Josh - 5 in Gujarati Thriller by Kanu Bhagdev books and stories PDF | જોશ - ભાગ 5

Featured Books
Categories
Share

જોશ - ભાગ 5

૫ : ભૂતકાળનો પ્રેમી

ખુરશી પર બેઠેલી રજની મમતાની એક-એક હિલચાલને ખૂબ જ ધ્યાનથી નીરખતી હતી.

મમતાએ રૂમના તમામ બારી-દરવાજા બંધ કરીને પડદા સરકાવી દીધા અને પછી આવીને રજનીની સામે બેસી ગઈ.

એનો ચહેરો અત્યારે બેહદ ગંભીર હતો.

એના હોઠ સખતાઈથી બિડાયેલા હતા અને આંખોમાં વેદના તરવરતી હતી.

રૂમનું શાંત વાતાવરણ ખૂબ જ રહસ્યમય લાગતું હતું. 'આરતી... !' છેવટે મમતાના હોઠ ઊઘડયા. જાણે કોઈક ઊંડી ગુફાની દીવાલો સાથે ટકરાઈ ટકરાઈને આવતો હોય, એવો એનો અવાજ હતો, 'સૌથી પહેલાં તો તને સાચી હકીકત જણાવી દેવા માટે મને શા માટે ભરોસો બેઠો એનો ખુલાસો કરું છું. સાંભળ, આજે જ્યારે ઇન્સ્પેક્ટર વામનરાવ તને મળવા આવ્યો, ત્યારે તમારા બંનેની વચ્ચે થયેલી વાતચીત મેં છુપાઈને સાંભળી હતી. બાકી ત્યાં સુધી તો હું એમ જ માનતી હતી કે, જે શખ્સ મારું ખૂન કરવા માંગે છે, એની જ તું કોઈક સાથીદાર છો. એ શખ્સની સૂચનાથી જ મારું ખૂન કરવા જેવું વાતાવરણ અહીંનું છે કે નહીં, એ જાણવાના આશયથી તું અહીંયાં આવી છો, પરંતુ તમારા લોકોની વાતચીત પરથી મને ખબર પડી કે તું મારું રક્ષણ કરવા માટે તથા મારા પર કોના તરફથી જોખમ છે, એ જાણવાના હેતુથી અહીં આવી છો.' 'મૅડમ... !' રજની ગંભીર અવાજે બોલી, 'એક વાતની તમને કદાચ ખબર નહીં હોય કે તમારા પતિ એટલે કે પ્રોફેસર સાહેબના આગ્રહથી જ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.'

'મારા પતિ મને અનહદ ચાહે છે અને મારું ખૂબ જ ધ્યાન રાખે છે, એમાં તો શંકાને કોઈ સ્થાન જ નથી. આ કારણસર જ મેં જે હકીકત છુપાવી છે. તેને મારા પતિ સમક્ષ જાહેર કરવા નથી માંગતી, પરંતુ પહેલાં તારે મને વચન આપવું પડશે કે હું જે કંઈ જણાવું, એ તું મારા પતિને નહીં કહે. કમ સે કમ હું જીવું છું, ત્યાં સુધી તો નહીં જ.'

'મેડમ, હું તમને વચન આપું છું. સાથે જ મારે એક બીજી વાત પણ કરવી છે કે એ શખ્સ તમારું ખૂન કરવામાં સફળ થઈ શકશે, એ વાત તમારા મગજમાંથી બિલકુલ કાઢી જ નાંખજે.'

"આરતી...!' કહેતાં કહેતાં મમતાના હોઠ પર પળભર માટે પીડાભર્યું સ્મિત ફરકીને વિલીન થઈ ગયું, ‘એ શખ્સ ગમે ત્યારે, કોઈ પણ પળે અને ગમે ત્યાં મારું ખૂન કરી શકે છે, એ વાતની મને પૂરી ખાતરી થઈ ગઈ છે. ખેર, હવે તને હું મારા ભૂતકાળ વિશે જણાવું છું. આ એ ભૂતકાળ છે કે જેના વિશે મેં મારા પતિને કશુંય નથી જણાવ્યું. મારી વાતો પરથી તને ખ્યાલ આવી જશે કે હું કોનાથી ભયભીત છું. સાંભળ... મારા પિતાજી આર્મીમાં મેજરના પદ પર ફરજ બજાવતા હતા. ત્યારની આ વાત છે. એ વખતે તેમના હાથ નીચે એક યુવાન કામ કરતો હતો. ડેડી સાથે સારા સંબંધો હોવાને કારણે એ યુવાન કે જેનું નામ ભાસ્કર હતું, એ અવારનવાર અમારે ઘેર આવતો હતો. ભાસ્કર સ્વભાવે ખૂબ જ મિલનસાર અને હસમુખો હતો. એક દિવસ અચાનક એ આવતો બંધ થઈ ગયો ત્યારે મેં ડેડીને એના વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે તે સખત બીમાર પડી ગયો હતો. હું તરત જ ભાસ્કરના ક્વાટરે પહોંચી ગઈ. જોકે એની હાલત જોતા તેને મિલિટરીની હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર હતી, પરંતુ એણે ઈન્કાર કરી દીધો. મેં ચાર-પાંચ દિવસ સુધી એની ચાકરી કરી. ડેડી ડ્યૂટી પર જાય એટલે હું તરત ભાસ્કરના ક્વાર્ટરે પહોંચી જતી અને ડેડી ડ્યૂટી પરથી આવે એ પહેલાં ઘેર પાછી પહોંચી જતી. અમારી આ મુલાકાતો ક્યારે પ્રેમમાં પરિણમી એની મને કે ભાસ્કરને બેમાંથી એકેયને ખબર નહોતી, પરંતુ એટલું તો નક્કી હતું કે અમારો પ્રેમ ખૂબ જ પવિત્ર હતો... વાસનાને એમાં કોઈ સ્થાન નહોતું અને અમે એકબીજા વગર રહી શકીએ તેમ નહોતા.' કહીને મમતા પળભર માટે અટકી.

થોડી પળો બાદ એણે પોતાની વાત આગળ ચલાવી : 'એક દિવસ હું ભાસ્કરને મળીને પાછી ફરી, ત્યારે ડેડી ઘેર હાજર હતા.'

'ક્યાં ગઈ હતી બેટા ?' મને જોતાં જ તેમણે કોમળ અવાજે પૂછ્યું 'બહેનપણીને મળવા ગઈ હતી!'

અને તારી એ બહેનપણીનું નામ ભાસ્કર છે બરાબર ને ?? ડેડીના અવાજમાં એવું તે કોણ જાણે શું હતું કે હું ધ્રૂજી ઊઠી. ડેડીએ મારી પાસે આવીને સ્નેહથી મારા માથા પર હાથ ફેરવતાં કહ્યું હતું - 'બેટા, મેં તને માત્ર બાપનો જ નહીં, એક માનો પ્રેમ પણ આપ્યો છે તો પછી તે આ વાતને મારાથી શા માટે છુપાવી? ભાસ્કર એક ગરીબ ઘરનો છોકરો છે, એ તું જાણે છે? તમારા પ્રેમ વિશે મને ઘણા દિવસોથી ખબર છે. હું તારા લગ્ન કરોડપતિ શેઠ બળવંતરાયના પુત્ર મનોહર સાથે કરવા માંગતો હતો, પરંતુ હવે એ શક્ય નહીં બને, કારણ કે પ્રેમ આંધળો હોય છે એની મને ખબર છે અને હું તને કોઈ કાળે ગુમાવવા નથી માંગતો. એટલે તું કોઈ વાતની ફિકર કરીશ નહીં. તારાં લગ્ન થશે તો ભાસ્કર સાથે જ થશે.’

“ડેડીની વાત સાંભળીને મારા આનંદનો પાર ન રહ્યો. એક મહિના પછી ભાસ્કર સાથે મારાં લગ્ન થઈ ગયાં. ભાસ્કરના પરિવારમાં તેના નાના ભાઈ રાજેશ સિવાય કોઈ નહોતું. હા, એના થોડા મિત્રો જરૂર હતા. લગ્નને દિવસે ડેડી ખૂબ જ ખુશ હતા. ભાસ્કરના નાના ભાઈ રાજેશ, કે જેની ઉંમર એ વખતે લગભગ સોળ—સત્તર વર્ષની હતી એના આનંદનો પાર નહોતો. રાજેશ ખૂબ જ ભોળો અને માસૂમ હતો. આધુનિક જમાનાની હવા એને નહોતી સ્પર્શી. મને ફેરા માટે તૈયાર કરવામાં આવતી હતી ત્યારે જ એ તો મારી પાસે આવી ગયો હતો. મેં પણ મનોમન તેને માત્ર ભાભીનો જ નહીં, બલકે એક મા, એક મિત્ર તથા એક બહેનનો પ્રેમ આપવાનું નક્કી કર્યું હતું. ખેર લગ્નની વિધિ પૂરી થયા પછી હું ભાસ્કરના ક્વાર્ટરમાં પહોંચી ગઈ. સાંજે પાર્ટીમાંથી પરવાર્યા પછી ભાસ્કર રૂમમાં આવી પહોંચ્યો અને આવતાંવેંત મને આલિંગનમાં જકડીને પ્રેમથી મારું માથું ચૂમતાં બોલ્યો, 'મમતા, આજે હું કેટલો ખુશ છું એની તો તું કલ્પના પણ નહીં કરી શકે.' 'સારું, એક વાતનો જવાબ આપો.' મેં કહ્યું.

'બોલ...'

‘જો તમારી સાથે મારા લગ્ન ન થયાં હોત તો તમે શું કરત?' ‘તો હું જિંદગીભર બીજા કોઈની સાથે લગ્ન ન કરત. દિવસ-રાત શરાબના નશામાં ચકચૂર બનીને તને ભૂલવાનો પ્રયાસ કરતો રહેત અને...' કહેતાં- કહેતાં અચાનક ભાસ્કરની મુખમુદ્રા કઠોર થઈ ગઈ હતી. એના જડબાં સખતાઈથી ભીંસાઈ ગયાં હતાં અને આંખોમાં ક્રૂર તથા હિંસક ચમક ફરી વળી હતી. અને હું તને કોઈનીયે ન બનવા દેત. જો તારા ડેડીએ બીજા કોઈની સાથે તારા લગ્ન કર્યા હોત તો હું એ શખ્સ તને હાથ લગાવે, એ પહેલાં જ હું તેને મોતને ઘાટ ઉતારી દેત.'

'શું આને પ્રેમ કહેવાય ?' મેં કંપતા અવાજે પૂછ્યું હતું.. 'એની તો મને ખબર નથી.' ભાસ્કરે જવાબ આપ્યો હતો, ‘પરંતુ તારા પ્રત્યેનો મારો પ્રેમ ગાંડપણની હદ સુધીનો છે. કોઈ તારા શરીરને આંગળી પણ અડાડે, એ મારાથી સહન નહીં થાય. જો મારું મોત થઈ જશે તો મર્યા પછી પણ હું તારો પીછો નહીં છોડું. જે કોઈ પુરુષ તારી નજીક આવવાનો પ્રયાસ કરશે, તો જીવતો નહીં રહે સમજી ?'

'આવી અશુભ વાતો ન કરો!' મેં એના હોઠ પર આંગળી મૂકતાં કહ્યું હતું.

‘ભાસ્કરે મને આલિંગનમાં જકડી લીધી હતી. એ જ વખતે બહાર કોઈક જીપ ઊભી રહેવાનો અવાજ આવ્યો. ત્યારબાદ શાંત વાતાવરણમાં વજનદાર બૂટના પગલાંનો અવાજ ગુંજી ઊઠયો.

થોડી પળો બાદ કોઈકે જોરજોરથી બહારના રૂમનો દરવાજો ખટખટાવ્યો. ‘ભાસ્કર મને આલિંગનમાંથી મુક્ત કરીને દરવાજો ઉઘાડવા માટે રૂમમાંથી બહાર ચાલ્યો ગયો હતો. કોણ જાણે કેમ કોઈક અજ્ઞાત આશંકાથી મારા ધબકારા વધી ગયા હતા. મારું કાળજું મોંમાં આવી ગયું હતું અને ચહેરો પરસેવાથી ભીંજાઈ ગયો હતો.

સહસા મારા કાને તીવ્ર અવાજે વાતો કરવાનો અવાજ અથડાયો. પછી રાજેશનો કર્કશ સ્વર મને સંભળાયો હતો, ‘મારા મોટાભાઈને છોડી દો. તેમને ન લઈ જાઓ. તેઓ જાસૂસ નથી, તેઓ કદાપિ દેશ વિરુદ્ધ જાસૂસી કરે જ નહીં.'

રાજેશનો અવાજ સાંભળીને હું ઊછળી પડી હતી. મને મામલો ગંભીર લાગતાં હું નવોઢાના વેશમાં જ ડ્રોઇંગરૂમમાં પહોંચી. પછી ત્યાં મિલિટરી ઇન્ટેલિજન્સ બ્યુરોના ઑફિસરોને જોઈને મારુ કાળજું કંપી ઊઠ્યું. મારા પતિ ભાસ્કરને હાથકડી પહેરાવી દેવામાં આવી હતી.

'આ... આ બધું શું છે ઑફિસર?’ મેં કંપતા અવાજે પૂછ્યું હતું. 'ભાભી... !' રાજેશ મારી પાસે આવી બોલ્યો હતો, ‘મોટાભાઈ પર જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમને દેશદ્રોહી ઠરાવવામાં આવ્યા છે. તમે આ લોકોને સમજાવો. મોટાભાઈ કદાપિ એવું નીચ કામ કરે જ નહીં. મારા ભાઈને બચાવી લો.'

'હું સ્તબ્ધ બનીને ક્યારેક રાજેશ સામે જોતી હતી તો ક્યારેક ભાસ્કર સામે. ભાસ્કર એકદમ શાંત હતો. એના ચહેરાં પર લેશમાત્ર ભય કે ગભરાટ નહોતો. એણે કહ્યું હતું, ‘મમતા, આ લોકોને એવી ગેરસમજ ઊભી થઈ છે કે હું સરહદ પર મોજૂદ લશ્કરના ગુપ્ત દસ્તાવેજો તથા માહિતી દુશ્મન દેશને પહોંચાડું છું એટલે તેમણે મને ગિરફતાર કર્યો છે, પણ હું નિર્દોષ છું. એની ખાતરી રાખજે. મારા માથા પર કલંકનો ડાઘ લાગે એવું કોઈ કામ મેં નથી કર્યું. થોડા દિવસોમાં જ આ લોકોને પોતાની ભૂલ સમજાઈ જશે અને મને નિર્દોષ છોડી મૂકવામાં આવશે.'

ત્યારબાદ ક્વાર્ટરની તલાશી દરમિયાન કબાટમાંથી પચાસ હજાર રૂપિયા રોકડા તેમજ સરહદી વિસ્તારના અમુક નકશાઓ સાથે એક પત્ર પણ મળ્યો હતો જેમાં લખ્યું હતું -

મિસ્ટર ભાસ્કર,

જે સરહદી વિસ્તારના નકશા તથા ત્યાંની સુરક્ષાવ્યવસ્થાની માહિતી આપવા માટે આપણી વચ્ચે સોદો નક્કી થયો હતો, તેના એડવાન્સ રૂપે આ સાથે પચાસ હજાર રૂપિયા સામેલ છે. બાકીની રકમ તમે અમને નકશા તથા માહિતી પૂરી પાડશો, ત્યારે ચૂકવી દેવામાં આવશે. તમે નકશા વગેરે લઈને અમારો માણસ અવારનવાર તમને મળે છે, એ જ સ્થળે પહોંચી જજો. તમે નકશા તથા માહિતી આપશો ત્યારે અમારા માણસ બાકીની રકમ તમને સોંપી દેશે. આ પત્ર વાંચીને સળગાવી નાંખજો, કારણ કે એમાં જ તમારું હિત છે. જો તમે આવી રીતે જ માહિતી તથા ગુપ્ત દસ્તાવેજો પહોંચાડતા રહેશો તો તમારે નોકરી કરવાની જરૂર નહીં રહે. ટૂંક સમયમાં જ તમે કરોડપતિ બની જશો.

તમારો શુભેચ્છક

નકશા, રૂપિયા તથા પત્ર જોઈને ભાસ્કર પણ મગજ પરથી કંટ્રોલ ગુમાવીને જોરથી બરાડી ઊઠ્યો હતો, 'આ... આ બધું ખોટું છે ઑફિસર. મારી વિરુદ્ધ કોઈકનું ષડયંત્ર છે. મને ફસાવવામાં આવ્યો છે. હું નિર્દોષ છું.'

'મિસ્ટર ભાસ્કર !' મિલિટરી ઇન્ટેલિજન્સ બ્યુરોના ઑફિસરે કહ્યું હતું, 'તમારા પર મિલિટરી કોર્ટમાં કેસ ચાલશે અને એ વખતે તમને બચાવ માટે પૂરેપૂરી તક આપવામાં આવશે. જો ખરેખર તમે નિર્દોષ હો તો એ વખતે કોર્ટમાં તમારી નિર્દોષતા પુરવાર કરી દેજો. તમને તરત જ છોડી મૂકવામાં આવશે એટલું જ નહીં, તમારી નોકરી પણ ચાલુ જ રહેશે.'

'રાજેશ બૂમો પાડતો રહી ગયો અને ઑફિસરો ભાસ્કરને લઈ ગયા હતા.'

રજની ખૂબ જ ધ્યાનથી મમતાની વાતનો એક એક શબ્દ સાંભળતી હતી.

મમતાએ પોતાની વાત આગળ ચલાવતાં કહ્યું.

'આ બનાવે મને સ્તબ્ધ બનાવી દીધી હતી. મારી સાથે આવું બનશે એની તો મેં કલ્પના પણ નહોતી કરી. જોતજોતામાં જ આ સમાચાર આખા મિલિટરી વિસ્તારમાં ફરી વળ્યા અને ડેડી મને તેડવા માટે આવી પહોંચ્યા. હું ડેડીને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી, ત્યારે એમણે કહ્યું હતું, ‘ચિંતા ન કર બેટા, હજુ પણ કંઈ નથી બગડયું. હું તારા લગ્ન...'

'ડેડી... તેઓ નિર્દોષ છે. કોઈકે તેમને ફસાવ્યા છે.' 'આવું તું કયા આધારે કહે છે?' ડેડીએ પૂછ્યું હતું. તેઓ પોતે કહે છે.”

‘તુ ગાંડી તો નથી થઈ ગઈ ને?' ડેડીએ કહ્યું હતું, ‘તારું માથું તો નથી ભમી ગયું ને? કોઈ ચોર ચોરી કર્યા પછી સીધી રીતે પોતાનો ગુનો ક્યારેય કબૂલે છે ખરો? એ તો પોતે નિર્દોષ હોવાનો જ કક્કો ઘૂંટે છે. અને આ ભાસ્કર? એ તો દુશ્મન દેશનો જાસૂસ નીકળ્યો. શું તું એક દેશદ્રોહીની પત્ની તરીકે ઓળખાવાનું પસંદ કરીશ ? સમાજ તારી સામે આંગળી ચીંધશે અને તને મ્હેણાં મારશે, એ તારાથી સહન થશે? ના, બેટા... મારી નજરે આનાથી મોટો બીજો કોઈ ગુનો નથી. જરા વિચાર તો ખરી, પોતાની માતૃભૂમિ સગી મા કરતાં પણ વિશેષ હોય છે. જે માણસ પોતાની માનો સોદો કરતો હોય, એ ભવિષ્યમાં પોતાની પત્નીને પણ પાંડવોની માફક દાવ પર લગાવી શકે તેમ છે. બેટા, લગ્ન તો બે આત્માઓનું બંધન છે. ભાસ્કર જેવા દેશદ્રોહીને 'પોતાનો' માનવો મૂર્ખતા સિવાય બીજું કશું જ નથી. કાઢી નાખ આ નવોઢાનો વેશ, તોડીને ફેંકી દે ગળામાં પહેરેલું મંગળસૂત્ર... સેંથાનું સિંદૂર ભૂંસી નાખ અને આ લગ્નને ભૂલી જા. તેં કોઈક સપનં જોયું હતું એમ માની લે.'

ડેડીની વાતોએ મારામાં સૂતેલી દેશભક્તિની ભાવનાને જગાડી દીધી હતી. મને ખરેખર મારા પતિ પ્રત્યે નફરત થઈ ગઈ હતી. જેને મેં દિલો- જાનથી પ્રેમ કર્યો હતો, એના આવા બીભત્સ રૂપની તો મેં કલ્પના પણ નહોતી કરી. મેં મંગળસૂત્ર કાઢીને ઘા કર્યો તો એ જઈને સીધું કોઈકના પગ સાથે અથડાયું. પછી મારી નજર પગ પરથી સરકીને એ ચહેરા પર પડી તો હું એકદમ ચમકી ગઈ. એ ચહેરો મને સોળ-સત્તર વર્ષના માસૂમ છોકરાનો લાગ્યો. એ ચહેરા પર નહોતી માસૂમિયત કે નહોતું ભોળપણ... ! એ ચહેરો જાણે હું જિંદગીમાં પહેલી જ વાર જોતી ઊભી હોઉં એવો મને ભાસ થયો. એ કઠોર રોષથી તમતમતો ચહેરો રાજેશનો હતો. એની આંખો લાલઘૂમ હતી અને હોઠ ફફડતા હતા. એણે નીચા નમીને મંગલસૂત્ર ઊંચકી લીધું અને પછી કહ્યું હતું, આ મંગળસૂત્ર તમારા ગળામાંથી નીકળતાં જ મારો તથા તમારો દિયર ભાભીનો સંબંધ તો તૂટી જ ગયો છે, પરંતુ તેમ છતાંય હું એટલું જરૂર કહીશ કે પોતાના પતિ પર શંકા કરવી એ એક ભારતીય નારીનો ધર્મ નથી. મોટાભાઈ આજે જ પકડાયા છે. જે કંઈ પુરાવાઓ મળ્યા છે એ તેમની વિરુદ્ધ જરૂર છે, પરંતુ એનાથી તેઓ ગુનેગાર પુરવાર નથી થઈ જતા. જ્યાં સુધી મિલિટરી કોર્ટનો ચુકાદો ન આવે, ત્યાં સુધી તો કમ સે કમ તમારે રાહ જોવી જોઈએ અને કોર્ટનો ચુકાદો ચોક્કસ મોટાભાઈની તરફેણમાં જ આવશે એની મને પૂરેપૂરી ખાતરી છે. પ્લીઝ, આ મંગળસૂત્ર પહેરીને મને ભાભી કહેવાનો અધિકાર આપી દો.'

'એ છોકરા...' સહસા ડેડીએ કહ્યું હતું, ‘મારી દીકરી હવે અહીં નહીં રહે, તેમ ભાસ્કરના નામનું કોઈ 'સુહાગ ચિહ્ન' પણ નહીં પહેરે. હા, એક વચન હું જરૂર આપું છું. જ્યાં સુધી તારા મોટાભાઈના કેસનો ચુકાદો ન આવે, ત્યાં સુધી હું મારી દીકરીના બીજા લગ્નની વાત કોઈની સમક્ષ નહીં કરું.'

‘તમે જ આમને સમજાવો ને !' રાજેશે મને વિનંતિભર્યા અવાજે કહ્યું હતું.

‘પરંતુ ડેડીએ એની કોઈ વાત ન સાંભળી અને મને ત્યાંથી લઈ ગયા.'

મમતા થોડી પળો માટે અટકી. એની આંખો ભીંજાઈ આવી હતી.

એણે સાડીના પાલવથી આંસુ લૂછી નાખ્યા અને પછી બોલી, ‘થોડા દિવસ પછીની વાત છે. એ વખતે હું ઘેર એકલી જ હતી કે અચાનક રાજેશ મારે ત્યાં આવ્યો. એની હાલત જોઈને હું ચમકી ગઈ. થોડા દિવસોમાં જ એનો ચહેરો એકદમ કરમાઈ ગયો હતો. એના વાળ વેરવિખેર હતા અને વસ્ત્રો મેલાં. એની આંખોમાં નરી ઉજજડતા સિવાય કશું જ નહોતું. આવતાવેંત મારા પગ પકડીને એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડતાં બોલ્યો હતો, ‘તમે ધારો તો મારા મોટાભાઈને બચાવી શકો છો. તેઓ નિર્દોષ છે. તેઓ દેશ સાથે દ્રોહ કરે જ નહીં.' મેં રાજેશને ઊભો કર્યો અને કહ્યું હતું, 'તું તારા મોટાભાઈને નિર્દોષ સમજે છે, પરંતુ તેઓ ખરેખર જ દુશ્મન દેશના જાસૂસ હોય એવું પણ બની શકે છે. મને માફ કરી દે રાજેશ. હું તમારા લોકો માટે કશુંય કરી શકું તેમ નથી, કારણ કે તારા મોટાભાઈનો અપરાધ અક્ષમ્ય છે. આ પરિસ્થિતિમાં જે કોઈ તેને મદદરૂપ થશે, એના પર પણ મિલિટરી ઇન્ટેલિજેન્સવાળા શંકા કરશે, કારણ કે કેટલાય સમયથી તેઓ દુશ્મન રાષ્ટ્રને ગુપ્ત રીતે આપણા દેશની માહિતી પહોંચાડતા એજન્ટને શોધતા હતા અને હવે તેઓ તારા મોટાભાઈના સાથીદારોને શોધે છે એટલે હવે અમે તેમની શોધનું નિશાન બનવા નથી માંગતા.

મારો જવાબ સાંભળીને રાજેશનો ચહેરો કાળઝાળ રોષથી તમતમી ઊઠ્યો. એનું રૌદ્ર સ્વરૂપ જોઈને એક વખત તો હું પણ ધ્રૂજી ઊઠી. પછી એ દાંત કચકચાવતાં બોલી ઊઠ્યો હતો, 'ઠીક છે... કોઈ કંઈ કરશો નહીં. ચઢી જવા દો મારા મોટાભાઈને ફાંસીના માંચડે, પણ એક વાત યાદ રાખજો હું કોઈનેય માફ નહીં કરું. જે કોઈએ મારા મોટાભાઈને ફસાવ્યા છે તેમના પર ખોટેખોટો વિદેશી જાસૂસ હોવાનો આરોપ મૂક્યો છે, એને હું નિરાંતનો શ્વાસ નહીં લેવા દઉં. હું એનું જીવન બગાડી નાંખીશ સમજ્યા તમે...?'

'અને ત્યારબાદ લાંબાં લાંબાં ડગલાં ભરતો એ ત્યાંથી ચાલ્યો ગયો હતો. એ દિવસે ડેડી પાછા આવ્યા, ત્યારે મેં તેમને રાજેશ સાથે થયેલી વાતચીત વિશે જણાવી દીધું. મારી વાત સાંભળીને ડેડીએ કહ્યું, 'બેટા, આમાં આપણે કશું જ કરી શકીએ તેમ નથી, કારણ કે ભાસ્કર પર જે આરોપો મૂકવામાં આવ્યા છે તેના મજબૂત પુરાવાઓ મળી ચૂક્યા છે. હવે જો આપણે તેને બચાવવાનો પ્રયાસ કરીશું તો તેના પરિણામરૂપે આપણી ઉપર પણ શંકા કરવામાં આવશે.'

'ડેડીની આ દલીલ સામે મારે ચૂપ થઈ જવું પડયું. ભાસ્કર પર બે- ત્રણ મહિના સુધી કેસ ચાલ્યો અને પછી એક દિવસ ફરીથી રાજેશ મારી પાસે આવ્યો. એ અમારી છેલ્લી મુલાકાત હતી. રાજેશ જાણે વરસોથી બીમાર હોય એવો એનો દેખાવ થઈ ગયો હતો. એના બંને ગાલનાં હાડકાં ઊપસી આવ્યાં હતાં. આંખો ઊંડી ઊતરી ગઈ હતી. મારી પાસે આવતાં પહેલા તે ઘણા સમય સુધી રડ્યો હોય એવું લાગતું હતું. મને જોઈને એના ચહેરા પર ઘોર નફરત અને તિરસ્કારના હાવભાવ છવાઈ ગયા. એ કઠોર અવાજે બોલી ઊઠ્યો હતો, 'હવે તો તમારા કલેજાને ઠંડક વળી ને? તમારા ડેડીની ઇચ્છા પૂરી થઈ ગઈ ને? મોટાભાઈને ફસાવવામાં આવ્યા હતા, એની મને ખબર પડી ગઈ છે. મિલિટરી કોર્ટે તેમને અપરાધી ઠરાવીને મોતની સજા ફરમાવી છે. પણ હું હવે ચેનથી નહીં બેસું. હું મારા ભાઈના મોતનો બદલો લઈને જ જંપીશ.'

'હું સ્તબ્ધ હાલતમાં ઊભી હતી. રાજેશની વાતો પરથી મને લાગ્યું કે તેને મારા ડેડી પર શંકા હતી, પરંતુ એની શંકા પાયા વગરની છે, તે હું જાણતી હતી. ખેર, એ છેલ્લી મુલાકાત પછી રાજેશને મેં ક્યારેય નથી જોયો.”

'અને ભાસ્કરનું શું થયું?' રજનીએ પૂછ્યું.

'મોતની સજાનું ફરમાન થતાં જ પહેલાં તો એ પોતાના મિત્રોની મદદથી મિલિટરીની જેલમાંથી નાસી છૂટ્યો હતો, પરંતુ સરહદ પર પહોંચતાં જ તે બોર્ડર સિક્યોરિટી ફોર્સવાળાની નજરે ચડતાં તેમની સાથેની અથડામણમાં માર્યો ગયો હતો.' મમતા એક ઊંડો શ્વાસ લેતા બોલી, 'આ બનાવ પછી થોડા મહિનાઓ બાદ ડેડીએ મારા લગ્નની વાત ઉચ્ચારી તો મેં ઘસીને ના પાડી દીધી, કારણ કે હું લગ્ન કરવા નહોતી માંગતી. હું ભાસ્કરને ચાહતી હતી. એ મારો પ્રથમ પ્રેમ હતો અને પ્રથમ પ્રેમને ભૂલવાનું સહેલું નથી હોતું. હું મોટે ભાગે ઘરે જ રહેતી હતી. પાર્ટીઓ કે સમારંભમાં જવાનું બને ત્યાં સુધી ટાળી દેતી હતી. આમ ને આમ બે વરસ વીતી ગયાં. પછી મેં ડેડીના આગ્રહથી ઘરની બહાર નીકળવાનું શરૂ કર્યું. હું ક્લબમાં પણ જવા લાગી. ત્યાં એક ઑફિસર મારામાં રસ લેવા લાગ્યો. એનું નામ કેપ્ટન આનંદ હતું. એક દિવસ આનંદે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને એ જ દિવસે મને એક પત્ર મળ્યો !'

'કેવો પત્ર?' રજનીએ ચમકીને પૂછ્યું.

'પત્રમાં લખ્યું હતું - તારા જીવનમાં બીજો કોઈ પુરુષ ન આવવો જોઈએ. જો તું મારી આજ્ઞાની અવગણના કરીશ તો એનું પરિણામ સારું નહીં આવે. કેપ્ટન આનંદને મળવાનું બંધ કરી દે.' મમતા બોલી, 'આ ધમકીપત્ર પછી મેં નિયમિત રીતે ક્લબમાં જવાનું છોડી દીધું. કેપ્ટન આનંદે કેટલીયે વાર મારો સંપર્ક સાધ્યો, પરંતુ મેં કોઈ ભાવ ન આપતાં એણે મારે વિશે વિચારવાનું છોડી દીધું. ત્યારબાદ થોડા દિવસો પછી મને ફરીથી એક પત્ર મળ્યો. જેમાં લખ્યું હતું, 'કૅપ્ટન આનંદ સાથે સંબંધ તોડીને તેં તારી બુદ્ધિનો પરિચય આપ્યો છે. એટલું જ નહીં, તારા મોતને ટાળી દીધું છે. યાદ રાખજે... હું તને બીજા કોઈની યે બનતી જોઈ શકું તેમ નથી. જ્યારે પણ તારા મગજમાં આવો કોઈ વિચાર આવે ત્યારે એમ માની લેજે કે તેં તારા મોતના વૉરંટ પર સહી કરી નાંખી છે. એટલે જો તને તારો જીવ વહાલો હોય તો કોઈ પુરુષને પ્રેમ કરવાની વાત તો એક તરફ રહી, એની સામે દોસ્તીનો હાથ પણ લંબાવીશ નહીં. પહેલાની માફક આ પત્રમાં પણ કોઈનું સંબોધન કે સહી નહોતી. એ પત્ર પછી ઘણો સમય વીતી ગયો, પણ કોઈ પત્ર ન મળ્યો. હું લગ્ન કરવા નહોતી માંગતી. કોણ જાણે કેમ મને લગ્ન કરવાની ઇચ્છા જ નહોતી થતી. મેં ડેડીને બંને પત્ર વિશે જણાવી દીધું હતું. મારી વાત સાંભળીને ડેડીએ કહ્યું કે એ પત્રો અમસ્તાં જ કોઈકે મને ગભરાવવા માટે લખી નાખ્યા હશે, પરંતુ મને રાજેશ પર શંકા હતી, કારણ કે ભાસ્કર તો મૃત્યુ પામ્યો હતો અને મરેલા માણસો ક્યારેય પત્રો નથી લખતા. હવે માત્ર રાજેશ જ બાકી રહેતો હતો. પોતાનો મોટોભાઈ મારા ડેડીના ષડયંત્રનો ભોગ બન્યો છે, એવી શંકા રાજેશને હતી. એટલે એ કદાચ આ રીતે મારી સાથે વેર લેવા માંગતો હતો. પાંચ વર્ષ પછી મારી જિંદગીમાં અણધાર્યો વળાંક આવ્યો. પ્રોફેસર વિનાયક સાથે અનાયાસે જ મારી મુલાકાત થઈ ગઈ. પ્રોફેસર વિનાયકે તો જાણે કે મારા જીવનમાં નવી ચેતના જગાડી. મારી અંદર જીવવાની ઇચ્છા જાગૃત કરી. મારા નીરસ જીવનને આનંદથી ભરી દીધું. અમારો પરિચય મૈત્રીમાં પરિણમ્યો. ડેડીના અનહદ આગ્રહથી મેં પ્રોફેસર સાહેબને મારા ભૂતકાળ વિશે કશું જ નહોતું જણાવ્યું, ત્યારબાદ અમારી મૈત્રીને વધુ મજબૂત બનાવવા માટે પ્રોફેસર સાહેબે મારી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ડેડીને પણ અમારા લગ્ન સામે કોઈ વાંધો નહોતો, પરંતુ હું મનોમન ખૂબ જ ગભરાતી હતી. ભૂતકાળમાં પત્રો લખનાર કંઈક અજુગતું કરી બેસશે એવો ભય મને સતત લાગતો હતો. પ્રોફેસર સાહેબ સાથે મારા લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ, પરંતુ છેવટે મારો ભય સાચો પડ્યો. લગ્નના ત્રણ દિવસ પહેલાં મને એક પત્ર મળ્યો. જેમાં લખ્યું હતું-

'તું ભલે મારી ચેતવણીને ભૂલી ગઈ હો, પણ હું તને નથી ભૂલ્યો. તારે બીજા કોઈ પુરુષ સાથે નથી જોડાવાનું. પ્રોફેસર વિનાયક સાથે લગ્નનો વિચાર માંડી વાળ નહીં તો અંજામ સારો નહીં આવે.' 'એ પત્ર વાંચીને હું ચમકી ગઈ. મારા રોમેરોમમાં ખોફભરી ધ્રુજારી ફરી વળી. હું વિચારવા લાગી કે પત્ર કોણે લખ્યો હશે ? પત્રના લખાણ પરથી તો આવું ભાસ્કર સિવાય બીજું કોઈ લખી શકે તેમ નહોતું, પરંતુ ભાસ્કર તો મૃત્યુ પામ્યો હતો. તો પછી આવા પત્રો કોણ લખતું હતું? શું રાજેશે લખ્યો હશે? આ સવાલો વારંવાર મારા દિમાગમાં અથડાતા હતા, પણ મને કોઈ જવાબ નહોતો સૂઝતો. મેં એ પત્ર વિશે પણ ડેડીને જણાવી દીધું. પત્ર વાંચીને ડેડીએ મને કહ્યું, ‘તારે બિલકુલ ફિકર કરવાની જરૂર નથી બેટા. ધમકીભર્યા પત્ર લખવાની અને ધમકીનો અમલ કરવાની વાત વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે. ભાસ્કર તો મૃત્યુ પામ્યો છે એટલે આ પત્રો એના નાના ભાઈ રાજેશે જ લખ્યા હશે, પણ તારે ચિંતા કરવાની જરૂર નથી. એ તારું કશુંય બગાડી શકે તેમ નથી. એ તને કંઈ કરશે તે પહેલાં જ મારી રિવૉલ્વરમાંથી છૂટેલી ગોળી એને યમલોકમાં પહોંચાડી દેશે.' આ રીતે ડેડીએ મને ઘણું સમજાવીને ખૂબ આશ્વાસન આપ્યું. અને પછી પ્રોફેસર વિનાયક સાથે મારાં લગ્ન થઈ ગયા. લગ્નના આઠ દિવસ પછી ફરીથી મને એક પત્ર મળ્યો, જેમાં લખ્યું હતું.

'તે મારી આજ્ઞાની અવગણના કરી છે. એને કોરી ધમકી માનીને તે પ્રોફેસર વિનાયક સાથે લગ્ન કર્યાં છે. તારી આ ભૂલનું પરિણામ તારે ભોગવવું પડશે. હું ગમે ત્યારે કોઈ પણ ક્ષણે તને મોતને ઘાટ ઊતારી શકું તેમ છું. આ ધમકીપત્ર વાંચીને હું હેબતાઈ ગઈ. મારો હોશ ઊડી ગયા. મેં ફરીથી એક વાર ડેડીને જણાવ્યું અને આ પત્ર વિશે પોલીસને જાણ કરી દેવા માટે કહ્યું, પરંતુ ડેડીએ એવું કરવાની ના પાડી દીધી. તેમના કહેવા મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાવવાથી, પોલીસની કાર્યવાહી દરમિયાન મારો ભૂતકાળ પ્રોફેસર વિનાયક સમક્ષ ઉજાગર થઈ જવાની પૂરેપૂરી શક્યતા હતી. એટલે ડેડીએ ફક્ત મને સાવચેત રહેવાની જ સૂચના આપી. એ વખતે હું ખૂબ જ વિચિત્ર સંજોગોમાંથી પસાર થતી હતી. સહેજ અવાજ થતાં જ હું ચમકી જતી. કોઈક અજાણ્યાને નજીક જોતાં જ ભયભીત થઈ જતી. રાત્રે પણ ક્યારેક કોઈનો પગરવ સાંભળતાં જ ભય અને ગભરાટને કારણે આખી રાત મને ઊંઘ ન આવતી. ક્યારેક ઊંઘ આવતી તો કોઈક ભયંકર સપનું જોઈને ઊંઘ ઊડી જતી. એ વખતે મારા ધબકારા એકદમ વધી જતા અને આખું શરીર પરસેવાથી ભીંજાઈ જતું. માંડ માંડ હું મારી હાલત પર કાબૂ મેળવતી. થોડા દિવસો તો મેં એવી ભયંકર માનસિક યાતના વચ્ચે વીતાવ્યા છે કે જેનું વર્ણન કરવા માટે મને કોઈ શબ્દો નથી મળતા, પરંતુ પછી જ્યારે ખાસ કોઈ બનાવ ન બન્યો ત્યારે ધીમે ધીમે મારો ગભરાટ ઓછો થવા લાગ્યો. મારી માનસિક હાલત પણ સુધરી ગઈ. આમ ને આમ બે વરસ વીતી ગયાં. પછી પ્રોફેસર સાહેબની બદલી થતાં તેઓ મને અહીં લાવ્યા. અહીં આવ્યા ને એક વર્ષ વીત્યું હતું, ત્યાંથી એક દિવસ ફરીથી મને પત્ર મળ્યો. એ જ વ્યક્તિનો પત્ર... જેમાં લખ્યું હતું —

'મેં તને માફ કરી દીધી છે એવા ભ્રમમાં રાચીશ નહીં. તું ભલે મારાથી ગમે તેટલી દૂર ચાલી ગઈ હો, પણ હું ગમે ત્યારે પહોંચી શકું તેમ છું. મને માફ કરવાની આદત નથી. તારે પણ ચોક્કસ સજા ભોગવવી જ પડશે.’ એ પત્ર મને પોસ્ટ મારફત મળ્યો હતો. મેં ડેડીને આ બાબતમાં પણ પત્રથી જાણ કરી તો તેમણે કહ્યું કે, 'બેટા, તારે જરા પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે જે માણસ આ પત્રો લખે છે એનો હેતુ માત્ર તને ગભરાવવાનો ને ભયભીત કરવાનો જ છે. તને એના તરફથી કોઈ જોખમ નથી. તારે બિલકુલ ડરવાની જરૂર નથી.’

મમતાએ એક ઊંડો શ્વાસ ખેંચીને પોતાની વાત આગળ ચલાવી. 'આ બનાવને એક મહિનો વીતી ગયો. કોઈ પત્ર મળ્યો નહીં, કે મારી સાથે કશુંય અજુગતું પણ ન બન્યું, પરંતુ ત્યારપછીના મહિને ફરીથી પત્રનું આગમન થયું. જેમાં લખ્યું હતું -

'આ તારી જિંદગીનું છેલ્લું વર્ષ છે. આવતું વર્ષ તું નહીં જોઈ શકે. તારી જે કોઈ ઇચ્છાઓ હોય એ તું પૂરી કરી લેજે.'

મેં આ પત્ર પ્રત્યે કંઈ ધ્યાન નહોતું આપ્યું, કારણ કે હું હવે ટેવાઈ ગઈ હતી, પરંતુ ત્યાર પછીના મહિને વધુ એક પત્ર મને મળ્યો. જેમાં લખ્યું હતું.

'હું આ મહિનામાં તારી પાસે પહોંચી જઈશ. એટલે અત્યારથી જ માની લેજે કે મોત તારા માથા પર અને તારી આજુબાજુમાં ઝળુંબે છે.’

આ પત્ર મળ્યા પછી મારો ભય તથા ગભરાવાનો ક્રમ ફરીથી શરૂ થઈ ગયો. હું ભયભીતની સાથે સાથે સાવચેત પણ રહેવા લાગી. હું દરેક જણ સામે શંકાની દૃષ્ટિએ જોતી. ત્યારબાદ મને છેલ્લો પત્ર મળ્યો. આ પત્ર પોસ્ટમાં નહોતો આવ્યો, પરંતુ હું બપોરે સૂઈને ઊઠી ત્યારે દરવાજા પાસેથી મને મળ્યો હતો. કોઈકે દરવાજાની નીચેથી એ પત્રને અંદર સરકાવી દીધો હતો. એ પત્રમાં લખ્યું હતું —

'હું અહીં પહોંચી ગયો છું, પરંતુ તારું મોત કયા રૂપમાં છે અને ક્યારે તથા કેવી રીતે તને પોતાના જડબામાં ખેંચી લેશે, એ તું નહીં જાણી શકે. બસ, હવે તું કોઈ પણ ઘડીએ તારા મોતનું સ્વાગત કરવા માટે તૈયાર રહેજે.”

આ પત્ર વાંચ્યા પછી મારી કેવી હાલત થઈ હશે, એની કલ્પના તું સહેજેય કરી શકે તેમ છે. બસ, એ પત્ર મળ્યો, ત્યારથી જ મારું દિવસનું ચેન અને રાતની ઊંઘ હણાઈ ગયા. રાત-દિવસ મને મોતનો ભય સતાવવા લાગ્યો. જોકે મેં આ પત્ર વિશે પણ ડેડીને જાણ કરી દીધી હતી અને તેમણે મને આશ્વાસન પણ આપ્યું હતું કે, મારે આવા પત્રોથી ગભરાવાની જરૂર નથી, કારણ કે જે કોઈ આ જાતના ધમકીપત્રો લખે છે, એનો હેતુ ફક્ત મને 'ડરાવવાનો' છે, 'મારવાનો નહીં'. જો પત્ર લખનારને જાણ થશે કે એણે ધારી હતી, એવી કોઈ જ અસર મારા પર એના પત્રોની નથી થઈ, તો એની ગણતરી પર પાણી ફરી વળશે અને તે પત્ર લખતો બંધ થઈ જશે. ડેડીની વાત અમુક હદ સુધી સાચી પણ હતી કારણ કે પત્રો લખનારે આજ સુધી માત્ર ધમકી જ આપી હતી. કર્યું તો કશું જ નહોતું, પરંતુ આ વાતોથી મને સંતોષ ન થયો તેમ મારા મનમાં પેસી ગયેલો ભય કે ગભરાટ પણ દૂર ન થયો. મારો ડર દૂર કરવા માટે ડેડીએ મને પત્ર દ્વારા જણાવ્યું કે તેમણે મારા રક્ષણની વ્યવસ્થા ગોઠવી નાંખી છે અને ધમકીભર્યા પત્રો લખનાર મારું કશુંય બગાડી શકે તેમ નથી. પરંતુ તેમ છતાંય કોણ જાણે કેમ મને ક્યાંય ચેન નહોતું પડતું. જે કોઈ અજાણ્યો શખ્સ કે વ્યક્તિ આવે, એની સામે હું શંકાશીલ દૃષ્ટિએ જ જોતી અને એ વખતે મારા મગજમાં એક જ સવાલ ઉત્પન્ન થતો કે ક્યાંક આ પત્ર લખનાર પોતે જ અથવા તો તેનો કોઈ સાથીદાર તો નથી ને? બીજું બધું તો ઠીક, મેં તારા પર પણ શંકા કરી હતી. મારા પર નજર રાખવા માટે અથવા તો મારું ખૂન કરવા માટે ધમકીભર્યા પત્રો લખનારે જ કદાચ તને મોકલી છે, એમ હું માનતી હતી અને આ કારણસર જ હું ચોરીછૂપીથી તારા પર નજર રાખતી હતી. જે વખતે તું તારા રૂમમાં ઇન્સ્પેક્ટર વામનરાવ સાથે વાતચીત કરી હતી, ત્યારે મેં છુપાઈને તમારા બંનેની વચ્ચે થયેલી વાતો સાંભળી હતી. વાતો સાંભળ્યા પછી હું એવા પરિણામ પર આવી કે તારી સંબંધ ધમકીભર્યા પત્રો લખનાર સાથે નથી. બલકે તું એક સી.આઈ.ડી. એજન્ટ છો અને મારા રક્ષણ માટે તને અહીં મોકલવામાં આવી છે. બસ, એ જ વખતે મેં તને બધી સાચી હકીકત જણાવીને મારા મનનો ભાર હળવો કરવાનું નક્કી કરી લીધું, પરંતુ તેં મને જે વચન આપ્યું છે એ તો તને યાદ છે ને?"

'હા...' રજનીએ હકારમાં માથું હલાવ્યું.

'બસ... તો તું તારા વચનને વળગી રહેજે અને કમ સે કમ હું જીવું છું ત્યાં સુધી પ્રોફેસર સાહેબ અર્થાત્ મારા પતિને ભાસ્કર વિશે કશુંય જણાવીશ નહીં. હા, જો એ શખ્સ ખરેખર મારું ખૂન કરવામાં સફળ થઈ જાય તો તું ચોક્કસ એમને બધું જણાવી દેજે. કારણ કે પેલી કહેવત છે ને કે 'આપ મુઆ પીછે ડૂબ ગઈ દુનિયા' એ મુજબ મને કોઈ ફર્ક નહીં પડે. અલબત્ત, મારા મોત પછી આ બધી વાતોથી પોલીસને ખૂની સુધી પહોંચવામાં જરૂર કંઈક મદદ મળશે.’

‘જો વાંધો ન હોય તો હું પેલા ધમકીપત્રો જોવા માગું છું.' રજનીએ કહ્યું. મમતા ઊભી થઈને કબાટ પાસે પહોંચી.

પછી ચાવી વડે એણે પહેલા કબાટ અને પછી કબાટમાં રહેલ તિજોરીનું તાળું ઉઘાડીને તેમાંથી એક મોટું, જાડું કવર કાઢી લાવીને રજનીની સામે ટેબલ પર મૂક્યું અને પછી બોલી, ‘આ કવરમાં એ બધા પત્રો છે. મેં સાચવીને રાખ્યા છે એટલું જ નહીં, જે પત્ર જે તારીખે મળ્યો છે, એ તારીખ પણ પત્રની પાછળ જ લખી નાંખી છે.'

રજની કવરમાંથી પત્રો કાઢીને એક એક કરીને વાંચવા લાગી. એ પત્રોમાં મમતાએ જણાવ્યું હતું, એ મુજબનું જ લખાણ હતું. અલબત્ત, ક્યાંક-ક્યાંક શબ્દોનો ફેરફાર જરૂર હતો.

પરંતુ દરેક પત્રનો અર્થ તો મમતાએ કહ્યું હતું, એ જ નીકળતો હતો. એણે પત્રોને ફરીથી કવરમાં મૂકીને કવર મમતા સામે લંબાવ્યું.

'આ પત્રો તું તારા ચીફ નાગપાલ સાહેબને પહોંચાડી દેજે જેથી તેમને અપરાધી સુધી પહોંચવામાં સરળતા રહે.' મમતા બોલી.

'હમણાં આ પત્રો તમારી પાસે જ રહેવા દો.' રજનીએ કહ્યું, 'વામનરાવ સાહેબ આવે ત્યારે હું તેમની મારફત આ પત્રો નાગપાલ સાહેબને મોકલી આપીશ.'

'ના... આ પત્રોની ઇન્સ્પેક્ટર વામનરાવને પણ ખબર પડે એમ હું નથી ઇચ્છતી.'

'શું... ? તમને એક પોલીસ ઇન્સ્પેક્ટર પર પણ ભરોસો નથી ?' રજનીએ પૂછ્યું.

'ના... આજની તારીખમાં મને તારા સિવાય બીજા કોઈના પર ભરોસો નથી.' મમતા સ્પષ્ટ અવાજે બોલી, ‘અત્યારે તું કહે છે એટલે આ પત્રો મારી પાસે જ રહેવા દઉં છું.’

'ઠીક છે...' રજનીએ ધીમેથી હકારમાં માથું હલાવ્યું.

મમતાએ પત્રોવાળું કવર યથાસ્થાને મૂકી, કબાટ બંધ કરીને તાળું મારી દીધું.