Josh - 9 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | જોશ - ભાગ 9

Featured Books
Categories
Share

જોશ - ભાગ 9

૯ : પાણી કે તેજાબ

અચાનક રજનીની ઊંઘ ઊડી ગઈ તો એણે આંખો ઉઘાડીને નીંદર ઊડવાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો. પછી એને બહારના ભાગમાં ગુંજતો શોર સંભળાયો. એણે ઘડિયાળમાં સમય જોયો. રાતના એક વાગ્યો હતો.

એ ઝડપભેર પલંગ પરથી નીચે ઊતરીને બહાર નીકળી. એની નજર રજનીકાંતના ફલેટ પર પડી.

એ ઉતાવળા પગલે એ તરફ આગળ વધી. વરંડામાં તેને સિક્યોરિટી ઑફિસર પ્રતાપસિંહ, દેવયાની, માધવી ઊભેલા દેખાયાં. જયારે ફાધર જોસેફ તથા કર્નલ ઈન્દ્રમોહન પોતપોતાના રૂમમાંથી નીકળીને એ તરફ જ આવતા હતા.

વરંડામાં પહોંચીને એણે જોયું તો પ્રોફેસર વિનાયક, સુનિતા, રઘુવીર ચૌધરી તથા પ્રભાકર દિવ્યાના રૂમમાં મોજૂદ હતા. રૂમમાંથી દિવ્યાના ચિત્કારો પણ ગુંજતા હતા.

રજની સ્ફૂર્તિથી રૂમમાં પ્રવેશી. એણે જોયું તો દિવ્યા પલંગ પર સૂતી હતી અને ડૉક્ટર શરદકુમાર એને તપાસતો હતો. દિવ્યાના ગાલ ફૂલી ગયા હતા અને હોઠના એક ખૂણામાંથી ગરદનના ખૂણા સુધી દાઝી જવાનું નિશાન પણ હતું.

ત્યાં જ જમીન પર એક ગ્લાસ પડ્યો હતો. ગ્લાસની આજુબાજુનો ચટાઈવાળો ભાગ જાણે ત્યાં તેજાબ ઢોળાયું હોય એ રીતે સળગેલો હતો.

‘થયું છે શું ડોક્ટર સાહેબ?' છેવટે રઘુવીરથી ન રહેવાતાં એણે પૂછ્યું.

“હું માનું છું ત્યાં સુધી ટેબલ પર જે ગ્લાસ પડયો હતો, એમાં પાણી નહીં પણ તેજાબ હતો. જ્યારે મિસ દિવ્યાની આંખો ઊઘડી ત્યારે તેમની ઊંઘ પૂરેપૂરી નહોતી ઊડી. તેમની આંખોમાં ઊંઘની ખુમારી હતી અને આ ખુમારીમાં ને ખુમારીમાં જ તેમણે ગ્લાસ ઊંચકીને પાણીને બદલે તેજાબ પી લીધો. આ જ તેજાબને કારણે તેમનું મોં અંદરથી સળગી ગયું છે. પછી તેજાબની બળતરાને કારણે તેમના હાથમાંથી ગ્લાસ છટકી ગયો. પરિણામે ગ્લાસમાં બચેલો તેજાબ કાળાવાને કારણે ગ્લાસની આજુબાજુનો ચટાઈવાળો ભાગ પણ સળગી ગયો.” આટલું કહીને ડોક્ટર શરદકુમારે પ્રોફેસર વિનાયકને પ્રયોગશાળામાંથી કોઈક મિશ્રણ લાવવાનું જણાવ્યું.

''ડોક્ટર સાહેબ!' સહસા રજની બોલી, 'તમે દિવ્યાને પૂછો તો ખરા કે આ બધું કોણે ને કેવી રીતે કર્યું ?'

ડૉક્ટર શરદકુમારે રજનીના સવાલનું પુનરાવર્તન કર્યું તો દિવ્યા માંડ માંડ બોલી, 'બ.. બા.. બારીમાંથી...' બધાની નજર બારી પર પહોંચી ગઈ. એ બારી પલંગ પાસે જ હતી.

“હું માનું છું ત્યાં સુધી...' રઘુવીર બોલ્યો, 'આ કામ ખૂનીએ અંદર આવીને નથી કર્યું. એણે બહાર, બારી પાસે આવી, અંદર ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ ખાલી કરીને તેમાં તેજાબ ભરી દીધો અને તેજાબ ભરેલો ગ્લાસ ટેબલ પર પાછો મૂકી દીધો. પછી તરસ લાગતાં મિસ દિવ્યા ઊંઘમાં જ ગ્લાસ ઊંચકીને તેમાં ભરેલા તેજાબને પાણી સમજીને ગટગટાવી ગઈ. પછી પોતાની ભૂલનું ભાન થતાં જ એણે ગ્લાસને પડતો મૂકી દીધો.

એ જ વખતે પ્રોફેસર ડોક્ટર શરદકુમારે જણાવેલ મિશ્રણ લઈ આવ્યો. ડૉક્ટર શરદકુમારે એ મિશ્રણના દિવ્યા પાસે કોગળા કરાવીને તેજાબની અસર ઓછી કરવાનો પ્રયાસ કર્યો. અને ત્યાર પછી બોલ્યો, 'મિસ દિવ્યાને ક્લિનિક પર લઈ જવી પડશે. હવે બાકીની સારવાર ત્યાં જ થઈ શકશે.' દિવ્યાને તરત જ ઊંચકીને વાનમાં સુવડાવી દેવામાં આવી. એની માતા સુનિતા ધ્રુસકે ધ્રુસકે રડતી હતી.

વાનમાં ડૉક્ટર શરદકુમાર, રજનીકાંત, સુનિતા, રજની તથા દેવયાની પણ બેસી ગયા હતા. જ્યારે ડ્રાઇવિંગ સીટ પર પ્રભાકર ગોઠવાઈ ગયો હતો. જોતજોતામાં જ વાન સ્ટાર્ટ થઈને કંપાઉન્ડમાંથી બહાર નીકળી ગઈ. સૌ સ્તબ્ધ બનીને કેટલીયે વાર સુધી ફાટક સામે તાકી રહ્યા.

“મિસ્ટર રજનીકાંતના રૂમમાં સૌથી પહેલાં કોણ ગયું હતું ?' છેવટે રઘુવીર ચૌધરીએ ચૂપકીદીનો ભંગ કરતાં પૂછ્યું.

'હું ગયો હતો !' પ્રતાપસિંહે જવાબ આપ્યો.

'તમે ત્યાં શા માટે ગયા હતા અને એ વખતે દિવ્યા કઈ હાલતમાં હતી, એ કહેશો?' રઘુવીરે પ્રશ્નાર્થ નજરે પ્રતાપસિંહ સામે જોતાં પૂછ્યું. 'ચૌધરી સાહેબ !' પ્રતાપસિંહ બોલ્યો, 'જયારથી અહીં ચિત્રવિચિત્ર બનાવો શરૂ થયા છે, ત્યારથી હું વધુ સાવચેત રહેવા લાગ્યો છું. ખાસ કરીને રાતના સમયે તો હું ખૂબ જ સાવચેત રહું છું. હું સૂતાં પહેલાં ઈમારતને ફરતું ચક્કર મારી આવું છું એટલું જ નહીં, ગાર્ડ્સને પણ સજાગ રહેવાનું જણાવી દઉં છું. મારી ઊંઘ પણ કાગડા જેવી હોય છે. સહેજ અવાજ થતાં જ હું ઊઠી જઉં છું. આજે પણ અવાજ સાંભળીને મારી ઊંઘ ઊડી ગઈ. એ વખતે રાતના સાડા બાર વાગ્યા હતા. મેં જોયું તો તમે રૂમમાં નહોતા. તમે કદાચ તમારી તપાસના અનુસંધાનમાં ઈમારત પર નજર રાખવા માટે બહાર ચાલ્યા ગયા હશો એમ માનીને હું પણ બહાર નીકળ્યો. ચારે તરફ ભેંકાર ચુપકીદી છવાયેલી હતી. હું ગાર્ડ્સ પાસે પહોંચ્યો. એ વખતે એક ગાર્ડ ફાટક પર હતો અને બીજો ગાર્ડ રાઉન્ડ મારવા ગયો હતો. હું ફાટક પર ઊભેલાં ગાર્ડ સાથે થોડી વાર વાતો કર્યા પછી મારા રૂમ તરફ આગળ વધ્યો તો અચાનક મને મિસ્ટર રજનીકાંતના રૂમ તરફથી કોઈકની ચીસનો અવાજ સંભળાતાં હું તરત જ ત્યાં દોડી ગયો. મેં રૂમમાં પહોંચીને જોયું તો મિસ્ટર રજનીકાંત દિવ્યાને ઢંઢોળીને .- ‘શું થયું? શું થયું ?' એમ પૂછતા હતા. જ્યારે સુનિતા મૅડમ મિસ દિવ્યાની હાલત જોઈને ધ્રુસ્કે ધ્રુસ્કે રડતાં હતાં. મિસ્ટર રજનીકાંતના સવાલના જવાબમાં દિવ્યાએ કંપતા હાથે જમીન પર પડેલા ગ્લાસ સામે આંગળી ચીંધી હતી અને પછી બારી તરફ જોયું હતું.’ 'હૂઁ...' રઘુવીરનાં ભવાં વિચારવશ હાલતમાં સંકોચાયાં.

'ચૌધરી સાહેબ !' પ્રતાપસિંહે કહ્યું, 'તમે તો દિવ્યાએ જે બારીમાંથી.... બારીમાંથી... કહેલું વાક્ય સાંભળ્યું જ હતું. આના પરથી તમે શું માનો છો?’ ‘હું એક પ્રયોગ કરવા માંગું છું?' સહસા કશુંક વિચારીને રઘુવીર બોલ્યો.

‘કેવો પ્રયોગ ?'

'એને માટે મારે એક ગ્લાસ પાણી જોઈશે.’

પ્રતાપસિંહે દીનુકાકાને પાણીનો ગ્લાસ લાવવાનું જણાવ્યું.

'એક મિનિટ કાકા...' રઘુવીરે તેને ટોકતાં કહ્યું, 'તમે જે ગ્લાસ લઈ આવો, તે આના જેવો જ લઈ આવજો.' કહીને એણે જમીન પર પડેલા ગ્લાસ તરફ સંકેત કર્યો.

'જી...” કહીને દીનુ ચાલ્યો ગયો.

રઘુવીરે વારાફરતી ત્યાં મોજૂદ પ્રતાપસિંહ, પ્રોફેસર વિનાયક, શશીકાંત તથા ફાધર સામે શોધપૂર્ણ નજરે જોયું. ફાધર જોસેફનો ચહેરો નિર્વિકાર હતો. જાણે આ બનાવ સાથે કંઈ નિસબત ન હોય એવા હાવભાવ એના ચહેરા પર ફરકતા હતા. શશીકાંતનો ચહેરો ચિંતાતુર હતો જયારે વિનાયકના ચહેરા પર વ્યાકુળતાના હાવભાવ હતા અને આંખોમાં પીડા તરવરતી હતી.

‘ચૌધરી સાહેબ !' સહસા ફાધર જોસેફે કહ્યું, ‘હું મારા રૂમમાં જઈને આરામ કરવા માંગું છું.’

"જો મારે આપને કંઈ પૂછપરછ કરવાની જરૂર પડે તો ?' 'તો મારા રૂમમાં આવીને કરી લેજો. આમેય આ બનાવ વિશે તમે સૌ જાણો છો, એટલું જ હું જાણું છું. એટલે હું તમને વિશેષ કંઈ નહીં જણાવી શકું.'

'ઓકે...'

ફાધર જોસેફ ત્યાંથી વિદાય થઈ ગયો. એ જ વખતે દીનુ પાણીનો ગ્લાસ લઈને આવ્યો. રઘુવીર ગ્લાસ લઈને બારી પાસે પહોંચ્યો અને ગ્લાસને બારીના સળિયા વચ્ચેથી અંદર પલંગ પાસે પડેલ ટેબલ પર મૂકવાનો પ્રયાસ કરવા લાગ્યો. જેમાં એને સફળતા પણ મળી. એણે ફરીથી ગ્લાસ બહાર કાઢી લીધો અને પછી બોલ્યો, ‘શું બન્યું હશે એ મને સમજાઈ ગયું છે. સાંભળો... ખૂની તક જોઈને અહીં આવ્યો. એણે બારીમાંથી હાથ નાંખીને ટેબલ પર પડેલ પાણી ભરેલો ગ્લાસ ઊંચકીને ખાલી કર્યો અને તેમાં તેજાબ ભરીને ગ્લાસને પાછો ટેબલ પર મૂકી દીધો. આના પરથી સ્પષ્ટ થઈ જાય છે કે દિવ્યાને રાત્રે ઊઠીને પાણી પીવાની ટેવ છે, એ વાતથી ખૂની પૂરેપૂરો વાકેફ હતો. દિવ્યાની આ રાતના પાણી પીવાની ટેવનો એણે આબાદ લાભ ઊઠાવ્યો. આજે રાત્રે પણ દિવ્યાની ઊંઘ ઊડી, પરંતુ એની આંખો તથા મગજમાં ઊંઘની ખુમારી હતી. એણે એ જ હાલતમાં ગ્લાસ ઉંચકીને મોંએ માંડયો અને મોટો ઘૂંટડો ભર્યો, પરંતુ ગ્લાસમાં પાણી નહીં, પણ તેજાબ છે એની તેને ખબર પડે એ પહેલાં જ તેજાબ પોતાની અસર બતાવી ચૂક્યો હતો. ખૂનીએ દિવ્યાને શા માટે મોતે ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો, એ હવે તપાસનો વિષય છે.' વાત પૂરી કર્યા બાદ એણે ગ્લાસ દિનુને પાછો આપી દીધો.

દીનુ ગ્લાસ લઈને પુનઃ રસોડા તરફ આગળ વધી ગયો. 'હવે હું ક્લિનિકે જવા માંગું છું.' છેવટે રઘુવીર જ ફરીથી બોલ્યો, “તમારામાંથી જો કોઈએ મારી સાથે આવવું હોય તો ખુશીથી આવી શકે છે.' 'ચૌધરી સાહેબ... !' પ્રતાપસિંહે ગંભીર અવાજે કહ્યું, 'મારા પર અહીંની સુરક્ષાની જવાબદારી છે એટલે હું તો નહીં આવી શકું.' 'તમારે આવવું છે પ્રોફેસર સાહેબ?' રઘુવીરે પ્રશ્નાર્થ નજરે વિનાયક સામે જોયું. 'ના, ચૌધરી સાહેબ !' વિનાયકને બદલે કર્નલ ઇન્દ્રમોહને જવાબ આપ્યો,

'પ્રોફેસર સાહેબ ત્યાં ન આવે, એ જ તેમને માટે હિતાવહ છે. તેઓ હજુ પત્નીના મોતના આઘાતમાંથી પૂરેપૂરા મુક્ત નથી થયા .. ! દિવ્યા સાથે બનેલા બનાવથી ઊલટું પત્નીના મોતનો આઘાત તાજો થયો હશે.’

'કર્નલ સાહેબ !' રઘુવીર એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, 'એમ તો મમતા તમારી પણ દીકરી હતી. દિવ્યા સાથેના બનાવથી તમને તમારી દીકરી યાદ નથી આવી શું?'

રઘુવીરના શબ્દો જાણે કે તીરની માફક ઇન્દ્રમોહનના હૃદયમાં ખૂંચી ગયા. એની પાંપણો ભીંજાઈ ગઈ.

'ચૌધરી સાહેબ!' એ સ્વસ્થ થવાનો પ્રયાસ કરતાં બોલ્યો, 'મમતા મારી દીકરી હતી એ વાત સાચી છે અને દરેક પિતાને પોતાના દીકરા કરતાં દીકરી પ્રત્યે વધુ લાગણી હોય છે, પરંતુ હું ગમે તેમ તોય એક ફૌજી છું એટલે મારી ભાવનાઓ પર કાબૂ રાખતાં મને બરાબર આવડે છે.!

'તમારે આવવું છે?' રઘુવીરે પ્રશ્નાર્થ નજરે શશીકાંત સામે જોયું.

'ચૌધરી સાહેબ !' શશીકાંત એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો, 'હું હૃદયરોગનો દર્દી છું એની કદાચ તમને ખબર નહીં હોય. અત્યાર સુધીમાં મારા પર હૃદયરોગના બે હુમલા તો આવી ચૂક્યા છે. ત્રીજો હુમલો મારે માટે જીવલેણ પુરવાર થઈ શકે તેમ છે એટલે મને તો માફ જ કરો...'

'ઠીક છે... તો પછી હું અને કર્નલ સાહેબ જ ક્લિનિક પર જઈએ છીએ.' રઘુવીરે કહ્યું.

'એક મિનિટ... હું જરા મારી રિવૉલ્વર લઈ આવું.' કહીને ઈન્દ્રમોહન જવાબની રાહ જોયા વગર જ પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને થોડી પળોમાં જ રિવૉલ્વર લઈને પાછો પણ આવી ગયો.

ત્યારબાદ બંને ક્લિનિક તરફ રવાના થઈ ગયા.

વરંડામાં હવે માત્ર પ્રોફેસર વિનાયક, પ્રતાપસિંહ તથા શશીકાંત જ બાકી રહ્યા હતા.

સાવચેતી ખાતર પ્રતાપસિંહે એક ગાર્ડને બોલાવીને દિવ્યાના રૂમ પાસે ગોઠવી દીધો.

ત્યાર પછી ત્રણેય પોતપોતાના રૂમ તરફ આગળ વધી ગયા. બીજી તરફ રઘુવીર તથા ઇન્દ્રમોહન ક્લિનિકે પહોંચ્યા, ત્યારે તેમણે રજની તથા સુનિતાને બહાર વરંડામાં ઊભેલ જોઈ. જયારે દેવયાની અંદર દિવ્યા પાસે હતી. ડોક્ટર શરદકુમાર, પ્રભાકર તથા રજનીકાંત પણ અંદર જ હતા.

રડી રડીને સુનિતાની હાલત ખરાબ થઈ ગઈ હતી. ‘તમે જોયું ને ચૌધરી સાહેબ !' રઘુવીર પર નજર પડતાં જ એ બોલી ઊઠી, ‘છેવટે અમને જે વાતનો ભય હતો એ જ બન્યું ને? પ્લીઝ, મારી દીકરીને બચાવી લો નહીં તો એના મોતનો દોષ મારા માથા પર જ ઓઢાડવામાં આવશે.'

'તમે હિંમત રાખો મૅડમ !' રઘુવીરે તેને આશ્વાસન આપતાં કહ્યું. એ જ વખતે દરવાજો ઉઘાડીને રજનીકાંત બહાર નીકળ્યો. એના ચહેરાનો રંગ ઊડેલો હતો અને આંખોમાં પીડાના હાવભાવ હતા.

'ચૌધરી સાહેબ... !' નજીક આવીને એ રઘુવીર સામે જોતાં સહેજ ઉશ્કેરાટભર્યા અવાજે બોલ્યો, 'આપના વિશ્વાસે અમને છેતરી લીધા. તમને બહુ જણાવીને, તમારા આશ્વાસન પછી અમે નચિંત થઈ ગયા હતા, પરંતુ ખૂની પોતાનું કામ પાર પાડી ગયો.'

'દિવ્યાની તબિયત અત્યારે કેવી છે ?' રઘુવીરે ગંભીર અવાજે પૂછ્યું.

'કંઈ ખબર નથી પડતી. ડૉક્ટર સાહેબ તો એને બચાવવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કરે છે.”

'પોલીસને આ બનાવની જાણ કરી દીધી છે?’

'હા... ઇન્સ્પેક્ટર વામનરાવને જાણ કરી દીધી છે. તેઓ સીધા અહીં જ આવશે.'

“ખેર, તમે સુનિતા મૅડમને સંભાળો. તેમને સમજાવો. હું જરા ડૉક્ટર સાહેબને મળી લઉં કર્નલ સાહેબ !' રઘુવીરે ઇન્દ્રમોહન સામે જોયું, 'તમે પણ અહીં જ રહેજો.'

ઇન્દ્રમોહને ધીમેથી માથું હલાવ્યું.

રઘુવીર જયારે ડૉક્ટરની ચેમ્બરમાં પ્રવેશ્યો ત્યારે તેની સામે ઊભેલો પ્રભાકર કહેતો હતો, 'ડૉક્ટર સાહેબ, દિવ્યાનું બચવું ખૂબ જ જરૂરી છે. તે ખૂની વિશે જાણી ચૂકી હોય, અને આ કારણસર ખૂનીએ તેને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હોય, એ બનવાજોગ છે.’

'હું મારાથી બનતા બધા પ્રયાસો કરું જ છું મિસ્ટર પ્રભાકર !' ડૉક્ટર શરદકુમાર ગંભીર અવાજે બોલ્યો. પ્રભાકરે પીઠ ફેરવીને એક વખત વિચિત્ર નજરે રઘુવીર સામે જોયું. પછી તે ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો.

રૂમમાં થોડી પળો માટે ચુપકીદી છવાઈ ગઈ.

રઘુવીરે આગળ વધીને ચેમ્બરના બાકી દરવાજા બંધ કરીને પડદા સરકાવી દીધા અને પછી તે ડોક્ટર શરદકુમારની સામે બેસી ગયો. એનું આ વર્તન ડૉક્ટર શરદકુમારને ખૂબ જ વિચિત્ર અને રહસ્યમય લાગ્યું હતું. તે વિચિત્ર નજરે એની સામે તાકી રહ્યો હતો.

‘દિવ્યાની હાલત અત્યારે કેવી છે ડૉક્ટર સાહેબ ?' એની નજરની પરવાહ કર્યા વગર જ રઘુવીરે ગંભીર અવાજે પૂછ્યું.

'ચૌધરી સાહેબ !' ડૉક્ટર શરદકુમાર એક ઊંડો નિઃસાસો નાંખતાં બોલ્યો, 'સાચું કહું તો કોઈ પણ મિનિટે દિવ્યાની જીવનદોરી તૂટી શકે તેમ છે.'

'એમ?'

‘તેજાબ પોતાની અસર બતાવી ચૂક્યો છે!

'એણે ખૂની વિશે કશુંય જણાવ્યું...?’

‘તે કશુંય જણાવી શકે એવી એની હાલત જ ક્યાં છે? અત્યારે તે જિંદગી અને મોતની વચ્ચે ઝોલાં ખાય છે.'

'ડૉક્ટર સાહેબ... !' અચાનક રઘુવીર સહેજ આગળ નમીને રહસ્યમય અવાજે બોલ્યો, 'દિવ્યા ન મરવી જોઈએ.'

'એટલે ?' ડૉક્ટર શરદકુમારે મૂંઝવણ અને આશ્ચર્યથી રઘુવીર સામે જોતાં પૂછ્યું.

‘એટલે એમ કે કદાચ ને જો દિવ્યા મૃત્યુ પામે તોપણ તેને જીવતી દર્શાવો એટલું જ નહીં, દિવ્યા સ્વસ્થ થઈ જશે અને વાતચીત પણ કરી શકશે એવું પણ જાહેર કરો.'

‘પણ એમ કરવાથી શું લાભ થશે?'

'બહુ મોટો લાભ થશે ! જયાર ખૂનીને આ વાતની જાણ થશે ત્યારે પોતાનો ભેદ જાળવી રાખવા માટે એ ફરીથી દિવ્યાને મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કરશે અને આ પ્રયાસમાં જ તે પકડાઈ જશે, પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. કોઈને પણ દિવ્યાના રૂમની આજુબાજુમાં ફરકવાની રજા આપશો નહીં.'

'સમજયો... !' ડૉક્ટર શરદકુમારે ધીમેથી માથું હલાવ્યું, 'આ યોજનામાં કોણ કોણ સામેલ હશે ?'

'ફક્ત ત્રણ જણ... !'

‘જો તમને વાંધો ન હોય તો એ ત્રણેયનાં નામ મને જણાવો.'

'ચોક્કસ... !' રઘુવીરે કહ્યું, 'એક તો હું, બીજા તમે અને ત્રીજા ઇન્સ્પેક્ટર વામનરાવ ! આ ઉપરાંત રૂમમાં મોજૂદ એક નર્સ પણ સાચી હકીકતથી વાકેફ હશે. દિવ્યા કદાચ મૃત્યુ પામે તોપણ એની જાહેરાત નથી કરવાની. દિવસના સમયે મૃતદેહને ડીપ ફ્રીઝમાં રાખીશું જેથી તે ખરાબ ન થાય અને રાત્રે મૃતદેહને ફ્રીઝમાંથી બહાર કાઢીને એ જ રૂમમાં ગોઠવી દેશું.' 'મૃતદેહને બદલે ડમીથી કામ નહીં ચાલે ?'

'ના...' રઘુવીરે નકારમાં માથું હલાવ્યું, 'નહીં ચાલે... આ ઉપરાંત દિવ્યાના રૂમની બહાર બે સિપાહીઓને પણ બેસાડી દેશું જેથી ખૂની એવા ભ્રમમાં રહે કે દિવ્યા જીવતી છે અને તેના રક્ષણ માટે જ આ ચોકીપહેરો ગોઠવવામાં આવ્યો છે. હું અને ઇન્સ્પેક્ટર વામનરાવ રૂમમાં છુપાઈને રહેશું. પછી રાત્રે ખૂની આવીને દિવ્યાનું ખૂન કરવાનો પ્રયાસ કરશે, ત્યારે તે રેડ હેન્ડ પકડાઈ જશે.'

'તમારી યોજના તો શાનદાર છે ચૌધરી સાહેબ...' ડૉક્ટર શરદકુમારે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘જો ખૂનીને તમારી યોજનાની ખબર નહીં પડે તો ચોક્કસ જ તે પકડાઈ જશે.'

જવાબમાં રઘુવીરના હોઠ પર પળભર માટે એક વિચિત્ર સ્મિત ફરકીને વિલીન થઈ ગયું.

એ જ વખતે દરવાજો ઉઘાડીને એક નર્સ ઝડપભેર અંદર આવી. 'જલદી ચાલો ડૉક્ટર સાહેબ.' આવતાંવેંત એ હાંફતા અવાજે બોલી, 'મિસ દિવ્યાની તબિયત એકદમ લથડી છે.'

'માફ કરજો...' આટલું કહીને શરદકુમાર ઝડપથી દરવાજા તરફ ધસ્યો તો પાછળથી રઘુવીરે તેને ટોકતાં કહ્યું, ‘મારી યોજના યાદ રાખજો...'

'તમે બેફિકર રહો.' કહીને શરદકુમાર નર્સ સાથે ચેમ્બરમાંથી બહાર નીકળી ગયો.

રઘુવીર પણ બહાર નીકળીને બાકીના લોકો પાસે પહોંચી ગયો. એ જ વખતે પોલીસની એક જીપ ક્લિનિકના કંપાઉન્ડમાં આવીને ઊભી રહી.

જીપમાંથી વામનરાવ નીચે ઊતરીને ઉતાવળા પગલે તેમની પાસે આવી પહોંચ્યો.

'મિસ દિવ્યાની હાલત કેવી છે?' આવતાંવેંત એણે પૂછ્યું.

'ખૂબ જ સિરિયસ છે.' રઘુવીરે જવાબ આપતાં કહ્યું, 'અત્યારે તે ઈમરજન્સી વોર્ડના રૂમમાં છે.' પોતાની સાથે આવેલા બંને સિપાહીઓને ત્યાં જ રોકાવાનું જણાવીને વામનરાવ ઈમરજન્સી વોર્ડમાં આવેલ દિવ્યાના રૂમમાં પહોંચ્યો. દિવ્યાનો શ્વાસ ઊખડવા લાગ્યો હતો. ડૉક્ટર શરદકુમાર નર્સની મદદથી

તેને કૃત્રિમ ઓક્સિજન આપવાનો પ્રયાસ કરતો હતો. ''તમે બહાર જાઓ મૅડમ...!' સહસા શરદકુમાર દેવયાનીને ઉદ્દેશીને બોલ્યો, ‘જરૂર પડશે તો તમને બોલાવી લઈશ.'

દેવયાની ધીમેથી માથું હલાવીને તરત જ બહાર નીકળી ગઈ. પછી શરદકુમારના સંકેતથી નર્સે રૂમનો દરવાજો બંધ કરીને પડદો પાડી દીધો.

વામનરાવ આશ્ચર્યસહ ક્યારેક શરદકુમાર સામે તો ક્યારેક દિવ્યા સામે જોતો હતો.

દિવ્યાનો દેહ સ્થિર થઈ ગયો હતો. હવે એમાં કોઈ જાતનું હલનચલન નહોતું થતું. શરદકુમાર એના દેહ પર નમીને તેને તપાસતો હતો.

થોડી પળો બાદ એ ટટ્ટાર થયો ત્યારે એના ચહેરા પર નિરાશા ફરી વળી હતી.

'શું થયું ડોક્ટર સાહેબ?' વામનરાવે પૂછ્યું.

‘શીઝ ઈઝ નો મોર...' વામનરાવ માથા પરથી કેપ ઊતારતાં બબડ્યો. 'ઇન્સ્પેક્ટર સાહેબ...!' શરદકુમાર એક ઊંડો શ્વાસ લેતાં બોલ્યો.

'ઓહ ગોડ... !' વામનરાવ માથા પરથી કેપ ઊતારતાં બબડયો. 'ઇન્સ્પેક્ટર સાહેબ...!'શરદકુમાર બોલ્યો, 'દિવ્યા મૃત્યુ પામી છે, એ વાત હમણાં જાહેર નથી કરવાની.”

'કેમ?'

શરદકુમારે તેને રઘુવીર ચૌધરીની યોજના વિશે જણાવ્યું અને પછી બોલ્યો, 'આપણે ચૌધરી સાહેબને બોલાવી લઈએ.'

'આપણે આ યોજનામાં મિસ્ટર રજનીકાંતને પણ સામેલ કરવા જોઈએ, એમ હું માનું છું.' કશુંક વિચારીને વામનરાવે કહ્યું.

'તમને યોગ્ય લાગે તેમ કરો.' કહીને શરદકુમારે નર્સ સામે જોઈને રઘુવીર તથા રજનીકાંતને બોલાવી લાવવાની સૂચના આપી.

નર્સ ધીમેથી માથું હલાવીને બહાર નીકળી ગઈ.

કઈ રીતે દિવ્યાને મારી નાંખવાનો પ્રયાસ થયો હતો, એની વિગતો શરદુકમારે ટૂંકમાં વામનરાવને જણાવી દીધી.

'ચૌધરી સાહેબને મળ્યા પછી હું દિવ્યાનો રૂમ ચેક કરવા માંગું છું.' બધી વિગતો સાંભળ્યા બાદ વામનરાવ બોલ્યો, ‘ત્યાંથી કદાચ ખૂનીને શોધવામાં મદદરૂપ થાય, એવી કોઈક કડી મળી આવે, એ બનવાજોગ છે.! શરદકુમારે ધીમેથી માથું હલાવ્યું.

એ જ વખતે રજનીકાંત તથા રઘુવીર ચૌધરી પણ ત્યાં આવી પહોંચ્યા. દીકરીના મોતની ખબર પડતાં જ રજનીકાંત કરુણ આક્રંદ કરવાં લાગ્યો. વામનરાવ, શરદકુમાર તથા રઘુવીરે માંડ માંડ તેને આશ્વાસન આપીને શાંત પાડયો.

એની આંખોમાંથી અવિરત આંસુ વહેતાં હતાં.

‘મિસ્ટર રજનીકાંત !' રઘુવીર એનો ખભો થપથપાવતાં બોલ્યો, 'દિવ્યાના મોતનું જેટલું દુઃખ તમને છે, એટલું જ અમને પણ છે. પ્લીઝ, શાંત થાઓ અને દિવ્યાના ખૂનીને પકડવામાં અમને સહકાર આપો.'

‘મ... મારે શું કરવાનું છે?' રજનીકાંતે ધ્રુસકાં વચ્ચે પૂછ્યું. જવાબમાં રઘુવીરે તેને પોતાની યોજના વિશે જણાવી દીધું.

'ભલે...' રજનીકાંત ધીમેથી માથું હલાવતાં બોલ્યો, 'હું તમને સાથ આપવા તૈયાર છું.'

'ઠીક છે...' રઘુવીરે કહ્યું, ‘તો પછી તમે અહીં જ રહો અને બાકીના લોકો પાછા ચાલ્યા જાય.'

'ના... મિસ્ટર રજનીકાંતે પણ અમારી સાથે આવવું પડશે.' વામનરાવ બોલ્યો, 'મારે દિવ્યાના રૂમની તલાશી લેવી છે, એટલું જ નહીં, હું બારી પરથી આંગળાની છાપ વગેરે પણ લેવા માંગું છું.'

'ઇન્સ્પેક્ટર સાહેબ !' રઘુવીરે કહ્યું, 'ફિંગરપ્રિન્ટ વગેરે લેવાનું ચોવીસ કલાક પૂરતું મુલત્વી રાખો. અત્યારે તમે આ બધી કાર્યવાહી કરશો તો નાહક જ ખૂનીને શંકા ઊપજશે અને તે અહીં આવતો હશે તોપણ નહીં આવે. હાલ તુરત તમે દિવ્યાના રૂમમાં પડેલો ગ્લાસ તપાસ માટે મોકલી આપો. અને પછી મિસ્ટર રજનીકાંતના ફલેટને તાળું મારી દો. એકાદ દિવસ સુનિતા મેડમ બીજા કોઈકને ત્યાં રહેવાની વ્યવસ્થા કરી લેશે.'

વામનરાવે ધીમેથી માથું હલાવ્યું.

ત્યારબાદ ડૉક્ટર શરદકુમાર, રઘુવીર તથા બે સિપાહીઓને ત્યાં રહેવા દઈને બાકીના લોકો રવાના થઈ ગયા. યોજના મુજબ દિવ્યા જોખમની બહાર છે, એમ સૌને જણાવી દેવામાં આવ્યું હતું.

બંને વાહનો જયારે આગળ-પાછળ પુરાતત્ત્વખાતાની વિશાળ ઈમારતના કંપાઉન્ડમાં પ્રવેશ્યાં, એ વખતે રાતના લગભગ ત્રણ વાગ્યા હતા.

વામનરાવ સીધો રજનીકાંત તથા પ્રતાપસિંહને લઈને દિવ્યાના રૂમમાં પહોંચ્યો.

"દિવ્યાએ જે ગ્લાસમાંથી પાણી માનીને તેજાબ પીધો હતો, એ હજુ ત્યાં જ પડયો હતો.

વામનરાવે સાવચેતીથી ગ્લાસને રૂમાલમાં લપેટીને એક સિપાહીને આપી દીધો.

ત્યારબાદ એણે બારીકાઈથી રૂમનું નિરીક્ષણ કર્યું. પરંતુ એને કશુંય શંકાસ્પદ ન દેખાયું.

એણે ફરીથી બારી તરફ નજર કરી.

કારણ કે દિવ્યાના મોંમાંથી શબ્દો નીકળ્યા હતા, 'બ... બારી... બારીમાંથી...'

એણે બારીમાં જડેલા સળિયા વચ્ચેનું અંતર પણ તપાસ્યું અને પછી બારી બંધ કરી દીધી.

ત્યારબાદ બહાર નીકળી, દરવાજાને તાળું મારીને એણે ચાવી પોતાના ગજવામાં મૂકી.

પછી તો પ્રોફેસર વિનાયકના રૂમમાં પહોંચ્યો, કારણ કે એનો રૂમ બાજુમાં જ હતો. ત્યાં એણે એક પછી એક બધાને બોલાવીને તેમની જુબાની લેવી શરૂ કરી.

સૌથી પહેલાં રજનીકાંતની જુબાની લેવામાં આવી. એની જુબાનીનો સાર આ પ્રમાણે હતો.

જે સમયે રજનીકાંતની ઊંઘ ઊડી ત્યારે એણે ઊંઘ ઊડવાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો તો દિવ્યાના કણસવાનો અવાજ તેને સંભળાયો. એણે જોયું તો તેની પત્ની સુનિતા ગાઢ ઊંઘમાં સૂતી હતી. એણે સુનિતાને ઉઠાડીને જણાવ્યું કે દિવ્યાના રૂમમાંથી કણસવાનો અવાજ આવે છે. સુનિતા તરત જ દિવ્યાના રૂમમાં ચાલી ગઈ, પરંતુ વળતી જ પળે એની ચીસ સાંભળીને રજનીકાંત એકદમ ચમક્યો. એ પણ તરત જ દિવ્યાના રૂમમાં જઈ પહોંચ્યો. એણે જોયું તો દિવ્યાની હાલત એકદમ ગંભીર હતી. થોડી પળો બાદ પ્રતાપસિંહ આવ્યો અને દિવ્યાની હાલત જોઈને તે ડૉક્ટર શરદકુમારને બોલાવવા ચાલ્યો ગયો. એ જ વખતે પ્રોફેસર વિનાયક પણ આવી પહોંચ્યો, ત્યારબાદ જેમ જેમ ખબર પડતી ગઈ, તેમ તેમ બધા આવતા ગયા. ડૉક્ટર શરદકુમારે દિવ્યાને પ્રાથમિક સારવાર આપી. ત્યારબાદ દિવ્યા માત્ર એટલું જ બોલી હતી કે, 'બ... બારીમાં... બારીમાંથી...' આનાથી વધુ એ કંઈ નહોતી જણાવી શકી. ત્યારબાદ વધુ સારવાર માટે એને ક્લિનિકે લઈ જવામાં આવી.

રજનીકાંતની જુબાની સાંભળીને વામનરાવ ગંભીર થઈ ગયો. ત્યારબાદ વારાફરતી બાકીના લોકોની જુબાની પણ લેવામાં આવી. સુનિતાની હાલત કથળેલી હતી એટલે તેને દેવયાની પાસે મૂકી દેવાઈ. છેવટે વામનરાવ ત્યાંથી રવાના થયો ત્યારે સવાર પડી ગઈ હતી. એ આખો દિવસ ક્લિનિકનું વાતાવરણ જાણે દિવ્યાના બચી જવાની પૂરેપૂરી શક્યતા હોય એવું રહ્યું. ડોક્ટર શરદકુમાર બપોરે જમી, થોડો આરામ કરીને ત્યાં પાછો આવી ગયો હતો.

આમ ને આમ રાત પડી ગઈ.

'ડૉક્ટર સાહેબ...!' રાત્રે આઠ વાગ્યે રઘુવીરે કહ્યું, 'હવે તમારી અહીં ખાસ કંઈ જરૂર નથી એટલે તમારે ઘરે જવું હોય તો ખુશીથી જઈ શકો છો.’

'ના, ચૌધરીસાહેબ... !' શરદકુમાર ગંભીર અવાજે બોલ્યો, ‘ખૂનીને ભ્રમમાં રાખવા માટે પણ મારે અહીં રહેવું જરૂરી છે.' જવાબમાં રઘુવીરે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું. શરદકુમારની વાત પણ સાચી હતી. એની હાજરીની ખરેખર જ જરૂર હતી.