Kanu Bhagdev
૧ : ભય, ખોફ, ડર... !
રાત્રિના શાંત, સૂમસામ વાતાવરણમાં અચાનક જ ગુંજી ઊઠેલી કોઈક સ્ત્રીની ચીસ સાંભળીને પ્રયોગશાળામાં, પોતાના કામમાં અત્યંત વ્યસ્ત પ્રોફેસર વિનાયક એકદમ ચમક્યો. એણે હાથમાં રહેલ પ્રયોગ માટેની કાચની ટ્યૂબ સ્ટેન્ડમાં ભરાવી અને પછી ઝડપભેર દરવાજા તરફ આગળ વધ્યો. હજી તો એ પ્રયોગશાળામાંથી બહાર નીકળ્યો, ત્યાં જ એણે પોતાના બેડરૂમમાંથી એક સ્ત્રીને પોતાની તરફ દોડી આવતી જોઈ. લોબીમાં પથરાયેલા બલ્બના અજવાળામાં એ તરત જ એને ઓળખી ગયો. આવનાર સ્ત્રી એની પત્ની મમતા હતી. એ ખૂબ જ ગભરાયેલી લાગતી હતી.
નજીક આવતાં જ એ વિનાયકને વળગી, એની છાતી પર માથું ટેકવીને જોરજોરથી ઊંડા શ્વાસ ખેંચવા લાગી. એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરતી હતી અને જાણે કોઈકે સમગ્ર લોહી નિચોવી લીધું હોય એમ ચહેરો સફેદ રૂ જેવો થઈ ગયો હતો. ભયમાં અતિરેકને કારણે એની આંખો વિસ્ફારિત બનેલી હતી અને ડોળા ચકળ-વકળ થતા હતા.
'શું વાત છે મમતા... ?' વિનાયકે એનો ખભો થપથપાવતાં એકદમ કોમળ અને આત્મીય અવાજે પૂછ્યું, 'તું આટલી ગભરાયેલી શા માટે છો?’
'અ... એ... ત... ત્યાં' મમતાએ બેડરૂમ તરફ આંગળી ચીંધીને કશુંક કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાકીના શબ્દો એના ગળામાં જ અટવાઈ ગયા.
'બોલ, મમતા...! કોણ છે ત્યાં ? તું આટલી ભયભીત શા માટે છો ?’ વિનાયકે પૂર્વવત્ અવાજે પૂછ્યું.
જવાબમાં મમતાએ કંઈક કહેવા માટે મોં ઉઘાડયું, પણ હોઠ વચ્ચેથી શબ્દો બહાર ન નીકળી શક્યા. એ ખૂબ જ હેબતાયેલી લાગતી હતી.
વળતી જ પળે એનો દેહ શિથિલ પડી ગયો. જો વિનાયકે તેને ન પકડી રાખી હોત તો ચોક્કસ જ તે જમીન પર ઢળી પડત.
આ દરમિયાન આજુબાજુના રૂમોના દરવાજા પણ ઊઘડી ગયા હતા અને એમાંથી અમુક લોકો બહાર નીકળી આવ્યા હતા. એ બધા મમતાની ચીસ સાંભળીને જ બહાર નીકળ્યા હતા. સૌથી પહેલા વિનાયક તથા મમતાની નજીક પહોંચી હતી દિવ્યા... ! દિવ્યા આશરે બાવીસેક વર્ષની અત્યંત સ્વરૂપવાન યુવતી હતી.
'શું થયું અંકલ ?' નજીક પહોંચીને એણે વિનાયક સામે જોતાં પૂછ્યું. ‘ભગવાન જાણે શું થયું!” વિનાયક બોલ્યો, 'ચીસ સાંભળીને હું પ્રયોગશાળામાંથી બહાર નીકળ્યો તો મેં તારી આંટીને બેડરૂમ તરફથી દોડી આવતી જોઈ. એ ખૂબ જ ગભરાયેલી હતી અને ગભરાટનું કારણ જણાવી શકે તે પહેલાં જ બેભાન થઈ ગઈ.’
વિનાયકની વાત સાંભળીને દિવ્યાએ બેદરકારીથી ખભા ઉછાળ્યા. અત્યારે એના ગુલાબી હોઠ પર વિચિત્ર સ્મિત ફરકતું હતું અને આંખોમાં એક વિશેષ ચમક પથરાયેલી હતી.
એ જ વખતે ત્યાં દિવ્યાની મા સુનિતા, રજનીકાન્ત પિતા, ફાધર જોસેફ, વિનાયકનો સહકારી શશીકાંત પાટીલ અને સિક્યોરિટી ઑફિસર પ્રતાપસિંહ પણ આવી પહોંચ્યા.
'તમારી પત્ની બેભાન થઈ ગઈ લાગે છે પ્રોફેસર સાહેબ !' ફાધર જોસેફે મમતા સામે તાકી રહેતા કહ્યું, ‘એને કોઈક રૂમમાં સુવડાવી દો.'
'અંકલ... !' દિવ્યા તરત જ બોલી ઊઠી, 'અમારો રૂમ નજીકમાં જ છે. તમે આંટીને અમારી રૂમમાં જ લઈ ચાલો.'
વિનાયક તરત જ મમતાનાં દેહને ઊંચકીને દિવ્યાના રૂમ તરફ આગળ વધ્યો.
એને પોતાના રૂમ તરફ આગળ વધતો જોઈને સુનિતાના ચહેરા પર પળભર માટે અણગમાના હાવભાવ ફરકીને અદૃશ્ય થઈ ગયા.
વિનાયક, મમતાના બેભાન દેહને ઊંચકીને એના ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યો અને તેને એક પલંગ પર સુવડાવી દીધી. મમતાની આંખો બંધ હતી. એની છાતી હજુ પણ ધમણની જેમ ઊછળતી હતી અને સમગ્ર ચહેરો પરસેવાથી ભીંજાયેલો હતો.
'ચીસનો અવાજ સાંભળીને બધાની ઊંઘ ઊડી ગઈ.' અચાનક કંઈક યાદ આવ્યું હોય એમ શશીકાંત બોલ્યો, 'પણ ડૉક્ટર શરદકુમાર હજુ સૂતા લાગે છે.’
‘એની ઊંઘ ઊડે પણ કેવી રીતે?' પ્રભાકરે મોં બગાડતાં કહ્યું, 'આજે વધુ પડતો શરાબ ઢીંચીને નશાથી ચકચૂર હાલતમાં પડ્યો હશે!! તેને ઉઠાડું છું.' શશીકાંત બોલ્યો. વાત પૂરી કરીને એ બહાર નીકળી ગયો.
'એક વાત મને નથી સમજાતી પ્રોફેસર... !' સહસા ફાધર જોસેફે વિનાયક સામે જોતાં કહ્યું, 'તમારી પત્નીએ આટલી જોરથી ચીસ શા માટે પાડી હતી?'
'મને ખબર નથી !' વિનાયકના અવાજમાં ચિંતાનો સૂર હતો.
‘જાણે ભૂત પાછળ પડયું હોય એ રીતે મેં મમતાને દોડતી જોઈ હતી.' સુનિતાએ કહ્યું, 'અને બેભાન થતા પહેલા એણે પોતાના બેડરૂમ તરફ આંગળી પણ ચીંધી હતી.
ફાધર જોસેફની આંખો વિચારવશ હાલતમાં સંકોચાઈને ઝીણી બની. 'આપણે તાબડતોબ એના બેડરૂમમાં તપાસ કરવી જોઈએ.’ થોડી પળો સુધી વિચાર્યા બાદ છેવટે એ બોલ્યો.
‘હું પણ એમ જ માનું છું.' પ્રભાકરે સહમતિસૂચક અવાજે કહ્યું. 'પણ મમતાને આવી હાલતમાં કેવી રીતે છોડવી?' વિનાયકે મમતાના ભયભીત ચહેરા સામે તાકી રહેતાં પૂછ્યું.
'અંકલ... !' સહસા દિવ્યા બોલી, 'આંટીની ફિકર ન કરો. અમે અહીં તેમની પાસે જ છીએ બરાબર ને... ?' કહીને એણે પ્રશ્નાર્થ નજરે પ્રભાકરની પત્ની દેવયાની સામે જોયું.
દેવયાનીએ હકારમાં માથું હલાવ્યું.
'અને શશી અંકલ તો ડોક્ટર શરદને બોલાવવા ગયા જ છે !' દિવ્યાએ ફરીથી કહ્યું.
જાણે પોતાની પત્ની પાસેથી ખસવા ન માંગતો હોય એવા હાવભાવ વિનાયકના ચહેરા પર છવાયેલા હતા, પરંતુ ફાધર જોસેફ તથા પ્રભાકરની વાતોએ તેને પોતાના બેડરૂમમાં તપાસ કરવા જવા માટે લાચાર બનાવી દીધો હતો.
અનિચ્છાએ તેને પ્રભાકર તથા ફાધર જોસેફ સાથે પોતાના રૂમમાં જવું પડયું.
રૂમમાં હવે દિવ્યા, સુનિતા તથા દેવયાની જ રહ્યાં હતાં. પલંગ પર બેભાન પડેલી મમતા ઊંડાઊંડા શ્વાસ ખેંચતી હતી.
વાતાવરણમાં થોડી પળો માટે ચુપકીદી છવાઈ ગઈ. સુનિતા તથા દેવયાનીની આંખોમાં મમતા પ્રત્યે સહાનુભૂતિ તથા ડરના મિશ્રિત હાવભાવ છવાયેલા હતા. જયારે દિવ્યાના ચહેરા પર એવા કોઈ હાવભાવ નહોતા. ઊલટું, જાણે મમતાની બેભાનાવસ્થાની મજાક ઉડાવતી હોય, એવું સ્મિત એના હોઠ પર ફરકતું હતું. એની સાધારણ કરતા સહેજ મોટી આંખોમાં છવાયેલા અવિશ્વાસના હાવભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા.
'સુનિતા...!' મમતાના ફિક્કા પડી ગયેલા ચહેરાને નીરખતાં દેવયાનીએ લાગણીભીના અવાજે કહ્યું, ‘મમતાની હાલત જોઈને મને તો કંઈનું કંઈ થઈ જાય છે. છેલ્લા થોડા મહિનાથી એનો ચહેરો સાવ લેવાઈ ગયો છે અને શરીર પણ સાવ સુકાઈને અડધું થઈ ગયું છે.’
'તું સાચું કહે છે .. !' સુનિતા એક ઊંડો શ્વાસ લેતાં બોલી, 'મમતા આટલી ભયભીત અને ગભરાયેલી શા માટે છે ? કોઈ એને આટલી ભયભીત શા માટે કરે છે ?'
'મમ્મી...!' અચાનક દિવ્યાએ મોં મચકોડતાં કહ્યું, 'કમાલ કહેવાય, તમે લોકો એક સ્ત્રી હોવા છતાંય સ્ત્રીના મનોવિજ્ઞાનને નથી સમજતી?'
'કેવી રીતે સમજીએ.. ?' દિવ્યાની સાવકી મા સુનિતા બોલી, 'અમે કંઈ તારી જેમ મનોવિજ્ઞાનમાં એમ.એ. સુધી નથી ભણ્યા.'
દેવયાનીએ સુનિતાને ચૂપ રહેવા જણાવ્યું અને પછી દિવ્યા સામે જોતાં પૂછ્યું, 'મમતાની માનસિક હાલત વિશે તું શું માને છે ?'
દિવ્યાએ મમતા સામે ઊડતી નજર ફેંકી અને પછી બોલી, 'આંટી, વિનાયક અંકલ આને ખૂબ જ ચાહે છે, એ બરાબર છે, પરંતુ પત્ની કરતાં પણ તેમને મન પોતાના કામનું મહત્ત્વ વધારે છે. દિવસના સમયે જ્યારે ખોદકામ ચાલતું હોય છે, ત્યારે તેઓ સાઇટ ઉપર હાજર રહે છે અને સાઇટ પરથી પાછા ફર્યા પછી ખોદકામ દરમિયાન મળી આવેલી ચીજવસ્તુઓના પરીક્ષણ માટે પ્રયોગશાળામાં કામે લાગી જાય છે. પરિણામે અંકલ, મમતા આંટી પ્રત્યે જોઈએ તેટલું ધ્યાન નથી આપી શકતા, જયારે મમતા આંટીની ઇચ્છા-આકાંક્ષા એવી હશે કે અંકલ કાયમ એમનાં રૂપ-ગુણની પ્રશંસા કરે... એની બધી ફરમાઇશો પૂરી કર્યા કરે... કામ પડતું મૂકીને આખો દિવસ એની જ પાછળ પાછળ ફર્યા રાખે...! પછી જ્યારે મમતા આંટીએ જોયું કે આ બધું તો શક્ય નથી એટલે અંકલનું ધ્યાન પોતાના પર જ કેન્દ્રિત રાખવા માટે તેમણે આવી નાટકબાજી શરૂ કરી દીધી છે.' 'તો મમતા આ કરવા—ગભરાવાનું માત્ર નાટક જ કરે છે, એમ તું કહેવા માગે છે?' સુનિતાએ પૂછ્યું.
'ચોક્કસ... !' દિવ્યાએ ભરપૂર આત્મવિશ્વાસથી જવાબ આપ્યો. 'તો... તો... મમતા અત્યારે બેભાન નથી બેભાન હોવાનું નાટક કરે છે એમ ને?' દેવયાનીએ અવિશ્વાસભર્યા અવાજે પૂછ્યું. 'હા, એવું જ છે!' દિવ્યા મક્કમ અવાજે બોલી.
‘આ વાતનો કોઈ પુરાવો છે તારી પાસે ?' દેવયાનીએ ગંભીર અવાજે 'મારી વાતને હું અત્યારે, આ પળે જ પુરવાર કરી શકું તેમ છું... !'
'કેવી રીતે?'
'એક મિનિટ...!' રહસ્યમય અવાજે આટલું કહીને દિવ્યા સ્ફૂર્તિથી દરવાજા પાસે પહોંચી. પહેલાં એણે પ્રોફેસર વિનાયકના ફ્લેટ તરફ જોયું. પ્રતાપસિંહ, ફાધર જોસેફ, પ્રોફેસર વિનાયક અને પ્રભાકર, વિનાયકના ફ્લેટમાં પ્રવેશી ચૂક્યા હતા. ત્યારબાદ એણે ડોક્ટર શરદકુમાર રહેતો હતો એ તરફ નજર કરી. શશીકાંત એને ક્યાંય ન દેખાયો. કદાચ એ પણ ડૉક્ટરના રૂમમાં જ હતો. દિવ્યા ઝપાટાબંધ દરવાજા પરથી ખસી અને તાબડતોબ પોતાના બેડરૂમમાં જઈને એક સોય લઈ આવી.
ડૉક્ટરો ઇંજેકશન મારવા માટે ઉપયોગ કરે છે, એવી એ સોય હતી. એ સોય લઈને મમતા પાસે પહોંચી અને સુનિતા તથા દેવયાનીને પોતાની પાસે બોલાવ્યા. ત્યારબાદ એણે મમતાનો ગાઉન ખસેડીને તેના સાથળ પર જોરથી સોય ખૂંચાડી.
ત્રણેયની નજર મમતાના ચહેરા સામે જ જડાયેલી હતી.
મમતા પીડાથી હચમચીને આંખો ઉઘાડી નાંખશે અથવા તો પછી કમ સે કમ એના મોંમાંથી વેદનાનો ચિત્કાર તો જરૂર નીકળી પડશે, એમ દિવ્યા માનતી હતી.
પરંતુ એની માન્યતા ખોટી પડી.
મમતાના દેહમાં કશીયે હિલચાલ કે સળવળાટ ન થયો. પીડાની આછી- પાતળી લકીર પણ એના ચહેરા પર ન ફરકી. એના મોંમાંથી વેદનાનો એક હરફ સુધ્ધાં ન નીકળ્યો. એના હોઠ પહેલાંની માફક જ સખતાઈથી બિડાયેલા રહ્યા.
'આ તેં શું કર્યું દિવ્યા ? જલદી સોય કાઢી લે!' દેવયાનીએ કહ્યું. દિવ્યાએ સોય કાઢીને એ સ્થળેથી નીકળેલા લોહીને રૂમાલ વડે લૂછી નાંખ્યું અને ગાઉન વ્યવસ્થિત કર્યો.
'કેમ?' સુનિતાએ દિવ્યા સામે જોતાં પૂછ્યું, ‘હજુ પણ તને એવું લાગે છે કે મમતા કોઈનાથી ભયભીત નથી પણ ભયભીત હોવાનું નાટક કરે છે ?' દિવ્યાના ચહેરા પર મૂંઝવણના હાવભાવ ઊપસી આવ્યા.
'મને હજુ પણ શંકા છે મમ્મી !' એ બોલી, 'મમતા આંટીમાં ગજબનાક સહનશક્તિ હોય એવું મને લાગે છે... !!'
એ જ વખતે બહારની લોબીમાં કોઈકનાં પગલાંનો અવાજ ગુંજી ઊઠયો. કદાચ શશીકાંત ડોક્ટર શરદકુમારની સાથે આવતો હતો. દિવ્યાએ ઝપાટાબંધ ગાદલા પર પાથરેલ ચાદરની નીચે સોય છુપાવી દીધી. વળતી જ પળે જાણે કશુંય ન બન્યું હોય એમ એનો ચહેરો ભાવહીન થઈ ગયો.
*****************
પ્રોફેસર વિનાયક વગેરે ફ્લેટમાં પ્રવેશીને બેડરૂમમાં પહોંચ્યા અને બારીકાઈથી ત્યાંનું નિરીક્ષણ કરવા લાગ્યા. ડબલ બેડના પલંગ પાસે મમતાના સ્લીપર પડ્યા હતા. બેડશીટ પર કરચલીઓ પડેલી હતી. બેડરૂમની બધી જ બારીઓ બંધ હતી તથા સ્ટોપર પણ મારેલી હતી. અલબત્ત, બારી પર લટકતા પડદા એક તરફ સરકાવેલા હતા.
'પ્રોફેસર સાહેબ !' સહસા પ્રભાકરે વિનાયકના ખભા પર હાથ મૂકતાં પૂછ્યું, 'તમને આ રૂમમાંથી ખાસ ગંધ આવે છે?'
'હા... પણ હું એને મારો ભ્રમ માનતો હતો.' વિનાયકે જવાબ આપ્યો. ‘વિચિત્ર ગંધ તો હું પણ અનુભવું છું.' ફાધર જોસેફે કહ્યું, 'આ ગંધ મેં અગાઉ પણ ક્યાંક અનુભવી હોય, એવું લાગે છે, પરંતુ ક્યારે ને ક્યાં, એ મને યાદ નથી આવતું.'
'એ હું જણાવું છું ફાધર.' વિનાયક બોલ્યો, 'આ જાતની ગંધ તો જુદા જુદા મસાલા સાથે તાબૂતમાં રાખવામાં આવી હોય એવી 'મમીઓ'માંથી આવે છે.'
'તમે સાચું કહો છો પ્રોફેસર!' ફાધર જોસેફે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, 'ગોડ બ્લેસ યોર વાઇફ.' વાત પૂરી કર્યા બાદ એ જાણે ક્રોસ બતાવતો હોય એમ પોતાની છાતી પર આંગળી ફેરવવા લાગ્યો.
‘પણ એવી ગંધ અહીં શા માટે આવે છે ?' પ્રભાકરે ચિંતાતુર અવાજે પૂછ્યું.
'શું ખબર પડે?' પ્રોફેસર વિનાયક વિચારવશ અવાજે બોલ્યો. પ્રભાકર શોધપૂર્ણ નજરે રૂમમાં જોવા લાગ્યો.
એણે બારીઓના પટ ઉધાડી નાખ્યા. બારીઓમાં સળિયા જડેલા હતા. અલબત્ત, આ સળિયા વચ્ચે જેટલું અંતર હતું, એમાંથી કોઈ પણ માણસ બહાર માથું કાઢીને આજુબાજુમાં નજર કરી શકે તેમ હતો. એણે પણ માથું બહાર કાઢીને આમતેમ નજર દોડાવી, પરંતુ ત્યાં કોઈની હાજરીનો આભાસ કે મમતા ભયભીત થઈ જાય એવા બનાવના કોઈ ચિહ્નો એને જોવા ન મળ્યાં.
'પ્રોફેસર સાહેબ !' છેવટે માથું પાછું અંદર ખેંચીને એ વિનાયક સામે જોતાં બોલ્યો, 'આ બધું શું છે, એ જ મને તો કંઈ નથી સમજાતું.'
'ચિંતા ન કરો પ્રોફેસર !' ફાધર જોસેફે વિનાયકના ગંભીર તથા ઉદાસ ચહેરા સામે જોતાં કહ્યું, ‘ગૉડની ઇચ્છા હશે તો બધું બરાબર થઈ રહેશે.'
'આપણે હવે મમતા મૅડમ પાસે જવું જોઈએ.' પ્રભાકર બોલ્યો, 'તેઓ ભાનમાં આવી ગયાં હોય એ બનવાજોગ છે. હકીકતમાં શું બન્યું હતું, એ તેમની પાસેથી જ આપણને જાણવા મળી શકે તેમ છે.'
'ઠીક છે ચાલો...' પ્રોફેસર વિનાયકે એક ઊંડો શ્વાસ લેતાં કહ્યું. બધા ત્યાંથી નીકળીને મમતા જે રૂમમાં હતી, એ તરફ આગળ વધી ગયા.
તેઓ ડ્રોઇંગરૂમમાં પ્રવેશ્યા ત્યારે તેમણે જોયું તો મમતા ધીમે ધીમે ભાનમાં આવતી જતી હતી અને ડૉક્ટર શરદકુમાર ચિંતાતુર નજરે એની સામે તાકી રહ્યો હતો. શરદકુમારની ઉંમર આશરે છવીસેક વર્ષ હતી. એની આંખો ભૂરી હતી. ચહેરા પર ફ્રેન્ચ કટ દાઢી તથા આંખો પર પહેરેલા નંબરવાળા ચશ્માંને કારણે એ પોતાની વાસ્તવિક ઉંમર કરતાં પાંચ-સાત વર્ષ મોટો લાગતો હતો.
ધીમે ધીમે મમતાની આંખો ઊઘડી. થોડી પળો સુધી એ શૂન્યનજરે પોતાની આજુબાજુમાં ઊભેલા લોકો સામે તાકી રહી. એનો ચહેરો કોરી સ્લેટ જેવો ભાવહીન હતો. પછી ધીમેધીમે એના હોઠ ધ્રૂજયા. ચહેરા પર ભય અને ગભરાટના હાવભાવ ઊપસ્યા.
વળતી જ પળે એણે જોરથી બૂમ પાડી, 'ના... ના... ના...!' 'મમતા... મમતા.. !' પ્રોફેસર વિનાયકે આગળ વધીને એનો ખભો પકડ્યો અને તેને આશ્વાસન આપતો અત્યંત કોમળ અવાજે બોલ્યો, ‘ડરવાની જરૂર નથી. અત્યારે તું એકલી નથી, અમે બધા તારી પાસે જ છીએ.”
મમતા પોતાની હાલત પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવા લાગી. પ્રોફેસર વિનાયકે દિવ્યાને પાણી લાવવાનું કહ્યું અને ત્યારબાદ ટેકો આપીને મમતાને બેઠી કરી.
મમતાની ભયપૂર્ણ દૃષ્ટિ સામેની દીવાલ પર જડાઈ ગઈ હતી. એના ચહેરા પર ખોફ અને આંખોમાં દહેશતના હાવભાવે પોતાનો કબજો જમાવી દીધો હતો. તેને ભયભીત કરી મૂકનારું દૃશ્ય હજુ પણ એની આંખો સામે તરવરતું હોય એવું લાગતું હતું.
થોડી પળોમાં જ દિવ્યા એક ટ્રેમાં પાણીનો જગ તથા ગ્લાસ લઈ આવી. પ્રોફેસર વિનાયકે પાણીનો ગ્લાસ ભરીને મમતાને આપ્યો, જે એણે એક શ્વાસે ખાલી કરી નાંખ્યો. વિનાયકે ખાલી થયેલો ગ્લાસ દિવ્યાના હાથમાં મૂક્યો અને પછી પુનઃ મમતા સામે જોઈને સ્નેહભર્યા અવાજે બોલ્યો, ‘મમતા...! ડરવાની જરૂર નથી... બોલ, શું થયું હતું?'
મમતા પળ બે પળ માટે ચૂપ રહી અને પછી શૂન્ય નજરે સામેની દીવાલ સામે તાકી રહેતાં નંખાઈ ગયેલા અવાજે બોલી, ‘હું ગાઢ ઊંઘમાં સૂતી હતી કે એકાએક જ મારી આંખો ઊઘડી ગઈ. થોડી પળો સુધી તો મને કશું જ ન દેખાયું. પછી મારા મગજમાંથી ઊંઘની ખુમારી ઊડી ગઈ ત્યારે મેં જે કંઈ જોયું, એ જોઈને મારો શ્વાસ અધ્ધર ચડી ગયો અને મારા ગભરાટનો પાર ન રહ્યો.'
‘એવું શું જોયું હતું તેં?' પ્રોફેસર વિનાયકે પૂછ્યું.
‘મેં જોયું તો મારા પલંગ પાસે 'મમી' ઊભું હતું. આ મમીને હું સાંજે સાઇટ ઉપર એક તાબૂતમાં જોઈ ચૂકી હતી, પરંતુ ત્યારે એ જ મમી મારા પલંગ પાસે ઊભું હતું.'
'આવું કેવી રીતે બને ?' પ્રોફેસર વિનાયકના અવાજમાં મૂંઝવણનો સૂર હતો, ‘મમતા, તેં ચોક્કસ જ કોઈક સપનું જોયું હશે.’
'એ કોઈ સપનું નહીં, પણ હકીકત હતી.' મમતા ભયથી કંપતા અવાજે બોલી,
એ મમી મારી પાસે ઊભું હતું. એની આંખો અંગારાની જેમ ચમકતી હતી. એને જોઈને પળભર માટે તો મારું શરીર શિથિલ પડી ગયું. મેં બેઠા થવાનો પ્રયાસ કર્યો પણ મારામાં કોઈ જાતની તાકાત જ નહોતી રહી. જાણે મારા દેહ પર લકવાનો હુમલો આવ્યો હોય, એવો ભાસ મને થતો હતો.’
‘એવું ભયને કારણે બન્યું હશે.' ડૉક્ટર શરદકુમારે મમતાના નિસ્તેજ ચહેરા સામે તાકી રહેતાં કહ્યું, ‘ખેર, પછી શું થયું?' 'મેં બૂમ પાડવાનો પ્રયાસ કર્યો પણ મોંમાંથી અવાજ ન નીકળી શક્યો.
હું માંડમાંડ હિંમત એકઠી કરી, પલંગ પરથી ઊતરીને દરવાજા તરફ આગળ વધી કે અચાનક એ મમીએ મને પકડી લીધી અને મારી ગરદન દબાવવા લાગ્યું. મેં હતી એટલી તમામ તાકાત એકઠી કરીને ચીસ નાંખી અને એના પંજામાંથી મારી ગરદન છોડાવવાનો પ્રયાસ કરવા લાગી. એની આંગળીઓ કઠણ અને બરફ જેવી ઠંડી હતી, મારો અંતિમ સમય આવી ગયો છે તથા એ મમી મારો જીવ લઈને જ જંપશે એવું મને લાગ્યું. મેં અંતિમ પ્રયાસ કરી જોયો અને માંડમાંડ એના પંજામાંથી ગરદન છોડાવી, રૂમમાંથી બહાર નીકળીને પ્રયોગશાળા તરફ દોટ મૂકી. એ જ વખતે મેં મારા પતિ અર્થાત્ પ્રોફેસર સાહેબને પ્રયોગશાળામાંથી બહાર નીકળતા જોયા.’
'હું ચીસ સાંભળીને જ બહાર નીકળ્યો હતો.' પ્રોફેસર વિનાયક બોલ્યો, 'તું આવતાવેંત મને વળગી પડી. મેં તને તારા ગભરાટનું કારણ પૂછ્યું તો જવાબ આપવાને બદલે તું ભાન ગુમાવી બેઠી.'
રૂમમાં થોડી પળો માટે સન્નાટો છવાઈ ગયો.
જે લોકોને મમતાની વાત પર ભરોસો બેઠો હતો, એ બધાના ચહેરા પર ભય અને ગભરાટના હાવભાવ ઊપસી આવ્યા હતા. એક માત્ર દિવ્યાનો ચહેરો જ નિર્વિકાર હતો. મમતાની વાત પર રજમાત્ર પણ ભરોસો નથી બેઠો, એવું એના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતું. કદાચ આ કારણસર જ એના હોઠ પર વિચિત્ર સ્મિત ફરકતું હતું. પ્રોફેસર વિનાયકના ચહેરા પર ગંભીરતા ફરી વળી હતી. એનાં જડબાં
સખતાઈથી ભીંસાઈ ગયાં હતાં અને આંખોમાં મૂંઝવણના હાવભાવ ઊપસી આવ્યા હતા.
'દેવયાની... !' સહસા પ્રભાકરે પોતાની પત્નીને સંબોધતાં કહ્યું, 'તું મમતાને એની રૂમમાં લઈ જા... !'
'હ... હું એકલી...' દેવયાની ભયથી કંપતા અવાજે બોલી.
'તારે સુનિતાને સાથે લઈ જવી હોય તો લઈ જા.’ 'પણ મારે દિવ્યાને એકલી કેવી રીતે મૂકવી? ગમે તેમ તોય હું એ દિવ્યાની સાવકી મા છું. જો એને કંઈ થશે તો બધાં મારી સામે જ આંગળી ચીંધશે.
'મમ્મી... !' દિવ્યા તરત બોલી ઊઠી, 'મારી ફિકર ન કરો. મને કશું જ નથી થવાનું. આવી વાતોમાં હું માનતી પણ નથી.' સુનિતા અને દેવયાની મમતાને લઈને તેના બ્લોક તરફ આગળ વધી ગઈ.
પ્રતાપસિંહ, ફાધર જોસેફ, શશીકાંત, પ્રભાકર, પ્રોફેસર વિનાયક તથા ડૉક્ટર શરદકુમાર બહાર લોબીમાં આવીને ઊભા રહ્યા અને સુનિતા, દેવયાની તથા મમતાને જતા તાકી રહ્યા. 'પ્રોફેસર સાહેબ, તમે પ્રયોગશાળા ખુલ્લી મૂકીને આવ્યા છો ?' સહસા પ્રભાકરે પૂછ્યું.
'જી, હા...' પ્રોફેસર વિનાયકે હકારમાં માથું હલાવ્યું.
'ક્યાંક આ કોઈકની ચાલબાજી તો નથી ને?' પ્રભાકરના અવાજમાં શંકા હતી.
'કેવી ચાલબાજી ?' પ્રોફેસર વિનાયકે ચમકીને પૂછ્યું. 'કોઈક ચીજવસ્તુ તફડાવવાના હેતુથી તમને પ્રયોગશાળામાંથી થોડી વાર માટે બહાર કાઢવાની ચાલબાજી...'
પ્રભાકરની વાત સાંભળીને સૌ એકદમ ચમક્યા. તેમની આંખોમાં શંકાનાં વાદળો ઘેરાયાં. ‘આપણે તાત્કાલિક પ્રયોગશાળામાં તપાસ કરવી જોઈએ.’ શશીકાંતે કહ્યું. બધા ઉતાવળા પગલે પ્રયોગશાળા તરફ આગળ વધ્યા. પ્રયોગશાળાનો દરવાજો ઉઘાડો જ હતો. સૌ ઝપાટાબંધ અંદર પ્રવેશ્યા. પ્રોફેસર વિનાયક બારીકાઈથી ત્યાંની દરેક વસ્તુઓ પર નજર ફેરવવા લાગ્યો.
બધાની નજર એના ચહેરા સામે જ મંડાયેલી હતી.
'અહીંથી કોઈ ચીજવસ્તુ ગુમ થઈ છે પ્રોફેસર સાહેબ ?' શશીકાંતે પૂછ્યું.
“અહીંથી કોઈ ચીજવસ્તુને ખસેડવામાં આવી હોય, એવું અત્યારે તો મને નથી લાગતું.' પ્રોફેસર વિનાયકે જવાબ આપતાં કહ્યું, ‘છતાંય જો એવું કંઈ બન્યું હશે તો મારા ધ્યાનમાં આવ્યા વગર નહીં રહે અને હું તરત જ તમને જાણ કરી દઈશ.'
'પ્રોફેસર સાહેબ !' શશીકાંત સહેજ ગંભીર અવાજે બોલ્યો, 'મેં તમારી પાસેથી આવી બેદરકારીની આશા નહોતી રાખી. ખોદકામ દરમિયાન મળી આવતી ચીજવસ્તુઓ કેટલી દુર્લભ અને કિંમતી હોય છે, એ તો તમે જાણો જ છો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એનું મૂલ્ય કરોડો-અબજો રૂપિયા હોય છે. કોઈ પણ દાણચોર ટોળકી તમારી સહેજ પણ બેદરકારીનો ગેરલાભ લઈ શકે તેમ છે. ખેર, જે થયું તે થયું... હવે તમે ભવિષ્યમાં આ વાતનું ખાસ ધ્યાન રાખજો.'
'ભલે...!' પ્રોફેસર વિનાયકે દિલગીરીભર્યા અવાજે કહ્યું. 'મમતા મૅડમે એક મમીનો પણ ઉલ્લેખ કર્યો હતો.' અચાનક પ્રભાકર બોલ્યો. ‘એ મમી અત્યારે ક્યાં છે?' શશીકાંતે પૂછ્યું. 'એ તો સ્ટોરરૂમમાં પડ્યું છે.' પ્રભાકરે કહ્યું, 'ખોદકામ દરમિયાન જે-જે વસ્તુઓ મળે છે, તેને પહેલા સ્ટોરરૂમમાં રાખવામાં આવે છે અને તેનું પરીક્ષણ થઈ ગયા પછી જે-તે વસ્તુને મ્યુઝિયમમાં મૂકી દેવાય છે.'
'આપણે એક વખત સ્ટોરરૂમમાં તપાસ કરવી જોઈએ !' ફાધર જોસેફ બોલ્યો, 'કારણ કે મમતાએ એ મમીને પોતાના રૂમમાં જોયું હતું.
'ઠીક છે, ચાલો.'
બધા સ્ટોરરૂમ પાસે પહોંચ્યા. રૂમના દરવાજા પર મારેલ તાળાની ચાવી પ્રભાકર પાસે હતી. એણે દરવાજો ઉઘાડયો. સ્ટોરરૂમમાં અંધારું હતું. પ્રભાકરે અંદર પ્રવેશીને લાઇટ ચાલુ કરી. અંદર દાખલ થયા પછી ફાધર જોસેફ સૌથી પહેલા પોતાની છાતી પર આંગળી ફેરવીને ક્રોસ બનાવ્યું.
સ્ટોરરૂમમાં ઢગલાબંધ જુનવાણી ચીજવસ્તુઓ પડી હતી. જેમાં વાસણો, પુરાતન કાળની મૂર્તિઓ, સિક્કાઓ વગેરેનો સમાવેશ થતો હતો. અમુક ચીજો તો સોના-ચાંદીની હતી. જોકે આવી વસ્તુઓ લોખંડની પેટીમાં મૂકીને તેના પર તાળું મારીને રાખવામાં આવી હતી. સ્ટોરરૂમના એક ખૂણામાં એક પ્રાચીન તાબૂત પડયું હતું. આ જ તાબૂત આજે ખોદકામ દરમિયાન મળ્યું હતું જેમાં એક મમી હતું.
બધાની નજર તાબૂત પર સ્થિર થઈ ગઈ. તેમના ધબકારા એકદમ વધી ગયા હતા.
'મમી આ તાબૂતમાં જ છે.' પ્રોફેસર વિનાયકે તાબૂત સામે આંગળી ચીંધતાં કહ્યું.
'અમને એ બતાવશો?' ફાધર જોસેફે પૂછ્યું.
'ચોકક્સ... ચાલો...'
સૌ તાબૂત તરફ આગળ વધ્યા.
રાત્રિની નીરવ શાંતિમાં તેમનાં પગલાંનો અવાજ વાતાવરણને વધુ રહસ્યમય બનાવતો હતો.
તાબૂત પાસે પહોંચીને તેઓ ઊભા રહ્યા. પછી પ્રભાકરે તાબૂતનું ઢાંકણ ઉઘાડ્યું.
તાબૂતમાં પડેલી લાશ પર નજર પડતાં જ બધાના ધબકારા એકદમ વધી ગયા.
હળદર જેવો પીળો ચહેરો... બંધ આંખો... શરીર પર કહેવા પૂરતાં જ કાળાં વસ્ત્રો... એના બંને હાથ શરીર સાથે લંબાયેલા હતા. આખા શરીર પર એક ખાસ જાતના રસાયણનો લેપ લગાડેલો હતો. એવું જ રસાયણ તાબૂતની અંદર પણ ચોપડેલું હતું. અત્યારે રસાયણમાંથી જે ગંધ વછૂટતી હતી એવી જ વિચિત્ર ગંધ તેઓ થોડી વાર પહેલાં મમતાના બેડરૂમમાં પણ અનુભવી ચૂક્યા હતા. લાશની હાલત ખૂબ જ ડરામણી અને ખોફનાક લાગતી હતી. 'મમતા મેડમે આ મમીને જ સાઈટ પર જોયું હતું ?' ડોક્ટર શરદકુમારે પૂછ્યું.
'હા, મેં જ એને આ મમી બતાવ્યું હતું.' પ્રોફેસર વિનાયકે જવાબ આપ્યો.
‘એ વખતે પણ મમી જોઈને તેઓ ભયભીત થઈ ગયાં હતાં ?
'હા...'
ત્યારબાદ તાબૂત બંધ કરીને તેઓ સ્ટોરરૂમમાંથી બહાર નીકળ્યા. 'પ્રોફેસર સાહેબ... !' ડૉક્ટર શરદકુમાર વિનાયકના ખભા પર હાથ મૂકતાં બોલ્યો, ‘ફિકર કરશો નહીં. આ મમી નિર્જીવ છે. એ કોઈનું કશુંય બગાડી શકે તેમ નથી. મેડમે ચોક્કસ સપનું જોયું હશે. તમે એમના મનમાંથી ભય કાઢવાનો પ્રયાસ કરજો અને ભવિષ્યમાં ખોદકામ દરમિયાન જો ભય પમાડે એવી કોઈ ચીજવસ્તુ મળે તો ભૂલેચૂકેય એ બાબતમાં તેમને જાણ કરશો નહીં.'
'ચોક્કસ... હું આ વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખીશ.' આ દરમિયાન પ્રભાકરે સ્ટોરરૂમને ફરીથી તાળું મારી દીધું હતું. ત્યારબાદ સૌ પોતપોતાના રૂમ તરફ આગળ વધી ગયા. પરંતુ એક વાતથી તેઓ બિલકુલ બેખબર હતા. એક બે આંખોએ તેમની સમગ્ર હિલચાલને નિહાળી હતી. જયાં સુધી સૌ પોતપોતાના રૂમમાં ન ચાલ્યા ગયા, ત્યાં સુધી એ આંખોએ તેમને નિહાળવાનું ચાલુ જ રાખ્યું હતું.