ્રહ કર્યા કર્યો. બે ચાર વખત તેમના મોટા કલાયંટ્સ સામે સોફિસ્ટીકેટેડ વિદૂષક બની તેમને ખુશ કર્યા. આઈ મીન સારી રીતે એન્ટરટેઈન કર્યા. તેમને મોટા ઓર્ડર મેળવવામાં સફળતા મળી. આથી મારી પર ખુશ થઈ તેઓ મારી માંગ પૂરી કરવા એ વિલા મારે નામે કરવા તૈયાર થયા. એમનાં મૃત્યુ પહેલાં બે દિવસ અગાઉ જ એ ટ્રાન્સફર ડીડ તૈયાર કરાવી સહી કરેલી. મારે નામે કરવા વકીલ પાસે જે દિવસે જવાના હતા, તે દીવસે તો તેઓ મૃત હાલતમાં મળ્યા. એ દિવસે ત્યાં જ જવાના હતા. હા. એ ડીડ જોવું પડશે." સરિતા આંખો સામે કશુંક જોઈ રહી.

"હા, મેં કહ્યું તેમ એમના રોબના ખિસ્સામાંથી કંઇક લીગલ પેપર જેવું ડોકાતું હતું તો ખરું. એ મેં રોબ નીચે પડેલો જોયો ત્યારે. મેં ઉઠાવીને બેડ પર મુકેલો. મને ક્યાં ખબર હતી કે એ વખતે તેઓ મૃત હતા કે જીવતા?" ભોળી કાંતાએ પોતાને નાની બહેન માનતી સ્ત્રી સામે દિલ ખોલી ખાનગી વાત કહી દીધી.

"મને લાગે છે, અમે આ હોટેલમાં સતત ત્રણ દિવસ સ્યુટ 712 માં સાથે હતાં ત્યારે મેં એમને સતત સમજાવીને મારી તરફેણમાં જે કંઇક કરવા માંગતા હોય તેનું લીગલ લખાણ કરવા રાજી કરેલા. સામે તે બહાર જઈ કોઈ સાથે ખાનગી વાતો કરતા હતા અને ટેન્શનમાં જણાતા હતા. કદાચ આગલી મિસિસ અગ્રવાલ સાથે વાત કરતા હશે. ફરીથી એમની દીકરીએ મારી સાથે ફોન પર ગાળાગાળી કરી. આગલી મિસિસ અગ્રવાલે માફી માગી. તેઓ સમજુ લાગ્યાં. બે વાંદરાની લડાઈમાં બિલાડી ફાવી જાય એ કરતાં બેય પત્નીઓ ટુકડો ટુકડો વહેંચી લે એમ તેઓ કરવાનાં હશે.

અર્ચિત કદાચ આ ઝગડા અને સુલેહ પછી એ જૂનું વીલ ફાડી નાખવા કે રદ કરવાના હતા. ઓચિંતું તે રાત્રે મને ધક્કો મારી બહાર કાઢી મૂકવા લાગ્યા. અમારાં લગ્નની મોંઘી વીંટી પોતાની આંગળી પરથી ઉતારી રૂમમાં ફેંકી કહેલું કે ચાલતી થા. તેમણે રૂમમાં તિજોરીમાં પૈસા રાખેલા તે ખોલી બંડલો મારાં મોં પર ફેંકેલાં. બાકી એ તિજોરી પાસવર્ડથી ખુલતી અને એનો નંબર મને આજ સુધી ખ્યાલ નથી. કદાચ આગલી મિસિસ અગ્રવાલને પણ નહીં."

"મેં તિજોરી ખુલ્લી ફાટ અને ખાલીખમ જોયેલી. વીલ ત્યાં ન હતું." કાંતા જે પોલીસને નહોતું કહ્યું તે આને કહી રહી.

"સાલો ..ડવો અર્ચિત અને કુતરી એની હરામજાદી દીકરી. મને ફરીથી રસ્તા પર લાવી દીધી. હું ક્યાંયની ન રહી." સરિતા મોટેથી રોતી છાતી કૂટવા લાગી.

"નખ્ખોદ જાય એ બધાં નું." સરિતા બોલી.

એક ક્ષણ ડઘાઈ ગયેલી કાંતાને પણ મનમાં રમૂજ સૂઝી. "આ 'સતી' નો શ્રાપ?"

તેણે સરિતાને પકડી કહ્યું " એનું નખ્ખોદ તો ગયું જ છે. તમારી તરફેણમાં ક્યાંય પણ સરે વીલ લખીને મૂક્યું હશે તો તમારા વકીલ તમને અપાવશે જ. જલ્દી કરજો પેલી એક્ઝિક્યુટ કરાવી લે તે પહેલાં."

તેને વળી રમૂજ સૂઝી."આ તમારી ચાર વર્ષની 'મહેનત' થોડી એળે જશે?”

રોઇ કૂટીને થાકેલી સરિતાએ ચા નો ખાલી મગ બાજુએ મૂક્યો. ફોનમાં કાઈંક કર્યું અને ઊભી થતાં બોલી "મારી વહાલી બહેન, મારું એક કામ ગમે તેમ કરીને કર. એ સ્યુટ 712 ની બાથરૂમમાં એક રિવોલ્વર રહી ગઈ છે. એ ગમે એમ કરી લઈ આવ. નહીં તો બીજી મોટી બબાલ થશે."

તે હાઈ હિલ્સ વાળાં સેન્ડલ ચડાવી દાદરો ઉતરવા લાગી.

"મેં એ તરફ જવા ટ્રાય કરેલી. પોલીસનો સખત પહેરો છે. છતાં હું ચોક્કસ કોઈ રસ્તો કરીશ." સરિતા સાથે ઉતરતાં કાંતા બોલી.

"કરજે જ. હવે બધું થોડું ઢીલું પડ્યું છે. મારે તો રોજ બીજે માળે નવા નવા રૂમોમાં રહેવું પડે છે. માંડ એક કલાક ચોરી છુપી થી નીકળી છું." કહેતી સરિતાએ પોતાનાં ગોગલ્સ ચડાવ્યાં. માળા પાસે એક ટેક્સી આવીને ઊભી.

ઠીક. એ ફોનથી ટેક્સી બુક કરતી હતી. કાંતાએ વિચાર્યું.

"એક મિનિટ, દીદી. તમે આવ્યાં તે સારું થયું. મને એકલતામાં કોઈ પોતાનું મળ્યું ને તમારું મન હળવું થયું. પણ તમને મારું એડ્રેસ કોણે આપ્યું? મેં તો નથી આપ્યું." કાંતા પૂછી રહી.

"હોટેલમાંથી જ મળ્યું. સોર્સ હું કહી શકીશ નહીં. ઓકે. બાય. ગુડ નાઈટ." કહેતી સરિતાએ ટેક્સીનું ડોર બંધ કરી પિન આપ્યો ને ટેક્સી રવાના થઈ ગઈ.

ક્રમશ: